અધ્યાય ૪૭
ઉદ્ધવજી ગોપીઓને સંદેશો આપીને પાછા મથુરામાં પધાર્યા.
શુકદેવજી કહે છે- એ ભગવાનના અનુચર ઉદ્ધવજી કે જેના હાથ લાંબા હતા, નેત્ર કમળ સરખાં હતાં, પીળાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં, કમળની માળા પહેરવાથી મુખારવિંદ શોભતું હતું અને કુંડળ સ્વચ્છ હતાં.૧ તેમને જોઇ આ રૂપાળો અને ભગવાનના સરખા વેષ તથા આભૂષણવાળો કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? અને કોનો છે ? એમ બોલતી અને સુંદર હાસ્ય કરતી સર્વે ગોપીઓ ભગવાનના ભક્ત એ ઉદ્ધવજીને ઉત્કંઠાથી ઘેરીવળી.૨ વિશ્વાસથી નમન કરતી ગોપીઓ ઉદ્ધવજીને ભગવાનનો સંદેશો લાવેલા જાણી લાજ સહિત જોવા વડે તથા પ્રિય વચનોથી સત્કાર કરી એકાંતમાં આસન પર બેસાડી, આ પ્રમાણે કહેવા લાગી.૩
ગોપીઓ કહે છે- તમે ભગવાનના પાર્ષદ અહીં આવેલા છો તે અમે જાણીએ છીએ. ભગવાને માબાપને રાજી કરવા સારુ તમને અહીં મોકલ્યા છે; કેમકે બંધુઓનો સ્નેહ સંબંધ મુનિને પણ છોડવો બહુ કઠણ છે. એ શ્રીકૃષ્ણ આ વ્રજમાં માબાપ વિના બીજા કોઇનું સ્મરણ કરે તે અમો ધારતી નથી.૪-૫ સ્વાર્થને માટે બીજાઓની સાથે કેટલી મૈત્રી ? એતો સ્વાર્થ સરે ત્યાં સુધીની નામમાત્રની અને પુરુષો જેમ સ્ત્રીઓની સાથે મૈત્રી કરે છે અને ભ્રમરો જેવી પુષ્પની સાથે કરે છે એવી હોય છે.૬ જેમ વેશ્યાઓ નિર્ધન પતિને છોડી દે, પ્રજા અશક્ત રાજાને છોડી દે, ભણી રહેલા શિષ્યો આચાર્યને છોડી દે, ઋત્વિજો દક્ષિણા લીધા પછી યજમાનને છોડી દે, પક્ષીઓ ફળ જતાં રહ્યા પછી વૃક્ષને છોડી દે, અતિથિઓ જમીને ઘરને છોડી દે અને મૃગો બળી ગયેલા વનને છોડી દે, તેમ અમોને શ્રીકૃષ્ણે છોડી મૂક્યાં છે.૭-૮
શુકદેવજી કહે છે- આ પ્રમાણે શ્રીકૃષ્ણના દૂત ઉદ્ધવજી વ્રજમાં આવતાં, જે કર્મો ભગવાને બાળ અને કિશોર અવસ્થામાં કર્યાં હતાં, એ કર્મોને સંભારી લાજ મૂકીને રોતી અને જેનાં મન, વચન તથા કાયા ભગવાનમાં જ લાગી રહ્યાં હતાં, એવી ગોપીઓ લોક વ્યવહાર છોડીને પૂછતી હતી.૯-૧૦ ભગવાનના સમાગમનું ધ્યાન કરતી કોઇ ગોપી ભમરાને જોઇ તેને ભગવાને મોકલેલો દૂત કલ્પીને ઉદ્ધવજીના ઉદેશથી આ પ્રમાણે બોલી.૧૧
