અધ્યાય - ૫૫ - ભગવાન શ્રીહરિની સાયંકાળની સંધ્યાવિધિની લીલા.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! એકાદશીને દિવસે સર્વે ભક્તજનોએ ઉપવાસ કર્યો. સ્વયં ભગવાન શ્રીહરિએ પણ ધર્મમર્યાદાનું સ્થાપન કરવા એકાદશીને દિવસે ઉપવાસ કર્યો.૧
રાત્રીના બીજા નાગદેવતા નામના મુહૂર્તથી આરંભીને દિવસના ચૌદમા અર્યમા નામના મુહૂર્ત પર્યંત ફાગણસુદ એકાદશીને દિવસે શ્રીહરિના પૂજનનો મહોત્સવ ઉજવાયો.૨
પછી પંદરમા ભાગ્ય નામના મુહૂર્તમાં સભામાં બેઠેલા બ્રાહ્મણોને સાયંતની સંધ્યાની ઉપાસના કરવા જવાની આજ્ઞા આપી. પોતાને સ્વધર્મનું પાલન અતિશય પ્રિય છે એમ જાણીને સર્વે બ્રાહ્મણો શ્રીહરિનો આદેશ થતાં સરોવરને તીરે ગયા.૩-૪
સભામાં બેઠેલા અન્ય સત્સંગીઓને પણ એક ઘડી વિસામો પ્રાપ્ત થાય તેવા હેતુથી સ્વયં ભગવાન શ્રીહરિ પણ ઊંચા આસન ઉપરથી નીચે ઉતરી, પોતાના નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યો.૫
ત્યારે સંતો તથા ભક્તજનો સર્વે પોતપોતાને ઉતારે ગયા. થોડીવાર વિસામો લઇ, જળપાન કરી, ફરી સભામાં આવી બેઠા.૬
શ્રીહરિની આજ્ઞાથી સંધ્યાવંદન કરવા ગયેલા વિપ્રો પણ નિત્ય કર્મ કરી તત્કાળ સભામાં આવ્યા અને પોતાના યોગ્ય સ્થાને બેસી ગયા.૭
શરણાગતના દુઃખનું નિવારણ કરતા શ્રીહરિ પણ કાંઇક વિશ્રાંતિ લઇ સંધ્યાવિધિ પૂર્ણ કરીને સભામાં આવતા હતા ત્યારે સ્વભાવિક ઉતાવળી ચાલે ચાલતા હતા, છતાં પાર્ષદો તેમની પાછળ દોડી રહ્યા હતા, ને ખભા ઉપર ધારણ કરેલું ઉત્તરીય વસ્ત્ર ચારે તરફ ઉડી રહ્યું હતું. આવી શોભાએ યુક્ત ભગવાન શ્રીહરિ સભામાં પધાર્યા અને સિંહાસન ઉપર વિરાજમાન થયા.૮
પછી ચારે બાજુ ભક્તજનોને નિહાળવા લાગ્યા, કેડ સાથે કછોટાને મજબૂત બાંધી શ્રીનારાયણ નામની ધૂન્યનો ઉચ્ચ સ્વરે ઘોષ કરી, હાથની તાલીઓ પાડવા લાગ્યા.૯
ત્યારે સર્વે સંતો, ભક્તો તથા બહેનો પણ શ્રીહરિના નામનું સંકીર્તન કરી તાલીઓનો નાદ કરવા લાગ્યાં. તેથી એક સાથે ઉત્પન્ન થયેલો સંકીર્તન તથા લાખો તાલીઓનો ધ્વનિ ત્રિલોકમાં વ્યાપી ગયો.૧૧
તે સમયે તાડીઓ પાડવા ઉપર ઉઠાવી રખેલા હાથથી જાણે વાયુના વેગથી ચલાયમાન ગુલાબનાં ફૂલોથી પૃથ્વી અલંકૃત થયેલી હોય તેમ શોભવા લાગી.૧૨
હે રાજન્ ! તાલીઓ પાડતા શ્રીહરિના હસ્તની પ્રકિયાને જોઇ શકવા કોઇ સમર્થ થયું નહિ.૧૩
એ અવસરે સભામાં હજારો દીવડાઓ પ્રગટાવ્યા હતા તેથી સભામાં ચારે તરફ પથરાયેલા દિવાના પ્રકાશ અને ચંદ્રમાના પ્રકાશને લીધે રાત્રી શોભવા લાગી.૧૪
તે સમયે વિઠ્ઠલદાસ અને કૃષ્ણદાસ ઊંચા કરેલા હાથમાં મશાલો ધારણ કરીને શ્રીહરિની બન્ને પડખે ઊભા રહ્યા.૧૫
ત્યારપછી નારાયણ નામનો ધ્વનિ સમાપ્ત કરવામાં આવ્યો ને સંતો તથા ભક્તજનોએ શ્રીહરિને નમસ્કાર કર્યા અને ભગવાન શ્રીહરિએ પણ સિંહાસન પર બેસી ભક્તજનોના અંતરમાં રહેલાં પોતાના સ્વરૂપને સભાને નમસ્કાર કર્યા.૧૬
