અધ્યાય - ૩૬ - ભક્તજનોને શીખવવા માટે શ્રીહરિએ એકાદશીવ્રતનું વિધિ પૂવક અનુષ્ઠાન કર્યું.
ભક્તજનોને શીખવવા માટે શ્રીહરિએ એકાદશીવ્રતનું વિધિપૂર્વક અનુષ્ઠાન કર્યું.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિના મુખ કમળથી એકાદશીનું માહાત્મ્ય અને તેનો સંપૂર્ણ વિધિ સાંભળીને સભામાં બેઠેલા સર્વે સંતો તથા ભક્તજનો પરમ આનંદ પામ્યા ને ધર્મનંદન ભગવાન શ્રીહરિને જ પોતાના હૃદયમાં સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન જાણતા તે સર્વે જનોએ તેમની આગળજ એકાદશીવ્રત કરવાનો નિયમ ગ્રહણ કર્યો.૧-૨
ત્યારે શ્રીહરિએ પોતાના આશ્રિત સર્વેને પોતપોતાના ઉતારે જવાની આજ્ઞા આપી. તેથી સર્વે ભક્તજનો શ્રીહરિના ચરણમાં વંદન કરી પોતાને ઉતારે ગયા અને ભગવાન શ્રીહરિ પણ પોતાની અક્ષર ઓરડીએ પધાર્યા.૩
એકાદશીના વ્રતનું યથાશાસ્ત્ર અનુષ્ઠાન કરવાની ઇચ્છાથી ભગવાન શ્રીહરિએ સ્નાન કર્યું અને પોતાના નિત્ય સેવ્ય સ્વરૂપ શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરીને તેમની આગળ જ 'હું એકાદશીનું વ્રત કરીશ,' એવો નિયમ ગ્રહણ કર્યો.૪
પછી બ્રાહ્મણો પાસે મહાનૈવેદ્યની સામગ્રી તૈયાર કરાવી, કેળના સ્થંભ આદિકથી પૂજામંડપની રચના કરાવી તથા પૂજાના ઉપચારો સર્વે ભેળા કરાવ્યા. ભગવાન શ્રીહરિએ પૃથ્વી પર થોડું શયન કર્યું. જ્યારે રાત્રીનો ત્રીજો પહોર સમાપ્ત થયો ત્યારે હજુતો યોગનિદ્રાનો સ્વીકાર કર્યો ન હતો ત્યાંજ ઉઠીને સ્વસ્વરૂપનું ધ્યાન કરી, પોતાની સમીપે રહેતા સંતો-ભક્તોની સાથે ઉન્મત્તગંગામાં સ્નાન કરવા પધાર્યા.૫-૭
શ્રીહરિએ પ્રથમ શૌચવિધિ કરી દાતણની જગ્યાએ બાર કોગળા કર્યા, ને ઉન્મત્તગંગામાં પ્રાતઃકાળના વિધિ પ્રમાણે સ્નાન કર્યું.૮
તેમજ સ્નાનના અંગભૂતદેવતાનું તર્પણ કરીને શ્રીવિષ્ણુ ભગવાનના પૂજન માટે ઉજ્જવળ કળશમાં ગાળીને ગંગાનું જળ ભરી ભીને વસ્ત્રે પોતાના ભવનમાં પધાર્યા.૯
હે રાજન્ ! સ્વયં શ્રીહરિએ અનેક શિષ્યો હોવા છતાં અને પોતે પરમેશ્વર હોવા છતાં પણ પોતાની સેવા કરતા ભક્તજનોને દાસધર્મ શીખવવા માટે સ્વયં જળ ભરીને પોતાના ભવનમાં લાવ્યા.૧૦
પછી સ્વયં શ્રીહરિ ભવનના બગીચામાંથી પુષ્પો તથા તુલસીપત્ર લાવ્યા ને હસ્ત ચરણની શુદ્ધિ કરી, ભીનાં વસ્ત્રો દૂર કરી સુંદર ધોયેલાં શ્વેતવસ્ત્રો ધારણ કર્યાં.૧૧
