અધ્યાય - ૨ - રાજાના પ્રશ્ન પછી સુવ્રતમુનિએ મુકુન્દાનંદ બ્રહ્મચારી આદિ સેવકોની સેવા-વ્યવસ્થાનું કરેલું નિરૂપણ.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 5:09pm

અધ્યાય - ૨ - રાજાના પ્રશ્ન પછી સુવ્રતમુનિએ મુકુન્દાનંદ બ્રહ્મચારી આદિ સેવકોની સેવા-વ્યવસ્થાનું કરેલું નિરૂપણ.

રાજાના પ્રશ્ન પછી સુવ્રતમુનિએ મુકુન્દાનંદ બ્રહ્મચારી આદિ સેવકોની સેવા વ્યવસ્થાનું કરેલું નિરૃપણ.

પ્રતાપસિંહ રાજા પૂછે છે, હે બ્રહ્મન્ ! મન અને કાનને અતિશય પ્રિય લાગે એવા પરમાત્મા શ્રીહરિકૃષ્ણનાં ચરિત્રો સાંભળતાં મારા મનને લેશમાત્ર તૃપ્તિ થતી નથી.૧

તેથી પોતાના ભક્તજનોની વિપત્તિઓનો વિનાશ કરવાના સ્વભાવવાળા ભગવાન શ્રીહરિનાં ચરિત્રો સાંભળવાની મારા મનમાં નિરંતર ઇચ્છા વર્તે છે. કારણ કે તે પદે પદે અમૃતપાનની માફક નવીન ને નવીન લાગે છે.૨

હે મુનિ ! જે ભક્તજનો રાત્રીદિવસ ભગવાન શ્રીહરિની સેવામાં તત્પર રહેતા, તે ભક્તજનોની મધ્યે કયા ભક્ત ભગવાન શ્રીહરિની કઇ સેવા કરતા તે કથા મને સંભળાવો.૩

તથા હે મુનિ ! દુર્ગપુરમાં નિવાસ કરતા શ્રીહરિએ ત્યાં જે જે ચરિત્રો કર્યાં તે સર્વે ચરિત્રો મને સંભળાવો.૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિની સમગ્ર સેવા બહુધા તો બહાર અંદર પવિત્ર જીવનવાળા મુકુન્દાનંદ બ્રહ્મચારી જ સમયે સમયે કરતા રહેતા.૫

કામદેવ ઉપર વિજય મેળવનારા એ મુકુન્દાનંદ બ્રહ્મચારી ભગવાન શ્રીહરિને સ્નાનવિધિ કરાવતા, ચરણચંપી કરતા અને શયન માટે ઢોલિયા ઉપર ઓછાડે સહિત પથારી તૈયાર કરતા. બીજી ઘણી સેવા કરતા પણ આ ત્રણ વિશેષ પણે કરતા.૬

હે રાજન્ ! બહાર અંદર પવિત્ર અને તેજસ્વી જીવન જીવતાં ઉત્તમરાજાનાં મોટાં બહેન જયાબા પ્રાતઃકાળે અને સાયંકાળે ઉન્મત્ત ગંગામાંથી ઘાટાં વસ્ત્રથી ગાળેલું જળ ભગવાન શ્રીહરિ માટે લાવવાની પ્રેમપૂર્વક સેવા કરતાં.૭

નારાયણાનંદ બ્રહ્મચારી શ્રીહરિને જળ પીવાના પ્યાલાએ સહિત જળભરેલું કમંડલુનું રક્ષણ કરતા અને શ્રીહરિને જ્યારે તૃષા લાગે ત્યારે તેમાંથી જળનો કટોરો ભરીને શ્રીહરિને પાન કરાવાની સેવા કરતા.૮

હે રાજન્ ! ગોપાળાનંદ બ્રહ્મચારી ભગવાન શ્રીહરિની કૃષ્ણપૂજામાં ઉપયોગી સોનારૂપાના પાદ્ય, અર્ઘ્ય, આચમનીય આદિ પાત્રોને માંજીને શુદ્ધ કરવાની સેવા કરતા.૯

