તરંગઃ - ૩ - રામપ્રતાપભાઈએ વિલાપ કર્યો

Submitted by swaminarayanworld on Thu, 21/09/2017 - 8:52am

 

કાલિંગડો ।। બે ભાઈનો વિલાપ

મારા વિમલ વિયોગી રે વીર, હો ઘનશ્યામભાઈ ઘેર આવો રે । મારૂં મનડું ધરે નહિ ધીર, હો ઘનશ્યામભાઈ ઘેર આવો રે ।।૧।।

તમ વિના સુકાય શરીર, હો ઘનશ્યામભાઈ ઘેર આવો રે । ઘણા અકળાય જોખન વીર, હો ઘનશ્યામભાઈ ઘેર આવો રે ।।૨।।

હે વરણિ તમે ક્યાં ગયા છો, કરી નથી મુને વાત । કોના સંગાથે કિયા માર્ગે, વિચર્યા છો ભૂધરભ્રાત ।। હો ઘન૦ ।।૩।।

છાનામાના તમે ચાલી નિકળ્યા, જાણે નહિ કોઈ જેમ । ત્યાગ કર્યો શું ઘરતણો તમે, ધાર્યું છે મનમાં કેમ ।। હો ઘન૦ ।।૪।।

કાંઈ અમે તમને કહ્યું નથી ને, કેમ રીસાયા આજ । તીવ્ર વૈરાગ્યના વેગે કરીને, વનમાં ગયા શું મહારાજ ।। હો ઘન૦ ।।૫।।

તમ વિના મારું મન ઉદાસી, સુઝે નહિ કાંઈ કામ । ભણકારા વાગે ભારે ભુવનમાં, ચિત્ત ઠરે નહી ઠામ ।। હો ઘન૦ ।।૬।।

જળ વિના જેમ મીન ન જીવે, હરીએલ લાકડ પ્રીત । ચંદ્રવિના જેમ ચકોર તલફે, એમ કંપે મારું ચિત્ત ।। હો ઘન૦ ।।૭।।

સુત વિનાનો સંસાર સઘળો, શોભે નહિ લવલેશ । જેમ બાંધવ વિના બેન ન શોભે, દયા વિનાનો શો દેશ ।। હો ઘન૦ ।।૮।।

જમવાની વાટ જોઉં છું, બેસી રહ્યો છું ઘર બાર । તોય તમે તો આવ્યા નહીને, મળ્યા આવા સમાચાર ।। હો ઘન૦ ।।૯।।

વ્હાલા બંધુ તમ વિયોગથી, હું તો ભુલી ગયો છું ભાન । ખાવું પીવું મુને કાંઈ ન સુઝે, સુધ નથી નથી સાન ।। હો ઘન૦ ।।૧૦।।

આતુર થઈને ઇચ્છારામજી, કરવા લાગ્યા રૂદન । નાની ઉમરમાં મુકીને નાઠા, દયા ન આવી કાંઈ મન ।। હો ઘન૦ ।।૧૧।।

હિંમત હારી ગયા વડીલ બંધુ, હું કેમ ધરું હવે ધીર । માતપિતા તમ પાસ રહ્યાં, મુજ કૃશ થયું છે શરીર ।। હો ઘન૦ ।।૧૨।।

હુંફ ઘણી હતી તમારી મુજને, માતપિતાના સમાન । સુપ્રત કરીતી અમારી તમને, તે ભુલ્યા શું ભગવાન ।। હો ઘન૦ ।।૧૩।।

તરછોડી દઈને ત્રાસ પમાડ્યો, કર્યો ન મનમાં વિચાર । કોણ હવે મારી સંભાળ લેશે, સુખદુઃખ વેળામાં સાર ।। હો ઘન૦ ।।૧૪।।

નાના બંધુનો વિલાપ સુણીને, ધરા કંપી તેણી વાર । શોકાતુર થયા સઘળા લોક, નેત્રે વહે જળધાર ।। હો ઘન૦ ।।૧૫।।

એમ રૂદન કર્યું ઇચ્છારામે, તન્મય થઈ મનમાંય । નરનારી સહુ એકે કાળે, રડવા લાગ્યાં છે રે ત્યાંય ।। હો ઘન૦ ।।૧૬।।

પછે મોટાભાઈ શોધવા ચાલ્યા, અવધપુરીની માંય । હે ભાઈ હે ભાઈ કરતા હિંડે છે, શેરીબજાર છે જ્યાંય ।। હો ઘન૦ ।।૧૭।।

સ્થાવર જંગમ પ્રાણી સર્વેને, પુછે કરી કરી પ્યાર । કોઈ બતાવો બંધવ મારો, માનીશ હું ઉપકાર ।। હો ઘન૦ ।।૧૮।।

કોઈ કેતું નથી કૃષ્ણની ખબર, વદે નહિ મુખ વેણ । મોટાભાઈ મન મુંઝાવા લાગ્યા, સજ્ળ થઈ ગયાં નેણ ।। હો ઘન૦ ।।૧૯।।

ધેનુ વિયોગી વત્સને શોધે, માત વિયોગી સુત જેમ । વૈદ શોધે જેમ વનમાં બુટી, અનંતજી શોધે એમ ।। હો ઘન૦ ।।૨૦।।

જ્યાં જ્યાં હરિની બેઠકો છે વળી, જ્યાં જ્યાં પ્રભુનાં સ્થાન । શોધી વળ્યા ત્યાં સર્વે ઠેકાણે, ભાળ્યા નહિ ભગવાન ।। હો ઘન૦ ।।૨૧।।

