મન રે માન્યું નંદલાલ શું, જોઈ પાઘ પેચાળી, (૪) ?

Submitted by swaminarayanworld on Thu, 28/07/2011 - 8:45pm

 

રાગ - રામગ્રી

પદ - ૧

મન રે માન્યું નંદલાલ શું, જોઈ પાઘ પેચાળી,

રીઝી રહી એના રૂપમાં, ભુધરજીને ભાળી. મન૦ ૧

ભાલ તિલક કોઈ ભાતનું, કેસરનું બિરાજે,

નયણાંની શોભા જોઈને, કોટી રતિ પતિ લાજે. મન૦ ૨

ફુલડાંના તોરા ઝુકી રહ્યા, ઝળકે કુંડળ કાને,

મુખડાની શોભા જોઈને, મોહી ભીનલે વાને. મન૦ ૩

હડલતા શુભ હારને, જોતાં રહી છું લોભાઈ,

મુક્તાનંદના નાથશું, કીધી અચળ સગાઈ. મન૦ ૪

 

પદ - ૨

જનમ સુફળ કર્યો માહરો, નટવર નંદલાલે,

સુખડું અલૌકિક શામળે, આપ્યું અતિઘણું વા’લે. જનમ૦ ૧

મનના મનોરથ પૂરીયા, ગુણવંત ગીરધારી,

માવ ઊપર મેં માહરું, નાખ્યું સરવસ વારી. જનમ૦ ૨

પરવશ થઈ હું  તો પ્રેમમાં, શામળિયાને સંગે,

રસિક સલુણા વ્રજરાજને, રાચી હું  તો રંગે. જનમ૦ ૩

જીતનો ડંકો વાગિયો, રીઝયા કુંજવિહારી,

મુક્તાનંદના નાથને, વરી થઈ જગ ન્યારી. જનમ૦ ૪

 

પદ - ૩

સગપણ કીધું મેં શ્યામશું, મનમાં સમજી વિચારી,

આશ તજી સંસારની, ધાર્યા ઊરમાં મોરારી. સગ૦ ૧

નિમિષ ન મેલું નાથને, નેણુંથી ન્યારા,

પરમ સ્નેહી શામળો, મુને પ્રાણથી પ્યારા. સગ૦ ૨

ભવબ્રહ્માદિક મહા મુનિ,  તેને દુર્લભ વહાલો,

તે રસિયો મુજને મળ્યા, નટવર નંદલાલો. સગ૦ ૩

થઈ છું અધિક અલબેલડી, લજજા લોકની મેલી,

મુક્તાનંદના નાથ શું, બાંધી દ્રઢ કરી બેલી. સગ૦ ૪

 

પદ - ૪

આજ મારું ભાગ્ય ઊદય થયું, નીરખ્યા વ્રજપતિ વાલો,

છેલ છબીલો શામળો, લહેરી નંદજીનો લાલો . આજ૦ ૧

જરકશી પાઘના પેચમાં,  તોરા અધિક વિરાજે,

મુખ શોભા જોઈ માવની, પૂરણ શશી લાજે . આજ૦ ૨

ભાલ વિશાળ વિરાજતું, નેણાં અતિ અણિયાળાં,

અતિ ચંચળ રસના ભર્યાં, કંકોળેલ કાળાં . આજ૦ ૩

અંગોઅંગ મુર્તિ માધુરી, રસિયો ગિરધારી,

મુક્તાનંદના નાથની, છબી પર બલિહારી . આજ૦ ૪

Facebook Comments