હે રાજન્ ! વાસુદેવાનંદ બ્રહ્મચારી ભગવાન શ્રીહરિની ભગવત્પૂજા માટે ઉપયોગી ચંદન ઘસીને પ્રતિદિન તૈયાર કરી આપવાની સેવા કરતા.૧૦

ઉમાભાઇ અને નાથજી આ બન્ને ભક્તો પ્રતિદિન બગીચામાંથી ભગવાનની પૂજા માટે અનેક પ્રકારનાં પુષ્પો તથા તુલસીપત્રો લાવી આપવાની શ્રીહરિની નિરંતર સેવા કરતા.૧૧

હે રાજન્ ! અખંડાનંદ બ્રહ્મચારી અતિશય સાવધાનીપૂર્વક પૂર્વોક્ત ભક્તોએ લાવી મૂકેલાં પુષ્પો તથા તુલસીપત્રો આદિ સમસ્ત ઉપચારોને શ્રીહરિની પૂજાના સમયે સમીપે હાજર રહી સત્વરે શ્રીહરિને આપવાની સેવા કરતા.૧૨

હે રાજન્ ! ઉત્તમરાજાનાં બહેન લલિતાબા (લાડુબા) ઘઉંનો લોટ, ભાતના ચોખા, તુવેરદાળ વગેરે કાચુ અન્ન શુદ્ધ કરીને તથા ઘી, તેલ, દૂધ આદિ ગાળીને તથા સાકર, શાક, ફળ આદિ શુદ્ધ કરીને પ્રતિદિન શ્રીહરિને રસોઇ કરવા તેમની સમીપે મોકલી આપવારૂપ સેવા કરતાં.૧૩

હે રાજન્ ! ઉત્તમરાજાનાં બહેન પાંચાલી (પાંચુબા) શ્રીહરિની પાકશાળા જે રસોડું તેને અતિશય ભાવપૂર્વક ગાર, છાણ વગેરેથી લીંપવારૂપ સેવા કરતાં. નાનુબા શ્રીહરિને નિવાસ કરવાના ભવનની પ્રતિદિન સફાઇ કરવાની સેવા કરતાં.૧૪

સોમાદેવી અને સુરપ્રભા આ ઉત્તમરાજાની બન્ને માતાઓ ભગવાન શ્રીહરિના રહેવાના અક્ષરભુવનને પ્રથમ સામાન્ય છાણ તથા માટીથી લીંપી સુકાયા પછી તેને ઉજળું કરવા શ્વેત માટીમાં છાણનું મિશ્રણ કરી ફરી લીંપવાની સેવા કરતાં.૧૫

હે રાજન્ ! દયાનંદ અને ગોવિંદાનંદ આ બન્ને બ્રહ્મચારી વનમાંથી હોમ માટે સમિધ અને પવિત્ર દર્ભ ભગવાન શ્રીહરિ માટે લાવી આપવાની સેવા કરતા.૧૬

હરજી અને ઉકાખાચર આ બન્ને ભક્તો ભગવાન શ્રીહરિ માટે વાડીઓથી વૃંતાક આદિક શાક તથા ભોજનના પાત્રમાં ઉપયોગી કેળનાં પત્ર કે ખાખરાનાં પત્રો લાવી આપવાની સેવા કરતા. અને મિંયાજી નામના ભક્ત ભગવાન શ્રીહરિને રસોઇ બનાવવામાં ઉપયોગી સૂકાં કાષ્ઠ લાવી આપવાની સેવા કરતા.૧૭

રતનજી ભક્ત ભગવાન શ્રીહરિને રસોઇ કરવામાં ઉપયોગી ધાતુનાં પાત્રો ભસ્મ અને જળ આદિકથી માંજી સાફ કરી આપવાની સેવા કરતા. અને હમીરજી ભગત શ્રીહરિને માટે પાત્રો માંજવા માટે કે, શૌચાદિક વિધિ પછી હસ્ત-ચરણ ધોવા માટે વનમાંથી સરસ માટી લાવી આપવાની સેવા કરતા.૧૮

ગુમાનજી ભક્ત શ્રીહરિને માટે પ્રતિદિન બાવળ આદિનાં કોમળ દાતણ લાવી આપવાની સેવા કરતા તથા શિયાણી ગામના વિપ્રવર્ય શિવરામ વિપ્ર શ્રીહરિની ચરણપાદુકાને સાચવી રાખવાની સેવા કરતા.૧૯

