અધ્યાય - ૪૧ - સયાજીરાવ રાજાના મંત્રી નારુપંતનું નિમંત્રણ આપવા માટે વડતાલમાં આગમન.
સયાજીરાવ રાજાના મંત્રી નારુપંતનું નિમંત્રણ સાથે વડતાલમાં આગમન. પધારે વટપત્તન સ્વામી. નવગજા હાથી ઉપર શ્રીહરિ વિરાજમાન.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ઉત્સવ ઉજવી ભગવાન શ્રીહરિ શ્રીલક્ષ્મીનારાયણદેવના આંગણામાં સભા મધ્યે વિરાજમાન થયા. તે સમયે વડોદરાથી રાજા સયાજીરાવના મંત્રી નારુપંતનાના ઘોડેસ્વારોની સાથે તેમની સમીપે આવ્યા.૧
પ્રણામ કરી રહેલા રાજાના મંત્રી અને પોતાના ભક્ત એવા નારુપંતનું શ્રીહરિએ યથાયોગ્ય સ્વાગત કરી સન્માન કર્યું.૨
પછી શ્રીહરિના સાંનિધ્યમાં બેસી બે હાથ જોડી નારુપંતનાના કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! સયાજીરાવ રાજાના અનંત પ્રણામનો આપ સ્વીકાર કરો.૩
આપશ્રીને વડોદરા નગર પધારવાનું આમંત્રણ આપવા ને આપને તેડવા તેમણે મને આપની સમીપે મોકલ્યો છે. એમના અંતરમાં તમારા દર્શન કરવાની અતિશય ઇચ્છા વર્તે છે.૪
હે પ્રભુ ! મહારાજાએ જે દિવસથી મુક્તાનંદ સ્વામીનાં દર્શન કર્યાં ને સત્સંગ કર્યો છે, તે દિવસથી આરંભી દરરોજ તમારૂં જ ચિંતવન કરે છે. તમને ખૂબજ યાદ કરે છે.૫
તેથી તમે અત્યારેજ તેમનો મનોરથ પૂર્ણ કરી અવશ્ય તેમને તમારૂં દર્શન આપો. હે રાજન્ ! તે સમયે મુક્તાનંદ સ્વામી પણ કહેવા લાગ્યા કે, હે શ્રીહરિ ! આ કાર્ય અવશ્ય કરવા જેવું છે.૬
હે રાજન્ ! તે સમયે ભગવાન શ્રીહરિ સર્વેને આનંદ ઉપજાવતા નારુપંતનાનાને કહેવા લાગ્યા કે, હે નારુપંત ! સયાજીરાવ મહારાજાને મારે વિષે નિષ્કપટ ભાવ છે તેને હું જાણું છું.૭
હે નિષ્પાપ ભક્તો ! મુક્તાનંદ સ્વામીએ પહેલેથી જ એ સર્વે હકીકત મને જણાવી દીધી છે. એથી હું વડોદરા પધારીશ અને તમારૂં વચન માનીને તો હું અવશ્ય વડોદરા પધારીશ.૮
હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું, તેથી અતિશય રાજી થયેલા નારુપંતનાના ભગવાન શ્રીહરિને પ્રણામ કરી સયાજીરાવ મહારાજાએ મોકલાવેલી ભેટ સામગ્રી તેમના ચરણોમાં સમર્પિત કરી.૯
તેમાં બહુમૂલ્ય વસ્ત્રો તથા વિવિધ પ્રકારનાં ફળો સમર્પણ કરી ભગવાન શ્રીહરિની આજ્ઞાથી નારુપંતનાના શ્રીહરિએ આપેલા પોતાના ઉતારે ગયા.૧૦
તે સમયે ભગવાન શ્રીહરિએ ઓઢવા લાયક એ મહાવસ્ત્ર પ્રસાદીનું કરી મુક્તાનંદ સ્વામીને અર્પણ કર્યું. અને ફળ હતાં તે સર્વે સંતોને વહેંચી આપ્યાં ને પોતાના નિવાસસ્થાને પધાર્યા.૧૧
પછી પ્રાતઃકાળે ભગવાન શ્રીહરિ નારુપંતનાનાને બોલાવી કહેવા લાગ્યા કે, હે નારુપંત ! આજના દિવસે ભોજન કરી તમે આગળ જાઓ ને મારા આગમનના સમાચાર રાજાને કહી સંભળાવો.૧૨