પછી રેશમના આસન ઉપર વિરાજમાન થઇ ગોપીચંદન વડે પાંચ ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યાં. આ પ્રમાણે પ્રાતઃકાળનો સંધ્યાવિધિ અને હોમ કરીને સંપ્રદાયના નિયમ પ્રમાણે પૂજાવિધિને જાણતા વેદના વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી, શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરવાનો પ્રારંભ કર્યો.૧૨-૧૩
ત્યારે તે સર્વે બ્રાહ્મણો પણ વિધિપૂર્વક શ્રીહરિની પાસે પૂજન કરાવવા લાગ્યા. તેમાં પ્રથમ શુભ સર્વતોભદ્રમંડળની રચના કરાવી.૧૪
હે રાજન્ ! પૂજાવિધિમાં પ્રવીણ બ્રાહ્મણોએ અનેકવિધ રંગોથી શોભતા મંડળની મધ્યે સુવર્ણના કળશનું સ્થાપન કર્યું. પાંચ આંબાનાં પત્ર મૂકી સૂક્ષ્મ વસ્ત્રથી વીંટેલા કળશ ઉપર રમણીય આચ્છાદન વસ્ત્ર પાથરી તેમના પર શોભાયમાન પાત્ર પધરાવ્યું.૧૫-૧૬
તેને ફરતા બાર પાંખડીવાળા કમળની અને તેમની વચ્ચે બીજા બાર પાંખડીવાળા નાના કમળની રચના કરાવી.૧૭
પછી પૂજા કરાવનારા બ્રાહ્મણોએ તે કમળના મધ્ય ભાગમાં લક્ષ્મીજીએ સહિત યોગેશ્વર ભગવાનની સુવર્ણની પ્રતિમાઓ પ્રાણપ્રતિષ્ઠાનો વિધિ કરી સ્થાપન કરી.૧૮
હે રાજન્ ! પછી ભૂદેવો સ્વસ્થ મને અન્ય અંગદેવતાઓ તથા ભગવાનના પાર્ષદોનું પણ દિશાઓના અનુક્રમે તંત્રશાસ્ત્રમાં બતાવેલા વિધિ પ્રમાણે સ્થાપન કર્યું. તેમાં પોતપોતાની શક્તિઓની સાથે કેશવાદિ અંગદેવતાઓની સ્થાપના પૂર્વ અધ્યાયમાં કહી તે પ્રમાણે બહારની અને અંદરની બારબાર પાંખડીઓમાં ક્રમાનુસાર કરાવી.૧૯-૨૦
હે રાજન્ ! તેમાં પ્રથમ પાંખડીમાં શ્રીદેવીની સાથે કેશવ ભગવાનની સ્થાપના કરી. તેથી આગળના પત્રમાં પ્રદક્ષિણાના ક્રમે પદ્માદેવીની સાથે નારાયણ ભગવાનની સ્થાપના કરી.૨૧
પછી નિત્યાદેવીની સાથે માધવ ભગવાનની સ્થાપના કરી. ચંદ્રાદેવીની સાથે ગોવિંદભગવાનની, રમાદેવીની સાથે વિષ્ણુભગવાનની, માધવીદેવીની સાથે મધુસૂદન ભગવાનની, પદ્માક્ષીની સાથે ત્રિવિક્રમ ભગવાનની, કમલાદેવીની સાથે વામન ભગવાનની, કાંતિમતીની સાથે શ્રીધર ભગવાનની સ્થાપના કરી. તેનાથી આગળની પાંખડીમાં અપરાજિતાની સાથે હૃષિકેશ ભગવાન, પદ્માવતી સાથે પદ્મનાભ ભગવાનની અને છેલ્લે રાધાદેવીની સાથે દામોદર ભગવાનની સ્થાપના કરી. આ બારે અંગદેવતાઓની બહારની મોટી પાંખડીમાં સ્થાપના કરી.૨૨-૨૪
