પૂર્વછાયો-
સર્વે મળી હવે સાંભળો, અતિ વાત કહું અનૂપ ।
હરિ ઉપાસી જનને, છે સાંભળતાં સુખરૂપ ।।૧।।
ચર્ણે ચર્ણે ચરિત્ર ચવ્યાં, કૃષ્ણદેવનાં બહુ બહુ ।
અમૃતવત કથા એહ, સદમતિ સુણશે સહુ ।।૨।।
વચન છે ધર્મ દેવનાં, પુત્ર પ્રત્યે પરમાણ ।
શ્રવણ દઇ જે સાંભળે, તે પામે પદ નિરવાણ ।।૩।।
પછી ધર્મે સુત તેડાવિયા, દેવા શિખામણ સુખ કાજ ।
અંત સમે નિધિ આપવા, ઇછ્યા આપે મહારાજ ।।૪।।
ચોપાઇ-
પછી તેડાવિયા સુત દોય, આવી બેઠા વંદન કરી સોય ।
જયારે પુત્ર લાગ્યા આવી પાય, તેહ પ્રત્યે બોલ્યા ધર્મરાય ।।૫।।
હે પુત્ર તમે મારૂં વચન, હિતકારી છે માનજયો મન ।
કહું રહસ્ય તણી વાત એહ, ધરો હૃદયમાં કરી સ્નેહ ।।૬।।
મારા વચનમાંહિ પ્રતીત, હોય તો તમે ધારજયો ચિત ।
ત્યારે કર જોડી કહે બેઉ ભ્રાત, અમે માનશું કહો તમે તાત ।।૭।।
જે જે કહેશો આ સમે વચન, તે તે સત્ય માનવાં છે મન ।
ત્યારે ધર્મ કહે સુત શ્રેષ્ઠ, રાધાકૃષ્ણ જે આપણા ઇષ્ટ ।।૮।।
જેને ઉપાસું છું આઠું જામ, તેજ કૃષ્ણ આ શ્રીહરિ નામ ।
મારા સુત ને તમારા ભાઇ, તે છે કૃષ્ણ માનો મનમાંઇ ।।૯।।
હરિરૂપ આ કૃષ્ણ સાક્ષાત, તેની ભક્તિ કરજયો બે ભ્રાત ।
રહેજયો એના વચનમાં નિત્ય, કરજયો સેવા કરી બહુ પ્રીત્ય ।।૧૦।।
વળી કૃષ્ણની પ્રતિમા જેહ, આપણે પૂજીએ છીએ તેહ ।
તે આ શ્રીહરિની નિશ્ચે બુઝજયો, એમ જાણી વિધિએ પૂજજયો ।।૧૧।।
વળી પ્રથમ તમને મેં પુત્ર, કહ્યા શ્રીકૃષ્ણના જે બે મંત્ર ।
અષ્ટાક્ષર મંત્ર પામ્યા આપ, તે પણ આના જાણી કરો જાપ ।।૧૨।।
અહિંસાદિક પાળજયો નિયમ, રહેજયો સ્વધર્મમાં કરી પ્રેમ ।
મારી એટલી આગન્યા ધારી, ભજજયો હરિ આ સુખકારી ।।૧૩।।
એમ વર્તશો તમે સુજાણ, થાશે તમારાં કોટિ કલ્યાણ ।
એમ વર્તજયો બેઉ ભ્રાત, સત્ય માની લેજયો મારી વાત ।।૧૪।।
વળી કૃષ્ણ જે આ અક્રુદ્ધ, શસ્ત્ર લઇ નહિ કરે યુદ્ધ ।
નિજબુદ્ધિએ કરી દયાળ, કરશે અસુર જનનો કાળ ।।૧૫।।
કળી અધર્મથી વધ્યા ઘણા, વેશ લઇ રહ્યા મનુષ્ય તણા ।
તે પૃથ્વીએ લોપાવી સ્વધર્મ, પાપી કરાવે છે જે કુકર્મ ।।૧૬।।
તે અધર્મ ટળાવશે સહુ, કૃષ્ણભક્તિ કરાવશે બહુ ।
કરશે અલૌકિક બહુ કાજ, પછી વિચારીને વર્ણિરાજ ।।૧૭।।
નિજ આચારજ પદ જેહ, સ્થાપશે તમારે કુળે તેહ ।
