અધ્યાય - ૨૦ - ભગવાન શ્રીહરિનું હેમંતસિંહ રાજાના પંચાળાપુરે આગમન અને અનેક ઉત્સવની કરેલી ઉજવણી.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિ નાગડકાપુરમાં પાંચ દિવસ સુધી રોકાયા. પછી શ્રીહરિ સુરાભક્તને સાથે લઇ અન્ય સમસ્ત સંતો-ભક્તોની સાથે હેમંતસિંહ રાજાના જુનાગઢ પ્રત્યે જવાનું પોષસુદ દશમીના દિવસે પ્રયાણ કર્યું.૧
ત્યારે શ્રીહરિ માર્ગમાં હેમંતસિંહ રાજાને કહેવા લાગ્યા કે, હે રાજન્ ! પ્રથમ અમને તમારા પંચાળા ગામે લઇ ચાલો. પછી આપણે તમારા જુનાગઢપુર પ્રત્યે જશું. ત્યારે હેમંતસિંહ રાજા કહે જેવી આપની મરજી. એમ કહીને શ્રીહરિનું વચન માથે ચડાવ્યું.૨
હે રાજન્ ! શ્રીહરિ છઠ્ઠે દિવસે સંવત ૧૮૭૭ ના પોષસુદ પૂનમને દિવસે ખાખરાના વૃક્ષોની પંક્તિઓથી શોભતા પંચાળા નામના હેમંતસિંહ રાજાના ગામમાં પધાર્યા. પોતાના ગામ પ્રત્યે શ્રીહરિ પધાર્યા છે એવા સમાચાર સાંભળતાની સાથે જ અનુપસિંહ વિગેરે ગામવાસી ભક્તજનો શ્રીહરિની સન્મુખ પધાર્યા.૩
ને તે સૌએ અતિ આદરપૂર્વક પરમેશ્વર શ્રીહરિને પ્રણામ કર્યા. પછી હેમંતસિંહ રાજાને સાથે રાખી વાજિંત્રોનો મધુર ધ્વનિ કરતા કરતા સંતો અને ભક્તજનોના સમુદાયે સહિત મહા ઉદાર કીર્તિવાળા ભગવાન શ્રીહરિને પોતાના ગામમાં પધરાવ્યા.૪
હે ભૂપશ્રેષ્ઠ ! પછી હેમંતસિંહ રાજાએ પોતાના ભવનમાં સોમલાખાચર આદિ પાર્ષદોએ સહિત શ્રીહરિને નિવાસ કરાવ્યો અને અન્ય સર્વે સંતો ભક્તોને યથાયોગ્ય ઉતારા અપાવ્યા.૫
તેમાં ઉત્તમરાજાને પોતાના ભવનમાં અને અન્ય ભક્તોને અન્ય લોકોને ઘેર ઉતારા અપાવ્યા. અને સંતોને ખાખરાના વનમાં બંધાવેલી ઘાસની ઝૂંપડીમાં ઉતારા અપાવ્યા. ત્યારપછી હેમંતસિંહ રાજાએ શ્રીહરિનો અને સર્વે ભક્તજનો સ્ત્રી પુરુષોનો શક્તિ પ્રમાણે આદર સત્કાર કર્યો.૬
હે રાજન્ ! હેમંતસિંહ રાજા સર્વે ઉપકરણોએ સહિત સંપત્તિથી ભરેલા પોતાના ભવનને શ્રીહરિને આધિન કરી પોતે અતિથિની જેમ રહેવા લાગ્યા.૭
અને શ્રીહરિ નિવૃત્તિધર્મ પરાયણ સંતોને આ પંચાળા ગામ નિવાસ કરવાને વધુ યોગ્ય છે. એમ જોઇ શહેરની અપવિત્રતાના દોષને નજરમાં રાખી હેમંતસિંહ રાજા પ્રત્યે કહેવા લાગ્યા કે, હે રાજન્ ! તમારૂં આ પંચાળા ગામ સંતોને રહેવા માટે વધુ યોગ્ય છે. અને જુનાગઢ શહેરમાં સંતોને રહેવું ગમે એમ નથી. એ નક્કી વાત છે.૮-૯
આ પંચાળા અને જુનાગઢ ગામ પુરાતન છે, તેથી આ પંચાળા ગામ કરતાં જુનાગઢ શહેરમાં હું બીજી કોઇ વિશેષતા જોતો નથી.૧૦
હે રાજર્ષિ ! જો તમે અમને જુનાગઢ શહેરમાં લઇ જશો તો બે ત્રણ દિવસ રોકાશું અને અહીં પંચાળા ગામમાં તો બે ત્રણ મહિના રોકાશું એ ચોક્કસ છે.૧૧
આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું. તેથી હેમંતસિંહ રાજા અતિશય પ્રસન્ન થઇ કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! તમને ગામ કે નગરમાં જ્યાં પણ રહેવું ગમે ત્યાં સંતોની સાથે સુખેથી રહો.૧૨
હે શ્રીહરિ ! મને પણ ગામ કરતાં નગરમાં કોઇ વિશેષતા જણાતી નથી. અને સર્વે જુનાગઢવાસી ભક્તજનો તમારાં દર્શન કરવા માટે અહીં પંચાળા ગામે આવશે.૧૩
આ પ્રમાણે હેમંતસિંહ રાજાનું વચન સાંભળી અતિશય પ્રસન્ન થયેલા શ્રીહરિ કુટુંબે સહિત રાજાને તથા સર્વે સંતો ભક્તોને આનંદ ઉપજાવતા તેમની સાથે પંચાળા ગામમાં જ નિવાસ કરીને રહ્યા.૧૪
દુર્ગપુરમાં ઉત્તમરાજાના ભવનને જેમ ભગવાન પોતાનું જ ઘર માનતા તેમ હેમંતસિંહ રાજાના ભવનને પણ શ્રીહરિ પોતાનું ઘર માનવા લાગ્યા.૧૫
હે રાજન્ ! આ રીતે શ્રીહરિ કુટુંબ-પરિવારે સહિત હેમંતસિંહ રાજાની ભક્તિને વશ થઇ પંચાળા ગામમાં દોઢ માસ પર્યંત સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા.૧૬
શ્રીહરિને વિષે અતિશય પ્રીતિવાળા જુનાગઢવાસી સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિનાં દર્શન કરવા માટે પંચાળા ગામમાં આવ્યા.૧૭
બીજા ગામોમાંથી પણ હજારો નરનારીઓ ત્યાં આવતા હતા તેમને શ્રીહરિ આદર આપી સર્વેને ત્યાંજ નિવાસ કરાવતા અને તે સર્વે શ્રીહરિનાં દર્શનમાં અતિ ઉત્કંઠાવાળા થઇ પંચાળા ગામમાં જ સુખપૂર્વક રહેતા હતા.૧૮
હે રાજન્ ! પંચાળા ગામમાં પહેલો જ માઘવદ ચૌદશના દિવસે શિવરાત્રીનો મોટો ઉત્સવ ઉજવ્યો. જો કે વસંત પંચમીનો ઉત્સવ ઉજવેલો હતો છતાં પણ બહુ જનોને બોલાવી આ પહેલો ઉત્સવ ઉજવ્યો. તેમાં શ્રીહરિએ સંતો ભક્તોની સાથે ઉપવાસ કર્યો હતો.૧૯
વળી શ્રીહરિએ બ્રાહ્મણોની પાસે શંકર ભગવાન ઉપર મહારૂદ્રાભિષેક પણ કરાવ્યો ને તેઓને ખૂબજ દક્ષિણા આપી.૨૦
હે રાજન્ ! ધર્મમાર્ગના રક્ષક ભગવાન શ્રીહરિએ બીજા દિવસે અમાવાસ્યામાં હજારો વિપ્રોને ભોજન કરાવી પારણાં કરાવ્યાં, અને સ્વયં પારણાં કર્યાં.૨૧
આ રીતે શ્રીહરિ પ્રતિદિન સંતો ભક્તોની મધ્યે રત્નના સિંહાસન ઉપર વિરાજમાન થઇ વેદોક્ત અનેક પ્રકારની બ્રહ્મવિદ્યાઓનો અને એકાંતિક ભાગવત ધર્મનો પોતાના આશ્રિત ભક્તજનોને સારી રીતે બોધ આપતા હતા.૨૨
હે રાજન્ ! આમ કરતાં ભગવાન શ્રીહરિ ફાગણમાસમાં ફાલ્ગુની નક્ષત્રમાં શ્રીનરનારાયણ ભગવાનના પ્રાગટયની ભવ્ય ઉજવણી કરી.૨૩
જેવી રીતે પૂર્વે વડતાલ પુરમાં શ્રીનરનારાયણ ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો હતો. તેવી રીતે પંચાળામાં પણ સર્વે હરિભક્તોને આનંદ ઉપજાવતા મોટો ઉત્સવ ઉજવ્યો.૨૪
