અધ્યાય - ૫૭ - આસો માસમાં આવતા ઉત્સવોના વિધિનું શ્રીહરિએ કરેલું નિરૂપણ.

Submitted by swaminarayanworld on Thu, 03/08/2017 - 6:56pm

અધ્યાય - ૫૭ - આસો માસમાં આવતા ઉત્સવોના વિધિનું શ્રીહરિએ કરેલું નિરૂપણ.

આસોમાસમાં આવતા ઉત્સવોના વિધિનું શ્રીહરિએ કરેલું નિરૃપણ. વિજયાદશમી ઉત્સવ. શરદપૂનમનો ઉત્સવ. ધનતેરસનો અલંકાર માર્જનનો ઉત્સવ. ચૌદશ અને દીપાવલી ઉત્સવ. કાળી ચૌદશે હનુમાનજીની પૂજા. દીપોત્સવ તથા લક્ષ્મીપૂજન.

વિજયાદશમી ઉત્સવ :- ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! અલ્પ સંધ્યા સમય પસાર થયો હોય ને તારા મંડળ કંઇક ઉદય પામ્યું હોય એ કાળ સર્વકાર્યના અર્થને સિદ્ધ કરી આપનારો ''વિજય'' નામનો કાળ કહેલો છે.૧

નવમી કે દશમી તિથિની તે કાળમાં વ્યાપ્તિ હોય કે ન હોય, પરંતુ શ્રીકૃષ્ણ ભગવાનના સેવકોએ એ ''વિજયોત્સવ'' નવમીના વેધવાળી દશમી તિથિએ જ કરવો.૨

કારણ કે આસોસુદ દશમીની તિથિએ શ્રવણ નક્ષત્રમાં ભગવાન શ્રીરામચંદ્રજીએ કિષ્કિન્ધાપુરીથી રાવણ વિજય માટે પ્રયાણ કર્યું હતું. તેથી મનુષ્યોએ તે દિવસે વિજયકાળમાં શ્રવણ નક્ષત્રના સમયે પોતાના ગામની સીમાનું ઉલ્લંઘન કરવું.૩

એ દિવસે ભગવાનને રાજાધિરાજનાં વસ્ત્રો ધારણ કરાવવાં. સુગંધીમાન પુષ્પોના હાર અને તોરા ધારણ કરાવવા. સુંદર ચંદન ચર્ચવું.૪

દૂધપાક અને ઠોર આદિ પક્વાન્નોનું વિશેષપણે નૈવેદ્ય ધરવું. સાયંકાળે અતિશય શુદ્ધ જગ્યાએ ઉગાડેલા યવના અંકુરોને તોરાની પેઠે મસ્તક પર ધારણ કરાવવા.૫

ગીત વાજિંત્રોના મધુર ધ્વનિની સાથે ભક્તિભાવપૂર્વક મોટો ઉત્સવ કરવો. આ ઉત્સવમાં શ્રીકૃષ્ણ ભગવાનનાં વિજયપદ્યોનું ગાન કરાવવું.૬

શરદપૂનમનો ઉત્સવ :- હે પુત્રો ! આસો માસમાં પૂર્ણ ચંદ્રોદયવાળી પૂર્ણિમા તિથિથી આરંભીને નંદનંદન શ્રીકૃષ્ણ ભગવાને રાધિકા આદિક ગોપીઓની સાથે રાસલીલા કરી છે.૭

તેથી હે પુત્રો ! પૂર્ણચંદ્રના પ્રકાશવાળી તે પૂર્ણિમાની રાત્રીમાં ભગવાનના ભક્તોએ સર્વપ્રકારે ઉત્સવ ઉજવવો.૮

રાસોત્સવ ''રાકા'' માં કરવો પરંતુ અનુમતિમાં કરવો નહિ, એવી મર્યાદા ઉદ્ધવસ્વામી શ્રીરામાનંદ સ્વામીએ કરેલી છે. ચંદ્ર ઉદય સમયે પૂર્ણ કલાથી ખીલ્યો હોય એવી પૂર્ણિમાની તિથિને ''રાકા'' કહેવાય છે, અને જ્યારે ચંદ્રોદય સમયે પડવો બેસી ગયો હોય તો એક કલાહીન ચંદ્ર હોવાથી તેને ''અનુમતિ'' નામની પૂર્ણિમા કહેલી છે.૯