માણાવદરના અત્યંત શુદ્ધબુધ્ધિવાળા મયારામ વિપ્ર ભગવાન શ્રીહરિને પહેરવા અને ઓઢવાનાં વસ્ત્રોની જાળવણી અને સાચવાણી કરી જે તે સમયે જરૂરી વસ્ત્રો આપવાની સેવા કરતા.૨૦

જયાનંદ નામના નૈષ્ઠિક બ્રહ્મચારી પ્રતિદિન ભગવાન શ્રીહરિનાં વસ્ત્રો ધોઇ, સૂકવી લઇ આવવાની આદરપૂર્વક સેવા કરતા.૨૧

હે રાજન્ ! ઉત્તમરાજાના ધાર્મિક નીતિએ અને સદ્બુદ્ધિએ સંપન્ન બે મંત્રીઓ એવા લાધા ઠક્કર અને હરજી ઠક્કર ભગવાન શ્રીહરિના ચરણે આવતી ભેટ આદિના ધનને લેવા અને શ્રીહરિની આજ્ઞા મુજબ ગરીબોને દાન દેવાની સેવા કરતા.૨૨

હે રાજન્ ! ભગવાન શ્રીહરિની સેવામાં સદાય તત્પર હેમંતસિંહ રાજા જે પંચાળાના ઝીણાભાઇ સમસ્ત હરિભક્તોને ભગવાન શ્રીહરિએ બાંધેલી ધર્મમર્યાદામાં વર્તાવવાની સેવા કરતા.૨૩

હે રાજન્ ! ઉત્તમરાજા દાસની પેઠે નિર્માની થઇ અવસર ઉપર સદા સાવધાન થઇ સર્વ પ્રકારની ભગવાન શ્રીહરિની સેવામાં તત્પર રહેતા.૨૪

ભગવાન શ્રીહરિના અગ્રગણ્ય સંત રામદાસભાઇ શ્રીહરિના સમસ્ત સેવકોને પોતપોતાની સોંપાયેલી સેવામાં સાવધાની રખાવવારૂપ સેવા કરતા.૨૫

હે રાજન્ ! પુરાણોમાં પ્રવીણ પુરાણી પ્રાગજી દવે ભગવાન શ્રીહરિની આગળ પ્રતિદિન ભોજન કર્યા પછીના સમયે મહાભારત, પુરાણો અને ધર્મશાસ્ત્રોના ગ્રંથોની કથા વાંચી સંભળાવવાની સેવા કરતા.૨૬

અને રાત્રીને વિષે નિત્યાનંદમુનિ શ્રીમદ્બાગવત પુરાણ, શ્રીમદ્બગવદ્ગીતા, શ્રીવિષ્ણુસહસ્ર નામ સ્તોત્ર અને શ્રીવાસુદેવ માહાત્મ્યની અવસરને અનુસારે ભગવાન શ્રીહરિ આગળ કથા વાંચી સંભળાવવાની સેવા કરતા.૨૭

હે રાજન્ ! ભગવાન શ્રીહરિની સેવામાં સદાય તત્પર રહેતા અને સાથે જ વિચરણ કરતા શુકાનંદમુનિ ભગવાન શ્રીહરિની આજ્ઞાને અનુસારે પત્રો લખવા અને શ્રીહરિનાં પુસ્તકોની સાચવણી કરવાની સેવા કરતા.૨૮

હે રાજન્ ! મહાન બુધ્ધિમાન મારા ગુરુવર્ય શ્રીશતાનંદમુનિ ભગવાન શ્રીહરિએ લેખન કરાવેલાં વેદાદિ આઠ સત્શાસ્ત્રોનું ભગવાન શ્રીહરિની આગળ જ બેસી યથાર્થ સંશોધન કરવાની સેવા કરતા અને હું જેની તમને કથા સંભળાવું છું તે શ્રીહરિના લીલારસથી ભરપૂર અને સત્સંગીઓના જીવનની ઔષધીરૂપ આ સત્સંગિજીવન ગ્રંથની તેમણે ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે રચના કરી છે.૨૯-૩૦

