૫૦ શ્રીકૃષ્ણે જરાસંઘથી ડરીને પોતાના સંબંધીઓને દ્વારકા મોકલ્યાં.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 1:05pm

-: અથ દશમસ્કંધ ઉત્તરાર્ધ પ્રારંભ :-

અધ્યાય ૫૦

શ્રીકૃષ્ણે જરાસંઘથી ડરીને પોતાના સંબંધીઓને દ્વારકા મોકલ્યાં.

શુકદેવજી કહે છે હે રાજા ! કંસની અસ્તિ અને પ્રાપ્તિ નામની બે રાણીઓ હતી, તેઓ પોતાનો સ્વામીમરણ પામતા દુઃખથી પીડાઇને પોતાના બાપને ઘેર ગઇ.૧ દુઃખ પામેલી એ બે સ્ત્રીઓએ મગધ દેશના રાજા અને પોતાના પિતા જરાસંધની પાસે, પોતાને વિધવા થવાનું સર્વે વૃત્તાંત કહ્યું.૨ હે રાજા ! એ અપ્રિય વાત સાંભળી શોક અને ક્રોધથી ભરાએલા જરાસંધે પૃથ્વીને યાદવ વગરની કરવા સારુ મોટો ઉદ્યમ કર્યો.૩ ત્રેવીશ અક્ષૌહિણી સૈન્ય સાથે લઇને તેણે યાદવોની રાજધાની મથુરાને સઘળી દિશાઓમાં ઘેરી લીધી.૪ જાણે મર્યાદા મૂકીને સમુદ્ર આવેલો હોય એવા એ સૈન્ય દ્વારા ઘેરાએલી પોતાની નગરીને અને ભયથી વ્યાકુળ થયેલા પોતાના સંબંધીઓને જોઇ, કોઇ પણ પ્રયોજનને માટે મનુષ્યની સમાન જણાતા ભગવાન, તે દેશકાળને અનુકૂળ આવે એવી રીતે પોતાના અવતારનું પ્રયોજન વિચારવા લાગ્યા કે જરાસંધને મૂકી દઇ તેનું સૈન્ય જ મારવું કે સૈન્યને મૂકી દઇ એકલા જરાસંધને જ મારવો અથવા બન્નેને મારવા ? પછી નિશ્ચય કર્યો કે પાયદળ, ઘોડા, રથ અને હાથીઓથી યુક્ત ત્રેવીશ અક્ષૌહિણી જેટલું અને પૃથ્વીના ભારરૂપ જે સૈન્ય, પોતાના તાબામાં રહેનારા સર્વે રાજાઓ પાસેથી જરાસંધે આણેલું છે, તે સૈન્યને હું મારી નાખીશ. જરાસંધને હમણાં મારવો નહીં. કારણ કે જીવતો હશે તો ફરીવાર પણ સૈન્ય લાવવાનો ઉદ્યમ કરશે અને એમ થશે તો જ પૃથ્વીનો ભાર ઉતારવો સરલ થશે.૫-૯ પૃથ્વીનો ભાર ઉતારવા સારુ, સાધુઓનું રક્ષણ કરવા સારુ અને દુષ્ટ લોકોને મારવા સારુ જ મેં અવતાર ધર્યો છે. હું બીજો અવતાર પણ ધર્મની રક્ષા કરવા સારુ અને કોઇ સમયે ઉત્પન્ન થતા અધર્મનો નાશ કરવા સારુ ધરીશ.૧૦ આ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાન વિચાર કરતા હતા ત્યાં આકાશમાંથી તરત જ સૂર્ય સરખા તેજવાળા સારથી રહિત તથા સરસામાન સહિત બે રથ ઉતર્યાં અને પોતાનાં જૂનાં દિવ્ય આયુધો પણ દૈવ ઇચ્છાથી ઉતર્યાં. તેને જોઇ ભગવાને બલરામને કહ્યું કે હે મોટાભાઇ ! જેઓના રક્ષક તમે છો એવા યાદવોને કષ્ટ આવી પડ્યું છે તે જુઓ. તમારે માટે આ રથ અને પ્યારાં આયુધો પણ આવ્યાં છે, માટે રથમાં બેસીને આ સૈન્યને મારો અને સંબંધીઓને કષ્ટમાંથી ઉગારો. હે પ્રભુ ! ભાર ઉતારવા સારુ અને સાધુઓને સુખ આપવા સારુ જ આપણું અવતરણ છે.૧૧-૧૪ માટે પૃથ્વીના આ ત્રેવીશ અક્ષૌહિણીરૂપ ભારને ઉતારો. આ પ્રમાણે વિચાર કરી શ્રીકૃષ્ણ તથા બળદેવજી કવચ પહેરી, પોતાના આયુધો લઇ, રથમાં બેસી થોડાક સૈન્યની સાથે મથુરામાંથી બહાર નીકળ્યા. દારુક નામના સારથિ સાથે ભગવાને બહાર નીકળી શંખનાદ કર્યો.૧૫-૧૬ એ શંખના નાદથી શત્રુના સૈન્યોના હૃદયમાં ત્રાસ અને કંપ ઉત્પન્ન થયો. એ બે ભાઇઓને જોઇને જરાસંધે કહ્યું કે હે કૃષ્ણ ! હે પુરુષોમાં અધમ ! તું બાળક અને એકલો છે, માટે તારી સાથે લાજને લીધે હું યુદ્ધ કરવાને ઇચ્છતા  નથી. હે મંદબુદ્ધિવાળા ! હે બંધુઓને મારનાર ! તું છાનો રહ્યો હતો તેથી તારી સાથે હું યુદ્ધ નહીં કરું, જતો રહે.૧૭-૧૮ હે બલરામ ! તારી જો ઇચ્છા હોય તો તું યુદ્ધ કર. ધીરજ રાખજે. મારાં બાણોથી કપાએલા દેહને છોડી સ્વર્ગમાં જા અથવા મને મારી નાખ.૧૯