દર્શન કરતા જે જે જગાએ, જ્યાં જઇ કરતા સ્નાન । જોગી જંગમ ને સાધુ સન્યાસીને, પુછી વળ્યા છે સમાન ।। હો ઘન૦ ।।૨૨।।

આરતનાદથી આતુર થઈને, બોલાવે કરીને પોકાર । બંધવ બંધવ બંધવ પ્યારા, આવી મળો આણે ઠાર ।। હો ઘન૦ ।।૨૩।।

કોઈ ઠેકાણે કૃષ્ણ મળ્યા નહી, નિસ્તેજ થઈ ગયા નિરાશ । જરૂર જીવન વિચર્યા વનમાં, દિલમાં થયા ઉદાસ ।। હો ઘન૦ ।।૨૪।।

હવે ભાઈ મારે ક્યાં જવું ને, શો કરવો રે ઉપાય । આરે જીવ્યાથી મરવું ભલું પણ, વિયોગ સહન ન થાય ।। હો ઘન૦ ।।૨૫।।

ઘણે ઠેકાણે તમે રક્ષા કરી છે, અમારી સુંદર શ્યામ । દુઃખ દીધું આજ દયા તજીને । શું વિચાર્યું સુખધામ ।। હો ઘન૦ ।।૨૬।।

કૂપવિષે હું પડી ગયો તો, ત્યારે કરીતી તમે સહાય । કાલીદત્તને તમે મારી નાખીને, સંભાળ રાખી સદાય ।। હો ઘન૦ ।।૨૭।।

મોતીમામાને બાંધી લીધાતા, નવાબરાએ જ્યાંય । તર્ત છોડાવીને ત્રાસ મટાડ્યોતો, છુપૈયાપુરની માંય ।। હો ઘન૦ ।।૨૮।।

તરગામમાં મુજ સસરાને ગ્રહે, જીવાડ્યોતો એનો દૂત । મદઝરના મુખમાંથી મુકાવ્યો, પકડેલો મહા મજબુત ।। હો ઘન૦ ।।૨૯।।

ઉન્મત્ત ત્રવાડીયે આહાર કર્યોતો, મણ એક પુરીનું માપ । ચિતામાંથી તેને ચેતન કરીને, જરૂર જીવાડ્યોતો આપ ।। હો ઘન૦ ।।૩૦।।

હિંદીપુરના સૈન્યવિષે, મારી કરાવીતી જીત । ઘણે ઠેકાણે રક્ષા કરી છે, પર્ચા દઈને અમિત ।। હો ઘન૦ ।।૩૧।।

એમ ઘણીવાર વિલાપ કર્યા, પોતે ત્યાં પન્નગભૂપ । ઉદાસ થઈને પાછા વળ્યા છે, આવે છે ઘેર તે અનૂપ ।। હો ઘન૦ ।।૩૨।।

ઘેર આવીને વાત કરીજે, ક્યાંઈ નથી ઘનશ્યામ । એવું સુણીને સુવાસિનીને, મૂર્ચ્છા થઈ તેહ ઠામ ।। હો ઘન૦ ।।૩૩।।

કદલી ઉપર જેમ વીજ પડે છે, તર્તજ થાય દહન । નિઃશ્વાસ નાખીને પડ્યા છે ધર્ણી, શ્વાસરહિત થયું તન ।। હો ઘન૦ ।।૩૪।।

થોડી વારે મૂર્છા વળી છે, પોતે થયા સાવધાન । અધર સુકાય શ્વાસ ભરાયે, ભુલી ગયા જાણે ભાન ।। હો ઘન૦ ।।૩૫।।

મોટાભાઈ શોકાતુર થઈને, કરવા લાગ્યા રૂદન । શ્રીહરિના ગુણ સંભારીને, આતુર થઈ ગયા મન ।। હો ઘન૦ ।।૩૬।।

હે નિલકંઠ હે હરિકૃષ્ણજી, દયાળુ ઘનશ્યામ । દયા કરીને દર્શન દ્યો મુને, ચિત્ત રેતું નથી ઠામ ।। હો ઘન૦ ।।૩૭।।

મોજડિયો પણ પડી મુકીછે, આ ટોપી ને સુરવાલ । ઝુલડીને પણ ત્યાગ કરીને, કયાં ગયા ધર્મના બાળ ।। હો ઘન૦ ।।૩૮।।

વેગ હતો ઘણો ત્યાગ વૈરાગનો, દિલમાં હતોરે હુલ્લાસ । માટે જરૂર તમે કર્યો જીવન, વનમાં જઈને રે વાસ ।। હો ઘન૦ ।।૩૯।।

કોમળ ચર્ણે કેમ ચલાશે, લાડકવાયા લાલ, મહાવનનું દુઃખ કેમ સહેવાશે । કોણ લેશે ત્યાં સંભાળ ।। હો ઘન૦ ।।૪૦।।

શીત ઉષ્ણ ને વર્ષાઋતુને, શી રીતે કરશો સહન । વાઘ વરુના શબ્દ સુણીને, ધીરજ નહીં રહે મન ।। હો ઘન૦ ।।૪૧।।

એમ સુવાસિની શોક ધરીને, રુદન કર્યું ઘણીવાર । દંપતિએ ઘણી શોધજ કરી, અવધપુરી મોઝાર ।। હો ઘન૦ ।।૪૨।।

દયા ન આવી દિલમાં તમને, અમ ઉપર દીનાનાથ । વચન આપીને વખુટાં પાડ્યાં, વિસારી મુક્યાં હે નાથ ।। હો ઘન૦ ।।૪૩।।

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિવિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે રામપ્રતાપભાઈએ વિલાપ કર્યો એ નામે ત્રીજો તરંગઃ ।।૩।।