અધ્યાય - ૩૯ - ધોલેરાથી પૂંજાભાઇ અને જુનાગઢથી હેમંતસિંહ રાજા પોતાને ત્યાં મંદિર કરવાની શ્રીહરિને પ્રાર્થના કરી.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 9:08pm

અધ્યાય - ૩૯ - ધોલેરાથી પૂંજાભાઇ અને જુનાગઢથી હેમંતસિંહ રાજા પોતાને ત્યાં મંદિર કરવાની શ્રીહરિને પ્રાર્થના કરી.

ધોલેરાથી પૂંજાભાઇ અને જુનાગઢથી હેમંતસિંહ રાજા પોતાને ત્યાં મંદિર કરવાની શ્રીહરિને પ્રાર્થના કરી. બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ અને અદ્ભૂતાનંદ સ્વામીને ધોલેરા મંદિર નિર્માણની આજ્ઞા. શ્રી હરિનું વડતાલપુરે આગમન.

પ્રતાપસિંહ રાજા પૂછે છે, હે સુવ્રતમુનિ ! ભગવાન શ્રીહરિના કથામૃતનું પાન કરતાં મને તૃપ્તિ થતી નથી. માટે ફરી ફરી કથામૃતનું જ પાન કરાવો, કારણ કે તમારૂં અંતર કરુણાથી છલકાય છે.૧

ભગવાન શ્રીહરિ વડતાલથી દુર્ગપુર પધાર્યા ને ત્યાં શું શું ચરિત્રો કર્યાં એ સમગ્ર ચરિત્રો મને સાંભળવાની ઇચ્છા વર્તે છે.૨

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! તમે હરિકથા શ્રવણના રસજ્ઞા છો અને મહાબુદ્ધિશાળી છો, માટે સાવધાની પૂર્વક સાંભળો હું તમને ભગવાનના અન્ય ચરિત્રો સંભળાવું છું.૩

હે રાજન્ ! તેત્રીસમા અધ્યાયને અંતે પારણાં કરી શ્રીહરિ વડતાલથી નીકળ્યા એમ જે કહેલું તે માર્ગમાં ભક્તજનોના ગામોમાં નિવાસ કરતા સંવત ૧૮૮૧ ના વૈશાખ સુદી પડવાને દિવસે પ્રાતઃકાળે દુર્ગપુર પધાર્યા.૪

શ્રીહરિએ સ્નાનાદિક આહ્નિક વિધિ કર્યા પછી શ્રીકૂર્મનારાયણ ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો. તેમાં બ્રાહ્મણ તથા બ્રહ્મચારીઓને આદરપૂર્વક મિષ્ટાન્નનાં ભોજન કરાવ્યાં.૫

હે રાજન્ ! તે પડવાના દિવસે જ ત્યાં જુનાગઢથી હેમંતસિંહ રાજા આવ્યા ને ધોલેરાથી પૂંજાભાઇ આવ્યા.૬

બન્નેનું એકજ સમયે ઉત્તમરાજાના દરબારગઢમાં મિલન થયું, પરસ્પર કુશળ સમાચાર પૂછીને તેઓ શ્રીહરિની સમીપે દર્શને આવ્યા.૭

આસન ઉપર શાંતિથી બેઠેલા ભગવાન શ્રીહરિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને તેમની સમીપે સામે બેઠા. ભગવાન શ્રીહરિએ બન્નેને બહુ આદર આપ્યો.૮

શ્રીહરિનાં દર્શનથી અતિશય આનંદ પામેલા બન્ને ભક્તજનોનું ઉત્તમરાજાએ પણ સન્માન કર્યું ને બન્નેએ ઉત્તમરાજાના ભવનમાં પોતાનો ઉતારો કર્યો.૯

હે રાજન્ ! બે દિવસ પછી અખાત્રીજના શુભ દિવસે ચંદનયાત્રાનો ઉત્સવ કરી પોતાના નિવાસસ્થાને સિંહાસન પર વિરાજમાન થયેલા શ્રીહરિને પ્રણામ કરી તેઓ બન્ને તેમની આગળ જ બેઠા.૧૦

