અધ્યાય - ૨૨ - પંચાળામાં શ્રીજીમહારાજ રસીયો રાસ રમે.
પંચાળામાં શ્રીજીમહારાજ રસીયો રાસ રમે. સંતોને થયું શ્રીહરિનું દિવ્યદર્શન. રાધા અને લક્ષ્મીજીનું દિવ્યદર્શન. ધર્મભક્તિનું સપરિવાર દિવ્યદર્શન. દિવ્યદર્શનવિષે સંતોનો અનુપમ પ્રશ્ન. સંતોએ માગ્યાં મનોવાંછિત વરદાન.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પંચાળા ગામથી પશ્ચિમ દિશામાં ખાખરાના વનમાં હેમંતસિંહ રાજાએ સંતોના નિવાસ માટે શોભાયમાન પર્ણશાળાઓ બનાવી હતી.૧
તેમાં સંવત ૧૮૭૭ ના ફાગણવદ પાપમોચની એકાદશીની રાત્રીએ ભગવાન શ્રીહરિ પોતાના કેટલાક પાર્ષદોને સાથે લઇને ત્યાં પધાર્યા.૨
તે પાર્ષદોમાં ગઢપુરના ઉત્તમરાજા, બોટાદના સોમલાખાચર, ભાઇ અનુપસિંહની સાથે હેમંતસિંહરાજા, મુકુંદ બ્રહ્મચારી અને રતનજી આદિ સર્વે પાર્ષદોની સાથે શ્રીહરિએ ઝૂંપડીઓના આંગણામાં તાલિકાઓનો ધ્વનિ કરતા કરતા ઘણા સંતો સાથે મળી મંડલાકારે ભ્રમણ કરી ગીતોનું ગાન કરતા જાગરણ કરી રહ્યા હતા, તેમને નિહાળ્યા.૩-૪
હે રાજન્ ! પોતાની ઝૂંપડીએ પધારેલા શ્રીહરિનાં દર્શન થતાં સર્વે સંતો દોડીને સન્મુખ જઇ નમસ્કાર કર્યા ને અતિશય રાજી થઇ તત્કાળ વડની સમીપમાં ઉત્તમ સિંહાસન સ્થાપન કર્યું, તે ઉપર શ્રીહરિ બિરાજમાન થયા.૫
પછી શ્રીહરિની આજ્ઞાથી સર્વે ફરી સિંહાસનની ફરતે મંડલાકારે પરિભ્રમણ કરી રાસ રમવા લાગ્યા અને શ્રીહરિના મુખારવિંદનું દર્શન કરતા કરતા ગીતોનું ગાન કરવા લાગ્યા.૬
સ્વાભાવિકપણે મંદમંદ મુખહાસ કરતા શ્રીહરિને સંતો અનેક પ્રકારના પદોનું ગાન કરી હાસ્ય ઉપજાવી રહ્યા હતા. તેવામાં અર્ધ રાત્રીનો સમય પસાર થઇ ગયો.૭
સંતોને થયું શ્રીહરિનું દિવ્યદર્શન :- હે રાજન્ ! તે સમયે પરિશ્રમ પામેલા સર્વે સંતો પ્રસન્નમુખે વિરાજી રહેલા શ્રીહરિનું અતિશય પ્રેમથી દર્શન કરતા સ્થિર આસને શ્રીહરિની સન્મુખ બેઠા.૮
તે સમયે અચાનક સર્વે સંતો તથા પાર્ષદો પણ શ્રીહરિના દિવ્ય સંકલ્પથી એક સાથે ઉદય પામેલા કોટી કોટી સૂર્યની સમાન તથા ચંદ્રમાની સમાન અતિશય ઉજ્જવલ મહાતેજનું દર્શન કરવા લાગ્યા.૯
તે તેજથી સર્વે સંતો, પૃથ્વી, આકાશ તથા આઠે દિશાઓ અતિશય શ્વેત તેજોમય બની ગઇ, તે તેજને વિષે દર્શનીય દિવ્યસ્વરૂપે પોતાના સ્વામી શ્રી નારાયણમુનિ ભગવાનનું સર્વે દર્શન કરવા લાગ્યા.૧૦
હે રાજન્ ! તે તેજની મધ્યે શ્રીહરિ દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન હતા. નવીન મેઘની સમાન શ્યામ સુંદર વર્ણમાં શોભી રહ્યા હતા. ચંદ્રમાના કોટિ કોટિ કિરણોની સમાન આહ્લાદક જણાતા હતા.૧૧
