અધ્યાય - ૧૭ - સુરાભક્તને આનંદ ઉપજાવતું લોયા-નાગડકામાં ભગવાન શ્રીહરિનું આગમન.
સુરાભક્તને આનંદ ઉપજાવતું લોયા-નાગડકામાં ભગવાન શ્રીહરિનું આગમન. લોયામાં શાકોત્સવલીલા.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! કારીયાણીથી પોતાના પ્રયાણને કારણે પુસ્તકોનાં બાંધણાં બંધાવી શુકાનંદ સ્વામી પાસે પેટીમાં મૂકાવી રહેલા શ્રીહરિની પાસે ઉત્તમરાજા આવી ઊભા રહ્યા.૧
શ્રીહરિનું જુનાગઢ પ્રત્યે જવું નક્કી છે એમ જાણી એકાંતિક ભક્ત એવા ઉત્તમરાજા હસતાં હસતાં ધીરેથી શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! તમે અહીંથી પ્રયાણ કરી રહ્યા છો તેવા સમાચાર સાંભળી જયાબા આદિક સ્ત્રીઓ માર્ગમાં તમને ઠંડી લાગશે, એવું વિચારી હૃદયમાં ખૂબજ ખેદ અનુભવે છે.૨-૩
આ પ્રમાણે ઉત્તમ રાજાનું વચન સાંભળી શ્રીનારાયણમુનિ કહેવા લાગ્યા કે, હે ઉત્તમનૃપતિ ! મારી જન્મભૂમિ હિમાલયની તળેટીમાં આવેલી છે. તેથી ઠંડી સહન કરવાનો મારા દેહમાં સ્વાભાવિક ગુણ રહ્યો છે.૪
એથી મારી ઠંડીની તેઓ ચિંતા ન કરે, આ પ્રમાણે તમો સ્ત્રી ભક્તજનોને કહો. હે રાજન્ ! આવા પ્રકારનાં શ્રીહરિનાં વચનો સાંભળી ઉત્તમરાજા શ્રીહરિની સ્વતંત્રતાને જાણતા હોવાથી આગળ કાંઇ પણ બોલ્યા વિના મૌન રહ્યા.૫
ત્યારપછી ઉત્તમરાજા પોતાની જયા અને લલિતા બન્ને બહેનોની સાથે શ્રીહરિને પોતાના ગઢપુર નગર પ્રત્યે ફરી લઇ આવવા માટે તેમની સાથે જ આપણે પણ જવું, આવો નિર્ણય કર્યો.૬
પછી બ્રાહ્મણોત્તમ મયારામ ભટ્ટ આદિ વિપ્રોએ મંગલ આશીર્વચનો ઉચ્ચાર્યાં ને ભગવાન શ્રીહરિ તે સમયે તાજણ ઘોડી ઉપર સવાર થઇ પોતાના પાર્ષદોથી વીંટળાઇ સર્વે સંતોની સાથે નાગડકાપુર જવા નીકળ્યા.૭
ત્યારે મોટાભાઇ રામપ્રતાપજી અને ઇચ્છારામજી પણ પોતપોતાની ઘોડી ઉપર સવાર થઇ સાથે ચાલી નીકળ્યા. તેમની સાથે હેમંતસિંહરાજા, ઉત્તમરાજા, વસ્તાખાચર આદિ અનેક સવારો હાથમાં ચળકતાં ભાલાઓ ધારણ કરી શ્રીહરિની પાછળ અનુસરવા લાગ્યા. જયાબા, લલિતાબા આદિ સ્ત્રી ભક્તજનો પણ પોતપોતાના રથોમાં બેસી શ્રીહરિની પાછળ ચાલવા લાગી.૮
શ્રીહરિ પુસ્તક ભરેલી પેટીઓ ગાડાંમાં મૂકાવી, વેલી તે ગાડાંની સાથે સર્વથી આગળ ચાલી રહેલા શુકાનંદ મુનિને ઓળંગી અન્ય સવારોની સાથે શીઘ્રગતિએ ચાલવા લાગ્યા.૯
