અધ્યાય - : - ૧૦
જડભરત અને રાજા રહૂગણનો મિલાપ.
શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્ ! એક વાર સિન્ધુસૌવીર દેશનો સ્વામી રાજા રહૂગણ પાલખી પર બેસીને જઇ રહ્યા હતો. જ્યારે તે ઇક્ષુમતી નદીના કિનારે પહોંચ્યા ત્યારે તેની પાલખી ઊંચકનારા કહારોના જમાદારને એક એ કહારની આવશ્યકતા પડી. દૈવયોગે તેને આ બ્રાહ્મણ દેવતા (જડભરત) મળી ગયા. તેને જોઇને તેઓ વિચાર્યું કે, ‘આ મનુષ્ય હૃષ્ટ- પુષ્ટ, યુવાન અને મજબૂત અંગોવાળો છે. તેથી આ તો બર્ળંઈ તથા ગધેડાની જેમ સારી રીતે ભાર ઉપાડી શકે તેમ છે. આવું વિચારીને તેણે વેઠ માટે પકડેલા બીજા કહારોની સાથે એમને પણ બળપૂર્વક પકડીને પાલખીમાં જોડી દીધો. મહાત્મા ભરતજી જોકે કોઇ પ્રકારે આ કાર્યમાં યોગ્ય ન હતા, તો પણ કશું બોલ્યા વિના મૌન રહી પાલખીને ઉપાડી ચાલવા લાગ્યા. ૧ તે દ્વિજશ્રેષ્ઠ, કોઇ જીવ પગ નીચે દબાઇ ન જાય એવા ડરથી આગળની એક ધનુષ જેટલી પૃથ્વી જોઇને ચાલતા હતા. તેથી બીજા કહારોની ગતિ સાથે તાલમેળ ન થવાથી જ્યારે પાલખી વાંકી સીધી થવા લાગી. ત્યારે રાજા રહૂગણે પાલખી ઊંચકનાર નોકરોને કહ્યું ‘અરે કહારો ! બરોબર ચાલો, પાલખીને વાંકી સીધી કરીને કેમ ચાલો છો ?’ ૨ ત્યારે પોતાના માલિક રાજાનું આક્ષેપ યુક્ત વચન સાંભળીને તે કહારોને ડર લાગ્યો કે ક્યાંક રાજા અમોને દંડ ન આપે. તેથી તે પાલખી ઊચકનારા મજૂરો રાજાને આ પ્રમાણે નિવેદન કરવા લાગ્યા. ૩
હે મહારાજ ! અમે અસાવધાન નથી, અમે તો તમારી આજ્ઞાનુસાર સારી રીતે પાલખી લઇને ચાલીએ છીએ પણ આ એક નવો કહાર હમણાં-હમણાં પાલખીમાં જોડ્યો છે, તે ઝડપથી ચાલી શકતો ન હોવાથી અમે બધા તેની સાથે પાલખી લઇ જઈ શકતા નથી.૪ કહારોનાં આ દીન વચન સાંભળીને રાજા રહૂગણે વિચાર્યું, સંસર્ગથી ઉત્પન્ન થતો દોષ એક જ વ્યક્તિમાં હોવા છતાં તેનો સંબન્ધ રાખનાર બધા પુરુષોમાં આવી શકે છે. તેથી જો તેનો પ્રતિકાર નહીં કરવામાં આવે તો ધીરે ધીરે આ બધા કહારો પોતાની ચાલ બગાડી દેશે.’ આવું વિચારીને રાજા રહૂગણ થોડા ક્રોધિત થઇ ગયા. જોકે તેણે મહાપુરુષોનું સેવન કર્યું હતું , છતાં પણ ક્ષત્રિય સ્વભાવને લીધે બલપૂર્વક તેની બુદ્ધિ રજોગુણથી વ્યાપ્ત થઇ ગઈ અને તેઓ તે દ્વિજશ્રેષ્ઠથી જેમનું બ્રહ્મતેજ રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ પ્રગટ નહીં હતું તેવા તે બ્રાહ્મણશ્રેષ્ઠને વ્યંગ્યપૂર્ણ વચન કહેવા લાગ્યો. ૫
