અધ્યાય - : - ૧૨
રહૂગણે પૂછેલા પ્રશ્નોનું ભરતજીએ આપેલ સમાધાન.
રાજા રહૂગણ કહે છે - હે ભગવાન ! હું તમને નમસ્કાર કરું છું. ભગવાન જેવી રીતે લોકની રક્ષા માટે શરીર ધારણ કરે છે. તેવી રીતે તમે પણ આ સંસારમાં રહેતા પ્રાણીઓનો ઉદ્ધાર કરવા માટે જ આ શરીર ધારણ કર્યું છે. હે યોગેશ્વર ! પોતાના પરમ આનંદરૂપ આત્મસ્વરૂપનો અનુભવ કરીને તમે આ સ્થૂલ શરીરથી ઉદાસીન થઇ ગયા છો. તથા એક જડ બ્રાહ્મણના વેશથી પોતાના સદાય જ્ઞાનમય સ્વરૂપને સાધારણ મનુષ્યની નજરે અદૃશ્ય કરી રાખેલું છે. એવા આપને હું વારંવાર નમસ્કાર કરું છું. ૧ હે બ્રહ્મન્ ! જેવી રીતે તાવથી પીડાતા રોગી પુરુષ માટે ગળ્યું ઔષધ, અને તડકાથી તપેલા પુરુષ માટે શીતલ જળ અમૃતની સમાન હોય છે. તેવી રીતે દેહાભિમાનરૂપ ઝેરીલા સર્પે જેની વિવેકબુદ્ધિને ડંસી લીધી છે, તેવા મારા માટે તમારાં વચનો અમૃતની જેમ ઔષધી સમાન છે. ૨ હે દેવ ! હું તમારી પાસેથી મારા સંશયોની નિવૃત્તિ પછી કરાવી લઇશ, પણ પહેલા તો આ સમયે તમે જે અધ્યાત્મયોગમય ઉપદેશ આપ્યો છે તેને જ અતિ સરલ બનાવીને મને સમજાવો. તેને સમજવાની મને ઘણી ઉત્કંઠા છે.૩ હે યોગેશ્વર ! તમે એમ કહ્યું જે કે- ભાર ઉપાડવાની ક્રિયા તથા તેના લીધે શ્રમરૂપી જે ફળ થાય છે. તે બન્નેય પ્રત્યક્ષ હોવા છતાં પણ કેવળ વ્યવહારમૂલક જ છે. વાસ્તવમાં તે સત્ય નથી. તત્ત્વ વિચારની આગળ તેનું કાંઇ મૂલ્ય નથી. તેથી આ વિષયમાં મારું મન ભ્રમિત થઇ જાય છે. તમારા આ વચનનો મર્મ મને સમજમાં આવતો નથી.૪
જડભરતે કહ્યું- હે પૃથ્વીપતિ ! આ દેહ પૃથ્વીનો જ વિકાર છે, પથ્થર વગેરે પદાર્થથી તેનો શો ફરક છે ? જ્યારે આ શરીર કોઇ પણ કારણથી પૃથ્વી ઉપર ચાલવા લાગે ત્યારે તેનું ભારવાહક વગેરે નામ પડી જાય છે. જુઓ ! એનાં બે પગ છે, તેમના ઉપર ક્રમશઃ એડીઓ, પિડીંઓ, ઘૂટણો, જાંઘો, કમર, વક્ષઃસ્થળ, ગરદન, ખભા વગેરે વિવિધ અંગો છે.૫ ખભા ઉપર લાંકડાની પાલખી રાખી છે; તેમાં પણ સૌવીરરાજ નામનો એક પાર્થિવ વિકાર જ બેઠો છે. જેમાં આત્મબુદ્ધિરૂપ અભિમાન કરવાથી તમે ‘હું સિન્ધુ દેશનો રાજા છું’ આવા પ્રબળ મદથી આંધળા થઇ રહ્યા છો. ૬ પરન્તુ આનાથી તમારી કોઇ પ્રકારની શ્રેષ્ઠતા સિદ્ધ થતી નથી. વાસ્તવમાં તો તમે ઘણા ક્રૂર અને ધૃષ્ટ જ છો. તમે આ બિચારા દીનદુ:ખી કહારોને કેદમાં પકડીને પાલખીમાં જોડી દીધા છે; અને પછી મહાપુરુષોની ધર્મસભામાં મોટી મોટી તત્ત્વજ્ઞાનની વાતો કરો છો કે ‘હું લોકોનું રક્ષણ કરનારો છું’. આ તમને શોભતું નથી.૭-૮ આપણે જોઇએ છીએ કે જેટલાં નામ ભેદવાળા દેખાતાં આ સંપૂર્ણ ચરાચર ભૂતપ્રાણીઓ હંમેશાં પૃથ્વીમાંથી જ ઉત્પન્ન થાય છે અને પૃથ્વીમાં જ લીન થઇ જાય છે; તેથી તેમના ક્રિયાભેદને લીધે અલગ અલગ નામ પડી ગયાં છે. વાસ્તવમાં તેના સિવાય વ્યવહારનું બીજુ શું મૂળ છે ? ૯ આ પ્રમાણે ‘પૃથ્વી’ શબ્દનો વ્યવહાર પણ ખોટો જ છે. વાસ્તવિક નથી; કારણ કે એ પોતાનું ઉપાદાન કારણરૂપ સૂક્ષ્મ પરમાણુઓમાં લીન થઇ જાય છે. અને જેના સંયોગથી પૃથ્વીરૂપ કાર્યની સિદ્ધિ થાય છે, તે પરમાણુઓ અવિદ્યાને લીધે મનથી જ કલ્પાયેલ છે. વાસ્તવમાં તેની પણ સત્તા નથી. ૧૦