સમગ્ર ઘોડેસ્વારોના સમુદાયને પાછળ રાખી અતિશય તીવ્રવેગથી સર્વથી આગળ મનની સમાન વેગવંતા ઘોડાની ચાલ કરતાં અધિક વેગથી ચાલતા નિષ્કુળાનંદ સ્વામી આદિ સંતોને જોઇને શ્રીહરિ અતિશય આશ્ચર્ય પામી મંદમંદ હસવા લાગ્યા.૧૦
તે સમયે અતિશય લાંબા માર્ગમાં શ્રીહરિની આગળના ભાગમાં અને પાછળના ભાગમાં તથા બન્ને પડખાની બાજુએ પણ સર્વ દિશાઓમાંથી જઇ રહેલા ઘણા બધા મહામુનિઓનાં મંડળોને સર્વે મનુષ્યોએ નિહાળ્યાં.૧૧
આમ કરતાં શ્રીહરિ દ્વિતીયાનો ક્ષય હોવાથી સંવત ૧૮૭૭ના કાર્તિક વદ ત્રીજને દિવસે સંગવકાળ પૂરો થતાં મધ્યાહ્નકાળના પ્રારંભ સમયે જ સુરાભક્તના લોયા ગામે પધાર્યા. ત્યાં સુરાભક્ત પણ કારીયાણીથી આવી પહોંચ્યા હતા. અને બ્રાહ્મણો પાસે રસોઇ કરાવી ભગવાન શ્રીહરિના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા.૧૨
લોયાના સુરાભક્ત તથા ગામવાસી જનો તથા શ્રીહરિનાં દર્શન માટે પધારેલા નાગડકાના ભક્તો પણ અતિશય હર્ષપૂર્વક શ્રીહરિની સામે જઇ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી નમસ્કાર કરવા લાગ્યા. સુરાભક્ત તથા સર્વે ગામવાસી જનો શ્રીહરિને વાજિંત્રોના મધુર ધ્વનિ કરતા કરતા લોયાપુરમાં પધરાવ્યા.૧૩
ત્યાં મુખીયા સિંહજીભાઇ પટેલ તથા અન્ય વૈશ્ય ભક્તજનો પણ સુરાભક્તની સાથે રહી સંતોએ સહિત શ્રીહરિની ખૂબજ સેવા કરવા લાગ્યા.૧૪
હે રાજન્ ! ભગવાન શ્રીહરિ પણ તે લોયા ગામના ભક્તજનોને ખૂબજ આનંદ આપવા લાગ્યા અને ભક્તજનો પણ વસ્ત્ર અલંકારો તથા ભોજન જમાડી સંતોએ સહિત શ્રીહરિની પૂજા કરવા લાગ્યા. આમ કરતાં તે લોયા ગામમાં શ્રીહરિ કેટલાક દિવસો સુધી નિવાસ કરીને રહ્યા. કાર્તિકવદ પડવાની પ્રાતઃકાળની સભામાં કારીયાણી ગામે સુરાભક્તે અને હેમંતસિંહ રાજાએ પોતપોતાના પુરમાં પધારવાની ભગવાન શ્રીહરિની પ્રાર્થના કરી. તે સમયે બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સાથે એકાંતમાં મંત્રણા કર્યા પછી સુરા ભક્તને લોયા ગામે જવાનો શ્રીહરિએ આદેશ કરેલો અને સાંજ સુધીમાં સર્વેએ જવાની તૈયારી કરી રાખેલી, કાર્તિકવદ તૃતીયાની તિથિએ નાગડકા જવા શ્રીહરિએ પ્રયાણ કર્યું, માર્ગમાં સુરાભક્તનું લોયા ગામ આવ્યું, અને સુરાભક્તે પણ સંતો-ભક્તોએ સહિત શ્રીહરિને લોયામાં જ નિવાસ કરાવ્યો. આ રીતે કાર્તિક વદ તૃતીયાથી આરંભીને પોષસુદ તૃતીયા સુધી લોયામાં નિવાસ કરીને રહ્યા.૧૫