‘અરે ભાઇ ! ઘણા ખેદની વાત છે, એવું લાગે છે કે તું અવશ્ય થાકી ગયો છે. તારા આ સાથીયોએ તને જરાય પણ સહારો આપ્યો નથી, ઘણે દૂરથી તું એકલો જ ઘણા સમયથી પાલખી ઊંચકી ચાલે છે. તારું શરીર પણ ખાસ મોટું તાજું અને ભરાવદાર નથી, અને અરે મિત્ર ! વૃદ્ધાવસ્થાએ તને ઢીલો પાડી દીધો છે, ’ આ પ્રમાણે ઘણાં વ્યંગ વચનો દ્વારા ટોણાં મારવા છતાં પણ તેઓ પહેલાની જેમ જ મૌન રહીને પાલખી ઊંચકીને ચૂપચાપ ચાલતા રહ્યા. તેમણે રાજાના વચનોથી જરા પણ માઠું ન લગાડ્યું; કારણ કે તેમની દૃષ્ટિએ તો પંચભૂતો, ઇંદ્રિયો અને અન્તઃકરણના યોગરૂપ પોતાનું આ અંતિમ શરીર આવિદ્યાનું જ કાર્ય હતું. આ જુદા-જુદા અંગોથી યુક્ત દેખાઇ દેવા છતાં પણ વાસ્તવમાં હતું જ નહી, તેથી તેમાં તેમનો હું અને મારા પણાનો મિથ્યા અધ્યાસ સર્વથા નિવૃત્ત થઇ ગયો હતો તેઓ બ્રહ્મરૂપ થઇ ગયા હતા. ૬ કિન્તુ પાલખી હજું પણ સારી રીતે ચાલતી નથી, આ જોઇને રાજા રહૂગણ ક્રોધથી લાલ, પીળા થઇ ગયા અને કહેવા લાગ્યા, અરે ! આ શું ? શું તું જીવતો જ મરી ગયો છે ? જાણતો નથી, હું તારો માલિક છું; તું મારો અનાદર કરીને મારી આજ્ઞાનું આ પ્રમાણે ઉલ્લંઘન કરી રહ્યો છે ! એવું લાગે છે કે તું મૂર્ખ છે. અરે ! હું દંડપાણિ યમરાજની સમાન પ્રજાનું શાસન કરનાર છું. સારું, ઊભો રહે; હું અત્યારે જ તને દંડ દઉં છું. ત્યારે જ તારી બુદ્ધિ ઠેકાણે આવશે. ૭ રહૂગણને રાજા હોવાનું અભિમાન હોવાથી આ પ્રમાણે વધારે પડતા અપશબ્દો બોલતો તે પોતાને મહાન બુદ્ધિમાન સમજતો હતો, તેથી રજોગુણ અને તમોગુણ યુક્ત અભિમાનને વશીભૂત થઇને તેમણે ભગવાનના અનન્ય પ્રીતિપાત્ર ભક્તવર ભરતજીનો તિરસ્કાર કર્યો. યોગેશ્વરની વિચિત્ર વાણી અને વર્તનની તેને જરા પણ ખબર ન હતી. તેની આવી અપરિપક્વ બુદ્ધિ જોઇને તે સંપૂર્ણ પ્રાણિઓના સુહ્રદ અને આત્મા, બ્રહ્મભૂત બ્રાહ્મણદેવતા હસ્યા અને કોઇ પ્રકારનું અભિમાન રાખ્યા વિના આ પ્રમાણે કહેવા લાગ્યા.૮
જડભરતે કહ્યું - હે રાજન્ ! તમે જે કાંઇ કહી રહ્યા છો, તે સાચું જ છે; હું તેમાં કોઇ ઠેકડી અથવા ઉપહાસની વાત નથી માનતો. કારણ કે જો કોઇ ભાર નામની વસ્તુ છે તો તેને ઊંચકનાર શરીરને છે, અને જે કાંઇ માર્ગ છે તે પણ તેમાં ચાલનાર શરીર માટે જ છે. મારો શરીરથી કોઇ સંબન્ધ નથી, તેથી મને ન ભાર ઊંચકવાનો ક્લેશ છે અને ન માર્ગમાં ચાલવાનો શ્રમ છે. તમારું આ વચન પણ યોગ્ય જ છે કે સ્થૂલ અને સૂક્ષ્મપણું તેમજ નાના અને મોટાપણું તો આ પંચભૂતોના પિંડ શરીરમાં જ છે. તેથી આ વિષયમાં કોઇ વિવાદ નથી.૯ સ્થૂલતા, કૃશતા, આધિ, વ્યાધિ, ભૂખ, તરસ, ભય, કલહ, ઇચ્છા, વૃદ્ધત્વ, નિદ્રા, પ્રેમ, ક્રોધ, અભિમાન અને શોક આ બધા ધર્મો દેહાભિમાનને લઇને ઉત્પન્ન થનાર જીવમાં રહે છે; મારાંમાં તો તેનો બિલકુલ અંશ પણ નથી.૧૦
હે રાજન્ ! તમે જે જીવવા મરવાની વાત કહી એ બન્ને વાતો તો જેટલાં વિકારી પદાર્થો છે, તે બધામાં નિયમિતરૂપથી જોવા મળે છે; કારણ કે આ બધાં પદાર્થો આદિ અને અંતવાળાં છે. હે યશસ્વી નરેશ ! જ્યાં સ્વામિ-સેવકભાવ સ્થિર હોય, ત્યાં જ આજ્ઞાપાલન વગેરેનું નિયમ પણ લાગુ પડે છે. તમારા અને મારા વચ્ચે આ સંબન્ધ સ્થિર નથી, આમાં પરિવર્તન પણ થઇ શકે છે. ૧૧
