મંત્ર (૯૧) ૐ શ્રી ઉપશમસ્થિતયે નમઃ
શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમે ઉપશમ સ્થિતિમાં રહો છો. ઇંદ્રિયોની વૃત્તિ અતર સન્મુખ કરે તેને ઉપશમ સ્થિતિ કહેવાય. કાચબો જેમ પોતાનાં અંગોને ચારે તરફથી સંકોચી લે છે, તેમ પોતાની ઇંદ્રિયોને શબ્દાદિક વિષયોમાંથી ખેંચીને સ્થિર કરે તેને ઉપશમ સ્થિતિ કહેવાય, આવી સ્થિતિ થવી બહુ કઠણ છે. ઉપશમ સ્થિતિને સ્થિતપ્રજ્ઞ પણ કહી શકાય. સ્થિતપ્રજ્ઞને કાઇે દુ:ખી કરી શક્તું નથી. કાઇે ભૌતિક વિપત્તિ આવે, કોઇ માનસિક પ્રવૃત્તિ આવે ત્યારે કાચબાની જેમ અંગો સંકોચી લેછે.
કાચબો નાનું પ્રાણી છે, કાચબો જ્યારે ચાલ્યો જાય, ત્યારે એની ડોક, એના પગ, બધું આપણે જોઇ શકીએ. એ કાચબાને એમ લાગે કે કોઇ આવેછે, એટલે પોતાની ડોક અને પગ અંદર સંકોચી પથ્થરની જેમ પડી રહે છે. તેમ ઉપશમ સ્થિતિમાં રહેનારને આ સંસારનાં ભૌતિક સુખો કે દુઃખો ચલાયમાન કરી શકતાં નથી. ગમે એવી વિપત્તિ આવે તો તેનું મન ઉદ્વેગ રહિત હોય છે, ચોતરફથી મનનો નિગ્રહ ભગવાનમાં કરે તેને ઉપશમ કહેવાય. જેમ ફૂવારામાંથી પાણી છૂટે તેમ અત:કરણમાંથી સંકલ્પ વિકલ્પ છૂટે છે. વૃત્તિ નવરી રહતી નથી, પણ એ વૃત્તિને ભગવાનનાં લીલા ચરિત્રમાં રાખે કીતર્ન ભજનમાં રાખે, એવા પ્રેમ ઘેલા બની જાય કે શરીરનું ભાન ન રહે. તમામ વૃત્તિઓ વિરામ પામે ત્યારે ઉપશમ સ્થિતિ પ્રાપ્ત થાય છે.
ભગવાન સ્વામિનારાયણ સદાય દેહથી વિલક્ષણ પણે રહીને પોતાના સ્વરૂપમાં સંલગ્ન રહે છે, ભગવાન પોતાના સ્વરૂપમાં રમણ કરે છે. તમારા આશ્રિતને તમારા સ્વરૂપમાં રમતા કરી દો છો, શરીરમાં રહેવા છતાં શરીરનું ભાન ભૂલાઇ જાય તેનું નામ ઉપશમ. આ મંત્રને વધારે સમજીએ તો એ અર્થ થાય છે, કે બ્રહ્મરૂપ બનીને ભક્તિ કરવી. બ્રહ્મરૂપ એટલે દેહથી જુદો છું આવી ભાવના. પોતાના મૂળ સ્વરૂપને જ્ઞાન દ્વારા ઓળખવું, દેહ ખોટો મનાયતો આત્મશાંતિમાં પ્રવેશ મળી જાય.
ભગવાનમાં અડગ શ્રદ્ધા અને વિશ્વાસ વિના ઉપશમ અવસ્થા થાય નહિ. દેહ ભાન ભૂલવું સહેલું નથી, એતો ગોપીઓ દેહ ભાન ભૂલી, ભગવાન પાછળ ઘેલી થઇ હતી. ગોવર્ધનભાઇ દેહ ભાન ભૂલીને ઉપશમ સ્થિતિમાં ગયા. જેથી એક માટલી સૂતરફેણી જમી ગયા છતાં કાંઇ ન થયું. પોતે જમ્યા ને ભગવાન તૃપ્ત થઇ ગયા. ગજબની વાત છે.