લોયામાં શાકોત્સવલીલા :- હે રાજન્ ! લોયા ગામની દરરોજની સભામાં શ્રીહરિ પોતાના ભક્તજનોની આગળ ભક્તિ અને જ્ઞાને સહિત વર્ણાશ્રમને ઉચિત ધર્મોનું પ્રતિપાદન કરતા.૧૬
સુરાભક્તે તથા સંઘા પટેલ આદિ સર્વ હરિભક્તોએ પૂજામાં પોતાને અર્પણ કરેલાં અમૂલ્ય વસ્ત્રો તથા અલંકારો શ્રીહરિએ સભામાં બેઠેલા પોતાના બન્ને ભાઇઓને અર્પણ કરી દીધાં.૧૭
તે લોયાના ભક્તજનો ગામની વાડીમાંથી વૃંતાક આદિક અનેક શાકો પ્રતિદિન શ્રીહરિ માટે લાવતા અને સ્વયં શ્રીહરિ પણ તે શાકોને વઘારવાની ચતુરાઇ અન્ય રસોયાઓને દેખાડી ઘીનો વઘાર કરી શાક બનાવતા.૧૮-૧૯
ચૂલા પ્રકટાવી તેના પર મોટાં કડાયાં મૂકતા. તેમાં ખૂબ ઘી નાખી વઘારનો છમકારો બોલાવતા. તે સમયે શોભી રહેલા હળદીવાળા હાથ ધોતીમાં લૂછવાથી શ્રીહરિનાં વસ્ત્રો પણ હળદીવાળાં પીળાં થઇ જતાં, ત્યારે આવી મનોહર મૂર્તિનાં દર્શન કરી ભક્તજનો ખૂબજ હસતા. આ રીતે દર્શન કરનાર ભક્તોને હસાવતા અને સ્વયં હાસ્ય કરતા શ્રીહરિ ચંદ્રમા સમાન મુખથી અતિશય શોભતા હતા.૨૦
શ્રીહરિ વૃંતાકના શાકને વઘાર દઇ પકાવી ક્રમ પ્રમાણે સંતો અને ભક્તોની મહાપંક્તિઓની રચના કરાવી. પછી સંતો અને ભક્તોના ભોજનપાત્રોમાં પ્રસન્નતાપૂર્વક મોટો કડછો ભરી ઉતાવળે પીરસતા હતા. અતિશય સ્વાદિષ્ટ બનેલા શાકનું બહુ ભોજન કરતા બ્રહ્માનંદ સ્વામી આદિ સંતો-ભક્તોને શાકના સ્વાદ વિષે શ્રીહરિ પ્રશ્નો કરતા. ત્યારે તેઓ શાકની પ્રશંસા કરતા કહેતા કે, હે ભગવાન ! રસમયમૂર્તિ અને રસનું પોષણ કરનારા આપના દ્વારા રસપૂર્વક રંધાયેલા અને પીરસતા અને અમારા ઉપર અનુગ્રહ કરી મહાપ્રસાદરૂપે અપાયેલા શાકના સ્વાદનાં શું વખાણ કરીએ ? હે રાજન્ ! આવા પ્રકારની શાકના સ્વાદની પ્રશંસા સાંભળતા પંક્તિમાં ફરતા શ્રીહરિ અતિશય આનંદ પામતા હતા.૨૧
આ પ્રમાણે મનુષ્યનાટય દ્વારા શાકોત્સવની લીલા કરી ભક્તજનોને ખૂબજ આનંદ પમાડતા શ્રીહરિ લોયા ગામથી સંતો-ભક્તોની સાથે નાગડકાપુર પધાર્યા.૨૨
ત્યાં સુરાભક્તના ઘેર શ્રીહરિએ પોતાનો ઉતારો કર્યો. અને અન્ય સર્વે સંતો ભક્તોને પણ યથા યોગ્ય ઉતારા કરાવ્યા.૨૩
હે રાજન્ ! પત્ની શાંતાબા અને પુત્ર નાથાખાચરની સાથે ઉદારબુદ્ધિવાળા સુરાભક્તે ત્યાં પણ અતિશય પ્રેમ અને આદરની સાથે શ્રીહરિ અને સાથે પધારેલા સંતો-ભક્તોનો યથાયોગ્ય સત્કાર કર્યો.૨૪