એમ કરી મોટાં મોટાં કામ, પછી પધારશે નિજ ધામ ।।૧૮।।
ત્યારે હરિઆશ્રિત જે જન, તેને ધીરજ નહિ રહે મન ।
બહુ બહુ કરશે તે શોક, કહેશે પ્રભુજી ગયા ગોલોક ।।૧૯।।
થાશે નિરાધાર ને નિરાશ, ત્યારે ઉરમાં વિચારી દાસ ।
પછી શ્રીહરિની જે પ્રતિમા, કરશે પૂજા ભાવ લાવી તેમાં ।।૨૦।।
વળી મર્યાદા બાંધશે તેહ, તેમાં જન રહેશે નિમે જેહ ।
એની મૂર્તિના જે પૂજનારા, એવા ભક્ત જગતથી ન્યારા ।।૨૧।।
તેહ ધર્મ અર્થ મોક્ષ કામ, પામે જાણો પુરૂષ ને વામ ।
એમાં નથી સંદેહ લગાર, નિશ્ચે માનો કરી નિરધાર ।।૨૨।।
એવી તાતની સાંભળી વાત, ભાઇ બેઉ થયા રળિયાત ।
પછી લાગ્યા છે હરિને પાય, અમે તમારા છું ર્વિણરાય ।।૨૩।।
સર્વે કાળે કરો રક્ષા મારી, ત્યારે ભાઇ પ્રત્યે કહે મુરારી ।
તમે આદરે ભજો શ્રીકૃષ્ણ, તેણે કરી હું થાઇશ પ્રષ્ણ ।।૨૪।।
આપણે તાતે કરી આગન્યા, તમારે ન કરવું તે વિના ।
એવી સુણી બેઉ ભાયે વાણી, ભજયા શ્રીહરિને કૃષ્ણ જાણી ।।૨૫।।
પણ પ્રત્યક્ષ હરિનું ધ્યાન, રહ્યું હરિ ઇચ્છામાં નિદાન ।
કેદિ થાય ને કેદિ ન થાય, એવી રીતે વરતે સદાય ।।૨૬।।
એમ ધર્મે તેડી સુત બેને, કર્યો ઉપદેશ તેહ તેને ।
એકાદશી નિશિ રહેતાં જામ, જપે મંત્ર જેમાં શ્રીકૃષ્ણ નામ ।।૨૭।।
ત્યાં તો સૂર્ય તણું ઉદય થયું, ભાઇ સાંભળતાં નાથે કહ્યું ।
હે તાત જે અભીષ્ટ તમારે, હોય તે કહો કરવું મારે ।।૨૮।।
ત્યારે ધર્મ કહે સુણો હરિ, પૂર્ણકામ છઉં નિશ્ચે કરી ।
પણ શ્રીકૃષ્ણ ભક્તિની તૃપતિ, તેતો મારે મને નથી થાતી ।।૨૯।।
માટે દેહ પડ્યા સુધી ભક્તિ, કરવાને ઇચ્છું છું હું અતિ ।
થયું અશક્ત દેહ આ મારૂં, નથી થાતું તે પૂજન બારૂં ।।૩૦।।
માટે સાત દિવસમાં સુત, અર્થ સહિત સુણાવો ભાગવત ।
એવી સાંભળી તાતની વાણી, તેને મહારાજે બહુ વખાણી ।।૩૧।।
પછી મંડપ કર્યો સબુદ્ધ, તેડ્યો બ્રાહ્મણ વૈષ્ણવી શુદ્ધ ।
શ્રીમદ્ભાગવતનો ભણેલો, તેને તેડાવિયો ઘેર વહેલો ।।૩૨।।
યથા વિધિએ પૂજયા શ્રીકૃષ્ણ, કથા પ્રારંભી દ્વાદશી દિન ।
તેદિ થકી ધર્મે તે વિચારી, હરિમૂર્તિમાં વૃત્તિ ધારી ।।૩૩।।
જેને સમીપ આવે જ મરવું, તેને ઘટીત છે એમ કરવું ।
કથા સાંભળી પામ્યા આનંદ, તેણે જવર પીડા પડી મંદ ।।૩૪।।