‘તમે રાજા છો અને હું પ્રજા છું ’ આવા પ્રકારની ભેદ બુદ્ધિ માટે મને વ્યવહારના સિવાય બીજુ કોઇ પણ પ્રયોજન નથી દેખાતું. પરમાર્થ દૃષ્ટિથી જોવામાં આવે તો કોને સ્વામી કહેવા અને કોને સેવક કહેવા ? છતાં પણ હે રાજન્ ! તમને જો સ્વામીપણાનું અભિમાન છે તો બોલો, હું તમારી શું સેવા કરું ? ૧૨
હે વીરવર ! હું તો મત્ત, ઉન્મત્ત અને જડની સમાન પોતાની મસ્તિમાં રહું છું. મને દંડ આપીને તમને શું મળશે ? જો હું વાસ્તવમાં જડ અને પ્રર્માંઈી જ હોવું, તો પણ મને શિક્ષા આપવી એ તો પીસેલાને ફરી પીસવાની જેમ વ્યર્થ જ થશે. મને દંડ આપીને તમે ચતુર ચાલાક તો નહીં બનાવી શકો. ૧૩
શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત્ ! મુનિવર જડભરત યથાર્થ તત્ત્વનો ઉપદેશ કરતાં કરતાં આટલો ઉત્તર આપીને મૌન થઇ ગયા. આ જડભરતજીનાં વચનો સાંભળી રહૂગણ રાજાનું દેહાત્મબુદ્ધિના હેતુભૂત અજ્ઞાન નિવૃત્ત થઇ ગયું હતું. તેથી તેઓ પરમ શાંત થઇ ગયા હતા. તેથી આટલું કહીને, ભોગ દ્વારા પ્રારબ્ધનો ક્ષય કરવા માટે તેઓ ફરી પાછા પહેલાંની જેમ જ તે પાલખી લઇને ચાલવા લાગ્યા. ૧૪
હે પરીક્ષિત્ ! આ બાજુ સિન્ધુસૌવીરનરેશ રહૂગણ પણ પોતાની ઉત્તમ શ્રદ્ધાને કારણે તત્ત્વજિજ્ઞાસાનો પૂર્ણ અધિકારી હતો. જ્યારે તેણે તે દ્વિજશ્રેષ્ઠના આ અનેક યોગ ગ્રન્થોથી સમર્થિત અને હ્રદયની ગ્રન્થિનું છેદન કરનાર વાક્ય સાંભળ્યાં, ત્યારે તે તત્કાળ પાલખીમાંથી નીચે ઊતરી ગયો. તેનો રાજમદ સંપૂર્ણ નષ્ટ થઇ ગયો અને તે તેમના ચરણોમાં મસ્તક રાખીને પોતાના અપરાધને ક્ષમા કરવા વિનવતો આ પ્રમાણે કહેવા લાગ્યો. ૧૫
રહૂગણ રાજા કહે છે- હે દેવ ! તમે દ્વિજનું ચિહ્ન યજ્ઞોપવીત ધારણ કરી રાખ્યું છે, તો બતાવો છુપાવેશમાં તમે કોણ છો ? શું તમો દત્તાત્રેય વગેરે અવધૂતોમાંથી કોઇ એક છો ? તમે કોના પુત્ર છો ? તમારો જન્મ ક્યાં થયો છે અને આહીં કયા કારણથી વિચરણ કરો છો ? જો તમે મારું કલ્યાણ કરવા માટે પધાર્યા છો, તો શું તમો સાક્ષાત્ સત્ત્વમૂર્તિ ભગવાન કપિલજી તો નથી ને ? ૧૬
મને ઇન્દ્રના વજ્રનો કોઇ ડર નથી અને મહાદેવજીના ત્રિશૂળથી ડરતો નથી, યમરાજના દંડથી પણ ડરતો નથી. અને અગ્નિ, સૂર્ય, ચન્દ્ર, વાયુ અને કુબેરના આયુધોથી પણ કોઇ ભય નથી; પરંતુ બ્રાહ્મણના અપમાનથી હું ઘણો ડરું છું. ૧૭ તેથી કૃપા કરીને બતાવો, આ પ્રમાણે પોતાની વિજ્ઞાન રૂપી શક્તિને છુપાવીને અજ્ઞાનીની જેમ વિચરનારા તમે કોણ છો ? વિષયોથી તો તમે સંપૂર્ણ અનાસક્ત જણાવો છો. તમારી કોઇ ઓળખાળ મળતી નથી. તો