હે રાજન્ ! ભગવાન શ્રીહરિની સદાય સેવા કરતા ગોપાળાનંદ સ્વામી સર્વ સાધુ, બ્રહ્મચારી અને પાર્ષદોને પોતપોતાની ધર્મમર્યાદામાં વર્તાવવા અને તે સર્વેને સાક્ષાત્ શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન આપવું આદિ સત્સંગનાં અનેક કાર્યોમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે સેવા કરતા.૩૧

મહાબુદ્ધિશાળી અને સમગ્ર શાસ્ત્રોને ભણેલા, ગાયન વિદ્યામાં કુશળ અને કવિવર એવા મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી શ્રીહરિના મહાત્મ્ય-જ્ઞાને સહિત દિવ્ય ચરિત્રોથી ભરપૂર જુદી જુદી પ્રાકૃત ભાષામાં અનેક પ્રકારનાં છંદ અને પ્રબંધો કીર્તનોની રચના કરી ભગવાન શ્રીહરિને રાજી કરવાની સેવા કરતા. અને મુક્તાનંદ સ્વામી સંસ્કૃત ગ્રંથોની રચના કરીને પણ શ્રીહરિને રાજી કરતા.૩૨-૩૩

હે રાજન્ ! ગાયન કળામાં નિપુણ તથા બીન, સીતાર, સારંગ અને વીણા આ ચાર પ્રકારનાં તંતુવાદ્યોને વગાડવામાં પ્રવીણ એવા પ્રેમાનંદ સ્વામી ભગવાન શ્રીહરિનાં ચરિત્રોથી ભરપૂર પ્રાકૃત ભાષામાં પદોની રચના કરવાની સેવા કરતા.૩૪

કવિવર નિષ્કુળાનંદ સ્વામી શ્રીહરિના ગુણો અને ચરિત્રોથી ભરપૂર પ્રાકૃત પ્રબંધોની રચના કરવાની સેવા કરતા અને દયાનંદ સ્વામી અને ભુજના સુંદરજી સુથાર વગેરે ભક્તો પણ પ્રાકૃત પદોની રચના કરીને ભગવાન શ્રીહરિને રાજી કરવાની સેવા કરતા.૩૫

મહાપંડિત દીનાનાથ ભટ્ટ સંતોના સ્વામી ભગવાન શ્રીહરિને રાજી કરવા સંસ્કૃત ભાષામાં શ્રીહરિની પ્રાર્થના આદિકના અનેક પ્રકારના અષ્ટકો, સ્તોત્રો રચીને સેવા કરતા.૩૬

હે રાજન્ ! ગોવિંદાનંદ સ્વામી, અભેદાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી અને પ્રજ્ઞાનંદ સ્વામી આ પાંચ સંતો ભગવાન શ્રીહરિની આગળ બેસીને આદરપૂર્વક મુક્તાનંદ સ્વામી આદિ કવિવરોએ રચેલાં ભગવાન શ્રીકૃષ્ણનાં પદોનું સંકીર્તન કરી ભગવાન શ્રીહરિને રાજી કરવાની સેવા કરતા.૩૭-૩૮

હે રાજન્ ! મહાનુભાવાનંદ સ્વામી અને શરીરે દુર્બળ એવા આત્માનંદ સ્વામી તથા સ્વયંપ્રકાશાનંદ સ્વામી સર્વે કાર્યો કરવામાં કુશળ એવા આ ત્રણે સંતો શ્રીહરિનાં દર્શન માટે દેશદેશાંતરમાંથી આવતા સર્વે ભક્તો તથા સર્વ સંતોની યથાયોગ્ય સ્વાગત અને ઉતારા આદિની વ્યવસ્થા કરી આપવાની સેવા કરતા.૩૯-૪૦