ભગવાન કહે છે હે રાજા ! શૂરપુરુષો બકવાદ ન કરે પણ પરાક્રમ જ દેખાડે.જે તું મરવાની અણી ઉપર છે તેથી આતુર બન્યો છે. માટે તારાં વચનનો અમે સ્વીકાર કરતા નથી.૨૦

શુકદેવજી કહે છે વાયુ જેમ વાદળાંથી સૂર્યને અને ધૂળથી અગ્નિને ઢાંકી દે તેમ, જરાસંધે સૈન્ય, વાહન, ધ્વજ અને સારથી સહિત એ બે ભાઇઓની પાસે આવીને ભારે બળવાળા પોતાના સૈન્યના સમૂહથી ઘેરી લીધા.૨૧ મથુરાની અગાસીઓ, હવેલીઓ અને દરવાજા ઉપર જોવા ચઢેલી સ્ત્રીઓ ભગવાનના ગરુડના ચિહ્નવાળા રથને અને બળભદ્રના તાલના ચિહ્નવાળા રથને યુદ્ધમાં નહીં દેખતા શોકથી પીડાઇને મુંઝાવા લાગી.૨૨ પોતાના સૈન્યને શત્રુના સૈન્યરૂપી જે મેઘો તેના બાણરૂપી મહાભયંકર વૃષ્ટિથી પીડાએલું જોઇ ભગવાને દેવ અને દૈત્યોએ માન આપેલા પોતાના સારંગ નામના ઉત્તમ ધનુષનો મોટો ટંકાર કરી ચમત્કાર દેખાડ્યો.૨૩ ભગવાન નિરંતર ભાથામાંથી બાણ લેતા હતા, દોરીમાં સાંધતા હતા, દોરી ખેંચી તે સજાવેલા અનેક બાણોને છોડતા હતા અને રથ, હાથી, ઘોડા તથા પાયદળોને મારતા હતા, એ સમયે ઉંબાડિયાના ચક્રની પેઠે તે ધનુષ લાગતું હતું.૨૪ જેઓનાં કુંભસ્થળ ભેદાઇ ગયાં છે એવા હાથીઓ, બાણોથી જેનાં ગળાં કપાઇ ગયાં છે એવા ઘોડાઓ, જેઓના ઘોડા અને સાથિ નાશ પામ્યા છે એવા રથો. અને હાથ, પગ, મસ્તક કપાયા છે એવા અનેક પાયદળો આ યુદ્ધમાં નાશ પામ્યા.૨૫ અપાર તેજવાળા અને મુશળથી શત્રુઓને મારતા બલરામે માણસ, હાથી, અને ઘોડાનાં શરીર કાપીને લોહીની સેંકડો નદીઓ વહેવડાવી દીધી. એ નદીઓમાં હાથરૂપી સર્પો હતા, માણસોના માથારૂપી કાચબા હતા, હાથીઓ રૂપી બેટ હતા, ઘોડારૂપી અનેક ઝૂડ હતાં, સાથળોરૂપી માછલાં હતાં, માણસના કેશરૂપી સેવાળ હતી, ધનુષરૂપી તરંગ હતા, આયુદ્ધોરૂપી ગુચ્છ હતા, ઢાલરૂપી ચકરીઓથી ભયંકર લાગતી હતી, વળી ભારે આભરણ અને મણીઓરૂપી કાંકરીઓથી ઉત્તમ લાગતી હતી, એ નદીઓ બીકણ લોકોને ભયંકર અને વીરલોકોને હર્ષ આપનારી હતી.