આ રાસોત્સવમાં ગોપીઓની સાથે રાધિકાજીની મૂર્તિને શણગારોથી અતિશય શોભાવવી. જો રાધિકાજીની મૂર્તિ શ્રીકૃષ્ણ ભગવાનની સમીપે ન હોય તો હું કહું એ વિકલ્પ પસંદ કરવો.૧૦

કે રાધિકાજી અને ગોપીઓનું લક્ષ્મીજીની મૂર્તિમાં આવાહ્ન કરી પૂજા કરનાર ભક્તજને લક્ષ્મીજીને મહાશણગાર ધારણ કરાવવા.૧૧

ઉપરની ઓઢણી અને અંદરનો ચણિયો કસુંબલ ધારણ કરાવવો ને પીળા વર્ણની ચોળી ધારણ કરાવવી. ભાલમાં કુંકુમ પત્રિકાની રચના ધરાવવી.૧૨

તે સમયે પૂજારીએ શ્રીકૃષ્ણ ભગવાનને બહુમૂલ્યવાળું પીતાંબર ધારણ કરાવવું, તેમજ અનેક પ્રકારના રત્નો જડિત મુગટ અને કુંડળો ધારણ કરાવવાં.૧૩

બન્ને હાથમાં રત્ન જડિત મોરલી ધારણ કરાવવી અને નૈવેદ્યમાં બરફી અને પેંડા ધરાવવા.૧૪

હે પુત્રો ! સુગંધીમાન પુષ્પવાસિત અત્તરતેલથી અને ગુલાબ જળથી રૂક્મિણીપતિ ભગવાનનાં વસ્ત્રો અને મંદિરને સુવાસિત કરવું.૧૫

રાત્રીના સમયે ચંદ્રશાળા (અગાસી) ઉપર સ્થાપન કરેલા બાજોઠ પર બાલકૃષ્ણને પધરાવી પૂજારીએ ગીત વાજિંત્રોએ સહિત પૂજન કરવું.૧૬

નૈવેદ્યમાં ભક્તે નવીન ડાંગરના પૌઆં અને શર્કરા મિશ્રિત દૂધ બાલશ્રીકૃષ્ણને નિવેદિત કરવું, બાકીનો વિધિ પૂર્વવત્ જાણવો.૧૭

પછી રાસ રમતા ં શ્રીકૃષ્ણ ભગવાન વૃંદાવનમા રાત્રીને વિષે ગોપીઓને સાથે રાસક્રીડા કરી છે, તેનાં પદોનું ગાન કરવું.૧૮

ધનતેરસનો અલંકાર માર્જનનો ઉત્સવ :- હે પુત્રો ! આસોવદ ધનતેરસની તિથિએ લક્ષ્મીપતિ ભગવાનના અલંકારોનું યથાયોગ્ય માર્જન કરી સ્વચ્છ કરવાં. પૂજાના ઉપકરણો, પાત્રો આદિક પણ માર્જન કરી સ્વચ્છ કરવાં. આ ઉત્સવ સૂર્યોદય વ્યાપિની તેરસના દિવસે જ કરવો. જો તેરસનો ક્ષય હોય તો બારસની તિથિએ કરવો.૧૯

આ ઉત્સવમાં લીંપણ, પ્રક્ષાલન અને જળના છંટકાવથી સર્વ મંદિરની શુદ્ધિ કરવી. શ્રીકૃષ્ણ ભગવાનને કુંકુમથી સુશોભિત તિલક ધારણ કરાવવું.૨૦

સુવર્ણના તારવાળો લાંબો પટકો મસ્ત્ક પર બંધાવવો. તેમજ પીળા કે લાલ રંગની સાડી અને કસુંબલ રંગની ચોળી લક્ષ્મીજીને ધારણ કરાવવી.૨૧

ભગવાનને નૈવેદ્યમાં જલેબી અને કોમળ ખાજાં ધરાવવાં. આ ઉત્સવમાં આટલી વિશેષતા છે બાકી વિધિ પૂર્વની પેઠે સરખો છે.૨૨