સુંદર દિવ્ય પીતાંબર આદિ સર્વે આભૂષણો ધારણ કર્યાં હતાં. સુગંધીમાન ચંદનની અર્ચા કરી હતી. પુષ્પોના હાર તથા તોરાઓથી શોભી રહ્યા હતા.૧૨
શોભાયમાન ભ્રૂકૂટિરૂપી વેલ, દીપની શિખા જેવી અણીયાળી નાસિકા, લાલકમળના પત્રની સમાન વિશાળ બન્ને નેત્રો અને પાકેલા ઘિલોડાંની સમાન અધરોષ્ઠ અત્યંત શોભી રહ્યા હતા. હસતું મુખારવિંદ અને મોતીઓની સમાન દાંતની પંક્તિઓ શોભી રહી હતી. હાથમાં મનોહર મોરલી ધારણ કરીને મધુર સ્વરે વગાડતા હતા.૧૩-૧૪
કંઠમાં કૌસ્તુભમણિ તેમજ શોભાયમાન વનમાળા ધારણ કરી હતી. વિશાળ હૃદયમાં પ્રકાશિત શ્રીવત્સનું ચિહ્ન ધારણ કર્યું હતું. મસ્તક ઉપર શોભાયમાન રત્નજડિત સુવર્ણનો મુગટ ધારણ કર્યો હતો.૧૫
બન્ને કાનમાં ઉલ્લાસ પામતા મકરાકાર કુંડળ ધારણ કર્યાં હતાં. ચંદ્રમાની કાંતિ સમાન નખમણિની પંક્તિઓથી શોભી રહ્યા હતા.૧૬
શ્રીદામ, વિશ્વક્સેન, આદિક પાર્ષદવર્યો રાજાધિરાજના ચિહ્નોથી તેમજ છત્ર, વિંઝણો, ચામર આદિથી સેવા કરી રહ્યા હતા.૧૭
રાધા અને લક્ષ્મીજીનું દિવ્યદર્શન :- હે રાજન્ ! સંતોએ આવી અનુપમ દિવ્ય શોભાએ યુક્ત વિરાજમાન શ્રીનારાયણમુનિની ડાબે પડખે હાથમાં પદ્મ ધારણ કરી રહેલાં લક્ષ્મીનાં પણ દિવ્ય દર્શન કર્યાં. તેમણે કસુંબલ રંગથી રંગેલાં ચળકતાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં. શરીરે ગૌર વર્ણવાળાં અને સર્વ આભૂષણોથી સુશોભીત હતાં.૧૮
પારિજાતના પુષ્પોમાંથી ગુંથેલી વેણી કેશમાં ધારણ કરી હતી. સેંથામાં સિંદૂર પૂરી અતિશય દિવ્ય આભૂષણ ધારણ કર્યું હતું. શરદપૂર્ણિમાના ચંદ્રમાની સમાન સુંદર મુખારવિંદ અને ઉપડતા સ્તનથી અતિશય શોભી રહ્યાં હતાં.૧૯
સુંદર નાસિકા અને દાડમના બીજ સમાન દંતપંક્તિ, ભ્રૂકુટિની લતા અને સુંદર વિશાલ નેત્રોથી તે શોભી રહ્યાં હતાં. રત્નજડિત સાંકળા અને ઝણકાર કરતાં ઝાંઝર બન્ને ચરણકમળને અલંકૃત કરી રહ્યાં હતાં.૨૦
વિલસતા વિશાળ ભાલમાં દિવ્ય કુંકુમની પત્રિકા ધારણ કરી હતી. સુંદર ગાલ શોભી રહ્યા હતા. વક્ષઃસ્થળને શોભાવી રહેલાં સુંદર આભૂષણો કંઠમાં ધારણ કર્યાં હતાં. પોતાના પતિ શ્રીનારાયણ ભગવાનના મુખકમળની સામે સ્થિર દૃષ્ટિ કરીને ઊભાં હતાં.૨૧
અને હાથમાં રત્નજડિત નાના દંડવાળા ચામરને ધારણ કરી અતિશય પ્રીતિપૂર્વક પોતાના પતિ ભગવાન શ્રીહરિને ઢોળી રહ્યાં હતાં. આવા પ્રકારની શોભાએ યુક્ત લક્ષ્મીજીનાં દર્શન કરી, સંતોએ ડાબે પડખે એવી જ સમસ્ત પ્રકારની શોભાએ યુક્ત રાધિકાજીનાં પણ દર્શન કર્યાં.૨૨