ગોપી ભ્રમરને કહે છે- હે ભ્રમર ! હે ધુતારાના મિત્ર ! શોક્યના સ્તનથી ચોળાએલી કૃષ્ણની વનમાળાના કેસરથી ખરડાએલી મૂછોવડે મારા પગનો સ્પર્શ કર નહિ. જેનો તું દૂત છે તે ભગવાન મારી શોક્યોને જ ભલે મનાવે કે જે વાતની યાદવોની સભામાં હાંસી થતી હશે.૧૨ તારા જેવા સ્વાર્થી ભગવાને અમોને પોતાનું મોહક અધરામૃત એકવાર પાઇને પછી ફૂલની પેઠે તરત છોડી દીધી છે. અરે ! લક્ષ્મીજી, એવા સ્વાર્થી ભગવાનના ચરણારવિંદને કેમ સેવે છે ? હું ધારું છું કે ભગવાનની ખોટી વાતોથી લક્ષ્મીજીનું ચિત્ત હરાઇ ગયું હશે તેથી તે સેવે છે, પણ અમોને એવી ભોળી સમજવી નહીં.૧૩ હે ભ્રમર ! જે અમો ઘર વગરની છીએ તેઓની આગળ વારંવાર યાદવોના પતિનું ગાયન તું શા માટે કરે છે ? અમે તો એ કૃષ્ણને બહુ જ જોયા છે. હમણાં જે સ્ત્રીઓ એ કૃષ્ણની સખીઓ થયેલી છે, તેઓની પાસે તે કૃષ્ણના પ્રસંગનું ગાયન કર. જેના કામજવરને ભગવાન મટાડે છે, એવી ભગવાનની પ્યારીઓ તને જે જોઇતું હશે તે આપશે.૧૪ હે કપટી ! સુંદર હાસ અને ભૃકુટીના ચાળા કરનારા તે ભગવાનને સ્વર્ગ, પૃથ્વી અને પાતાળમાંની કઇ સ્ત્રીઓ ન મળે એમ છે ? લક્ષ્મીજી પણ તેમના ચરણની રજને સેવે છે ત્યારે અમે કોણ ? તોપણ તારે ભગવાનને એટલું કહેવું કે જે પુરુષ દીન ઉપર દયા કરે તે જ મહાત્મા અને મોટી ર્કીતિવાળો કહેવાય છે.૧૫ મારા પગમાં માથું મૂક નહીં, ભગવાનની પાસેથી શીખી આવી, કાલાવાલા કરી, તું અમારી પ્રાર્થના કરે છે તે સર્વે હું જાણું છું. જેમણે ભગવાનને માટે સંતાન, પતિ અને પરલોકનો ત્યાગ કર્યો છે, આવી અમોને પણ એ ચંચળ મનના ભગવાને છોડી દીધી છે, તો હવે તેની સાથે શું સમાધાન કરવું ?૧૬ રામાવતારમાં એ ભગવાને પારાધી જેવું કામ કરીને વાલી વાનરને વીંધી નાખ્યો હતો અને સીતાને પરવશ થઇને જે તમોએ કામનાથી આવેલી એવી સુપણખાના કાન-નાક કાપી નાખ્યા હતા, તેમ જ વામન અવતારમાં કાગડા જેવું આચરણ કરી, બળિ રાજાનું સર્વ ખાઇ જતાં પાછો તેને બાંધી લીધો હતો, તો આવી વાતો સંભારીને હું ભગવાનથી બીઉં છું, માટે હવે એમની સાથે મૈત્રી કરવાનું કશું કામ નથી, તોપણ તેમની વાત કરવાનું છોડી શકાય તેમ નથી.૧૭ એ ભગવાનના ચરિત્રરૂપી કર્ણામૃતની કણી એકવાર સેવાઇ ગયાથી પણ રાગદ્વેષાદિક મટી જતાં, ઘરનાં રાંક કુટુંબને તરત છોડી દઇ, કંગાલ તથા જીવતે મુવા જેવા થઇ અને પક્ષીઓની પેઠે કેવળ આહારની જ આવશ્યક્તા રાખી, આ જગતમાં ઘણા જણ ભીખ માગતા થયા છે, તોપણ એ ભગવાનની વાત કરવાનું અમારાથી છોડી શકાતું નથી.૧૮ જેમ કાળિયારની સ્ત્રી ભોળી મૃગલીઓ પારાધીના ગાયનને નિષ્કપટ માનવાથી, બાણથી ઘવાઇને પીડા જ દેખે છે, તેમ અમે પણ એ કપટી ભગવાનના વચનને સાચું માની, નખના ઘાથી ઘવાઇને, હવે કામદેવ તેમના નખના સ્પર્શથી બહુ જ વધ્યો છે, તે કામ સંબંધી પીડાને વારંવાર દેખીએ છીએ, માટે હે દૂત ! એ વિના બીજી વાત કર.