ચૌદશ અને દીપાવલી ઉત્સવ :- હે પુત્રો ! એજ ધનતેરસથી આરંભીને ભગવાનના વહાલા ભક્તજનો દીપોત્સવના પદ્યોનું ગાન કરવું. તેમજ ત્રણ દિવસ તેરસ, ચૌદશ અને અમાવાસ્યા સુધી મંદિરમાં દીપમાળા પૂરી મંદિરને ઝગઝગાવવું.૨૩

આસોવદ ચૌદશની તિથિ જે ચંદ્રોદય સમયની હોય તે જ ચૌદશ લક્ષ્મીજીએ સહિત ભગવાનના અભ્યંગ સ્નાન માટે ગ્રહણ કરવી. ૨૪

આ ચૌદશના દિવસે પૂજારીએ શ્રીકૃષ્ણ ભગવાન અને લક્ષ્મીજીને સુગંધીમાન અત્તર તેલથી અભ્યંગ સ્નાન કરાવી ગરમ જળથી સ્નાન કરાવવું.૨૫

તે દિવસે સર્વે વસ્ત્રો લાલ ધારણ કરાવવાં ને ફૂલવડી, ભજીયાં, વડા અને માલપૂવાનું નૈવેદ્ય ધરાવવું.૨૬

આ ઉત્સવમાં પૂજારીએ આરતીનો વિધિ બહુ દિવેટો પ્રગટાવીને વિશેષપણે કરવો. આટલો વિશેષ વિધિ છે બાકી સર્વ સામાન્ય પૂર્વવત્ જાણવો.૨૭

કાળી ચૌદશે હનુમાનજીની પૂજા :- હે પુત્રો ! ચૌદશના દિવસે તેલ, સિંદૂર, આકડાના પુષ્પની માળા, અડદના વડાં, અને સેકેલા ચણા આદિથી હનુમાનજીની મોટી પૂજા કરવી. આ પ્રમાણે વાયુપુરાણમાં કહેલું છે.૨૮

હનુમાનજીના પૂજનમાં આ ભૂત ચૌદશ સંગવકાળે વ્યાપ્તિ હોય તેજ ગ્રહણ કરવી. તેરસ અને ચૌદશ બન્ને દિવસે સંગવકાળે જો ચતુર્દશી વ્યાપ્તિ હોય કે ન વ્યાપ્તિ હોય છતાં બહુકાળ વ્યાપ્તિ આગળની તેરસની ચૌદશ જ પૂજામાં ગ્રહણ કરવી. થોડો સમય વ્યાપ્તિ હોવાથી પછીની ચૌદશ ગ્રહણ કરવી નહિ.૨૯

દીપોત્સવ તથા લક્ષ્મીપૂજન :- હે પુત્રો ! આસો માસની અમાવાસ્યા દીપદાનમાં અને લક્ષ્મીપૂજનમાં પણ પ્રદોષ સમય પર્યંત સાયંકાળ સુધી વ્યાપ્તિ હોય તે ગ્રહણ કરવી. તે અમાવાસ્યા જો ચૌદશના વેધવાળી હોય તો દીપદાન અને લક્ષ્મીપૂજનમાં શુભ મનાયેલી છે. અહીં એવો ભાવ છે કે બીજે દિવસે અમાવાસ્યા સૂર્યાસ્ત સુધી વ્યાપ્તિ હોય તો તેજ ગ્રહણ કરવી, ને પૂર્વના ચૌદશના દિવસે સાયંકાળે જો અમાવાસ્યા વ્યાપ્તિ હોય તો પૂર્વના દિવસની ગ્રહણ કરવી. જો બન્ને દિવસે સાયંકાળે ચૌદશ વ્યાપ્તિ હોય તો બીજા દિવસવાળી ગ્રહણ કરવી. અને જો બન્ને દિવસે સૂર્યાસ્ત સમયે અમાસ ન વ્યાપ્તિ હોય તો આગળના ચૌદશના દિવસે જ સાયંકાળે દીપદાન અને લક્ષ્મીપૂજન કરવું.૩૦

એ અમાવાસ્યાના દિવસે પૂજા કરનારા ભક્તોએ ભગવાનને મહા અમૂલ્ય આભૂષણો તા સૂક્ષ્મ અને મનોહર એવાં વસ્ત્રો ધારણ કરાવવાં.૩૧