શ્રીહરિની શીઘ્ર બેસવાની ચતુરાઈ નિહાળી વિસ્મય પામેલાં સંતો-ભક્તજનો નમસ્કાર કર્યા પછી સ્તુતિ કરવા લાગ્યા.૧૭
સંતોએ કરેલી ૧૦૮ નામની સ્તુતિ :- હે ગોવિંદ ! હે નારાયણ ! હે વાસુદેવ ! હે શ્રીકૃષ્ણ ! હે સંકર્ષણ ! હે પદ્મનાભ ! હે નર ! હે અનિરૂદ્ધ ! હે ઇશ્વર ! હે લોકનાથ ! હે હરિ ! હે મુકુન્દ ! હે આદ્ય ! તમોને અમારા વારંવાર નમસ્કાર છે. હે આનંદકંદ ! હે અચ્યુત ! હે સુંદર અંગોને ધારણ કરનારા ! હે દયાનિધિ ! હે માધવ ! હે મંગલાત્મા ! હે વિષ્ણુ ! હે ઋષિકેશ ! હે પર તથા અવર તત્ત્વોના સ્વામી ! હે પ્રદ્યુમ્ન ! હે પદ્મનાભ ! તમને અમારા વારંવાર નમસ્કાર છે.૧૮-૧૯
હે વિશુદ્ધ મૂર્તિ ! હે મધુસૂદન ! હે અજ ! હે દામોદર ! હે શ્રીધર ! હે સર્વવંદ્ય ! હે બ્રહ્મણ્યદેવ ! હે અક્ષર ! હે પૂર્ણકામ ! હે વિભુ ! હે પ્રભુ ! હે નાથ ! તમને અમારા વારંવાર નમસ્કાર છે.૨૦
હે વૈકુંઠ ! હે સત્યસ્વરૂપ ! હે ઉત્તમસ્વરૂપ ! હે ભૂમન્ ! હે હિરણ્યગર્ભ ! હે ત્રિકકૃદ્ ! (વરાહ અવતાર) હે કલાના ઇશ ! હે વિશ્વસ્વરૂપ ! હે ઉત્તમશ્લોક ! હે વિધિ ! હે મહર્ષિ ! હે પ્રાણના ઇશ ! હે વિશ્વેશ્વર ! તમને વારંવાર નમસ્કાર છે.૨૧
હે વૃષાકપિ ! હે કેશવ ! હે ધર્મસ્વરૂપ ! હે ધીર ! હે પવિત્ર યશને ધારણ કરનારા ! હે ભૂતપતિ ! હે પરાત્પર ! હે પવિત્ર અંગવાળા ! હે યજ્ઞાના ફળને આપનારા ! હે પવિત્ર કીર્તિને ધારણ કરનારા ! હે સુંદર બુદ્ધિવાળા ! હે પુરુષોત્તમ ! તમને અમારા વારંવાર નમસ્કાર છે.૨૨
હે અધોક્ષજ ! હે પોતાના ભક્તજનોનું શ્રેય કરનારા ! હે સુંદર નેત્રોવાળા ! હે દેવના અર્થને જાણનારા ! હે વેદને પ્રગટ કરનારા ! હે અવિનાશી તથા અવિકારી આત્મા ! હે અવ્યક્ત ! હે સત્યસ્વરૂપ ! હે ચૈતન્ય સ્વરૂપ ! હે પરસ્વરૂપ ! હે સોળ્યસ્વરૂપ ! હે જગતના હેતુભૂત ! હે આનંદસ્વરૂપ ! હે સર્વવિદ્યાના અધિપતિ ! તમને અમારા વારંવાર નમસ્કાર છે.૨૩
હે જ્ઞોય ! હે આદિદેવ ! હે ભક્તપ્રિય ! હે પૂજ્ય ! હે પરમ પ્રેમના આધાર ! હે પ્રજાના પતિ ! હે દેવોમાં શ્રેષ્ઠ ! હે સર્વ ! હે બ્રહ્મ ! હે અગુણ ! હે અગમ્ય ! હે સંતોના પૂજનીય સ્વરૂપ ! હે પ્રમાણ રહિત ! હે અપ્રમેય ! હે અધિપતિ ! તમને અમારા વારંવાર નમસ્કાર છે.૨૪
હે સ્વામિન્ ! હે મહેશ ! હે અમલધામ ! હે નિર્મળધામવાળા ! હે દેવ ! હે જ્ઞાન આપનારા ! હે અગોચર ! હે સદ્ગુણવાળા ! હે સર્વનું હિત કરનારા ! હે સહસ્રમૂર્તિ ! હે પુરુષ ! હે ભક્તજનોની ઇચ્છા પૂર્ણ કરનારા ! હે પ્રકાશક ! હે આકાશ જેવા નિર્લેપ શરીરવાળા ! તમને અમારા વારંવાર નમસ્કાર છે.૨૫
હે સ્વતંત્ર ! હે માયાના અધિપતિ ! હે સર્વશક્તિમાન્ ! તમે અમારા ઉપર સદાય પ્રસન્ન રહો અને અમારૂં રક્ષણ કરો. એક તમે જ સર્વપ્રકારે આશ્રય કરવા યોગ્ય છો. આવા સર્વશાસ્ત્રમાં પ્રસિદ્ધ ગુણવાળા હે ભગવાન ! તમને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. આ પ્રમાણે એકસો ને આઠ નામથી સંતોએ સ્તુતિ કરી.૨૬