પછી પોતાના અંતરના અભિપ્રાયને નિવેદન કરવાના અવકાશને જોઇ હેમંતસિંહ રાજા બે હાથ જોડી ભગવાન શ્રીહરિને કહેવા લાગ્યા કે, હે ભગવાન ! મારૂં વચન સાંભળો.૧૧

હે પ્રભુ ! તમે જુનાગઢનગરમાં રાધાકૃષ્ણનું મંદિર કરાવો. મંદિરનું નિર્માણ થાય તો મને અને અન્ય પુરવાસી ભક્તજનોને બહુ આનંદ થાય.૧૨

અમારા જુનાગઢના નવાબ બહાદુરખાન મુસ્લીમ રાજા છે. તે પણ મંદિર કરવાનું અનુમોદન કરે છે.૧૩

હે સ્વામિન્ ! અમારો આ મનોરથ તમે પૂર્ણ કરો. કારણ કે તમે અત્યારે ભક્તજનોના આવા પ્રકારના મનોરથો પૂર્ણ કરી રહ્યા છો.૧૪

હે રાજન્ ! આ પ્રમાણે હેમંતસિંહ રાજાએ કહ્યું, ત્યારે ધોલેરાના પૂંજાજી રાજા પણ બન્ને હાથ જોડી હેમંતસિંહજીની જેમજ ભગવાન શ્રીહરિને કહ્યું કે, હે સ્વામિન્ ! તમે અમારા ધોલેરા નગરમાં પણ મંદિર કરાવો. કારણ કે મારો તથા સર્વે પ્રજાજનોનો આ જ મનોરથ છે.૧૫-૧૬

હે પ્રતાપસિંહ રાજા ! આ પ્રમાણે બન્ને ભક્તજનોએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે સર્વેના મનોરથ પૂર્ણ કરતા ભગવાન શ્રીહરિ હસતાં હસતાં તે બન્નેને માન આપી કહેવા લાગ્યા કે, હે સુંદરવ્રતવાળા ભક્તો ! તમારી બુદ્ધિ વિશુદ્ધ છે, તમે આ મંદિર કરવાનો બહુ સારો વિચાર કર્યો છે, અને મારી પણ એજ ઇચ્છા છે.૧૭-૧૮

તમારા બન્નેના નગરમાં હું ચોક્કસ મંદિર કરીશ ને ત્યાં આવી મંદિરોમાં શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમાઓનું સ્થાપન કરીશ.૧૯

બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ અને અદ્ભૂતાનંદ સ્વામીને ધોલેરા મંદિર નિર્માણની આજ્ઞા :- હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિએ બન્ને ભક્તજનોને કહીને પ્રથમ બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે નિર્દોષ સંત ! તમે આ હેમંતસિંહ રાજાની સાથે મંડળના સંતોને સાથે લઇ જુનાગઢ પધારો.૨૦

હે મુનિ! ત્યાં તમે શોભાયમાન પથ્થરોનું અતિશય મજબૂત મંદિરનું નિર્માણ કરાવો. હું શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિપ્રતિષ્ઠા સમયે જરૂર ત્યાં આવીશ.૨૧

હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું ત્યારે બ્રહ્માનંદ સ્વામી બન્ને હાથ જોડી ભલે પ્રભુ ! તમે જેમ કહ્યું તેમ હું કરીશ. આ પ્રમાણે તેમને કહ્યું. ત્યારપછી ભગવાન શ્રીહરિ પોતાની આગળ જ બેઠેલા અદ્ભૂતાનંદ સ્વામી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે મુનિ ! તમે આ પૂંજાજી રાજા સાથે તમારા મંડળના સંતોને સાથે લઇ ધોલેરાપુર સીધાવો. ત્યાં પણ અતિશય શોભાયમાન શ્રીકૃષ્ણ ભગવાનનું મંદિર નિર્માણ કરાવો.૨૨-૨૩

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ આજ્ઞા કરી ત્યારે અદ્ભૂતાનંદ સ્વામીએ કહ્યું કે હે પ્રભુ ! ભલે હું આપની આજ્ઞા પ્રમાણે જ કરીશ. પછી નૃસિંહ જયન્તીના ઉત્સવ પર્યંત ત્યાં ગઢપુરમાં રોકાયા.૨૪