(આ સમગ્ર પ્રપંચ ભગવાનની માયાનો જ ખેલ છે, તેનાથી અલગ તેની કોઇ સત્તા નથી.) આ પ્રમાણે બીજું પણ જે કંઇ સ્થૂળ-શૂક્ષ્મ નાનું-મોટું, કાર્ય-કારણ તથા ચેતન અને અચેતન વગેરે ગુણોથી યુક્ત ભેદવાળું પ્રપંચ દેખાય છે- તેને પણ દ્રવ્ય, સ્વભાવ, આશય, કાળ અને કર્મ વગેરે નામોવાળી ભગવાનની માયાનું જ કાર્ય સમજો. ૧૧ વિશુદ્ધ પરમાર્થરૂપ, અદ્વિતીય તથા અંદર-બહારના ભેદથી રહિત પરિપૂર્ણ જ્ઞાન જ સત્ય વસ્તુ છે. તે સર્વ-અંતર્વર્તી અને સર્વથા નિવિર્કાર છે. તેનું જ નામ ‘ભગવાન’ છે. અને તેને જ પંડિતજનો ‘વાસુદેવ’ નામથી કહે છે. ૧૨
હે રહૂગણ ! તે જ્ઞાનરૂપ પરમાત્મા મહાપુરુષોના ચરણરજથી પોતાને નવડાવ્યા વિના કેવળ તપ, યજ્ઞ વગેરે વૈદિક કર્મ, અન્નાદિનું દાન, અતિથિઓની સેવા, ગરીબોની સેવા, વગેરે ગૃહસ્થોચિત ધર્માનુષ્ઠાન, વેદોનું અધ્યયન અથવા જળ, અગ્નિ અથવા સૂર્યની ઉપાસના વગેરે કોઇ પણ સાધન કરવાથી તે પરમાત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ૧૩ તેનું કારણ એ છે કે, મહાપુરુષોની લોકમાં સદાય પવિત્રકીર્તિ, શ્રીહરિના ગુણોની ચર્ચા થતી રહે છે તેથી વિષયોની વાત તો તેની પાસે આવી પણ શકતી નથી; અને જ્યારે ભગવાનની કથાનું નિત્યપ્રતિ સેવન કરવામાં આવે ત્યારે તે મોક્ષની ઇચ્છાવાળા પુરુષની પવિત્ર બુદ્ધિને ભગવાન શ્રીવાસુદેવમાં લગાડી દે છે.૧૪
હું પૂર્વજન્મમાં ભરત નામનો રાજા હતો. ઐહિક (આલોકના) અને પારલૌકિક (પરલોકના) બન્ને પ્રકારના વિષયોથી વિરક્ત થઇને ભગવાનની આરાધનામાં જ રત રહેતો હતો; છતાં પણ એક મૃગમાં આસક્તિ થઇ જવાથી મારે પરમાર્થમાંથી ભ્રષ્ટ થઇને આગલા જન્મમાં મૃગનો અવતાર લેવો પડ્યો હતો. ૧૫ પરન્તુ ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસનાના પ્રભાવથી તે મૃગયોનિમાં પણ મારી પૂર્વજન્મની સ્મૃતિ લુપ્ત થઇ ન હતી, એથી જ હું આ જન્મમાં જડભરત નામથી પ્રસિદ્ધ છું અને જનસંસર્ગથી ડરીને હમેશાં અસંગ ભાવથી ગુપ્તરૂપથી જ વિચરતો રહું છું. સારાંશ એ છે કે વિરક્ત મહાપુરુષોના સત્સંગથી પ્રાપ્ત થયેલા જ્ઞાનરૂપ ખડ્ગ દ્વારા મનુષ્યને આ લોકમાં જ પોતાના મોહબંધનને કાપી નાખવું જોઇએ. પછી શ્રીહરિની લીલાઓના કથન અને શ્રવણથી ભગવાનનું સ્મરણ કાયમ રહેવાને કારણે તે સહેલાઇથી જ સંસારમાર્ગને પાર કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. ૧૬
ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે રહૂગણને જડભરત દ્વારા જ્ઞાનોપદેશ વર્ણન નામનો બારમો અધ્યાય સંપૂર્ણઃ (૧૨)