અધ્યાય - ૫૮ - ફૂલડોલના ઉત્સવ સાથે ભગવાન શ્રીહરિએ રંગોત્સવ પણ કર્યો.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીનરનારાયણ ભગવાનની પૂજા આરતી કર્યા પછી શ્વેત વસ્ત્રધારી અને સત્કાર્ય કરવાના સ્વભાવવાળા ભગવાન શ્રીહરિ પાર્ષદવર્યો એવા સોમલાખાચર તથા મુકુન્દ બ્રહ્મચારી આદિની સાથે સભામાં પધારી સિંહાસન ઉપર વિરાજમાન થયા.૧
તે સમયે જયજયકારના ધ્વનિ સાથે વાજિંત્રોનો મોટો ઘોષ થયો અને શ્રીહરિએ અમૃતમય નજરથી સભામાં બેઠેલા સમગ્ર ભક્તજનોને ખૂબજ સંતોષ પમાડવા લાગ્યા.૨
તે સમયે જોબનપગી, કુબેર પટેલ, તખોપગી આદિ વડતાલના ભક્તજનો શ્રીહરિની સમીપે આવ્યા ને મહા અમૂલ્ય વસ્ત્રો, આભૂષણો, પુષ્પના હારો અને ચંદનાદિથી પૂજન કર્યું.૩
બીજા ભક્તજનો પણ આભૂષણો, ચામરાદિક રાજોપચારોથી તથા સ્તુતિ નમસ્કાર વડે મહાપૂજન કર્યું.૪
તેવામાં કુબેર પટેલ આદિ અગ્રેસર ભક્તજનો કેસરીયા રંગથી ભરેલાં મોટાં મોટાં કઢાયાં, લાલરંગથી ભરેલી મોટી ગાગરો અને ઘડાઓ ત્યાં લાવ્યા, અને હોજમાં ઘડાઓ ઠાલવી હોજ ભરી દીધો. તે સમયે સર્વે દેશાંતરવાસી ભક્તજનો પણ ગુલાલથી ભરેલા મોટા કોથળાઓ શ્રીહરિની સમીપે લાવ્યા.૫-૬
હે રાજન્ ! પોતાના સ્વામી એવા શ્રીહરિની સાથે રંગ રમવાની ઇચ્છાથી ભેળા થયેલા હજારો ભક્તજનો રંગ ઉડાડવાની પિચકારીઓ તથા યંત્રવિશેષ બંબાઓ ત્યાં લાવ્યા.૭
હે રાજન્ ! કેડ સંઘાથે વસ્ત્રોના કછોટા બાંધીને આવેલા અને પોતાની સાથે રંગક્રીડા કરવા ઇચ્છતા સર્વે ભક્તજનોને જોઇ શ્રીહરિ પોતે ધારણ કરેલા સુવર્ણના અલંકારો બ્રાહ્મણોને દાનમાં અર્પણ કરીને, તત્કાળ પીળાં વસ્ત્રથી કેડ બાંધી પોતે હસતા અને સર્વને હસાવતા થકા સુવર્ણની પિચકારી હાથમાં લીધી.૮-૯
સૌ પ્રથમ શ્રીહરિએ બહેનોને પુરુષોથી થોડે દૂર થવાની હાથવડે સંજ્ઞા કરી, પછી ભક્તજનોને રંગ રમવાની આજ્ઞા આપી.૧૦
સ્વયં શ્રીહરિ પણ સમીપે કે દૂર ઊભેલા સંતો તથા ભક્તજનો ઉપર ગુલાલના ખોબાઓ ઉડાડવા લાગ્યા અને પિચકારી ભરી રંગ ઉડાડવા લાગ્યા.૧૧
તે સમયે કીર્તનો ગાઇ રહેલા મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ પિચકારી અને ગુલાલના ખોબા વડે પ્રથમ શ્રીહરિ ઉપર અભિષેક કર્યો.૧૨
હે રાજન્ ! વૃદ્ધો, યુવાનો અને કુમાર એવા સંતો તથા ભક્તજનો પરસ્પર એક બીજા ઉપર રંગ અને ગુલાલ અતિશય ઉડાવતા શ્રીહરિની સમીપેજ યૂથમાં ઊભા રહી બહુકાળ પર્યંત રંગક્રીડા કરી.૧૩
પછી શ્રીહરિને રાજી કરવા માટે સંતો અને પાર્ષદો આદિ સર્વે બે બે વ્યક્તિની જોડીમાં રંગક્રીડા કરવા લાગ્યા.૧૪
રામપ્રતાપભાઇ અને ઇચ્છારામભાઇ પોતાના દેશની રીત પ્રમાણે રંગક્રીડા કરતા શ્રીહરિને હસાવવા લાગ્યા.૧૫