ધર્મભક્તિનું સપરિવાર દિવ્યદર્શન :- હે રાજન્ ! પછી સંતોએ શ્રીહરિના જમણા ભાગમાં અતિશય પ્રકાશયુક્ત શ્વેત અંગવાળા અને શ્વેત વસ્ત્રોને ધારી રહેલા તેમજ દિવ્ય અલંકારો ધારણ કરવાથી અતિ શોભી રહેલા શ્રીહરિના પિતા ધર્મદેવનાં પણ દર્શન કર્યાં.૨૩
પછી સંતોએ ધર્મપિતાની ડાબે પડખે દિવ્ય આકૃતિવાળાં સુવર્ણની સમાન ઉજ્જવલ ગૌર શરીરવાળાં, દિવ્યાભૂષણોને ધારી રહેલાં, ભગવાન શ્રીહરિનાં માતા એવાં ભક્તિદેવીનાં દર્શન કર્યાં.૨૪
તેમજ દિવ્ય શરીરવાળી, દિવ્ય અલંકારો અને વસ્ત્રોને ધારી રહેલી શ્રદ્ધા આદિક ધર્મની અન્ય બાર પત્નીઓ તથા દિવ્ય શરીરધારી શુભ આદિ સર્વે પુત્રોનાં પણ દર્શન કર્યાં.૨૫
દિવ્યદર્શનવિષે સંતોનો અનુપમ પ્રશ્ન :- પછી સર્વે સંતો ભગવાન શ્રીહરિ અને ધર્મદેવ આદિ સર્વેને અતિશય મુદિત મને પ્રણામ કરી રોમાંચિત ગાત્રવાળા થઇ શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! શ્રીકૃષ્ણ એવા તમને નમસ્કાર, વાસુદેવ એવા તમને નમસ્કાર, નારાયણમુનિ એવા તમને નમસ્કાર, ધર્મપુત્ર એવા તમને નમસ્કાર, સર્વના સ્વામી એવા તમને નમસ્કાર.૨૬-૨૭
હે ભગવાન ! અમને પૂર્વે પણ તમારાં આવાં દિવ્ય સ્વરૂપનાં દર્શન થયાં છે. તેથી અમે તમને પહેલેથીજ ભગવાન જાણીએ છીએ. જે અમારા સ્વામી ભગવાન શ્રીહરિ છો, એ જ તમે રાધા, રમા આદિ શક્તિઓએ યુક્ત શ્રીકૃષ્ણ ભગવાન છો.૨૮
પરંતુ હે સ્વામિન્ ! તમારી જમણી બાજુ આ દિવ્ય દેહધારી દેવો તથા દેવીઓ છે તેને અમે જાણતા નથી. એ અમારા મનને આનંદ ઉપજાવતા કોણ છે ?૨૯
હે રાજન્ ! આવા પ્રકારનું સંતોનું વચન સાંભળી સકલ ઐશ્વર્યે સંપન્ન દિવ્યાકૃતિ ભગવાન શ્રીહરિ તેઓને કહેવા લાગ્યા કે, હે સંતો ! આ સાક્ષાત્ મારા પિતાજી ધર્મદેવ છે. અને આ તેમનાં પત્ની મારી માતા ભક્તિદેવી છે. હે નિર્દોષ સંતો ! આ શ્રદ્ધા, મૈત્રી આદિ બાર ધર્મપત્ની એવી મારી માતાઓ છે.૩૦
આ શુભ, પ્રસાદ વગેરે એ શ્રદ્ધા, મૈત્રી આદિના પુત્રો; એ મારા ભાઇઓ છે.૩૧
આ પિતા ધર્મદેવ આદિ અત્યારે જેવા મારી સમીપે જુઓ છો તેવા સર્વદા મારી સમીપે જ દિવ્ય દેહે રહે છે. આવું મારૂં દર્શન સર્વેને માટે અતિશય દુર્લભ છે.૩૨
