લટકાળો લટકંતો રે આવે, મોહન મોરલી વાતો રે (૪)

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 4:18pm

રાગ - ગરબી

પદ - ૧

લટકાળો લટકંતો રે આવે, મોહન મોરલી વાતો રે. ટેક.

સખાને સંગે અતિ ઊછરંગે, ગીત મધુરાં ગાતો રે. લટ ૧

કેસરીએ વાઘે કસુંબલ પાઘે, કેસર રંગમાં રાતો રે. લટ ૨

ફુલડાંના તોરા ગજરા ને ટોપી, ફુલડાંને હારે ફુલાતો રે. લટ ૩

નિષ્કુળાનંદનો સ્વામી શામળીયો, આવે અમીરસ ર્પાંઇો રે. લટ ૪

 

પદ - ૨

શામળીયો સ્નેહનો બાંધ્યો, આવે છે અલબેલો રે- શામ ટેક.

રંગમાં રાતો ને વાંસલડી વાતો, છોગાળો છેલછબીલોરે. શામ૦ ૧

અતિ પ્રસન્નવદન વાલાનું, અળવે ભર્યો અલબેલોરે. શામ૦ ૨

દર્શન દેવાને કાંઈક કેવા, રસબસ કરવા રસિલોરે. શામ૦ ૩

નિષ્કુળાનંદનો સ્વામી શામળીયો, આવે વાલપશું વહેલોરે. શામ૦ ૪

 

પદ - ૩

છબીલાની છબી જોઈને, મોહી રહ્યું મન મારું રે. ટેક.

નેણાં વિશાળ ને વાણી રસાળ, તે પર  તન મન વારુંરે. છબી૦ ૧

વા’લાનું વદન સુખનું સદન, શોભે છે સુંદર સારુંરે. છબી૦ ૨

જીવન જોઈ હું મનમાં મોહી, મીટે મટકું ન મારુંરે. છબી૦ ૩

નિષ્કુળાનંદના નાથને નિરખી, અંતરમાં ઉતારુંરે. છબી૦ ૪

 

પદ - ૪

છોગાળા  તારાં છોગલાં ઊપર, વાલમજી જાઉં વારી રે. ટેક.

નટવર નાગર સુખના સાગર, મન માન્યા મોરારી રે. છોગા૦ ૧

કા’ન ગોવાળ ને વાંસળીવાળા,  તમે મીરાંત્ય છો મારી રે. છોગા૦ ૨

નંદનાલાલા લાગો અતિ વાલા, ગુણવંતા ગિરધારી રે. છોગા૦ ૩

નિષ્કુળાનંદના સ્વામી શામળીયા, હું છું દાસી  તમારી રે. છોગા૦ ૪

Facebook Comments