જેતલપુર ૧ : દ્વૈતમત પ્રતિપાદન. યજ્ઞાદિક ભગવત્પ્રસન્નાતાર્થે કરવા.એકાંતિકમાં આત્મબુદ્ધિ રાખવી.
સંવત્ ૧૮૮૨ના ચૈત્ર શુદી ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મોહોલનીજગ્યામાં આસોપાલવની હેઠે ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠનેવિષે ગુલદાવદીના બહુ હાર પહેર્યા હતા અને પાઘમાં ડોલરીયાના તોરા ઝુકી રહ્યા હતા અને બે કાન ઉપર બે કર્ણિકારનાં પુષ્પખોશ્યાં હતાં અને હસ્તકમળને વિષે સુંદર લીંબુના ફળને ફેરવતા હતા, ને દહાડો ચાર ઘડી ચઢ્યો હતો, ને પોતાના મુખારવિંદનીઆગળ સંત તથા દેશદેશના સત્સંગી બાઇ ભાઇ સર્વેની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ સર્વે સભા પ્રત્યે પ્રશ્ન પુછતા હવા જે, ‘‘આ લોકને વિષે સર્વે વાદના કરનારા છે તેમના બે મત છે.તેમાં એક તો દ્વૈત મત છે ને એક અદ્વૈત મત છે. તેમાંથી મુમુક્ષુ હોય તે કીયા મતને ગ્રહણ કરે તે કહો,’’ ત્યારે પુરૂષોત્તમ ભટ્ટ બોલ્યાજે, હે મહારાજ ! અદ્વૈત મતમાં તો પોતાના આત્માનેજ ભગવાન જાણી ગમે તેવું આચરણ કરે તેથી મોક્ષના માર્ગમાંથી પડી જાય.માટે જે મુમુક્ષુ હોય તે તો દ્વૈત મતને ગ્રહણ કરે.’’ ત્યારે શ્રીજીમહારાજે આશંકા કરી જે. ‘‘દ્વૈત મતને વિષે તો જીવ, ઇશ્વર ને માયાએ સત્ય છે, તે જ્યારે માયા રહે ત્યારે જીવનો મોક્ષ કેમ થાય ?’’ ત્યારે પુરૂષોત્તમ ભટ્ટ બોલ્યા જે, ‘‘શુભ કર્મ કરતાં થકાં માયાનીનિવૃત્તિ થાય ત્યારે મોક્ષ થાય’’ ત્યારે શ્રીજી મહારાજે વળી આશંકા કરી જે, નિવૃત્તિ ને પ્રવૃત્તિ એ બે પ્રકારનાં જે કર્મ છે તે તોસુષુપ્તિરૂપ માયામાં લીન થઇ જાય છે, તે સુષુપ્તિ તો કેવી છે તો જેમ લોકાલોક પર્વત ઉલ્લંઘવા કોઇ સમર્થ નથી, તેમ સુષુપ્તિને ઉલ્લંઘવાને જીવ કોઇ સમર્થ થતો નથી તો તેથી પર સામ્યાવસ્થારૂપ માયા છે તે તો બહુ મોટી છે. તે તો કોઇ જીવથી ન ઉલ્લંઘાય.ત્યારે તે માયા તરવાનો ઉપાય એ છે જે, જ્યારે સર્વકર્મ અને માયા તેનો નાશ કરનારા ને માયાથી પર જે સાક્ષાત્કાર શ્રીપુરૂષોત્તમભગવાન અથવા તે ભગવાનના મળેલા સંત તેમની જીવને પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે તેમના આશ્રયથી માયા ઉલ્લંઘાય છે.’’ એમકહીને પછી શ્રીજીમહારાજ મોહોલ ઉપર ભોજન કરવા પધાર્યા.
પછી ભોજન કરીને પાછા આસોપાલવ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન થયા, ને સર્વે સંતને અને હરિભક્તને અમૃતદૃષ્ટિએ જોતા થકા શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, ‘પ્રથમ તો આ જીવને કોઇ ન માનતો હોય ત્યારે એની વૃત્તિ કેવી હોય અને પછીજ્યારે સો મનુષ્ય એને માને ત્યારે એનો અહંકાર તે પણ નોખી જાતનો થાય છે અને હજાર મનુષ્ય માને તથા લાખ મનુષ્ય માનેતથા કરોડ મનુષ્ય માને ત્યારે એનો અહંકાર તે જાુદી જાતનો થાય છે. અને કયારેક બ્રહ્મા જેવો થાય, કયારેક શિવ જેવો થાય,કયારેક ઇન્દ્ર જેવો થાય, ત્યારે તે સવળા વિચારવાળો એમ જાણે જે આ મારી મોટપ છે તે આ વડે નથી ત્યારે શા વડે છે ? તો આત્માવડે મોટપ છે અને બીજું સંતને સમાગમે કરીને મોટપ છે. કેમ જે બ્રહ્માદિક જેવા મોટા છે તે પણ સંતના ચરણની રજને ઇચ્છે છે.ત્યારે સંતને વિષે શી મોટપ છે તે કહીએ છીએ જે, દ્રવ્ય પદાર્થે કરીને કે રાજ્યે કરીને તો કાંઇ સંતને મોટપ નથી, પણ સંતને તોમોટપ ભગવાનની ઉપાસના ને ભક્તિ તે વડે છે, ને બીજું સંતને આત્મનિષ્ઠા છે તે મોટપે મોટપ છે અને એમ ન જણાય તોઆત્માનો એમ નિશ્ચય કરવો જે પ્રગટ ભગવાન જેને મળ્યા હોય એવા જે સંત તેને વિષે આત્મબુદ્ધિ રાખવી, ને તે જ પોતાનું સ્વરૂપમાનવું ત્યારે કોઇક આશંકા કરે જે, સ્વામી સેવકપણું કેમ રહે ? તો ત્યાં દૃષ્ટાંત છે જે, ગાલવ રાજા હતા તેને યજ્ઞ કરવો હતો ત્યારેતેને શામકર્ણ ઘોડા લાવવા હતા. તે શામકર્ણ ઘોડા તો વરૂણને ઘેર હતા ત્યાં તો પોતાથી જવાય નહિ ત્યારે તે ગાલવ રાજાએગરૂડજીને તેડાવ્યા ને ગરૂડ ઉપર બેસીને ઘોડા ત્યાંથી લઇ આવ્યા, ત્યારે શું ગરૂડજીને વિષેથી ગાલવ રાજાને દાસપણું મટી ગયું ?એતો ન મટ્યું. તે બ્રહ્મવેત્તાને વિષે આત્મબુદ્ધિ માનવી તે શા સારૂં જે એને આવરણ ભેદ્યાની ગતિ છે તેસારૂં એને વિષે આત્મબુદ્ધિરાખવી,’ પછી એમ કહ્યું જે, ‘‘આ વાર્તા સર્વે રાખજો ને આ વાત સર્વેનું જીવન છે.’’
ઇતિ વચનામૃતમ્ જેતલપુરનું ।।૧।। ૨૩૦ ।।
Thursday, 10th April, 1826
નોંધ – આ વચનામૃતનો સમાવેશ વડતાલ દેશની આવૃતિમાં નથી.