હે સંતો ! જે મારા એકાંતિક ભક્તો છે તેમને જ ક્યારેક મારી ઇચ્છાથી કે તેઓની ઇચ્છાથી દર્શન થાય છે. એકાંતિકભાવ રહિતના ભક્તોને તો તેઓની ઇચ્છાથી પણ દર્શન થતું નથી. એ સમયે માત્ર મારી ઇચ્છા હોય તો જ એકાંતિક વિનાનાને આવાં દર્શન થાય છે.૩૩ હે સંતો ! તમોએ અત્યારે જાગરણે યુક્ત પાકું એકાદશીવ્રત કર્યું અને તમે એકાંતિક ધર્મોનું યથાર્થ પાલન કરો છો.૩૪ એથી જ હું આ ધર્મદેવ આદિકની સાથે તમારા ઉપર ખૂબજ પ્રસન્ન થયો ને તમને આવું દિવ્ય દર્શન આપ્યું. માટે તમે સૌ મારી પાસેથી અને પિતા ધર્મદેવ આદિ પરિવાર પાસેથી ઇચ્છિત વરદાન માગો.૩૫
સંતોએ માગ્યાં મનોવાંછિતવરદાન :- હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિએ વરદાન માગવાની પ્રેરણા કરી ત્યારે સર્વે મહર્ષિ સંતો ભગવાન શ્રીહરિને સાષ્ટાંગ પ્રણામ કરી પોતાને મનોવાંછિત વરદાન માગવા લાગ્યા કે, હે ભગવાન ! જો તમે અમારા ઉપર પ્રસન્ન થયા હો તો અમને એ વરદાન આપો કે, મનુષ્યસ્વરૂપમાં રહેલા તમારા અનેક પ્રકારનાં મનુષ્યચરિત્રોમાં અમને ક્યારેય પણ મોહ ન થાય.૩૬-૩૭
હે ઇશ્વર ! અત્યારે અમને તમારે વિષે જેવો દિવ્યભાવ છે, તેવોને તેવો તમારા આ સ્વીકાર કરેલા મનુષ્યભાવમાં પણ નિરંતર દિવ્યભાવ રહે.૩૮
બીજું કે અમોને તમારે વિષે આ લક્ષ્મીજીના જેવી એકાંતિકી ભક્તિ પ્રાપ્ત થાય. આ બે વરદાન અમને આપો. હે રાજન્ ! આ પ્રમાણે પોતાનું એકાંતિકભાવે ભજન કરતા સંતોએ વરદાન માગ્યાં. ત્યારે શ્રીહરિએ''તથાસ્તુ'' કહ્યું.૩૯
હે રાજન્ ! પછી સર્વે સંતો અતિશય વિનયયુક્ત થઇ ધર્મદેવ આદિ સર્વ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ધર્મદેવાદિક, તમે સાંભળો. તમે પણ જો અમારા ઉપર પ્રસન્ન થયા હો તો અમારા વિષે તમે આખો ધર્મવંશ સદાય નિવાસ કરીને રહો.૪૦
હે દેવતાઓમાં ઉત્તમ એવા ધર્માદિક ! તમે અમારૂં અધર્મથી ઉત્પન્ન થયેલા કામ, ક્રોધ, લોભ આદિક સર્વે અધર્મ સર્ગથી રક્ષણ કરો. આવા પ્રકારનાં બે વરદાન તમો અમને આપો.૪૧
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે જ્યારે સંતોએ વરદાનની પ્રાર્થના કરી ત્યારે ધર્માદિ સર્વે અતિશય પ્રસન્ન થયા ને સંતોને કહ્યું કે, તમો જે માગ્યું તે અમો તમોને આપીએ છીએ. માટે તે પ્રમાણે જ થશે. હે રાજન્ ! પછી શ્રીહરિ તે ધર્માદિકની સાથે પૂર્વવત્ મનુષ્યશરીરે દર્શન આપવા લાગ્યા અને ધર્માદિ અદૃશ્ય થઇ ભગવાન શ્રીહરિની સમીપે રહેવા લાગ્યા.૪૨
અને અતિશય વિસ્મય પામેલા સંતોએ મનુષ્યાકૃતિમાં રહેલા શ્રીહરિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. આ રીતે સર્વે સંતોને પોતાના દિવ્યદર્શનનું સુખ આપી શ્રીહરિ પોતાના નિવાસ સ્થાને પધાર્યા.૪૩