૧૯ હે પ્યારા મિત્ર ! તું એકવાર અહીંથી જઇને પાછો આવ્યો તે પ્યારાના મોકલવાથી આવ્યો ? તારે શું જોઇએ છે ? માગી લે, કેમકે તું મારે પૂજય છે. જેનો સમાગમ છોડવો કઠણ પડે, એવા ભગવાનની પાસે તું અમને લઇ જવા માગે છે ? હે સૌમ્ય ! લક્ષ્મી વહુ તો સર્વદા તેમની સાથે જ રહે છે, માટે એ કૃષ્ણને અમારું શું પ્રયોજન છે ?૨૦ હે સૌમ્ય ! શ્રીકૃષ્ણ ગુરુને ઘેરથી આવીને અત્યારે મથુરામાં છે ? માબાપના ઘરને અને પોતાના મિત્રો ગોવાળોને સંભારે છે ? કોઇ સમયે અમો દાસીઓની વાત કરે છે ? પોતાના સુગંધીમાન હાથને અમારા મસ્તક ઉપર ક્યારે ધરશે ?૨૧
શુકદેવજી કહે છે- આ સર્વે સાંભળી ઉદ્ધવજીએ ભગવાનના દર્શનની પ્યાસી, એ ગોપીઓને ભગવાનના સંદેશાથી સાંત્વના કર્યા પહેલાં આ પ્રમાણે કહ્યું.૨૨
ઉદ્ધવજી કહે છે- અહો ! તમારું મન વાસુદેવ ભગવાનમાં લાગી રહ્યું છે તેથી કૃતાર્થ અને જગતમાં સત્કાર પામનારી છો.૨૩ દાન, વ્રત, તપ, હોમ, જપ, વેદાધ્યયન, નિયમો, અને બીજાં પણ અનેક શુભ સાધનોથી ભગવાનમાં ભક્તિ પ્રાપ્ત થાય છે.૨૪ મોટી ર્કીતિવાળા ભગવાનની ઉત્તમ ભક્તિ તમે કરો છો એ ઘણું યોગ્ય છે. પતિ, પુત્ર, દેહ, સ્વજન અને ઘરને છોડી દઇ તમો શ્રીકૃષ્ણ નામના પરમ પુરુષને વરી એ ઘણું સારું કર્યું છે.૨૫-૨૬ હે ભાગ્યશાળી ગોપીઓ ! તમને વિરહથી ભગવાનની સાચી ભક્તિ મળી છે અને એ ભક્તિ દેખાડીને મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો છે.૨૭ હે ભલી સ્ત્રીઓ ! હવે તમને સુખ આપનાર ભગવાનનો પ્યારો સંદેશો સાંભળો, જે સંદેશો લઇને ભગવાનનાં રહસ્ય કામ કરનારો હું આવેલો છું.૨૮ ભગવાને કહ્યું છે કે તમોને મારો વિયોગ કોઇ સમયે પણ સર્વથા નથી. કેમકે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એ પાંચ મહાભૂતો જેમ સ્થાવર જંગમ સર્વે પદાર્થોમાં રહ્યાં છે તેવી રીતે હું પણ ભૂત, મન, જીવ, પ્રાણ, ઇંદ્રિય અને ગુણના અધિષ્ઠાનપણાથી સર્વમાં રહ્યો છું. હું પોતાના શરીરભૂત પ્રકૃતિને વિષે જ ભૂતો ઇન્દ્રિયો અને ગુણરૂપે પોતાના સંકલ્પના પ્રભાવથી, હું પોતે જ મારા શરીરભૂત એવા સૃજય વર્ગને ઉત્પન્ન, પાલન અને પ્રલય કરું છું. કેમ કે આત્મા તો શુદ્ધ છે, કોઇ ગુણમાં સંબંધ પામતો નથી, સર્વ ગુણોથી જુદો છે અને જ્ઞાનસ્વરૂપ છે. માયાથી થયેલા મનની વૃત્તિરૂપ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ નામની અવસ્થાઓને લીધે વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞરૂપે જણાય છે, જીવ સર્વ પ્રકારે દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણાદિકથી વિલક્ષણ છે.