આ કેશવાદિ દેવતાઓ માગસર આદિ બારે માસના સુદપક્ષની એકાદશીના અધિપતિઓ છે.૨૫
હે રાજન્ ! પછી બ્રાહ્મણોએ એજ રીતે અંદરના ભાગની પાંખડીમાં વદપક્ષની એકાદશીઓના અધિપતિ દેવતાઓની પોતાની શક્તિઓની સાથે સ્થાપના કરી.૨૬
તેમાં પૂર્વની પાંખડીમાં સુનંદાદેવીની સાથે સંકર્ષણ ભગવાનની સ્થાપના કરી. પછી પ્રદક્ષિણાના ક્રમે તેનાથી આગળના પત્રમાં હરિણીદેવીની સાથે વાસુદેવ ભગવાન, ધીદેવીની સાથે પ્રદ્યુમ્ન ભગવાન, સુશીલાદેવી સાથે અનિરૂદ્ધ ભગવાન, નંદાદેવી સાથે પુરુષોત્તમ ભગવાન, ત્રયીદેવીની સાથે અધોક્ષજ ભગવાન, ક્ષેમકરીદેવીની સાથે નરસિંહ ભગવાન, વિજ્યાદેવી સાથે અચ્યુત ભગવાન, સુંદરીદેવીની સાથે જનાર્દન ભગવાન, સુભગાની સાથે ઉપેન્દ્ર ભગવાન, હિરણ્યાદેવીની સાથે હરિ ભગવાન, અને સુલક્ષણાદેવીની સાથે શ્રીકૃષ્ણ ભગવાનની સ્થાપના કરી. આ પ્રમાણે વદપક્ષની એકાદશીના બારે દેવતાઓની સ્થાપના કરી.૨૭-૩૦
હે રાજન્ ! વિધિ કરાવનારા બ્રાહ્મણોએ આઠે દિશાઓમાં નંદ, સુનંદ આદિક પાર્ષદોની સ્થાપના કરાવી. વેદોક્ત મંત્રોથી ભગવાન શ્રીહરિ પાસે લક્ષ્મીજીએ સહિત યોગેશ્વર ભગવાનનું પૂજન કરાવ્યું.૩૧
તે સમયે શ્રીહરિએ પ્રથમ ડાબા પડખામાં વિરાજમાન તેમજ હસ્તમાં કમળને ધારી રહેલાં લક્ષ્મીજીએ સહિત યોગેશ્વર ભગવાનનું પોતાના હૃદય કમળમાં ધ્યાન કર્યું.૩૨
એ યોગેશ્વર ભગવાન કમળના આસન ઉપર વિરાજમાન છે. કાંઇક અર્ધ મીંચેલાં નેત્રોથી નાસિકાના અગ્રભાગમાં દૃષ્ટિ રાખી શ્વેત કમળપર બિરાજમાન થયા છે.૩૩
નવીન મેઘની સમાન સુંદર શ્યામ શરીરવાળા ચતુર્ભુજ મૂર્તિ, કંઠમાં ધારણ કરેલા કૌસ્તુભમણિથી અને અનેક આભૂષણોથી, તથા મસ્તક ઉપર ધારણ કરેલા મુકુટથી અત્યંત શોભી રહ્યા છે. મુખકમળની શોભા પણ મનોહર છે.૩૪
ખોળામાં ડાબા હાથ ઉપર જમણો હાથ મૂકી ધ્યાનમુદ્રામાં વિરાજમાન થયા છે. ત્યારે નીચેના ડાબા અને જમણા હસ્તમાં ધારવાના પદ્મ અને ગદા, તેમની સમીપે જ રહેલ છે, એવું ધ્યાન કર્યું.૩૫
અને ઉપરના બન્ને હાથમાં શંખ અને ચક્રનું ધ્યાન કરી શ્રીવાસુદેવ ભગવાનને વિષે પોતાનું મન સ્થિર કર્યું.૩૬
હે રાજન્ ! પછી શ્રીહરિએ એકાગ્ર મનથી આવાહન આદિ ષોડશોપચારથી પોતાના પ્રિય યોગેશ્વર ભગવાનનું પૂજન કરવા લાગ્યા.૩૭