એક ગામમાં આત્મજ્ઞાની હરિભક્ત રહેતા ભાવિક ભક્ત હતા. અચાનક એમનાં પત્નીનું મૃત્યું થઇ ગયું, પાડોશી માણસની પણ સ્ત્રી મરણ પામી ગઇ. પાડોશી દુઃખી થઇને સતત રડ્યા કરતો પણ જ્ઞાની ભક્તને જરાય શોક થતો નથી. એ સમજે છે કે ધાર્યું બધું ભગવાનનું થાય છે. જે રીતે પાણીની પરબમાં ઘણા લોકો ભેગા થાય અને થોડીવારમાં સૌ જુદા જુદા માર્ગે ચાલ્યા જાય છે, એ રીતે અનેક નામવાળા અનેક જીવો એક ઘરમાં જન્મે છે. અંતે સર્વે જુદા જુદા ચાલ્યા જાય છે.
નદીના પ્રવાહમાં રેતીના કણો સદા અકેત્ર રહેતા નથી, તેમ જીવો પણ એકત્ર નથી રહેતા. આ જીવન પણ જળના તરંગ જેવું ચંચળ છે. મકાનના પાયા ઊંડા હોય છે. ઝાડનાં મૂળિયાં ઊંડા હોય છે. મનુષ્ય દેહનો પાયો કે મૂળ કાંઇ નથી. આપણે મકાન બનાવીએ ત્યારે કડિયાને કહીએ પાયા ઊંડા ખોદજો.
પણ તેમાં રહેનાર આ દેહનો તો બિલકુલ પાયો જ નથી, તો એનો પાયો ઊંડો કેમ થાય ? બ્રહ્મરૂપ બનીને ભક્તિ કરે તો ઊંડો પાયો થાય. ને જન્મ મરણ ટળી જાય, જ્ઞાની ભકતે પાડોશી ભાઇને કહ્યું તું રાત દિવસ તારી સ્ત્રી પાછળ રડ્યાજ કરે છે. તેથી શું તારી પત્ની પાછી આવશે ? નકામો શા માટે છાતી કૂટે છે ? પાડોશીએ કહ્યું, મને નવાઇ લાગે છે કે, મારાં પત્ની મરી ગયાં તો મારું ખાવાનું ને ઉંઘવાનું હરામ થઇ ગયું છે, મને કાંઇ ગમતું નથી, સંસાર સૂનો લાગે છે, ને તમને કેમ કાંઇ થતું નથી ? ત્યારે જ્ઞાની ભકતે કહ્યું-
મૂરખો માની રહ્યો છે મારું, તેમાં કાંઇ નથી તારું; સાત સાગર જેની ચોકી કરતા, ફરતું નીર ખારું;
ચૌદ ચોકડી રાજ્ય ચાલ્યું ગયું, રાવણાદિક વાળું રે. મૂરખો..
દુઃખને તો કોઇ દેખે નહિ ને, સુખ લાગે સારું; વેળા વેળાની છાંયડી તારી, બળી જાશે વારું રે. મૂરખો...
મારું મારું શું કામ કરો છો ? કોઇ વહેલા કોઇ મોડા અંતે બધાને જવાનું જ છે. હવે તમે તમારાં પત્ની પાછળ ન રડો. હવે તમે તમારા જીવને માટે રડો કે મારે મારા જીવની મુક્તિ કરવી છે. દાંત જાય, આંખો જાય, શરીરની શક્તિ જાય પણ એકતૃષ્ણા જતી નથી. કોણ જાણે એનાં મૂળિયાં કેટલાં ઊંડાં છે ! ખેતરમાં ઝાડનાં ઠૂઠાં હોય તે ટ્રેકટરથી ખેડીને કાઢી શકાય પણ માયાનાં મૂળિયાં ટ્રેકટરથી નહિ કાઢી શકાય સમજણથી કાઢી શકાશે, સત્સંગથી કાઢી શકાશે. એને કાઢવા માટે શું કરવું ? સાંભળો.... ભગત શું કહે છે !
હરિ ભજનમાં હેત જ રાખો, સ્મરણ કરો સારું,
ભોજો ભગત કહે રાખો હૃદયમાં, પ્રભુ ભજન પ્યારું રે, મૂરખો...
જ્ઞાની ભગત સરખી રીતે સમજાવ્યા. તેથી સત્સંગ કરવા લાગ્યા અને મમતા ઓછી થઇ. કહેવાનો હેતુ કે પ્રભુ ઉપશમ સ્થિતિવાળા છે અને પોતાના ભક્તને બ્રહ્મરૂપ થઇને ભક્તિ કરવાનું કહે છે.