ઉત્સવની સમાપ્તિ કરી શ્રીહરિની આજ્ઞા લઇ બ્રહ્માનંદ સ્વામીની સાથે હેમંતસિંહ રાજા અને અદ્ભૂતાનંદ સ્વામીની સાથે પૂંજાજીરાજા અતિશય આનંદ પામતા પોતપોતાના નગર પ્રત્યે ગયા.૨૫

બ્રહ્માનંદ સ્વામી અતિશય ચતુર શિલ્પીઓ પાસે વિશાળ મંદિર તૈયાર કરાવવા લાગ્યા. પુરવાસી હેમંતસિંહ આદિ સર્વે ભક્તજનો બ્રહ્માનંદ સ્વામીના વચન અનુસાર જે જે સામગ્રી જોઇએ તે તત્કાળ હાજર કરવા લાગ્યા.૨૬

તેજ રીતે ભગવાન શ્રીહરિની આજ્ઞા પ્રમાણે અદ્ભૂતાનંદ સ્વામી પણ ધોલેરા નગરમાં દયારામ, ભૂષણ આદિ શિલ્પીઓ દ્વારા સુંદર મંદિરનું નિર્માણ કરાવવા લાગ્યા, તે ધોલેરાનગરનિવાસી પુંજાજી આદિ ભક્તો પણ અદ્ભૂતાનંદ સ્વામીના વચનને અનુસારે મંદિર ઉપયોગી જે કાંઇ કાર્ય હતું તે કરવા લાગ્યા.૨૭

હે રાજન્ ! બ્રહ્માનંદ સ્વામી અને અદ્ભૂતાનંદ સ્વામી મંદિર નિર્માણાર્થે ગયા પછી ભગવાન શ્રીહરિએ પોતાના ભાઇ રામપ્રતાપજી તથા ઇચ્છારામજી સાથે સંવત ૧૮૮૧ ના વૈશાખ વદ પાંચમના શુભ દિવસથી બ્રહ્મવૈવર્તપુરાણ સાંભળવાનો પ્રારંભ કર્યો.૨૮

પુરાણનું શ્રવણ કરતા ભગવાન શ્રીહરિએ સંવત ૧૮૮૨ ના ભાદરવા માસમાં ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મવૈવર્ત પુરાણ શ્રવણની સમાપ્તિ કરી. આ પ્રમાણે સાડા ત્રણ મહિના સુધી એ ગ્રંથનું શ્રવણ કર્યું.૨૯

ત્યાર પછી તે ગણેશચતુર્થીના દિવસે ગણપતિજીની મોટીની મૂર્તિ તૈયાર કરાવી મોટા ઉત્સવ સાથે વિધિપૂર્વક તેમની પૂજા કરાવીને તેમને રાજી કરવા ઘણા ઘીમિશ્રિત ગોળના લાડુઓનું બ્રાહ્મણોને ભોજન કરાવ્યું.૩૦

હે રાજન્ ! પછી શ્રીહરિ નિત્યે પંચમસ્કંધનું પ્રેમથી શ્રવણ કરતા. તે પંચમ સ્કંધની પણ આસોવદ ધનતેરસના દિવસે સમાપ્તિ કરી વક્તા પ્રાગજી પુરાણીને મહાવસ્ત્રો તથા સોનાના કડાં અર્પણ કરી સંતોષ પમાડયા.૩૧

ત્યારપછીના ચૌદશને દિવસે શ્રીહરિએ શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે મોટો ઉત્સવ ઉજવી પોતાના કુળદેવ હનુમાનજીની સંગવકાળે પૂજા કરી ને તેમને પ્રસન્ન કરવા માટે તેમના જેવા નૈષ્ઠિક બ્રહ્મચારી એવા મુકુંદાનંદ વર્ણી આદિ બ્રહ્મચારીઓની પૂજા કરી.૩૨

પછી ભગવાન શ્રીહરિએ દીપોત્સવીનો અને અન્નકૂટનો મોટો ઉત્સવ ઉજવ્યો. પોતાના માતાપિતાના જન્મોત્સવનો ઉત્સવ વડતાલપુરે ઉજવવાની ઇચ્છાથી શ્રીહરિ સંવત ૧૮૮૨ ના કાર્તિક સુદ ચોથના દિવસે ગઢપુરથી વડતાલ જવા નીકળ્યા.૩૩