વળી પૂજારીએ સાયંકાળે રૂકિમણિ નાંમના લક્ષ્મીજીનું પૂજન કરવું. જો લક્ષ્મીજીની પ્રતિમા ન હોય તો રાધાજીમાં તેમનું આવાહ્ન કરી સુશોભિત ઉપચારોથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવું. જો રાધાજીની પણ પ્રતિમા ન હોય તો સુવર્ણની લક્ષ્મીજીની મૂર્તિ તૈયાર કરાવવી અથવા સુવર્ણમાં કલ્પવી.૩૨-૩૩

લક્ષ્મીજીની મૂર્તિ ચતુર્ભુજ અને કમળના આસન ઉપર વિરાજમાન કરવી, ચતુર્ભુજ લક્ષ્મીજીની મૂર્તિ માત્ર અલગથી લક્ષ્મીપૂજન કરવું હોય ત્યારેજ ગ્રહણ કરવી, પરંતુ ભગવાનની સમીપે રહેલાં લક્ષ્મીજી હમેશાં દ્વિભુજવાળાં જ કરવાં. ચતુર્ભુજ લક્ષ્મીપૂજનની મૂર્તિમાં જમણા ઉપરના હાથમાં લાંબી નાળવાળું કમળનું પુષ્પ ધારણ કરાવવું, ઉપરના ડાબા હાથમાં અમૃત કળશ ધારણ કરાવવો, અને નીચેના બન્ને હસ્ત શ્રીફળ અને શંખ ધારણ કરાવવો.૩૪-૩૫

અને લક્ષ્મીજીના બન્ને પડખે ઘી ભરેલા સૂંઢમાં કળશ ધારી રહેલા હાથી બનાવવા, લક્ષ્મીજીના મસ્તક ઉપર મનોહર કમળ કરવું.૩૬

હે પુત્રો ! પછી ચાર કેળના સ્તંભથી તૈયાર કરેલા સુશોભીત મંડપમાં રચેલા સર્વતોભદ્ર મંડલને મધ્યે લક્ષ્મીજીનું લક્ષ્મીસૂક્ત મંત્રોવડે પૂજન કરવું.૩૭

મંડપની અંદર, બહાર અને ચારે બાજુ પોતાની શક્તિ પ્રમાણે દીવાઓની પંક્તિ કરવી ને અલંકારો તથા મહાવસ્ત્રો અર્પણ કરવાં.૩૮

જો લક્ષ્મીજી ભગવાનની સમીપે હોય તો લાલ વસ્ત્રો ધારણ કરાવવાં ને ભગવાનથી જુદાં વિરાજમાન હોય તો નવીન શ્વેત વસ્ત્રો ધારણ કરાવવાં.૩૯

તેમના ભાલમાં અતિશય શોભાયમાન કુંકુમનો ગોળ ચાંદલો કરવો, તે ગોળ કુંકુંમના ચાંદલાની મધ્યે શ્વેત સૂક્ષ્મ અને અખંડીત ચોખા ચોડવા.૪૦

સુગંધીમાન પુષ્પોના હાર તથા પુષ્પોના બાજુબંધ, કડાં, કમળફૂલ, ધૂપ અને ઘીનો દીપ અર્પણ કરી પૂજન કરવું.૪૧

નૈવેદ્યમાં જલેબી, સુતરફેણી, ઘેબર, રેવડી, પતાસાં, બરફી, પેંડા, સાકરનો રસ પાયેલા એલાયચી દાણા, સાકરીયા ચણા, ને ભાત વગેરે ભોજનમાં ભાવપૂર્વક અર્પણ કરવા.૪૨-૪૩

પછી પાનબીડું અર્પણ કરી મહાઆરતી ઉતારવી ને પૂજાના સમયે લક્ષ્મીપૂજનના પદો ગવરાવવાં.૪૪

હે પુત્રો ! આ પ્રમાણે આસો માસમાં જે શ્રીવિષ્ણુ ભગવાનના ઉત્સવો આવે છે. તે તમને કહ્યા. હવે કાર્તિકમાસમાં જે ઉત્સવો આવે છે, તે અવશ્ય ઉજવવા યોગ્ય ઉત્સવોનો વિધિ હું તમને કહું છું, તેને તમે સાંભળો.૪૫

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ આસો માસના ઉત્સવોનું નિરૂપણ કર્યું એ નામે સત્તાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૭--