ત્યારે મુક્તાનંદ સ્વામીની સાથે શ્રેષ્ઠ ગુણવાળા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીની સાથે નિત્યાનંદ સ્વામી, મારા ગુરુ શતાનંદ સ્વામીની સાથે સચ્ચિદાનંદ સ્વામી રમવા લાગ્યા. ભૂધરાનંદ સ્વામીની સાથે શુકાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની સાથે આનંદાનંદ સ્વામી રમવા લાગ્યા. દયાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી આ બે બે સંતો પરસ્પરની જોડી થઇને રંગ રમવા લાગ્યા.૧૫-૧૮
પ્રેમાનંદ સ્વામી મહાનુભાવાનંદ સ્વામીની સાથે રમવા લાગ્યા, પૂર્ણાનંદ સ્વામીની સાથે ચૈતન્યાનંદ સ્વામી રમવા લાગ્યા, ભજનાનંદ સ્વામી પરમાનંદ સ્વામીની સાથે રમવા લાગ્યા, સ્વયંપ્રકાશાનંદ સ્વામી વૃદ્ધાનંદ સ્વામીની સાથે રમવા લાગ્યા.૧૯-૨૦
રાઘવાનંદ સ્વામી જ્ઞાનાનંદ સ્વામી સાથે, અદ્ભૂતાનંદ સ્વામી સર્વજ્ઞાનંદ સ્વામી સાથે, ભગવદાનંદ સ્વામી આત્માનંદ સ્વામી સાથે, યોગાનંદ સ્વામી શિવાનંદ સ્વામી સાથે અને કૃપાનંદ સ્વામી અક્ષરાનંદ સ્વામી સાથે રમવા લાગ્યા.૨૧-૨૨
મુકુંદાનંદ બ્રહ્મચારી જયાનંદ બ્રહ્મચારી સાથે સુરાખાચર સોમલાખાચર સાથે, અલૈયાખાચર ભગુજીની સાથે,વસ્તાખાચર હેમંતસિહની સાથે રમવા લાગ્યા. પ્રાગજી પુરાણી સાથે મયારામ ભટ્ટ રમવા લાગ્યા.૨૩-૨૪
જોબનપગી કુબેર પટેલની સાથે, આ રીતે બીજા સર્વે હરિભક્તો આનંદ પૂર્વક પરસ્પરની જોડી થઇ એક બીજાની સાથે રમવા લાગ્યા.૨૫
રમતાં રમતાં સોમલાખાચર રંગક્રીડાને જાણતા હોય તેમ અચાનક હસતાં હસતાં રંગનો ભરેલો ઘડો સુરાખાચરના માથા પર રેડી દીધો.૨૬
ત્યારે સુરોખાચર પણ પોતે અતિશય બળવાન હોવાને કારણે સોમલાખાચરને હેઠા પાડીને તેના મુખ અને નેત્રોમાં ગુલાલનો મુઠો ભરી દીધો.૨૭
ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ સુરાખાચરે નીચે પાડેલા સોમલાખાચરને જોયા તેથી નિત્યાનંદ સ્વામીને છોડીને તત્કાળ સુરાખાચરને પકડી ગુલાલથી મુખ લીંપી દીધું, ત્યારે સુરાખાચરે પણ બ્રહ્માનંદ સ્વામીની ચોટલી પકડીને તેમના નેત્રોમાં ગુલાલની મોટી મુઠ્ઠી ભરીને લીંપવા લાગ્યા. તેથી બ્રહ્માનંદ સ્વામી વ્યાકુળ થઇ ગયા અને સુરાખાચરના માથામાં ટાલ પડી ગઇ છે એમ ભૂલી ગયા ને ચોટલી પકડવા મસ્તક ઉપર વારંવાર હાથ ફેરવવા લાગ્યા.૨૮-૩૧
આ દૃશ્ય જોઇને ભગવાન શ્રીહરિ હસતા હસતા તત્કાળ સિંહાસન ઉપરથી કૂદીને નીચે ઉતર્યા ને સુરાખાચરને પકડી તેમના મસ્તક ઉપર રંગની ગાગર ઢોળીને, વારંવાર ગુલાલની મૂઠીઓ નાખવા લાગ્યા. તે જોઇ રહેલા સંતોના મનમાં પુષ્ટ શરીરવાળા સુરાખાચરને વિષે પદ્મરાગમણિનો કોઇ મોટો પર્વત હોય તેવી ભ્રાન્તિ થઇ.૩૨-૩૩