સ્તુતિ પછી કરેલી પ્રાર્થના :- ત્યારપછી સર્વે સંતો તથા ભક્તજનો બન્ને હાથ જોડી શ્રીહરિના મુખકમળ સામે જ એક દૃષ્ટિ રાખી શ્રીહરિની પ્રાર્થના કરવા લાગ્યા, હે ભક્તપ્રિય ! હે હરિ ! અમે ચાલતાં ક્યાંક પડીએ, અમને છીંક આવે, ઉપરથી નીચે પડીએ, કોઇ તાવ આદિની પીડા થાય, બગાસું આવે, મૂર્છાવસ્થા આવે, અમારૂં મૃત્યું થાય, અમે પરતંત્ર હોઇએ અથવા શરીરે પરતંત્ર થઇએ, આવા સમયે અમારી વાણીમાં સમગ્ર પાપને વિનાશ કરવામાં સમર્થ તમારૂં નામ સર્વદા વિલસતું રહે.૨૭-૨૮
હે હરિ ! તમારા ચરણકમળનો ત્યાગ કરી અમારી બુદ્ધિ, દેહ, ઘર તથા દ્રવ્યમાં ક્યારેય આસક્ત ન થાઓ, હે પ્રભુ ! અમારી આ પ્રાર્થના તમે પૂર્ણ કરી અને અમારા ઉપર પ્રસન્ન થાઓ.૨૯
હે રાજન્ ! આ પ્રમાણે સર્વે સંતો તથા ભક્તજનોએ પ્રાર્થના કરી, શ્રીહરિના સ્વરૂપમાં મન સ્થિર કર્યું, પછી શ્રીહરિને નમસ્કાર કરી યોગ્ય સ્થાને બેસી ગયા, પછી ભગવાન શ્રીહરિએ કંઇક કહેવાની ઇચ્છાથી સર્વને પોતાના હાથની સંજ્ઞા વડે મૌન કર્યા. પછી સભા પ્રત્યે મેઘની સમાન ગંભીર વાણીથી કહેવા લાગ્યા.૩૦-૩૨
જાગરણ કરવાની આજ્ઞા :- શ્રીનારાયણમુનિ કહે છે, હે મારા આશ્રિત સંતો ! ભક્તો ! તથા બહેનો ! તમે સર્વે હું જે કાંઇ કહું છું. તેને એકાગ્ર મનથી સાંભળો.૩૩
એકાદશી આદિક કોઇ પણ વ્રત જાગરણ કરવાથી જ સંપૂર્ણ ફળને આપનારું થાય છે. તેથી આજે આપણે સૌ શ્રીકૃષ્ણ ભગવાનનું નામ સંકીર્તન કરીને જાગરણ કરીએ.૩૪
આ પ્રમાણે કહીને સંસ્કૃત તથા પ્રાકૃત ભાષામાં રચેલાં શ્રીકૃષ્ણનાં પદોનું મુક્તાનંદ સ્વામી વગેરે સંતો પાસે ગાન કરાવવા લાગ્યા.૩૫
ત્યારે ભક્તજનોનું મન પોતાને વિષે હરનારા સ્વયં શ્રીહરિ પણ ઉચ્ચ સ્વરે તાલી બજાવવા લાગ્યા ને સંતો ભક્તોને ઉચ્ચ સ્વરે તાલી બજાવી ગાવવાની પ્રેરણા કરી ને સંતોની સાથે ગાવા લાગ્યા.૩૬
હે રાજન્ ! આ પ્રમાણે પુરાણપુરુષ અનાદિ સિદ્ધ સ્વરૂપ શ્રીહરિ જાગરણ કરી રહ્યા હતા તેવામાં રાત્રીનો અંતિમ પ્રહર થયો. ને ઉચ્ચસ્વરે કૂકડાઓના બોલવાનો અવાજ સંભળાવા લાગ્યો.૩૭
તેથી શ્રીહરિએ મુનિ સહિત ભક્તજનોને સ્નાનાદિ નિત્ય કર્મ કરવાની આજ્ઞા આપી. ત્યારે સૌએ શ્રીહરિને નમસ્કાર કર્યા. અને સ્વયં શ્રીહરિ પોતાના પટમંડપમાં પધાર્યા ને સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ અને દેવપૂજન, આદિ ષટ્કર્મ કર્યાં.૩૮
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલ ફૂલડોલોત્સવ પ્રસંગે સંધ્યાવિધિ, સંતો-ભક્તોની સ્તુતિ પ્રાર્થના અને એકાદશી જાગરણનું નિરૂપણ કર્યું, એ નામે પંચાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૫--