હું સંતો-ભકતોની સાથે આજથી પાંચમે દિવસે કાર્તિક વદ પાંચમની તિથિએ વડોદરા શહેર પધારીશ, એમાં કોઇ જાતનો સંશય નથી. હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તેથી નારુપંતનાના તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી ભોજન સ્વીકારી વડોદરા પાછા ફર્યા.૧૩
ત્યારે નારુપંતનાનાએ રાજાને સર્વે વૃત્તાંત કહી સંભળાવ્યું. શ્રીહરિના આગમનના સમાચાર સાંભળી સયાજીવરાવ મહારાજા અતિશય પ્રસન્ન થયા, ને ભગવાન શ્રીહરિના નિવાસને માટે મસ્તુબાગમાં ઉતારો ગોઠવ્યો.૧૪
પધારે વટપત્તન સ્વામી :- હે રાજન્ ! સંવત ૧૮૮૨ના કાર્તિક વદ ચોથને દિવસે ભોજન સ્વીકારીને સંતમંડળની સાથે શ્રીહરિ અશ્વ ઉપર આરુઢ થયા, પોતાના પાર્ષદો તથા સોમલાખાચર આદિ ઘોડેસ્વારોની સાથે વડોદરા શહેર જવા માટે વડતાલથી નીકળ્યા.૧૫
માર્ગમાં અનેક ભક્તજનોના સમૂહો શ્રીહરિનું પૂજન કરતા હતા. તે સિવાયના બીજા મનુષ્યો તો અતિશય આશ્ચર્ય પામી તેમનાં દર્શન કરતાં હતાં. શ્રીહરિ મહીનદીને ઉતરી સાકરદા ગામે સંતો ભક્તોની સાથે પધાર્યા ને ત્યાં નિવાસ કર્યો.૧૬
ત્યાંના ગણેશ આદિ ભક્તજનોએ આદરપૂર્વક પોતાની શક્તિ પ્રમાણે ભગવાન શ્રીહરિનો અતિથિસત્કાર કર્યો. ભગવાન શ્રીહરિ સાકરદા ગામે એક રાત્રી નિવાસ કરીને રહ્યા. પછી પ્રાતઃકાળે પાંચમની તિથિએ સ્નાનાદિ નિત્યવિધિ કરી સંતો-ભક્તોની સાથે ત્યાંથી આગળ જવા નીકળ્યા.૧૭
હે રાજન્ ! તે સમયે વડોદરા શહેરની અંદર ઘેર ઘેર શ્રીસ્વામિનારાયણ ભગવાનના આગમનનો ઉદ્ઘોષ વ્યાપી ગયો. તેમાં શ્રીહરિના દ્વેષી જનો જે આસુરી સંપત્વાળા હતા તેને રાત્રીએ નિદ્રા પણ આવી નહિ.૧૮
તેમાં તો કોઇ દ્વેષીઓ ભગવાન શ્રીહરિની સાથે વાદવિવાદ કરવા માટે પૂર્વપક્ષનાં પાનાંઓ લખીને તૈયાર કરી મનમાં તેની વારંવાર આવૃત્તિ કરવા લાગ્યા. કોઇ દ્વેષીઓ શ્રીહરિની સાથે યુદ્ધ કરવા માટે પોતાના વર્ગના જનોની સાથે મળી શસ્ત્રઅસ્ત્રોથી સજ્જ થવા લાગ્યા.૧૯
અને જે મનુષ્યો સદ્બુદ્ધિવાળા હતા તેઓએ પ્રથમ શ્રીહરિના સદ્ગુણો વિષે બહુ સાંભળ્યું હોવાથી તેમના દર્શન કરવા માટે ઉત્સુક થયા. કેટલાકતો ભગવાન શ્રીહરિના આગમનનું કૌતુક જોવા તૈયાર થયા. તેમાં વળી કેટલાક આ સ્વામિનારાયણ આપણા ઉપર ભૂરકી નાખશે એવા ભયથી સંતાઇ ગયા.૨૦
ભગવાન શ્રીહરિના દર્શનની અતિશય ઇચ્છા ધરાવતા મહારાજા સયાજીરાવ પ્રાતઃકાળે પોતાની સમગ્ર ચતુરંગીણી સેના સજ્જ કરી મંત્રી નારુપંતનાનાને શ્રીહરિને લઇ આવવા સન્મુખ મોકલ્યા.૨૧
વડોદરાથી બે યોજન દૂર છાણી ગામની ભાગોળે પહોંચેલા શ્રીહરિને દૂરથી નિહાળી નારુપંતનાનાએ અશ્વ ઉપરથી નીચે ઉતરી પ્રણામ કર્યા. શ્રીહરિ પણ તેમની સમીપે પહોંચી સેનાએ સહિત નારુપંતનાનાનો આદરસત્કાર કર્યો.૨૨