સુણે દિવસમાં કથા કાને, રહે રાત્રિમાં સમાધિ ધ્યાને ।
એમ થયા છો દિન તે વાર, થયું સાતમે દિને સવાર ।।૩૫।।
તિથિ ચોથ્ય ને શુકરવારે, સુણિ કથા સંપૂરણ તારે ।
કરી કથા તણી સમાપતિ, આપ્યાં બ્રાહ્મણને દાન અતિ ।।૩૬।।
વસ્ત્ર ભૂષણ દક્ષિણા દીધિ, કરી પૂજા પછી રૂડી વિધિ ।
પછી બ્રાહ્મણ વળાવ્યો ઘેર, વળતા વિપ્ર જમ્યા રૂડી પેર ।।૩૭।।
ત્યાંતો દિવસ ચડીયો પહોર, ધર્મ તને જવરે કર્યું જોર ।
ત્યારે ધર્મે સ્વજન તેડાવ્યાં, જોખનાદિક જમીને આવ્યા ।।૩૮।।
બેઠા સમીપે આવી સ્વજન, ત્યાંતો દીઠું છે શિથિલ તન ।
વિચારીને સુતે વાત લીધી, તેડી વિપ્ર ક્રિયા સર્વે કીધી ।।૩૯।।
ધર્મશાસ્ત્રે વિધિ કહ્યો જેહ, ઘટે તેમ કરાવિયો તેહ ।
વળી બ્રાહ્મણ તેડી હજારૂં, આપ્યું કાચું અન્ન ઘૃત સારૂં ।।૪૦।।
આપી ધેનુ તણાં દાન વળી, પછી બેઠા ધર્મ પાસે મળી ।
ચાલ્યો એકદંડો શ્વાસ જાણી, નવરાવ્યા તીરથને પાણી ।।૪૧।।
ગઉછાણે લીંપી ભૂમિ સાર, તે ઉપર બેસાર્યા તે વાર ।
પછી પાસળે હતાં જે જન, કરવા લાગ્યાં શ્રીકૃષ્ણ ભજન ।।૪૨।।
ધર્મ પોતે તો હરિને જોઇ, થયાં સ્થિર તેમાં દ્રગ દોઇ ।
અનન્ય ભાવ એવા ધર્મદેવ, તેણે તજયું તન તતખેવ ।।૪૩।।
એમ શ્રીકૃષ્ણને પરતાપે, છુટ્યા ઋષિના શાપથી આપે ।
પછી ભક્તિ આદિ દઇ જેહ, સર્વે સંબંધી કહેવાય તેહ ।।૪૪।।
પુત્રરૂપ હરિની સેવાયે, રહ્યા હરિ સમીપે સદાયે ।
પછી નાથ બંધવને કાવી, ક્રિયા તાતની સર્વે કરાવી ।।૪૫।।
ધર્મશાસ્ત્રમાં જે વિધિ કહ્યો, દાહાદિક તેમ પૂરો થયો ।
સર્વે સંબંધી ઘરનાં જન, શોકાતુર કરે છે રૂદન ।।૪૬।।
કર્યાં શ્રાદ્ધ તે તેરમા સુધી, જમાડ્યા બ્રાહ્મણ ભલી વિધિ ।
પછી શ્રવણી થઇ જાણી જન, લાવ્યા વસ્ત્ર ઘરેણાં ને ધન ।।૪૭।।
આપી રામપ્રતાપને તેહ, ગયાં સૌ સૌને ઘેર એહ ।
રામપ્રતાપ ને ઇચ્છારામ, જપે મંત્ર રટે કૃષ્ણનામ ।।૪૮।।
નિજભાઇમાં શ્રીકૃષ્ણભાવ, રાખે સદાય કરી ઉછાવ ।
હરિ પોતે અતિનિસપ્રેહ, જેને કોયશું નથી સનેહ ।।૪૯।।
પોતે રહ્યાતા ઘેર જે વાતે, થઇ પુરી તજયું તન તાતે ।
વળતો કર્યો છે બીજો વિચાર, કરવા અનેક જીવ ઉદ્ધાર ।।૫૦।।
કરી શ્રીહરિ એટલું કામ, ચાલ્યા ઘેર થકી ઘનશ્યામ ।
સંવત્ અઢાર ઓગણપચાસ, વર્તે વર્ષમાં આષાઢ માસ ।।૫૧।।