હે રાજન્ ! તે ફુલડોલોત્સવમાં અનેક દેશાંતરમાંથી આવેલા હજારો ભક્તજનોએ બહુ પ્રકારનાં ચંદન, પુષ્પાદિ ઉપચારોથી અને અનેક પ્રકારના થાળ ભરેલા રૂપાની મુદ્રા આદિ ઉપચારોથી શ્રીહરિનું પૂજન કર્યું.૨૫
હેમંતસિંહ રાજા તો પ્રતિદિન શ્રીહરિનું પૂજન કરતા, પરંતુ ફુલડોલોત્સવના દિવસે તો પોતાના કુટુંબીજનોની સાથે વિશેષપણે પૂજન કર્યું.૨૬
હે રાજન્ ! તે પૂજનમાં હેમંતસિંહ રાજાએ શ્વેત, પીળાં, લાલરંગનાં અનેક પ્રકારના વસ્ત્રો અને સુવર્ણના અલંકારો ભક્તિભાવપૂર્વક શ્રીહરિને અર્પણ કર્યા.૨૭
તેમ જ કાશ્મીરી કુંકુમ મિશ્રિત સુગંધીમાન ચંદન, અખંડશ્વેત ચોખા, અનેકવિધ પુષ્પના હાર, તોરા, અબીલ, ગુલાલ, મહાઆરતી અને છેલ્લે મહાપુષ્પાંજલી અર્પણ કરી શ્રીહરિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.૨૮-૨૯
પછી હેમંતસિંહ રાજાએ અમૂલ્ય વસ્ત્ર, આભૂષણો વડે તથા ચંદન, પુષ્પ, ચોખા વડે નાનાભાઇ ઇચ્છારામે સહિત મોટા ભાઇ રામપ્રતાપની પણ પૂજા કરી.૩૦
માતા ગંગાબા અને બહેન અદિબા આદિક સ્ત્રીભક્તોએ પણ સંતોના શ્યામ શ્રીહરિનું પૂજન કર્યું. તેમજ અન્ય ગામવાસી સર્વે ભક્તજનોએ પણ શ્રદ્ધા પૂર્વક પૂજન કર્યું.૩૧
હે રાજન્ ! પછી ભાઇ અનુપસિંહને સાથે રાખી હેમંતસિંહ રાજાએ ચંદન, ચોખા અને પુષ્પો તેમજ વસ્ત્રોવડે સર્વે સંતોની પણ ભાવથી પૂજા કરી.૩૨
અને ઘી સાકર યુક્ત અનેક પ્રકારનાં ભક્ષ્ય, ભોજ્યાદિ પકવાન્નો જમાડી શ્રીહરિએ સહિત સંતોને ખૂબ જ તૃપ્ત કર્યા.૩૩
તે ફુલડોલના મહોત્સવમાં રાત્રીને વિષે સંતો ભક્તોની મહા વિશાળ સભામાં સુંદર સિંહાસન ઉપર શ્રીહરિ વિરાજમાન થયા અને જેમ તારામંડળને મધ્યે ચંદ્રમા શોભે તેમ શોભવા લાગ્યા.૩૪
તે સમયે સર્વે સંતો ગૃહસ્થ ભક્તજનો અને સધવા-વિધવા સર્વે સ્ત્રીઓ પણ એક ભગવાન શ્રીહરિના મુખકમળનું જ દર્શન કરતાં કરતાં સભામાં બેઠાં હતાં.૩૫
હે રાજન્ ! તે સમયે શ્રીહરિ કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! જો કોઇના મનમાં કાંઇ સંશય હોય તો પ્રશ્ન પૂછો.૩૬
ત્યારે શ્રીહરિની આગળ જ બેઠેલા વર્ણિવર શ્રીઅખંડાનંદ બ્રહ્મચારી વિનયથી નમ્ર થઇ મુક્તાનંદ સ્વામી આદિ સંતોની પ્રેરણાથી બે હાથ જોડી સર્વજ્ઞા શ્રીહરિને નમસ્કાર કરી પ્રશ્ન પૂછવા લાગ્યા.૩૬-૩૭
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પંચાળા ગામમાં ફુલડોલોત્સવ આદિ અનેક ઉત્સવો ઉજવ્યાનું નિરૂપણ કર્યું એ નામે વીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૦--