નવગજા હાથી ઉપર શ્રીહરિ વિરાજમાન :- હે રાજન્ ! શોભાયમાન પીઠ ઉપર બિછાવેલ ઝૂલવાળા અને સુવર્ણની અંબાડીએ યુક્ત તેમજ ખાસ ભગવાન શ્રીહરિને બેસવા માટે જ સયાજીરાવે મોકલેલા ગજેન્દ્ર ઉપર નારુપંતનાનાએ ભગવાન શ્રીહરિને પોતાના હાથનો ટેકો આપીને આરોહણ કરાવી બેસાડયા. અન્ય સંતોને અનેક પ્રકારનાં વાહનો ઉપર બેસાડયા.૨૩
કેટલાક સંતોને હાથીઓ ઉપર, કેટલાકને અશ્વો ઉપર, કોઇને રથમાં, કોઇને મેનામાં, કોઇને પુષ્પના રથ ઉપર, તો કોઇને મહારથ ઉપર બેસાડયા.૨૪
હે રાજન્ ! પછી સ્વયં રાજમંત્રી નારુપંતનાના ભગવાન શ્રીહરિની પાછળ બેસી તેમના ઉપર સુંદર ચામર ઢોળવા લાગ્યા. તે સમયે અનેક પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં ને જય જયકારનો મહાધ્વનિ થવા લાગ્યો.૨૫
શ્રીહરિના અનુયાયી ભક્તજનોની સાથે મળી રાજાના સૈનિકો ચાલતાં ચાલતાં જેવા નગરમાં પ્રવેશ કરે તેવામાં તો નગરના જનો પણ ભગવાન શ્રીહરિની સન્મુખ આવ્યા. ગજેન્દ્ર ઉપર આરુઢ થયેલા શ્રીહરિ નગરમાંથી આવતા અને પોતાને આગળ જવાના માર્ગને જનસમુદાયથી ભરચક નિહાળવા લાગ્યા.૨૬
હે રાજન્ ! રાજાધિરાજપણે શોભતા શ્રીહરિએ જ્યારે વડોદરા નગરમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના પ્રકાશમાન દિવ્ય અંગોની કાંતિ ચારે તરફ પ્રસરી રહી. મુખારવિંદ મંદ મંદ હાસ્યથી વિલસી રહ્યું હતું. સૂક્ષ્મ શ્વેત વસ્ત્રોમાં શોભતા હતા. પ્લુત નામની ચાલમાં ચલાવેલા અશ્વો શ્રીહરિની પાછળ ચાલી રહ્યા હતા. અનેક હાથીઓની મધ્યે ચાલતા ગજેન્દ્ર ઉપર શ્રીહરિ વિરાજમાન હતા. અનેક પ્રકારના વાજિંત્રોના મહાધ્વનિની સાથે જયજયકારનો મહાધ્વનિ મળીને દશે દિશાઓને ગુંજવી રહ્યો હતો. ભગવાન શ્રીહરિનાં દર્શન કરવા ભેળા થયેલા દર્શકોની મોટીભીડ જામી હતી. ભક્તજનો ભગવાન શ્રીહરિ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા હતા. તે પુષ્પોને જનમેદનીમાં જ પીસાઇ જવાના કારણે નીચે પૃથ્વીપર પડવાનો અવકાશ પણ પ્રાપ્ત થતો ન હતો. આવી શોભાને ધારણ કરતા શ્રીહરિએ વડોદરા નગરમાં પ્રવેશ કર્યો.૨૭
હે રાજન્ ! વડોદરા નગરના દરેક પોળમાંથી આવતા માર્ગોમાંથી મનુષ્યો સમુહમાં મળી મુખ્યમાર્ગ ઉપર આવી, સર્વે અતિશય આશ્ચર્યપૂર્વક નગરમાં પધારી રહેલા શ્રીહરિનાં દર્શન કરવા લાગ્યાં. ભગવાન શ્રીહરિ મારા પુરમાં આવી પહોંચ્યા છે, તેવા સમાચાર સાંભળી સ્વયં સયાજીરાવ રાજા અતિશય હર્ષપૂર્વક સન્મુખ આવ્યા ને દર્શન કરી તત્કાળ નમસ્કાર કર્યા. શ્રીહરિએ પણ તેમનું અધિક સન્માન કર્યું. પછી ભગવાન શ્રીહરિ રાજાની સાથે તેમના રાજમહેલની સમીપે પધાર્યા. સયાજીરાવ ભગવાન શ્રીહરિને હાથી ઉપરથી ઉતારી પોતાના હાથમાં હાથ લઇ અતિશય વિનયપૂર્વક પ્રેમાર્દ્ર હૃદયે શ્રીહરિને ભેટી પડયા.૨૮
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ભગવાન શ્રીહરિનું વડોદરા નગરમાં આગમન થયાનું નિરૂપણ કર્યું એ નામે એકતાલીસ અધ્યાય પૂર્ણ થયો. --૪૧--