પછી સુરાભક્તે પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્રો, આભૂષણો તથા રૂપાની મુદ્રાઓ અર્પણ કરીને ભગવાન શ્રીહરિની ભક્તિભાવ પૂર્વક મોટી પૂજા કરી.૨૫
તે સમયે શ્રદ્ધાએ યુક્ત થઇ ચંદન, પુષ્પના હારો, વસ્ત્રો, તથા અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ ભોજનો જમાડી સર્વે સંતોની પણ મોટી પૂજા કરી.૨૬
સુરાભક્ત દ્વારા પૂજાએલા શ્રીહરિ ભક્તજનોને આનંદ પમાડી ધર્મ મર્યાદામાં રખાવી, પાંચ દિવસ સુધી નાગડકામાં નિવાસ કરીને રહ્યા. ચોથનો ક્ષય હોવાથી પોષ સુદ પંચમીથી આરંભી નવમી પર્યંત ત્યાં રોકાયા તે પાંચ દિવસ દરમ્યાન ચોથા દિવસે પોષસુદ અષ્ટમીની તિથિએ સભામાં બેઠેલા ભગવાન શ્રીહરિ ગૃહસ્થ ભક્તજનો તથા સમગ્ર ત્યાગી સંતોને કહેવા લાગ્યા.૨૭-૨૮
શ્રીનારાયણમુનિ કહે છે, હે સંતો તથા ભક્તજનો ! તમે સર્વે સાંભળો, આવતી કાલે ઉત્તરાયણનો દિવસ છે. તેમાં યથાશક્તિ સ્નાન, દાન સર્વપ્રકારે કરવું જોઇએ.૨૯
મકરરાશિમાં જ્યારથી સૂર્યનું સંક્રમણ થાય ત્યારથી નવ કલાક પર્યંત ઉતરાયણનો સમય સ્નાન, દાન આદિ કર્મ કરવામાં પુણ્યકાળ જાણવો.૩૦
તેમજ પોષ મહિનાની પૂર્ણિમાના દિવસથી સમગ્ર મનુષ્યોએ માઘસ્નાનનો પ્રારંભ કરવો. માઘસ્નાનમાં તલનું દાન મુખ્ય કહેલું છે.૩૧
હે ભક્તજનો ! પોષમાસની પૂર્ણિમાથી આરંભી આગામી મહામાસની પૂર્ણિમા પર્યંતના માઘમાસમાં સર્વ પ્રકારના પાપનો નાશ કરનારા ચાંદ્રાયણનું વ્રત સર્વેને માટે અવશ્ય વિશેષપણે અનુષ્ઠાન કરવાનું કહેલું છે. મહિના બે પ્રકારના કહેલા છે. એક પૂર્ણિમાના અંતવાળા બીજા અમાસના અંતવાળા; તેમાં માઘ સ્નાન માટે પૂર્ણિમાના અંતવાળો જ મહિનો સ્વીકારવો. એવું સર્વે ગ્રંથકારોનું માનવું છે.૩૨
આ ચાંદ્રાયણ વ્રત છે. તે બીજા સર્વે કૃચ્છવ્રતો કે માસોપવાસ કે પારાકાદિ વ્રતોની મધ્યે પુરુષોએ તથા સ્ત્રીઓએ સુખેથી થઇ શકે તેવું સરળ વ્રત છે. અને બહુ મોટા ફળને આપનારું વ્રત કહેલું છે. તેથી પોતાના શરીરની વિશુદ્ધિને માટે કે ત્રણ પ્રકારના પાપનું નિવારણ કરાવી પોતાના આત્માની શુદ્ધિને માટે અથવા તપઃપ્રિય ભગવાન રમાપતિની પ્રસન્નતાને માટે ચાંદ્રાયણ વ્રત આ મહિનામાં સર્વેજનોએ અવશ્ય કરવું.૩૩
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ લોયા ગામે શાકોત્સવની લીલા કરી અને નાગડકા પઘાર્યા એ નામે સત્તરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૭--