અધ્યાય - ૯ - આખા અને પિપલાણા ગામે એક સાથે છ માસ સુધી બે સ્વરૂપે થઇ શ્રીહરિએ વિષ્ણુયાગનો ઉત્સવ કર્યો.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:38am

અધ્યાય - ૯ - આખા અને પિપલાણા ગામે એક સાથે છ માસ સુધી બે સ્વરૂપે થઇ શ્રીહરિએ વિષ્ણુયાગનો ઉત્સવ કર્યો.

આખા અને પિપલાણા ગામે એક સાથે છ માસ સુધી બે સ્વરૃપે થઇ શ્રીહરિએ વિષ્ણુયાગનો ઉત્સવ કર્યો. યજ્ઞામાં હજારો વિદ્વાન બ્રાહ્મણોનું આગમન. શ્રીહરિનું મેઘપુરમાં આગમન. શ્રીહરિનું માણાવદરમાં આગમન.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે દશે દિશાઓમાં પ્રસરેલી સત્કીર્તિની અતિશય શોભાને ધારણ કરતા ભગવાન શ્રીસ્વામિનારાયણ પોતાના ભક્તજનોને અતિશય આનંદ ઉપજાવતા થકા કાલવાણી ગામમાં બે માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. પીપલાણા ગામથી નરસિંહવિપ્ર અને આખા ગામથી નારાયણજીવિપ્ર તે બન્ને ભક્તો એક સાથે કાલવાણી ગામે પધાર્યા.૧-૨

હે રાજન્ ! તે બન્ને ભક્તોએ શ્રીહરિને પોતાના ગામમાં પધારવાની એક સાથે જ પ્રાર્થના કરી, તે સમયે પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિએ તેમની પ્રાર્થના સ્વીકારી તેમના ગામે આવવાની પ્રતિજ્ઞા કરી.૩

પછી શ્રીહરિ કાલવાણીમાં પ્રબોધનીનો ઉત્સવ કરી, મુકુન્દ બ્રહ્મચારી તથા મુક્તાનંદ સ્વામી વિગેરે શિષ્યવૃંદની સાથે ત્યાંથી નીકળી ઓજસ્વતી નદીને કિનારે આવેલ આખા ગામે પધાર્યા. તેવી જ રીતે તેને તે દિવસે જ બીજા સ્વરૂપે પિપલાણા ગામે પણ પધાર્યા.૪

હે રાજન્ ! આ પ્રમાણે સમર્થ શ્રીહરિ બે સ્વરૂપ ધારણ કરી છ માસ સુધી બન્ને ગામમાં નિવાસ કરીને રહ્યા.૫

હે રાજન્ ! તે આખા અને પિપલાણામાં ભક્તજનો શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તેમાં નારાયણજી, રામજી, ગોવિંદ, કુંવરજી, નરસિંહ, પરમાનંદ, કલ્યાણ, કલો અને રઘુ આદિ અનેક વિપ્રભક્તો તથા અન્ય ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જાતિના ભક્તો પણ પ્રીતિપૂર્વક શ્રીહરિની સેવા કરતા હતા. અને બહેનોમાં જીવા, લાડિની, મીઠ્ઠી, રૂક્મા, લાડુ આદિ અનેક સ્ત્રીભક્તો પણ ભક્તિભાવપૂર્વક શ્રીહરિની સેવા કરતાં હતાં.૬-૭

ઉપરોક્ત સર્વે નરનારી ભક્તજનો કાળ, કર્મ અને યમના ત્રાસથી મુક્ત કરવામાં ચતુર અને સમર્થ એવા ભગવાન શ્રીહરિની અપાર કરૂણાથી સમાધિમાં સ્વતંત્રતા પામ્યાં.૮

