ગઢડા અંત્ય ૧૨ : કરામતનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:35am

ગઢડા અંત્ય ૧૨ : કરામતનું

સંવત્ ૧૮૮૪ના અષાઢ વદિ ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવા જે, ”જેને પોતાનું કલ્‍યાણ ઇચ્‍છવું તેને કોઇ પ્રકારનું માન રાખવું નહિ જે, હું ઉચ્‍ચકુળમાં જન્‍મ પામ્‍યો છું, કે હું ધનાઢય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું.” એવું કોઇ પ્રકારનું મનમાં માન રાખવું નહિ અને ગરીબ સત્‍સંગી હોય તેના પણ દાસાનુદાસ થઇ રહેવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્‍યો હોય ને તે સત્‍સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો, જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્‍યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઇ ઔષધે કરીને મટે જ નહિ. તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્‍યો હોય તેના હૃદયમાંથી કયારેય આસુરી મતિ ટળે નહિ. અને અનંત બ્રહ્મહત્‍યા કરી હોય ને અનંત બાળહત્‍યા કરી હોય ને અનંત સ્‍ત્રી હત્‍યા કરી હોય ને અનંત ગૌહત્‍યા કરી હોય ને અનંત ગુરુ સ્‍ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઇ કાળે છુટકો થાય, ને શાસ્ત્રમાં તે પાપ છુટયાના ઉપાય પણ કહ્યા છે. પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાનો કોઇ શાસ્ત્રમાં એ પાપ છુટયાનો ઉપાય કહ્યો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઇ રાક્ષસ મળે ને ખાઇ જાય તો એક જ વાર મરવું પડે અને જે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંતકોટિ કલ્‍પ સુધી મરવું પડે ને અવતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઇ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઇ જાય છે. ત્‍યારે કોઇ કહેશે જે ‘જીવનો નાશ કેમ થતો હશે; તો ત્‍યાં દૃષ્ટાંત જેમ હીજડો હોય તે પુરૂષ પણ ન કહેવાય ને સ્‍ત્રી પણ ન કહેવાય એતો કેવળ વૃંદલ કહેવાય, તેમ જે ભગવાન ને ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઇ જાય જે, ”કોઇ દિવસ પોતાના કલ્‍યાણના ઉપાયને કરી જ શકે નહિ” માટે એનો જીવ નાશ થઇ ગયો જાણવો; એમ જાણીને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહિ. અને વળી પોતાના દેહનાં જે સગાં સંબંધી હોય ને તે સત્‍સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહિ. જેમ દૂધ સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી હોય ને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય તેમ પોતાના દેહનાં જે સગાં સંબંધી હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં દેહનાં સંબંધરૂપ સર્પની લાળ પડી છે માટે તેમાં હેતના કરનારાનું જરૂર અકલ્‍યાણ થાય છે. એમ જાણીને જેને પોતાનું કલ્‍યાણ ઇચ્‍છવું હોય તેને દેહનાં જે સગાં સંબંધી હોય તે સાથે હેત રાખવું નહિ, એમ સંસારમાંથી નિ:સ્‍પૃહ થઇને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આજે અમે વાર્તા કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઇ રીતે કલ્‍યાણના માર્ગમાં વિઘ્‍ન થાય જ નહિ. અને આ જે વાર્તા તે કરામત જેવી છે.” એમ કહીને શ્રીજીમહારાજે વાર્તાની સમાપ્‍તિ કરી. ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૧૨|| ૨૪૬ ||