હે રાજન્ ! હેમંતસિંહ રાજાના ભવનમાં પણ શ્રીહરિ એકાદશીનું જાગરણ કરતા પોતાની સાથે રહેલા પાર્ષદોની સાથે વીંટળાયેલા થકા બાજોઠ ઉપર આવી બિરાજમાન થયા.૪૪
તે સમયે હેમંતસિંહ રાજા, ઉત્તમરાજા, સોમલાખાચર, સુરાભક્ત, રતનજી આદિ પાર્ષદો શ્રીહરિનાં દિવ્ય દર્શનથી અતિશય આશ્ચર્યયુક્ત થયા હોવાથી મંદમંદ મુખહાસ કરી રહેલા શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! કોટિ કોટિ સૂર્ય-ચંદ્રના પ્રકાશે યુક્ત રાધા-લક્ષ્મીએ સહિત તમારૂં તેમજ ધર્મ-ભક્તિ આદિ પરિવારનું જે અમને દિવ્ય દર્શન થયું તે મનુષ્યોને થવું અત્યંત દુર્લભ છે.૪૫-૪૬
હે ભગવાન ! છતાં પણ અમને થયું તેથી ધન્ય ભાગ્યશાળી એવા અમને ખૂબ જ આશ્ચર્ય થાય છે. હે રાજન્ ! પાર્ષદોએ આટલું કહ્યા પછી તેઓની વાણી અતિશય ગદ્ગદિત થઇ ગઇ ને નેત્રોમાંથી પ્રેમનાં અશ્રુઓ ઉભરાવા લાગ્યાં.૪૭
તે જોઇ ભગવાન શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા ને તેમને કહેવા લાગ્યા કે, હે શ્રેષ્ઠ ભક્તો ! તમે મારૂં વચન સાંભળો.૪૮
હે ભક્તો ! નરાકૃતિમાં રહેલા શ્રીવાસુદેવ ભગવાન એવા મારે વિષે જે મનુષ્યોને એકાંતિકી અનન્ય ભક્તિ ઉત્પન્ન થાય છે. તેઓને તમને જેમ મારૂં દર્શન થયું તેમ દિવ્ય દર્શન દુર્લભ નથી. તેમાં કોઇ સંશય નથી.૪૯
મેં શ્રીકૃષ્ણ સ્વરૂપે અર્જુનને વિશ્વરૂપનું દર્શન કરાવી મહાભારતમાં રહેલી ભગવદ્ગીતામાં આજ વાતનું નિરૂપણ કરેલું છે.૫૦
હે અર્જુન ! તું જે મારા સ્વરૂપનું દર્શન કરી રહ્યો છે એ સ્વરૂપનું દર્શન કોઇનાથી પણ કરવું શક્ય નથી. ઇન્દ્રાદિ દેવતાઓ પણ આ સ્વરૂપનાં દર્શન કરવાની મનમાં નિરંતર ઝંખના કરે છે. છતાં તેમને દર્શન થતાં નથી.૫૧
હે અર્જુન ! તું જે મારા આ વિશ્વરૂપનાં દર્શન કરી રહ્યો છે તે દર્શન વેદાધ્યયનથી, તપથી, દાન કે યજ્ઞા-યાગાદિકથી પણ શક્ય નથી. કારણ કે તે સર્વેમાં મારી એકાંતિકી ભક્તિ હોતી નથી.૫૨
હે અર્જુન ! હે પરમતપ ! તેં જે આ મારૂં દિવ્ય દર્શન કર્યું છે તે તો એકાંતિકી ભક્તિથી શક્ય થયું છે. અને તે ભક્તિથી જ તત્ત્વપૂર્વક મારૂં જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એકાંતિકી ભક્તિથી જ મારામાં અતિશય ગાઢ અનુરાગયુક્ત ધ્યાન પ્રાપ્ત થાય છે.૫૩
શ્રીહરિ કહે છે, હે પાર્ષદો ! મહાભારતના ઉદ્યોગપર્વમાં રહેલા સનત્સુજાતના ઉપાખ્યાનમાં પણ છેલ્લા અધ્યાયમાં કહેલું છે કે, એકાંતિક ભક્તિની યોગનિષ્ઠાવાળા ભક્તોને જ મારા સ્વરૂપનું દર્શન થાય છે. એમ વારંવાર પૂર્વે મેં કૃષ્ણાવતારમાં કહેલું છે.૫૪