૨૯-૩૨ જાગેલો પુરુષ જેમ સ્વપ્નને ખોટું જ જાણે છે, તેમ વિદ્વાનો જેને ખોટા જ ગણે છે, એવા વિષયોનું જે મનથી ચિંતવન થાય છે અને ચિંતન કરતાં કરતાં ઇંદ્રિયોને પ્રાપ્ત થાય છે, તે મનનો આળસ મૂકીને મારે વિષે નિરોધ કરવો જોઇએ.૩૩ વેદ, અષ્ટાંગયોગ, આત્મા અનાત્માનો વિવેક, સંન્યાસ, સ્વધર્મ, ઇંદ્રિયોનું દમન અને સત્ય તેનું ફળ મારે વિષે મનનો નિરોધ જ છે. જેમ સર્વે નદીઓનું છેલ્લું પ્રાપ્તિ સ્થાન સમુદ્ર છે, તેમ વિદ્વાનોએ ઠરાવેલાં સર્વે સાધનોનું ફળ તો એક જ મારે વિષે મનનો નિરોધ જ છે.૩૪ તમોને પ્યારો હું તમારી દૃષ્ટિઓથી દૂર રહું છું, તે તમોને મારું ધ્યાન કરાવવાની ઇચ્છાથી અને ધ્યાન કરાવીને તમારા મનને મારી પાસે રાખવાને માટે રહું છું.૩૫ દૂર રહેલા પ્યારામાં સ્ત્રીઓનું મન જેવું લાગી રહે છે, તેવું પ્રત્યક્ષ રીતે પાસે રહેલો હોય તેમાં લાગતું નથી.૩૬ સર્વે વૃત્તિઓને છોડી દેતાં મન મારામાં રાખી નિરંતર મારું સ્મરણ કરવાને લીધે તમો થોડા કાળમાં મને પામશો.૩૭ હે ભલી સ્ત્રીઓ ! હું જે સમયમાં વૃંદાવનમાં રાત્રીએ ક્રીડા કરતો હતો તે સમયે પોતાના પતિએ રોકી રાખવાને લીધે જે સ્ત્રીને મારી સાથે રાસ રમવાનું ન મળ્યું, તે સ્ત્રીઓ મારા પરાક્રમોના ચિંતનથી જ મને પામી ગઇ છે.૩૮
શુકદેવજી કહે છે- આ પ્રમાણે પ્રાણપ્રિય ભગવાનના સંદેશા સાંભળી રાજી થયેલી અને તેમના સંદેશાથી જેને સ્મરણ પ્રાપ્ત થયું, એવી ગોપીઓ ઉદ્ધવજીને આ પ્રમાણે કહેવા લાગી.૩૯ ગોપીઓ કહે છે યાદવોના શત્રુ અને દુઃખદાયી કંસને તેના અનુચરો સહિત માર્યો એ ઘણું સારું કર્યું અને જેના સર્વ મનોરથ પૂરા થયા છે. એવા સંબંધીઓની સાથે હમણાં ભગવાન આનંદથી વર્તે છે એપણ ઘણું સારું છે.૪૦ હે સૌમ્ય ! સ્નેહ અને લાજ સહિત હાસ્ય કરીને અને ઉદાર દૃષ્ટિથી અમોએ પૂજેલા ભગવાન અમારી ઉપર જે પ્રીતિ કરવી જોઇએ તે પ્રીતિ મથુરાની સ્ત્રીઓ ઉપર કરે છે ?૪૧ બીજી ગોપી બોલી રતિના પ્રકારો જાણનાર ઉત્તમ સ્ત્રીઓને પ્યારા લાગે એવા અને ઉત્તમ સ્ત્રીઓએ પોતાના વાક્ય તથા વિલાસથી સત્કાર કરેલા ભગવાન તે સ્ત્રીઓમાં કેમ ન બંધાય ?૪૨ હે સૌમ્ય ! નગરની સ્ત્રીઓની સભામાં યથેષ્ટ વાતો કરતાં કોઇ પ્રસંગે ભગવાન અમને સંભારે છે ?૪૩ કુમુદ, કુન્દ પુષ્પ અને ચંદ્રમાથી શોભી રહેલા વૃન્દાવનમાં ઝાંઝરના ઝમકારાવાળી રાસમંડળીમાં અમારી સાથે ભગવાન જે રાત્રીઓમાં રમ્યા હતા અને અમો તેમની મનોહર કથાની સ્તુતિ કરી હતી, તે રાત્રીને ભગવાન કોઇ સમયે સંભારે છે ?