હિતકારી હરિ રે, સખી હિતકારી હરિ (૪)

Submitted by swaminarayanworld on Mon, 23/11/2015 - 6:52pm

ગોડી

 

પદ - ૧

હિતકારી હરિ રે, સખી હિતકારી હરિ;

છપૈયામાં પોતે પ્રગટ્યા, હિતકારી હરિ - ટેક૦

અક્ષરવાસી અલબેલોજી કરુણા કરી;

ધર્મ ને ભક્તિ થકી, દુર્લભ દેહ ધરી. હિતકારી૦ ૧

બાળ સ્વરૂપ બનાવ્યું, વ્હાલે સૌને અનુસરી;

મોહનજીનું મુખડું જોતાં, નેણાં રે ઠરી. હિતકારી૦ ૨

ભવ બ્રહ્માદિક જેવા જેને, ભજે પ્રેમ ભરી;

કાળ કઠોર કહાવે  તે  તો, ભાગે દૂર ડરી. હિતકારી૦ ૩

આશ્રિત જનના ટાળે વાલો, અંતરના અરી;

દયાનંદ કહે નિર્ભય થાવું, એ વાલો વરી. હિતકારી૦ ૪

 

પદ - ૨

લટકાળો લહેરી રે, સખી લટકાળો લહેરી;

છપૈયામાં રમે છેલો, લટકાળો લહેરી... ટેક૦

અનુપમ અંગી પ્યારે,  પ્રીતશું પહેરી;

જીવનજીને જોવા ઊભા, જન ઘણા ઘેરી. લટકાળો૦ ૧

મરમાળાની મૂર્તિ સૌના, મનમાં ઠેરી;

વ્હાલ વધારી બોલે વ્હાલો, વાંણી મુખ ઘેરી. લટકાળો૦ ૨

પ્રાણપતિને કાજે આવે, કફની પહેરી;

શિવજી સરખા હૈયે હરખે, શ્યામને હેરી. લટકાળો૦ ૩

છબી અલૌકિક અંતર ધારો, છોગાળા કેરી;

દયાનંદ કહે આવો અવસર, નહિ આવે ફેરી. લટકાળો૦ ૪

 

પદ - ૩

જીવનજી જોવા રે સખી, જીવનજી જોવા,

છપૈયામાં ચૂંપે ચાલો, જીવનજી જોવા..ટેક૦

પ્રેમવતી સુત પાતળીયાને, ચિત્તમાં પ્રોવા;

શામળીયા સંગાથે રહીએ, મનના મળ ધોવા. જીવન૦ ૧

નૌતમ મૂર્તિ નટવરજીની, નેણામાં ઠોવા;

ખોટો ખેલ સંસારી કેરો, ખાંતે શું ખોવા. જીવનજી૦ ૨

શ્રી ઘનશ્યામ સલુણાજીને, હેત  તણો હેવા;

દર્શન કારણ દોડી આવે, સનકાદિક જેવા. જીવનજી૦ ૩

બાળચરિત્ર કરે છે મોહન, મનડાંને મોહોવા;

દયાનંદ કહે હેતે જાઈએ, હરિનાં હોવા. જીવનજી૦ ૪

 

પદ - ૪

મનડે ભાવી રે સખી, મનડે ભાવી;

સહજાનંદ સલુણી છબી, મનડે ભાવી.. ટેક૦

પશ્ચિમ દેશ પધાર્યા પ્યારો, દયા દિલ લાવી;

અનંતજન ઓધાર્યા વ્હાલે, પાપ નશાવી. મનડે૦ ૧

મુક્તિ કેરો મારગ મોટો, ચલાવ્યો આવી;

શરણાગતને સુખિયા કીધા, અમૃતરસ પાવી. મનડે૦ ૨

હરિજન હરખે સુંદર વસ્ત્ર, પ્રેમે પહેરાવી;

પાઘ મનોહર મસ્તક ધારી,  તોરા લટકાવી. મનડે૦ ૩

વેદ મગન થઈ હરિમૂર્તિનો, મહિમા ગાવી;

દયાનંદ કહે એ મૂર્તિ મેં, દીલમાં ઠેરાવી. મનડે૦ ૪

Facebook Comments