મારે આનંદનો દિન આજ રે, પ્રભુ પ્રગટ્યા કલ્યાણને કાજ રે (૧)

Submitted by swaminarayanworld on Tue, 12/04/2016 - 9:28pm

રાગ : ગરબી

પદ-૧

મારે આનંદનો દિન આજ રે, પ્રભુ પ્રગટ્યા કલ્યાણને કાજ રે...૧

વા’લો અનંત બ્રહ્માંડના ઈશ રે, શી શોભા વખાણું જગદીશ રે...૨

સહજાનંદ ચાખડિયે ચડિયા રે, વેઢ દશે આંગળિયે જડિયા રે...૩

હેમ-કડાં ને બાજુબંધ રે, મુખ શોભે પૂનમકો ચંદ રે...૪

પહેરી ઊભા પીતાંબર જામા રે, મુખ મરકે ને આવે હરિ સામા રે...૫

અંગરખે જડેલ લાલ બુટી રે, જેમ કિરણું સૂરજની ફૂટી રે...૬

વા’લે પામરીની પલવટ વાળી રે, માંહિ રાખી છે વેણ રસાળી રે...૭

કેડે શોભે સોનેરી ફેંટો રે, રૂડો લાગે રૂમાલ ને રેટો રે...૮

કંઠે કૌસ્તુભમણિની માળા રે, ફૂલ્યા ઊભા છે કા’ન ગોવાળા રે...૯

કાનુમાં કુંડલિયા છાજે રે, હરિને માથે મુગટ બિરાજે રે...૧૦

કલગીએ હીરા ઝળકે રે, જેમ વીજ અષાડી ચળકે રે...૧૧

વા’લો ચાલે ચટકતી ચાલે રે, હરિને ગલિયાં પડે છે બેઉ ગાલે રે...૧૨

આવી હીંચે હિંડોળા ખાટે રે, જન આવે દર્શન કરવા માટે રે...૧૩

છબી નીરખીને ચરણે પડે રે, પૂજા અત્તર ચંદનની ચડે રે...૧૪

ઊડે અબિલ ગુલાલ અપાર રે, નાવે પિચકારીનો પાર રે...૧૫

હરિને છાંટ્યા કેસરિયા ઘોળી રે, વા’લો હોંશે રમાડે હોળી રે...૧૬

વિધ વિધનાં તે વાજાં વાજે રે, નગારાં ત્રંબાળુ ગાજે રે...૧૭

વા’લો જમાડ્યાની જુક્તિ જાણે રે, ચંદનના ચોકા તાણે રે...૧૮

વા’લો પીરસે ને પસારે રે, ન જમે તો લાડવે મારે રે...૧૯

પંગતમાં પાંચવાર ફરિયા રે, વા’લો સર્વે સંતોને મલિયા રે...૨૦

ત્યાં મચ્યો છે પ્રેમનો કીચ રે, સર્વે સંતો રમે છે હિંચ રે...૨૧

વા’લો હસીને પાડે તાળી રે, એવી લીલા અલૌકિક ભાળી રે...૨૨

એની શોભા તે શી વખાણે રે, ભૂમાનંદ પરમ સુખ માણે રે...૨૩

Facebook Comments