૪૪ જેમ ઇંદ્ર મેઘથી વનને જિવાડે તેમ પોતે આપેલા શોકથી તપી રહેલી અમોને, પોતાના ગાત્રનો સ્પર્શ આપી જિવાડવા સારુ શ્રીકૃષ્ણ અહીં આવશે ?૪૫ બીજી ગોપી બોલી, પણ હવે કૃષ્ણ અહીં શા માટે આવે ? શ્રીકૃષ્ણને રાજય મળ્યું, શત્રુ મરી ગયા, સર્વે સંબંધીઓનો સમાગમ થયો અને રાજાઓની કન્યાઓને પરણી, પ્રીતિ પામ્યા તે અહીં શા માટે આવે ?૪૬ અને વળી બીજી બોલી શ્રીકૃષ્ણને સર્વ મનોરથ પ્રાપ્ત છે અને પોતે પૂર્ણ છે. તેમને વગડામાં રહેનારી અમો અથવા બીજીઓ પણ શું કરી આપે એમ છે ?૪૭ પિંગલા વેશ્યાએ પણ કહ્યું છે કે ‘‘આશા ન રાખવી એજ મોટું સુખ છે.’’ એ વાતને અમે જાણીએ છીએ તોપણ શ્રીકૃષ્ણની આશા છૂટતી નથી. ૪૮ ઉત્તમ ર્કીતિવાળા ભગવાન પોતે લક્ષ્મીને ઇચ્છતા નથી, તોપણ તેમના અંગમાંથી લક્ષ્મી કદી પણ ખસતી નથી, એવા ભગવાનની એકાંતની વાતોને કોણ છોડી શકે ?૪૯ હે ઉદ્ધવ ! બલરામ સહિત શ્રીકૃષ્ણ જયાં ફર્યા હતા તે આ નદી, પર્વત અને વનના પ્રદેશો તથા વેણુના શબ્દો વારંવાર એ નંદકુમારોનું અમને સ્મરણ આપે છે. લક્ષ્મીના સ્થાનકરૂપ તેમનાં પગલાં જોઇને અમો વિસ્મરણ પણ કરી શક્તી નથી.૫૦-૫૧ તેમની સુંદર ગતિ, ઉદાર હાસ્ય, લીલા પૂર્વક જોવું અને મધુર વાણીથી જેઓનાં મન હરાઇ ગયાં છે એવી અમે શી રીતે ભૂલી જઇએ ?૫૨ હે નાથ ! હે લક્ષ્મીના પતિ ! હે વ્રજના નાથ ! હે પીડાના નાશ કરનાર ! હે ગોવિંદ ! દુઃખરૂપી સમુદ્રમાં ડૂબેલા ગોકુળને તેમાંથી બહાર કાઢો.૫૩
શુકદેવજી કહે છે- પછી ભગવાનના સંદેશાથી જેનો વિરહ તાપ મટી ગયો છે. એવી ગોપીઓએ ભગવાનને પરમાત્મા જાણી અને પરમાત્માને પોતાના અંતર્યામી જાણી ઉદ્ધવજીની પૂજા કરી.૫૪ ગોપીઓનો શોક મટાડતા ઉદ્ધવજીએ કેટલાક મહિના સુધી ત્યાં રહીને ભગવાનની લીલાની કથાનું ગાયન કરી ગોકુળને આનંદ આપ્યો.૫૫ ઉદ્ધવજી જેટલા દિવસ વ્રજમાં રહ્યા તેટલા દિવસ ભગવાનની વાતો ચાલવાને લીધે વ્રજવાસીઓને એક ક્ષણ જેટલા લાગ્યા.૫૬ નદી, વન, પર્વતની ગુફાઓ અને ફૂલવાળાં વૃક્ષોને જોતા અને તે દરેક સ્થળમાં ભગવાનની લીલાના પ્રશ્નોના બહાને ભગવાનનું સ્મરણ કરાવતા, એ ભગવાનના દાસ ઉદ્ધવજી વ્રજમાં આનંદથી રહ્યા.૫૭ ભગવાનમાં જ પ્રવેશ કરાવેલ ગોપીઓના મનની વિહ્વળતા જોઇને બહુ જ રાજી થયેલા ઉદ્ધવજી ગોપીઓને પ્રણામ કરવાનું ધારી, મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા.૫૮ ઉદ્ધવજી મનમાં વિચાર કરે છે પૃથ્વીમાં કેવળ આ ગોપીઓનો જ જન્મ સફળ છે, કેમકે સંસારથી ભય પામતા મુનિઓ અને અમો શ્રીકૃષ્ણમાં જેવો ભાવ રાખવાને ઇચ્છીએ છીએ તેવો ભાવ આ ગોપીઓને દૃઢ થઇ ગયો છે. ભગવાનની કથામાં રંગ લાગે તો પછી બ્રાહ્મણના જન્મ અને કર્મોનું શું પ્રયોજન છે ?૫૯ વનમાં ફરનારી અને વ્યભિચારના દોષવાળી આ સ્ત્રીઓ ક્યાં ? અને પરમાત્મા શ્રીકૃષ્ણમાં આવો દૃઢ થયેલો ભાવ ક્યાં ? પોતાને ભજનારા અજ્ઞાની લોકોને પણ ઇશ્વર ભજે છે અને પીધેલા અમૃતની પેઠે સાક્ષાત્ કલ્યાણ કરે છે.૬૦ રાસોત્સવમાં ભગવાન પોતાની ભુજાથી કંઠનું આલિંગન કરી, વ્રજની ગોપીઓ ઉપર જેવી કૃપા કરી, તેવી કૃપા નિરંતર પ્રીતિ રાખનાર લક્ષ્મીજી ઉપર પણ નથી કરી, અને અપ્સરાઓની ઉપર પણ નથી કરી, ત્યારે બીજી સ્ત્રીઓની શી વાત કરવી ?૬૧ અહો ! ! ! આ ગોપીઓ ત્યાગ કરવાને અશક્ય એવાં પોતાના સંબંધી અને ધર્મ માર્ગનો ત્યાગ કરી, શ્રુતિઓ પણ જેને શોધે છે એવી પરમ પદવીને પામી છે, ગોપીઓના ચરણની રજ જેના ઉપર પડે છે એવા ગુચ્છ, લતા અને ઔષધિની જાતમાં વૃંદાવનની અંદર મારો કોઇ પણ અવતાર થાય તો ઠીક.૬૨ લક્ષ્મીએ પૂજેલું અને પૂર્ણકામનાવાળા બ્રહ્માદિક તથા યોગેશ્વરો પણ હૃદયમાં જ પૂજેલું ભગવાનનું ચરણારવિંદ પોતાના સ્તન ઉપર મૂકી તેનું આલિંગન કરી, જેઓ પોતાના તાપનો ત્યાગ કર્યો હતો, એવી ગોપીઓના ચરણની રજ મારે માથે પડે એવી હું આશા રાખું છું.૬૩ વ્રજની સ્ત્રીઓએ કરેલું ભગવાનની કથાનું ઊંચું ગાયન ત્રણ લોકને પવિત્ર કરે છે, તેની ચરણ રજને હું વારંવાર વંદન કરું છું.૬૪
શુકદેવજી કહે છે- પછી ઉદ્ધવજી ગોપીઓની, નંદરાયની અને યશોદાની આજ્ઞા લઇ, ગોવાળોને પૂછી જવા માટે રથમાં બેઠા.૬૫ નીકળેલા ઉદ્ધવજીની પાસે અનેક પ્રકારની ભેટો લઇ આવેલા અને સ્નેહથી જેઓના નેત્રમાં આંસુ આવી ગયાં હતાં, એવા નંદાદિક ગોવાળો બોલ્યા કે- અમારા મનની વૃત્તિઓ કૃષ્ણના ચરણારવિંદમાં રહેજો, વાણી ભગવાનના યશનું ઉચ્ચારણ કર્યા કરજો, અને શરીર તેમને પ્રણામ કરવા આદિ કર્મમાં તત્પર રહેજો.૬૬-૬૭
ઇશ્વરની ઇચ્છાથી કોઇ કર્મોથી અમો કોઇ પણ યોનિમાં ભટકીએ ત્યાં પણ હમેશાં ભગવાન કૃષ્ણમાં અમારી આસક્તિ રહેજો.૬૮ હે રાજા ! આવી રીતે ભગવાનની ભક્તિને લીધે ગોવાળોએ સત્કાર કરેલા ઉદ્ધવજી ભગવાને રક્ષેલી મથુરાપુરીમાં ફરીવાર આવ્યા.૬૯ શ્રીકૃષ્ણને પ્રણામ કરી વ્રજવાસીઓની ભક્તિના ઉત્કર્ષની વાત કહી સંભળાવી, અને શ્રીકૃષ્ણને, વસુદેવને, બળદેવજીને તથા રાજાને ત્યાંથી મળેલી ભેટની ઉત્તમ વસ્તુઓ આપી.૭૦
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો સુડતાળીશમો અધ્યાય સંપૂર્ણ.