હે મહાત્મન્ ! તમારાં યોગયુક્ત વાક્યોનો બુદ્ધિ દ્વારા વિચાર કરવાથી પણ મારો સંશય દૂર થયો નથી. ૧૮ હું તો આત્મજ્ઞાની મુનિઓના પરમગુરુ અને સાક્ષાત્ શ્રીહરિની જ્ઞાનશક્તિના અવતાર યોગેશ્વર ભગવાન કપિલજીને એ પૂછવા માટે જઇ રહ્યો હતો કે આ લોકમાં એક માત્ર શરણ લેવા યોગ્ય કોણ છે. ૧૯ તો શું તમે જ તે કપિલમુનિ છો, કે જેઓ મનુષ્યોની દશા જોવા માટે આ પ્રકારે વિચરણ કરો છો ? ભલા ઘરમાં આસક્ત રહેનાર વિવેકહીન પુરુષ યોગેશ્વરોની ગતિને કેવી રીતે જાણી શકે ? ૨૦
( આ પ્રમાણે ભરતજીનો પરિચય પૂછીને હવે તેના કથનમાં શંકા કરીને રાજા રહૂગણ કહે છે) કર્મો કરવાથી દેહને શ્રમ પડે છે તેવું મેં યુદ્ધ વગેરે કર્મોમાં જોયું છે. તેથી મારું અનુમાન છે કે તમને પણ વજન ઊંચકવાથી અને રસ્તે ચાલવાથી અવશ્ય શ્રમ પહોંચ્યો હશે. (પરંતુ તમે તો કહ્યું હતું કે હું તો વજન ઊંચકનારો પણ નથી અને ચાલનારો પણ નથી, અને વ્યવહાર સિવાય મને કંઇ જણાતું નથી વગેરે) તો મને તો વ્યવહારમાર્ગ પણ સાચો જ જણાય છે, કારણ કે ફૂટેલા ઘડાથી પાણી લાવવું વગેરે કાર્ય થતું નથી, ૨૧ દેહ વગેરેના ધર્મોનો આત્મા પર કોઇ પ્રભાવ હોતો નથી, એવી વાત પણ નથી. ચૂલા પર મૂકેલી તપેલી જ્યારે અગ્નિથી તપવા લાગે છે ત્યારે તેમાં રહેલું પાણી પણ ઊકળવા લાગે છે; અને પછી તે પાણીથી ચોખાનો અંદરનો ભાગ પણ પાકી જાય છે. એ જ પ્રમાણે દેહ, ઇન્દ્રિય, અને અંતઃકરણના સાન્નિધ્યથી જીવનું સંસરણ થાય છે. જીવ તેનો તથા તેના શ્રમ વગેરેનો પણ અનુભવ કરે છે. ૨૨
તમે દંડ વગેરેનું વ્યર્થપણું બતાવ્યું, પણ રાજા તો પ્રજાનું શાસન અને પાલન કરવા માટે નિયુક્ત કરાયેલો તે પ્રજાનો સેવક જ છે. પરંતુ રાજા દ્વારા ઉન્મત્ત વગેરે લોકોને દંડ આપવો એ પિષ્ટપેષણ કહેવાય નહીં. કારણ કે પોતાના ધર્મનું આચરણ કરવું એ ભગવાનની સેવા જ છે, તેમ કરનારો માણસ પોતાના સમસ્ત પાપસમૂહને નષ્ટ કરી દે છે. ૨૩
“હે દીનબંધુ ! રાજવીપણાના અભિમાનથી ઉન્મત્ત થઇને મેં તમારા જેવા પરમસાધુની અવજ્ઞા કરી છે. હવે તમે મૈત્રીની ભાવના કરો અને એવી કૃપાદૃષ્ટિ કરો કે જેનાથી સાધુની અવજ્ઞા કરનાર એવો જે હું તે આ અપરાધમાંથી મુક્ત થાઉં. ૨૪ તમે દેહાભિમાન રહિત અને વિશ્વબંધુ શ્રીહરિના અનન્ય ભક્ત છો; તેથી સૌમાં સમદૃષ્ટિ છે. આપની અંદર માન અપમાનને કારણે કોઇ વિકાર થઇ શક્તો નથી. પરંતુ એક મહાપુરુષનું અપમાન કરવાને કારણે મારા જેવો મનુષ્ય, સાક્ષાત્ ત્રિશૂળપાણિ મહાદેવજી જેવો પ્રભાવશાળી હોવા છતાં પણ, પોતાના અપરાધને લીધે થોડા જ સમયમાં અવશ્ય નષ્ટ થઇ જશે.”૨૫
ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે જડભરત અને રહૂગણરાજાના સંવાદ નામનો દશમો અધ્યાય સંપૂર્ણઃ (૧૦)