શ્રી હરિનું વડતાલપુરે આગમન :- હે રાજન્ ! તે સમયે પોતાની પત્નીઓએ સહિત રામપ્રતાપજી વગેરે શ્રીહરિના ભાઇ આદિ સંબંધીજનો તેમજ પત્નીઓએ સહિત ગઢપુરવાસી અન્ય ભક્તજનો પણ પોતપોતાના અન્ય સંબંધીજનોની સાથે ઉત્તમ રાજાની આગેવાની હેઠળ તત્કાળ ભગવાન શ્રીહરિની પાછળ ચાલવા લાગ્યા.૩૪

માર્ગમાં આવતા અનેક ગામવાસી ભક્તજનો ભગવાન શ્રીહરિનું પૂજન કરતા હતા, અશ્વારૂઢ શ્રીહરિની પાછળ ઉત્તમાદિક અનેક ઘોડેસ્વારો આવી રહ્યા હતા. આ રીતે ચાલતા ભગવાન શ્રીહરિ કારતક સુદ ગોપાષ્ટમીના ચોથા મુહૂર્તમાં વડતાલપુર પધાર્યા.૩૫

તે સમયે વડતાલવાસી ભક્તજનો તથા યાત્રાએ આવેલા અન્ય ભક્તજનોના સમુદાયો ભગવાન શ્રીહરિની સન્મુખ આવ્યા. મંગલવાજિંત્રોનો મધુર નાદ કરતા તે ભક્તજનોની સાથે ભગવાન શ્રીહરિએ પુરમાં પ્રવેશ કર્યો ને અતિશય સ્નેહપૂર્વક શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનનાં દર્શન કર્યાં.૩૬

હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ મંદિરથી નૈઋત્યખૂણામાં રહેલા હરિમંડપ નામના પોતાના હમેશના નિવાસ સ્થાને ઉતારો કર્યો અને જુદા જુદા ભવનોમાં પોતાની સાથે પધારેલા બન્ને ભાઇઓને પણ ઉતારા કરાવ્યા. તેમાં મંદિરથી અગ્નિખૂણાના ભવનમાં રામપ્રતાપભાઇના પરિવારને અને મંદિરથી પશ્ચિમદિશાના ભવનમાં ઇચ્છારામભાઇના પરિવારને ઉતારા અપાવ્યા. દૂતોને મોકલી બીજા નગરોમાંથી ભક્તિધર્મનો જન્મોત્સવ ઉજવવા માટે સામગ્રીઓ ભેળી કરાવવા લાગ્યા.૩૭

પછી ભગવાન શ્રીહરિ પોતાના આગમનના બીજા દિવસે સતયુગની પ્રથમ તિથિ જાણી કારતક સુદ નવમીના દિવસે બ્રાહ્મણોને ગાય આદિકના મહાદાન કર્યાં, અને દશમીના દિવસે પોતાના માતા ભક્તિદેવીના વાર્ષિક શ્રાદ્ધમાં હજારો બ્રાહ્મણોને ઇચ્છિત ભોજન કરાવી તૃપ્ત કર્યા.૩૮

હે રાજન્ ! ઉદાર મનવાળા ભગવાન શ્રીહરિએ ચક્રવર્તીરાજાઓની માફક સંવત ૧૮૮૨ના કાર્તિકસુદ એકાદશીના દિવસે અનેક પ્રકારના વાજિંત્રોના મધુર ઘોષની સાથે મહાપૂજા વિધિ કરવા પૂર્વક પિતા ધર્મદેવના પ્રાગટયનો મોટો જન્મોત્સવ ઉજવ્યો ને સુંદર વસ્ત્રો અને દક્ષિણાના દાન કરી વિપ્રોની પૂજા કરી.૩૯

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ જુનાગઢ તથા ધોલેરા મંદિર નિર્માણની આજ્ઞા આપીને ધર્મ-ભક્તિના જન્મોત્સવો ઉજવવા વડતાલપુર પધાર્યા એ નામે ઓગણચાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૯--