રાગ ગરબી
પદ - ૧
વાલા રમઝમ કરતા કા’ન, મારે ઘેર આવો રે;
મારા પુરા કરવા કોડ, હસીને બોલાવો રે. ૧
મારે તમ સંગ લાગી પ્રીત, શ્યામ સોહાગી રે;
મેં તો તમ સંગ રમવા કાજ, લજજા ત્યાગી રે. ૨
વાલા અબળા ઊપર મહેર, કરજો મોરારી રે;
હું તો જન્મોજન્મની નાથ, દાસી તમારી રે. ૩
મારા પ્રાણ તણા આધાર, પ્રીતમ પ્યારા રે;
પળ રહો માં નટવર નાવ, મુજથી ન્યારા રે. ૪
આવો છોગાં મેલીને શ્યામ, ધડકમ ધારો રે;
મેં તો ફુલડે સમારી સેજ, શ્યામ સુધારો રે. ૫
વાલા નયણાં તણું ફળ આજ, મુજને આપો રે;
મુક્તાનંદ કહે મહારાજ, દુઃખડાં કાપો રે. ૬
પદ - ૨
હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે ;
તમે ગુણસાગર ગોપાળ, દેવ મોરારી રે. ૧
મુને કરી પોતાની કહાન, દોષ ન જોયા રે ;
તમે ગુણગ્રાહક ગોપાળ, મુજપર મોહ્યા રે. ૨
તમે શ્યામસુંદર સુખરૂપ, કુંજ વિહારી રે ;
મારે મંદિર આવો માવ, તમપર વારી રે. ૩
મુને કરી કૃતારથ કહાન, શ્યામ સોહાગી રે ;
મારે ભવની ભાવટ આજ, સર્વે ભાગી રે. ૪
મારે અમૃત વર્ષ્યા મેહ, થઈ અનુરાગી રે ;
મારી તમ સંગ ત્રિભુવનરાય, લગની લાગી રે. ૫
મારા પુણ્યતણો નહિ પાર, તમ સંગ મળતા રે ;
મુક્તાનંદ કહે મહારાજ, અંતર ટળતા રે. ૬
પદ - ૩
મારું મનગમતું કરી માવ, સુખડું દીધું રે;
મારું મંદિરીયું મહારાજ, વૈકુંઠ કીધું રે. ૧
હવે રહો રસિયા દિનરાત, કરી મન હેઠું રે;
મુને મળી ચિંતામણી શ્યામ, દુઃખ નહીં વેઠું રે. ૨
મને સરવે સૈયરમાં શ્યામ, કીધી સમોતી રે;
મારા હૈડા કેરી હામ, સર્વે પોતી રે. ૩
વાલા મુજ નગણી પર નાથ, અઢળક ઢળીયા રે;
તમે એકાંતે અલબેલ, આવીને મળીયા રે. ૪
મુને મુખથી દીધો તંબોળ, હસિને બોલાવી રે;
મારા મનની ઈચ્છા આજ, સઘળી ફાવી રે. ૫
તમ રસિયાજી રસરીત, શું સુખ આપ્યું રે;
મુક્તાનંદ કહે મહારાજ, દુઃખડું કાપ્યું રે. ૬
પદ - ૪
મારા મંદિરીયાંમાં માવ, મોજું માણો રે;
મને શું કરશે સંસાર, ધડકમ આણો રે. ૧
હું તો તરણા તુલ્ય સંસાર, સઘળો જાણું રે ;
વાલા એક તમારી બીક, ઊરમાં આણું રે. ૨
તમે ભૂપ તણા છો ભૂપ, મહા સુખકારી રે;
વાલા તન મન ધન પરિવાર, તમપર વારી રે. ૩
તોય અધર અમૃતથી નાથ, હું ન ધરાઉં રે;
વાલા નિત્ય નૌતમ શણગાર, સજી સુખ આપું રે. ૪
તમે રસિયા રંગની રેલ, વાલમ વાળી રે ;
હુંતો મગન થઈ મર્સ્તાન, મુખડું ભાળી રે. ૫
મને આપ્યો અંખડ સુહાગ, કુંજવિહારી રે ;
મુક્તાનંદ કહે મહારાજ, જાઉં બલિહારી રે. ૬