તે સમયે તેમણે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવી નાની પૂજા કરી, ફરી મહાઅભિષેકના વિધિથી સ્નાન કરાવવા લાગ્યા.૩૮
પછી સુગંધીમાન કેસરયુક્ત ચંદન, શ્વેત ચોખા, તેમજ સુગંધીમાન પુષ્પોથી યોગેશ્વર ભગવાનનું પૂજન કર્યું. પછી દશાંગ ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કર્યું.૩૯-૪૦
હે રાજન્ ! તે નૈવેદ્યમાં તળેલાલાડુ, લક્કડશાઇ, ચુરમાના લાડુ, ઘેબર, માંડા, સુંહાળિયો, કંસાર, સેવ, દળનાલાડુ, વડાં, દૂધપાક, દૂધભાત, પેંડા, પૂરી, ખાજાં, માલપુવા, ગોળનાલાડુ, તલસાંકળી, જલેબી, હરિસો, ઘી, સાકર યુક્ત કેળાંનો રસ, મગદળ અને બીરંજ તેમજ અન્ય ભક્ષ્ય અને ભોજ્ય આદિ પદાર્થોનું નૈવેદ્ય ધરી મધ્યે પાણી પીવા માટે પવિત્ર જળ અર્પણ કર્યું. પછી ચળુ કરાવી હસ્ત, મુખકમળ ધોવરાવી નાગરવેલનું પાનબીડું અને નાળિયેર આદિ અનેક પ્રકારનાં ફળો અર્પણ કર્યાં.૪૧-૪૪
હે રાજન્ ! પછી ભગવાન શ્રીહરિએ કર્પૂરની મહાઆરતી કરી ત્યારે ભક્તજનોએ જયજયકારના ધ્વનિ સાથે વાજિંત્રોનો મહાઘોષ કર્યો અને આકાશમાં રહેલા દેવતાઓ પણ પોતાના દુંદુભિઓ વગાડતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા.૪૫-૪૬
ભગવાન શ્રીહરિએ આરતી પૂર્ણ કરી ભગવાન યોગેશ્વરને પુષ્પાંજલી અર્પણ કરી, નમસ્કાર કરી છેલ્લે પ્રાર્થના કરીને પૂજાની સમાપ્તિ કરી.૪૭
હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ ચોખાથી રચેલા આઠ પાંખડીવાળા કમળમાં ભક્તિ, શ્રદ્ધા આદિ પોતાના પરિવારે સહિત પિતા ધર્મદેવનું પણ સ્થાપન કરી વિધિપૂર્વક પૂજા કરી.૪૮
વ્રતના અંગભૂત દશપ્રકારનાં દાનો બ્રાહ્મણોને અર્પણ કર્યાં. પછી મધ્યાહ્નનો નિત્ય વિધિ કરી ઉત્સવમાં આવેલા ભક્તજનોને સિંહાસન ઉપર બેસી દર્શન આપવા લાગ્યા.૪૯
હે રાજન્ ! ધર્મનિષ્ઠ ભગવાન શ્રીહરિ આ ભારતવર્ષની ધરાપર ધર્મવિધિનું પ્રવર્તન કરવા શાસ્ત્ર અનુસાર સ્વયં તે વિધિનું અનુષ્ઠાન કરતા ધર્મમાં રહેલા પોતાના આશ્રિત સમસ્ત ભક્તજનોના સમૂહોને ખૂબજ આનંદ પમાડયા.૫૦
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં ભગવાન શ્રીનારાયણમુનિએ પ્રબોધનીના દિવસે એકાદશી વ્રતવિધિનું સંપૂર્ણ અનુષ્ઠાન કર્યું એ નામે છત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૬--