શુદી દશમી શુકરવાર, તેદિ પ્રભુજી થયા તૈયાર ।
પ્રાતઃકાળે ચાલ્યા નાવા મિષે, ત્યાંથી શુદ્ધ ઉત્તરની દિશે ।।૫૨।।
ઘરપરથી ઉતર્યું મન, વહાલું લાગે છે વસવું વન ।
એક કોપીન ને આચ્છાદન, તે વિના બીજું નથી વસન ।।૫૩।।
મૃગછાળા ને તુલસી માળ, ઉર્ધ્વપુંડ્ર ચિહ્ન છે વિશાળ ।
જટામુકુટ મંડિત માથે, લીધો પલાશનો દંડ હાથે ।।૫૪।।
ચારે શાસ્ત્રતણું જેહ સાર, તેનું પુસ્તક ખભા મોઝાર ।
મુંજી મેખળા કમંડળું કર, પાસે ભિક્ષાનું પાત્ર સુંદર ।।૫૫।।
બાળમુકુંદ ને શાળગ્રામ, બાંધ્યો કંઠે બટવો તે શ્યામ ।
એવા થકા સરજૂને તીર, આવ્યા ઉતરવા નદી નીર ।।૫૬।।
વળી જુવે છે વાણની વાટ, તર્ત નદી ઉતરવા માટ ।
બિયે મનુષ્ય આવતાં ભાળી, જાણે રખે જાય પાછા વાળી ।।૫૭।।
એવે સમે આવ્યો છે અસુર, જાણ્યું મળીયો વૈરી જરૂર ।
તેણે ગડથલાવી ગળે ઝાલી, નાખી પુરમાં નિસર્યો ચાલી ।।૫૮।।
જળ અગાધ અથાહ વહે, જે પડે તે જીવતો ન રહે ।
મોટા મઘર મત્સ્ય છે જેમાં, જળઘોડા કાત્રણિયો તેમાં ।।૫૯।।
જળસાપ ને ક્રચલા કઇ, મઘરિયો રહી દોટું દઇ ।
જેમાં ઝુડ્યું જળોયું ચિતળ્યું, મેલે નહિ નાનું મોટું મળ્યું ।।૬૦।।
એવા જળજંતુ દુઃખકારી, વહે નીર ભયંકર ભારી ।
ઉઠે લેર્યો ભમરિયો વળે, માંહિ લોઢ મોટા તે ઉછળે ।।૬૧।।
ચાલે પ્રચંડ વેગમાં પૂર, તેમાં નાખીને ચાલ્યો અસુર ।
દીઠા દૂરલગિ તો તણાણા, પછી દુષ્ટને નૈવ દેખાણા ।।૬૨।।
ત્યારે પાપીએ એમ પ્રમાણ્યું, મુવો વૈરી નિશ્ચે મન જાણ્યું ।
પછી દૈત્ય ગયો નિજધામ, કહે કરી આવ્યો મોટું કામ ।।૬૩।।
વૈરી માર્યો કહી એવી વાત, ત્યારે અસુર થયા રળિયાત ।
હવે હરિ પડ્યા છે જે પૂરે, તેતો નિસર્યા જઇ દૂરે ।।૬૪।।
ત્રણ પહોર રહ્યા જળમાંઇ, બાર ગાઉ નિસર્યા તણાઇ ।
પૂજા પુસ્તક પાસળે રહ્યું, બીજું સરવે તણાઇ ગયું ।।૬૫।।
એમ નિસરિયા જયારે નાથ, ચાલ્યા એકલા નહિ બીજું સાથ ।
લીધી કાળા પર્વતની વાટ, સૌને વિસારીને વરણિરાટ ।।૬૬।।
પડી સાંજ ને આથમ્યો દિન, આવ્યું ઘોર વિકટ ત્યાં વન ।
રહ્યા રાત્ય તે વન મોઝાર, નથી મનમાં બીક લગાર ।।૬૭।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મ દેહત્યાગ ને શ્રીહરિ ઘેરથી નિસર્યા એ નામે છવિસમું પ્રકરણમ્ ।।૨૬।।