તે સમયે શ્રીહરિએ પીપલાણામાં કાર્તિક સુદ પૂર્ણિમાને દિવસે ભક્તિમાતાના જન્મોત્સવની સાથે મોટો ઉત્સવ ઉજવ્યો. તે ઉત્સવ નિમિત્તે સર્વે ભક્તજનોએ વસ્ત્ર, આભૂષણ, ધન આદિ ઉપહારોની સાથે ચંદન પુષ્પાદિકથી શ્રીહરિનું પૂજન કર્યું.૯

હે રાજન્ ! તે સમયે ઉદાર બુદ્ધિવાળા નરસિંહ વિપ્ર ભગવાન શ્રીહરિની આગળ મોટો ધનનો ઢગલો કર્યો. તે જોઇ સર્વે અતિશય વિસ્મય પામ્યા, અને તે ધનથી શ્રીહરિએ ઓજસ્વતી નદીને કિનારે મોટા વિષ્ણુયાગ યજ્ઞાનું આયોજન કર્યું. તેમાં દેશાંતરોમાંથી હજારો ભક્તજનો પધાર્યા અને શ્રીહરિએ ઉત્તમ વિદ્વાન બ્રાહ્મણો પાસે વિધિવત્ યજ્ઞાકુંડ અને મંડપાદિની રચના કરાવી. અને ઉત્તમ મહામૂલ્ય ઉપચારોથી ભગવાન શ્રીવિષ્ણુનું પૂજન કર્યું.૧૦-૧૨

યજ્ઞામાં હજારો વિદ્વાન બ્રાહ્મણોનું આગમન :-- હે રાજન્ ! તે યજ્ઞામાં શ્રીહરિના નિમંત્રણથી વેદ, શાસ્ત્રો અને પુરાણોમાં પારંગત તથા શ્રૌત અને સ્માર્ત કર્મો કરવામાં નિષ્ણાંત હજારો વિદ્વાન બ્રાહ્મણો પધાર્યા.૧૩

તે સમયે ભગવાન શ્રીહરિ તે વિદ્વાનોમાંથી કોઇ વિપ્ર પાસે વૈષ્ણવી ગાયત્રીનો જપ કરાવતા. તો કોઇ વિપ્ર પાસે બાર અક્ષરના મંત્રનો જપ કરાવતા. તો કોઇ વિપ્રો પાસે છ અક્ષરના મંત્રનો જપ કરાવતા.૧૪

કોઇની પાસે વિષ્ણુના અષ્ટાક્ષરમંત્રનો જપ કરાવતા, તો કોઇની પાસે વિષ્ણુસૂક્તનો પાઠ કરાવતા. કોઇની પાસે લક્ષ્મીસૂક્ત તો કોઇની પાસે વિષ્ણુસહસ્રનામનો પાઠ કરાવતા. કોઇ વિપ્ર પાસે નારાયણ કવચનો પાઠ, તો કોઇ બ્રાહ્મણ પાસે શ્રીમદ્ભગવદ્ ગીતાનો પાઠ કરાવતા.૧૪-૧૬

કોઇ બ્રાહ્મણ પાસે શ્રીહરિ શ્રીમદ્ ભાગવતપુરાણનો પાઠ કરાવતા, તો કોઇ પાસે માત્ર એક દશમ સ્કંધનો પાઠ કરાવતા. કોઇની પાસે વાસુદેવમાહાત્મ્યનો પાઠ કરાવતા તો કોઇવિપ્રો પાસે કઠવલ્લી અને મુંડક ઉપનિષદોના પાઠ કરાવતા. તેમજ કેટલાક બ્રાહ્મણો પાસે પોતાના સામવેદની પારાયણ પણ કરાવતા હતા. અને સ્વયં ભગવાન શ્રીહરિ શ્રીકૃષ્ણના અષ્ટાક્ષરમંત્રનો જપ કરતા હતા.૧૭-૧૯