મારા એકાંતિક સંતોની જે નિષ્કપટભાવે સેવા કરે અને મારી એકાંતિકી ભક્તિ કરે એ જ જીવ, કાળ અને યમના ભયથી, કર્મ અને માયાના બંધનથી મુક્ત થાય છે.૫૫
ભગવાનની ભક્તિએ સહિત જ અનુષ્ઠાન કરેલા બ્રાહ્મણાદિક વર્ણોના ધર્મો, બ્રહ્મચર્યાદિક આશ્રમોના ધર્મો, તેમ જ અનુલોમ, પ્રતિલોમથી જન્મેલા અન્ય જાતિના ધર્મો કે પછી ત્યાગી સાધુઓના ધર્મો અવિનાશી ફળને આપે છે. પણ ભક્તિ રહિત જો આચરણ કર્યા હોય તો ભગવાનને તેનો કોઇ સંબંધ નથી.૫૬
તેવીજ રીતે યજ્ઞા, દાન, વ્રત, જપ, સ્વાધ્યાય, તપ, તીર્થ, દેવતાઓની ઉપાસના, પૂર્ત કર્મ, સાંખ્ય, યોગ અને નિયમોના પાલનનું અવિનાશી ફળ તો ભગવદ્ ભક્તિમાં જ રહેલું છે.૫૭
ભગવાનને જ રાજી કરવારૂપ ભક્તિનો સંબંધ રાખ્યા વિના સર્વે ક્રિયાનું ફળ મળે તો પણ નિષ્ફળ જ જાણવું, કારણ કે તે અવિનાશી નથી હોતું.૫૮
હે પાર્ષદો ! ઇતિહાસ પુરાણોનું તાત્પર્ય એક ભગવદ્ભક્તિમાં જ રહેલું છે. સર્વે શાસ્ત્રોના સારરૂપ એવા શ્રીમદ્ભાગવતશાસ્ત્રનો પણ આ જ અભિપ્રાય છે કે, ભગવાનની ભક્તિ વિના કરેલું સર્વે વ્યર્થ છે.૫૯
હે પાર્ષદો ! આવા મહિમાવાળી એકાંતિકી ભક્તિ તમારા સર્વેમાં રહેલી છે. તેથી જ તમને ધર્મદેવાદિ સહિત મારૂં દિવ્યદર્શન થયેલું છે એમ જાણો.૬૦
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પાર્ષદોને કહ્યું, તેથી તેઓ અતિશય રાજી થયા ને ભગવાન શ્રીહરિના જ એક ચરણકમળનો આશ્રય કરનારા તે સર્વે પાર્ષદો પ્રણામ કરીને પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા.૬૧
આમ કરતાં શ્રીહરિ બારસના દિવસે નિત્ય કર્મની સમાપ્તિ કરાવી અનેક બ્રાહ્મણોને ભોજન કરાવી પોતાના પાર્ષદોની સાથે પારણાં કર્યાં.૬૨
પછી જયાબા અને લલિતાબાની સાથે ઉત્તમરાજાએ ભગવાન શ્રીહરિને પોતાના ગઢપુરમાં પધારવાની બહુ જ પ્રાર્થના કરી, તેથી શ્રીહરિએ પણ ગઢપુર પધારવાની મનમાં ઇચ્છા કરી.૬૩
હે રાજન્ ! તે જાણી હેમંતસિંહ રાજા તત્કાળ શ્રીહરિની સમીપે પધારી નેત્રમાં પ્રેમનાં અશ્રુઓ વહેવડાવતા ગદ્ગદ્ કંઠે રોમાંચિત ગાત્રવાળા થઇ બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા.૬૪
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પંચાળા ગામે શ્રીહરિએ સર્વને ધર્મદેવાદિએ સહિત પોતાનું દિવ્ય દર્શન કરાવ્યું એ નામે બાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૨--