જેતલપુર ૫ : અમારું કર્યું જ થાય છે એમ સમજી ભક્તિ કરે તે વિશે

Submitted by swaminarayanworld on Sun, 17/01/2016 - 5:28pm

જેતલપુર ૫ : અમારું કર્યું જ થાય છે એમ સમજી ભક્તિ કરે તે વિશે.

સંવત્‌ ૧૮૮૨ના ચૈત્ર શુદી ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીજેતલપુર મધ્યે મોહોલની દક્ષિણાદિ કોરે જગ્યાની માંય ચોકને વિષે ઉત્તરાદે મુખારવિંદે પાટ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને મસ્તકને ઉપર ઝીણપોતી શ્વેત પાઘ ધરી રહ્યા હતા, ને શ્વેત ઝીણી ચાદર ઓઢી હતી, અને શ્વેત ધોતીયું પહેર્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

અને રાત દોઢ પહોર વીતી હતી. પછી શ્રીજીમહારાજ ઘડીક વિચારીને બોલ્યા જે, ‘‘સર્વે સાંભળો, આજ તો અમારે જેમ છે તેમ વાત કરવી છે જે, ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી, કાં જે ભગવાનનું કર્યું સર્વે થાય છે અને આ સમે તો આ સભાનું કર્યું પણ થાય છે અને શ્રી નરનારાયણને પ્રતાપે કરીને અમારૂં કર્યું પણ થાય છે. તે લ્યો, કહીએ જે, જેવો અમે મનમાં ઘાટ કરીએ છીએ તેવો આ જગતને વિષે પ્રવર્તે છે અને જેમ ધારીએ છીએ તેમ પણ થાય છે ખરૂં, જે આને રાજ આવો તો તેને રાજ આવે છે અને આનું રાજ જાઓ તો તેનું જાય છે અને ધારીએ જે આ પળે આટલો વરસાદ અહીં થાઓ તો ત્યાં જરૂર થાય છે અને અહીંન થાઓ તો ત્યાં નથી થતો અને વળી ધારીએ જે આને ધન પ્રાપ્ત થાઓ તો તે થાય છે અને આને ન થાઓ તો તેને થાતું જ નથી. નેઆને દીકરો આવો તો તેને દીકરો આવે છે અને ધારીએ જે આને દીકરો ન આવો તો તેને દીકરો આવતો જ નથી અને આને રોગ થાઓ તો તેને રોગ પણ થાય છે અને આને રોગ ન થાઓ તો તેને રોગ નથી થતો. એવી રીતે અમે ધારીએ છીએ, તેમ થાય છે ખરૂં, ત્યારે તમે કહેશો જે સત્સંગીને સુખ દુઃખ આવે છે અને રોગાદિક પ્રાપ્ત થાય છે, ને કાંઇક ધન સમૃદ્ધિની હાની થાય છે અને મહેનત કરીને મરી જાય છે તો પણ એ દરિદ્રિ જેવો રહે છે તો એનું તો એમ છે જે, એને ભગવાન ભજ્યામાં જેટલી કસર છે તેટલી એને સર્વે ક્રિયાને વિષે બરકત થાતી નથી. અને ભગવાનને તો એનું સારૂં જ કરવું છે. જે શૂળીનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રિતજનનું કાંટે કરીને ટાળતા હશે અને અમે તો એમ જાણીએ છીએ જે સત્સંગીને તો એક વિંછીની પીડા થાતી હોય તો અમને હજાર ગણી થાઓ પણ તે પીડાથી તે હરિભક્ત રહિત થાઓ અને સુખીયા રહો એમ અમે રામાનંદ સ્વામી આગળ માગ્યું છે, માટે અમારી તો નજર એવી છે જે સર્વેનું સારૂં થાઓ. અને ભગવાનને વિષે જીવના મનની વૃત્તિને રાખવાનો ઉપાય નિરંતર કરીએ છીએ તે શા સારૂં જે હું તો ભૂત, ભવિષ્ય ને વર્તમાન, એ ત્રણ કાળને વિષે સર્વે ક્રિયાને જાણું છું  અને આંહી બેઠા સતા પણ સર્વેને જાણીએ છીએ અને માતાના ઉદરને વિષે હતા તે દિવસ પણ જાણતા હતા. અને ઉદરને વિષે નહોતા આવ્યા તે દિવસ પણ જાણતા હતા. કેમ જે, અમેતો ભગવાન જે શ્રીનરનારાયણ ઋષિ તે છીએ. અને મહાપાપવાળો જીવ હશે ને અમારે આશરે આવશે, ને ધર્મ નિયમમાં રહેશે,તેને અમે અંતકાળે દર્શન દઇને ભગવાનનું જે અક્ષરધામ તેને પમાડીએ છીએ ને હવે તે અક્ષરધામના પતિ શ્રી પુરૂષોત્તમ તે જે તેપ્રથમ ધર્મદેવ થકી મૂર્તિ નામે દેવી જેને ભક્તિ કહીએ તેને વિષે શ્રીનરનારાયણ ઋષિરૂપે પ્રગટ થઇને બદરીકાશ્રમને વિષે તપને કરતા હવા. ને તે શ્રીનરનારાયણ ઋષિ આ કળિયુગને વિષે પાખંડી મત તેનું ખંડન કરવા અને અધર્મના વંશનો નાશ કરવા અનેધર્મના વંશને પુષ્ટ કરવા ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તેણે સહિત જે ભક્તિ તેને પૃથ્વીને વિષે વિસ્તારવા સારૂં, શ્રીધર્મદેવ થકી ભક્તિને વિષે નરનારાયણ મુનિરૂપે પ્રગટ થઇને આ સભાને વિષે વિરાજે છે. ‘‘એમ કહીને પોતાના જનને અતિ મગ્ન કરતા હવા. અને વળી બોલ્યા જે અમે વારે વારે શ્રીનરનારાયણ દેવનું મુખ્યપણું લાવીએ છીએ તેનું તો એજ હારદ છે જે, શ્રીકૃષ્ણ પુરૂષોત્તમ અક્ષરધામના ધામી જે શ્રીનરનારાયણ તે જ આ સભામાં નિત્ય વિરાજે છે, તે સારૂં મુખ્યપણું લાવીએ છીએ અને તે સારૂં અમેઅમારૂં રૂપ જાણીને લાખો રૂપિયાનું ખરચ કરીને શિખરબંધ મંદિર શ્રીઅમદાવાદમાં કરાવીને શ્રીનરનારાયણની મૂર્તિયું પ્રથમ પધરાવી છે. અને એ શ્રી નરનારાયણ તો અનંત બ્રહ્માંડના રાજા છે અને તેમાં પણ આ જે ભરતખંડ તેના તો વિશેષ રાજા છે. અને પ્રત્યક્ષ શ્રીનરનારાયણ તેને મેલીને આ ભરતખંડનાં મનુષ્ય બીજા દેવને ભજે છે, તે તો જેમ વ્યભિચારણી સ્ત્રીયું હોય તે પોતાનાધણીને મેલીને બીજા જારને ભજે તેમ છે. અને શ્રીનરનારાયણ ભરતખંડના રાજા છે, તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે અને અમે આસંત સહિત જીવુંના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ, તે માટે તમે જો અમારૂં વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તેધામમાં તમને સર્વેને તેડી જાશું અને તમે પણ એમ જાણજો જે અમારૂં કલ્યાણ થઇ ચુક્યું છે. અને વળી અમારો દૃઢ વિશ્વાસ રાખશોને કહીએ તેમ કરશો તો તમને મહા કષ્ટ કોઇક આવી પડશે તેથી અથવા સાત દકાલી જેવું  કષ્ટ પડશે તે થકી રક્ષા કરશું. અને કોઇ ઉગર્યાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે તોય પણ રક્ષા કરશું. જો અમારા સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશો તો, ને સત્સંગ રાખશો તો અને નહિ રાખો તો મહાદુઃખ પામશો, તેમાં અમારે લેણાદેણા નથી. ને અમે તો આ સમે કોઇ વાતનું કાચું રાખ્યુંનથી. ને જુવોને, આ જેતલપુર ગામમાં અમે કેટલાક યજ્ઞ કર્યા અને કેટલાંક વરસ થયાં અહીં રહીએ છીએ. અને જુવોને આતળાવને વિષે અમે સર્વે સંતે સહિત હજારો વાર નાહ્યા છીએ અને આ જેતલપુર ગામમાં અમે ઘેર ઘેર સો વાર ફર્યા છીએ અને ઘેરઘેર ભોજન કર્યાં છે અને આ ગામની સીમ ને ગામ તે વૃન્દાવન કરતાં પણ વિશેષ રમણ સ્થળ કર્યું છે.’’ એમ વાત મહારાજ કરે છે એટલામાં તો આકાશમાં એક મોટો તેજનો ગોળો દેખાણો અને તે એક ગોળાના ત્રણ ગોળા થઇ ગયા, ને મોહોલ ઉપર ઘડીક આકાશમાં દેખાઇને અદ્રશ્ય થઇ ગયા. ત્યારે સર્વેએ કહ્યું જે, ‘‘હે મહારાજ ! એ શું હતું ?’’ ત્યારે મહારાજે કહ્યું જે, બ્રહ્મા, વિષ્ણુને શિવ, એ ત્રણ દેવ નિત્ય આ સંતની સભાનાં ને અમારાં દર્શન કરવા આવે છે, પણ આજ તો વિમાને સહિત હરિ ઇચ્છાએ કરીને તમને દેખાણા.

ઇતિ વચનામૃતમ્‌ જેતલપુરનું ।।૫।। ૨૩૪ ।।

Saturday, 14th April, 1826

નોંધ – આ વચનામૃતનો સમાવેશ વડતાલ દેશની આવૃતિમાં નથી.