હે રાજન્ ! આ રીતે ભગવાન શ્રીહરિએ વિષ્ણુયાગમાં આહુતિઓ અર્પણ કરી યજ્ઞાની પૂર્ણાહુતિ કરી હજારો વિપ્રોને ભોજન કરાવ્યાં. ત્યાર પછી તેઓને વસ્ત્ર, આભૂષણ, ધન વગેરે તથા અન્ય મનોવાંચ્છિત પદાર્થોનાં દાન કર્યાં.૨૦

તેવી જ રીતે શ્રીહરિએ સેંકડો વિપ્રોને કન્યાદાન અર્થે તથા વિપ્ર બટુકોના ઉપનયન સંસ્કારને અર્થે ઘણા ધનનું દાન કર્યું.૨૧

વળી ભગવાન શ્રીહરિએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સેંકડો દૂઝણી ગાયોનાં પાત્ર વિપ્રોને દાન કર્યાં. તથા રથ, અશ્વ, પાલખી, ગાડું આદિ વાહનોનાં તથા સુવર્ણમુદ્રિકાનાં પણ પાત્ર વિપ્રોને ખૂબજ દાન કર્યાં.૨૨

હે રાજન્ ! પછી શ્રીહરિએ સૌરાષ્ટ્ર દેશના તથા અન્ય આવેલા હજારો બ્રાહ્મણોને છ માસ પર્યંત ઇચ્છિત ભોજનો કરાવી તૃપ્ત કર્યા.૨૩

શ્રીહરિનું મેઘપુરમાં આગમન :-- હે રાજન્ ! મનુષ્યોથી ન થઇ શકે તેવાં લીલાચરિત્રોને કરતા ભગવાન શ્રીહરિ ભક્તજનોને આનંદ ઉપજાવતા જેઠ સુદ દશમના શુભ દિવસે દશેરા ઉત્સવ ઉજવી આખા અને પિપલાણા ગામેથી નીકળી એક સ્વરૂપે મેઘપુર પ્રત્યે જવા નીકળ્યા.૨૪

તે સમયે પોતાને વળાવવા પાછળ અનુસરતા નરસિંહ વિપ્ર આદિ ભક્તોને પાછા વાળી મેઘપુર ગામેથી પોતાને લેવા આવેલા ભક્તોની પ્રાર્થના સાંભળી તેઓની સાથે ભગવાન શ્રીહરિ મેઘપુર પધાર્યા.૨૫

હે રાજન્ ! તે મેઘપુરમાં જેઠો, રઘુનાથ વગેરે બ્રાહ્મણો અને ભાટજ્ઞાતિના અમરસિંહ ભક્ત પોતાના પુત્ર રણછોડ, નંદ તથા કૃષ્ણ આદિ પરિવાર સાથે શ્રીહરિનું સેવન કર્યું.૨૬

રામજી, જીવો અને નારાયણજી આદિ સોની ભક્તો તથા લાડકી, વાલ્લી આદિ સ્ત્રી ભક્તો પણ શ્રીહરિની સેવા કરતી હતી.૨૭

હે જનાધિપ ! મેઘપુરના આ સર્વે ભક્તજનો ભગવાન શ્રીનારાયણની નિરતિશય દયાના કારણે અનેક પ્રકારની યોગકળાઓમાં સ્વતંત્રતા પામ્યા હતા.૨૮

ત્યાં નિવાસ દરમ્યાન રવજી નામના બ્રાહ્મણને બહુ દ્રવ્ય આપી ભગવાન શ્રીહરિએ ઋણના દુઃખમાંથી મુક્ત કર્યો હતો.૨૯

શ્રીહરિનું માણાવદરમાં આગમન :-- હે રાજન્ ! આ પ્રમાણે પોતાનો પ્રતાપ વિસ્તારતા શ્રીહરિ મેઘપુરમાં બે માસ પર્યંત નિવાસ કરીને રહ્યા પછી ત્યાંથી માણાવદર નગરમાં પધાર્યા. ત્યાં મયારામ વિપ્રને ઘેર ઉતારો કર્યો.૩૦