આ બાજુ મયારામ ભટ્ટે પ્રાગજી પુરાણી ઉપર ગુલાલ ઉડાડયો તેથી નેત્રો રૂંધાયાં તેથી પ્રાગજી પુરાણી પણ તત્કાળ ભટ્ટ ઉપર રંગનો ઘડો ઢોળવા ગ્રહણ કર્યો તે જોઇને મયારામ ભટ્ટ શ્રીહરિને હસાવતા ત્યાંથી પલાયન કરી ગયા.૩૪-૩૫
હેરાજન્ ! આ પ્રમાણે સંતો, પાર્ષદો અને ભક્તો સૌ પરસ્પર જોડી થઇને રંગ રમી રહ્યા હતા તે સમયે શ્રીહરિએ રંગભીની પોતાની મૂર્તિનાં દર્શન કરાવવા અતિશય વેગવંતા ઘોડા ઉપર આરુઢ થયા ને સર્વજન સમુદાયની પ્રદક્ષિણા કરવા લાગ્યા.૩૬-૩૭
ત્યારે સર્વે ભક્તજનો શ્રીહરિનાં ગુણ ચરિત્રોનું ગાન કરવા લાગ્યા, શ્રીહરિની પાછળ પાછળ દોડતા સંતો અને ભક્તજનો અતિશય રંગ અને ગુલાલ ઉડાડવા લાગ્યા.૩૮
હે રાજન્ ! આ પ્રમાણે ચારે તરફ પરિભ્રમણ કરી રહેલા ભગવાન શ્રીહરિએ સમસ્ત ભક્તજનોને દર્શન આપી, શ્રીનરનારાયણ ભગવાનનો મહાનૈવેદ્યનો સમય થયો છે એમ જાણી, દક્ષિણદિશામાં રહેલ ધનાતળાવે પધાર્યા.૩૯
ત્યાં ભક્તજનોની સાથે જળક્રીડા કરીને, સર્વજનોને પોતપોતાના ઉતારે જવાની આજ્ઞા કરી. અને પોતે પણ ઉતારે પધાર્યા.૪૦
શ્રીહરિએ ઉતારે ફરી સ્નાન કરીને શ્રીનરનારાયણ ભગવાનને છપ્પન પ્રકારનું નૈવેદ્ય અર્પણ કરી, મહાઆરતી ઉતારી, શ્રીનર-નારાયણ ભગવાનને હિંડોળેથી નીચે ઉતાર્યા અને પુનઃ પૂજન કરી, પ્રતિમા-ઓનું વિપ્રોને દાન કર્યું, પછી સંતોને ભોજન પીરસવા પધાર્યા.૪૧-૪૨
તે સમયે લાલ વસ્ત્રને ડાબા ખભા ઉપરથી લઇ કેડ સંગાથે બાંધી, ઉતાવળી ગતિએ પાદવિન્યાસ કરતા સંતોની પંક્તિમાં વારંવાર પીરસતા આનંદ ઉપજાવવા લાગ્યા.૪૩
ભગવાન શ્રીહરિ ખૂબજ ઘી, સાકરયુક્ત ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય એવા ચાર પ્રકારનાં પક્વાન્નો પીરસીને સંતોને ખૂબજ તૃપ્ત કર્યા.૪૪
હે રાજન્ ! પછી ત્યાંથી પોતાના નાના ભાઇ ઇચ્છારામજીના ઘેર ભોજન કરીને ઉતારે પધાર્યા અને ચાર ઘડી પર્યંત વિશ્રામ કર્યો.૪૫
સંતોના શ્યામ ભગવાન શ્રીહરિ ઊંચા સિંહાસન ઉપર આવીને વિરાજમાન થયા. તેવામાં સૂર્ય અસ્તાચળને પામ્યો ને વિઠ્ઠલદાસ આદિ નાપિતોએ કરેલી મશાલો ઝળહળવા લાગી.૪૬
ભગવાન શ્રીહરિ તે સમયે હાજર રહેલા ભક્તજનોની સાથે નામ સંકીર્તન કર્યું પછી પોતાના હાથની સંજ્ઞાવડે નીચે બેસવાની આજ્ઞા કરી.૪૭
તે સમયે સર્વે ભક્તજનો તત્કાળ મૌન ધારણ કરી સભામાં બેસી ગયા ને પોતાના મુખારવિંદ સામે સ્થિર દૃષ્ટિ કરી દર્શન કરવા લાગ્યા. તેને જોઇ તેનું હિત કરવામાં તત્પર તેમજ દયા આદિ અનંત ગુણોના સ્વામી ભગવાન શ્રીહરિ સૌને શિક્ષાનાં વચનો કહેવા લાગ્યા.૪૮
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલ ફૂલડોલોત્સવ પ્રસંગે રંગક્રીડા કરી તેનું નિરૂપણ કર્યું, એ નામે અઠ્ઠાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૮--