હે રાજન્ ! આત્મદર્શી એવા નિરંજનાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, પરમચૈતન્યાનંદ સ્વામી, બીજા ગોવિંદાનંદ સ્વામી અને આત્મદર્શી કૃપાનંદ સ્વામી તથા ચૈતન્યાનંદ સ્વામી આ સાત સંતો ભગવાન શ્રીહરિને રાજી કરવા દેશાંતરમાંથી ભગવાન શ્રીહરિને દર્શને આવતા ભક્તજનોની આગળ શ્રીહરિની એકાંતિકી ભક્તિ દૃઢ કરે તેવી ભગવદ્વાર્તા પરમ આદરથી કરવાની પ્રતિદિન સેવા કરતા.૪૧-૪૩

હે રાજન્ ! મહાબુધ્ધિશાળી આનંદાનંદ સ્વામી પરમેશ્વર શ્રીહરિની ભક્તિરીતિને પ્રવર્તાવવા ભક્તિ કાયમ ટકી રહે તે માટે ભગવદ્ મંદિરોનાં નિર્માણકાર્યની સેવા કરતા.૪૪

હે રાજન્ ! શિલ્પકળામાં તથા ચિત્રકળામાં અતિશય કુશળ દેવરામ, નારાયણ અને હીરજી આ ભુજનગરના ત્રણે સુથાર ભક્તજનો તથા તેવા જ કુશળ આધારાનંદ સ્વામી એમ ચારે મળીને શ્રીહરિની ચિત્રની પ્રતિમા કે ધાતુની પ્રતિમા બનાવવાની સેવા કરતા.૪૫

હે રાજન્ ! વડથલ ગામના માહેશ્વરવિપ્ર અને અમદાવાદના દામોદર દાસ આ બન્ને વૈશ્ય ભક્તો દેશાંતરમાંથી ભગવાન શ્રીહરિનાં દર્શને આવતી સધવા, વિધવા સ્ત્રીભક્તજનોને યથાયોગ્ય ઉતારા પાણીની વ્યવસ્થા કરી આપવાની સેવા કરતા. અને સર્વે સ્ત્રીભક્તજનોની આગળ ભગવાન શ્રીહરિના મહિમાની વાતો કરવાની સેવા, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યે સંપન્ન અને તીવ્રતપશ્ચર્યા પરાયણ બાલયોગિની રમાદેવી કરતાં.૪૬-૪૭

હે રાજન્ ! કૃષ્ણદાસ અને રાજદાસ આ બન્ને વાણંદ ભક્તો રાત્રીને વિષે ભગવાન શ્રીહરિની આગળ મશાલ ધારણ કરવાની સેવા કરતા.૪૮

સરધારપુરના વયોવૃદ્ધ કરિમભક્ત શ્રીહરિનું દ્વારપણું કરતા અને શ્રીહરિનાં દર્શનની ઇચ્છાથી કોઇ ભક્તો આવે તેના વારંવારના સમાચારો ભગવાન સુધી પહોંચાડવા અને શ્રીહરિએ આપેલા જવાબ ભક્તો સુધી પહોંચાડવાની સેવા કરતા.૪૯

હે રાજન્ ! સોમલાખાચર, સુરાખાચર, ભગુજી, માનસિંહ, વીરજી, કેસરી, અલયોખાચર, લાખો, જાલમ, રવજી, માનજી, કમો અને ભીમો આદિક મહાશૂરવીર બસો ક્ષત્રિય ભક્તજનો ભગવાન શ્રીહરિના પાર્ષદ થઇ હાથમાં તલવાર લઇ શ્રીહરિની પાછળ-પાછળ ફરવાની સેવા કરતા.૫૦-૫૧

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિની સેવાથી જ અંતરમાં પોતાના મનુષ્ય જન્મનું સફળપણું માનતા મુકુન્દાનંદાદિ સર્વે ભક્તજનો અતિશય પ્રસન્ન થઇ રાત્રી દિવસ દાસભાવથી શ્રીહરિના સંબંધવાળી સેવા કરતા રહેતા. હે રાજન્ ! આવી સેવા પાંચ પ્રકારની મુક્તિ કરતાં પણ અધિક દુર્લભ છે. એ નિશ્ચિત બાબત છે.૫૨

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં ભગવાન શ્રીહરિની સેવા વ્યવસ્થાનું નિરૂપણ કર્યું એ નામે બીજો અધ્યાય પૂર્ણ થયો. --૨--