ત્યારપછી મયારામ વિપ્ર નાનાભાઇ ગોવિંદરામ વિપ્રને સાથે રાખી શ્રીહરિનું પૂજન કરી સેવા કરવા લાગ્યા. અને આંબો, જીવો, શામજી, કલ્યાણજી, લક્ષ્મણ અને જશો આદિ વૈશ્યભક્તજનો હતા તે પણ અતિ હર્ષથી શ્રીહરિની સેવા પૂજા કરવા લાગ્યા, બીજી બહેનો ભક્તો મીઠી, રત્નવતી આદિ સ્ત્રીઓ હતી તે પણ ભગવાન શ્રીહરિની પ્રતિદિન પ્રેમથી સેવા કરવા લાગ્યાં.૩૧-૩૩

હે રાજન્ ! ચારે તરફ પોતાનો યશ વિસ્તારતા અને ભક્તજનોને ખૂબજ આનંદ ઉપજાવતા શ્રીનારાયણમુનિએ પૂર્વે જેમ માંગરોળપુરમાં જનમાષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો હતો તેવો જ મોટો ઉત્સવ માણાવદરમાં સંવત ૧૮૬૦ ના શ્રાવણવદ અષ્ટમીના દિવસે ઉજવ્યો. તે સમયે શ્રીહરિના દર્શનની ઇચ્છા ધરાવતા સર્વે ગૃહસ્થ ભક્તજનો પોતપોતાના સ્ત્રીઆદિ પરિવારની સાથે તે ઉત્સવમાં પધાર્યા તથા અન્ય સર્વે ત્યાગી એવા સાધુ તથા બ્રહ્મચારીઓ પણ પધાર્યા.૩૪-૩૫

હે રાજન્ ! તે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીહરિએ સર્વ ભક્તજનોની સાથે ઉપવાસ કર્યો અને રાત્રીએ જાગરણ કર્યું તથા મધ્યરાત્રીએ ભગવાન શ્રીબાલકૃષ્ણલાલનું પૂજન કર્યું, તથા સર્વે સંતોનું પણ શ્રીહરિએ વિધિસર પૂજન કર્યું.૩૬

હે રાજન્ ! બીજે દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી શ્રીહરિએ પારણાં કર્યાં અને બપોર પછી મોટી સભાનું આયોજન કર્યું. શ્રીહરિના નિમંત્રણથી ત્યાં પધારેલા સર્વે ભક્તજનો તે સભામાં આવી પોતાના યથાયોગ્ય સ્થાને બેઠા. અને સર્વે સ્ત્રી ભક્તજનો હતાં તે પણ સભાના એક ભાગમાં પોતાની મર્યાદા પ્રમાણે બેઠાં.૩૭-૩૮

હે રાજન્ ! સર્વે જનોના એક ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રીનારાયણમુનિ મંદમંદ હાસ્ય કરતા તે સભાને મધ્યે દિવ્ય સિંહાસન ઉપર આવીને વિરાજમાન થયા અને સર્વ ભક્ત સમુદાયે ચંદન પુષ્પાદિ ઉપચારોથી પૂજન કર્યું. સુંદર ચંદન, અનેકવિધ પુષ્પના હારો તથા વસ્ત્રાલંકારોથી ભક્તજનો દ્વારા પૂજન કરાયેલા ભગવાન શ્રીહરિ મોટી સભામાં બેઠા છે. તેની સન્મુખ સંતો તથા સ્થાનિક ભક્તો તથા દેશાંતરમાંથી પધારેલા ભક્તો પણ બેઠા છે. તે સમયે વિનયપૂર્વક બન્ને હાથ જોડી નમસ્કાર કરીને મયારામ વિપ્ર શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા.૩૯-૪૦

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં આખા અને પિપલાણા ગામે મહાવિષ્ણુયાગનું અનુષ્ઠાન કર્યું અને છેલ્લે માણાવદરપુર પધાર્યા એ નામે નવમો અધ્યાય પૂર્ણ થયો. ।। ૯ ।।