૨૬-૨૮ હે રાજા ! સમુદ્રની પેઠે દુર્ગમ અને ભયંકર તથા અંત અને પાર વગરનું જરાસંધે પાળેલું સૈન્ય શ્રીકૃષ્ણ તથા બળદેવજીએ હણી નાખ્યું. એ કેવળ જગતના ઇશ્વરની ક્રીડામાત્ર જ છે, તે કાંઇ પરાક્રમ સમજવું નહીં.૨૯ અનંત ગુણવાળા એ ઇશ્વર પોતાની લીલાથી જ ત્રૈલોક્યની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. તેમણે શત્રુના પક્ષને શિક્ષા કરી એ કાંઇ આશ્ચર્યરૂપ નથી, તોપણ મનુષ્યનું અનુકરણ કરતા ભગવાનનાં કર્મોજ અહીં વર્ણવેલાં છે નહિ કે પરાક્રમ.૩૦ જેનો રથ ભાંગી પડ્યો છે, એવો જરાસંધ સૈન્ય મરી જતાં કેવળ પ્રાણ જ અવશેષ રહ્યા હતા. બલરામે સિંહ જેમ ચિત્તાને પકડે તેમ બળથી જરાસંધને પકડી લીધો.૩૧ જેણે ઘણા શત્રુને માર્યા હતા એવા જરાસંધને બલરામે વરુણના તથા માણસોના પાશોથી બાંધવા માંડ્યો, ત્યારે તેની પાસે વધારે કાર્ય કરવાની ઇચ્છાથી ભગવાને ભાઇને વાર્યા.૩૨ જગતના નાથ શ્રીકૃષ્ણ તથા બલરામે મૂકી દીધેલો, લજ્જા પામેલો અને વીરલોકોમાં માન પામેલો જરાસંધ તપ કરવાનો સંકલ્પ કરીને વનમાં જતો હતો. પણ માર્ગમાં તેને રાજાઓએ ધર્મોપદેશનાં તથા લોકરીતિનાં નીતિ ભરેલાં વાક્યોથી વાર્યો કે તમે મોટા છતાં તુચ્છ યાદવોના હાથથી હારી ગયા એ કેવળ તમારા પૂર્વ કર્મોનું ફળ છે પણ બીજું કાંઇ નથી. માટે તમારે લજ્જાઇને તપ કરવા જવું એ યોગ્ય નથી.૩૩-૩૪ આ વાત મનમાં ઊતરતાં જરાસંધ કચવાતો કચવાતો મગધદેશમાં ગયો.૩૫ પોતાનું સૈન્ય અખંડ રહેતાં શત્રુના સૈન્યરૂપી સમુદ્રને તરી ગયેલા ભગવાન ત્યાંથી પાછા મથુરામાં પધાર્યા. ત્યારે દેવતાઓ વાહ વાહ ! કરીને પુષ્પવૃષ્ટિથી વધાવવા લાગ્યા.૩૬ શત્રુસંબધી તાપ મટી જતાં પ્રસન્ન થયેલા મથુરાના લોકોની સાથે મળીને સૂત, માગધ તથા બંદીજનો ભગવાનના વિજયનું ગાયન કરતા હતા.૩૭ ભગવાને જ્યારે મથુરાનગરીમાં પ્રવેશ કર્યો ત્યારે અનેક શંખ, દુંદુભિ, ભેરી, તુરી, વીણા આદિ વાજિંત્રો વાગી રહ્યાં હતાં.૩૮ મથુરાના માર્ગોમાં પાણી છાંટ્યાં હતાં, ઉત્સવને લીધે તોરણો બાંધ્યાં હતાં, લોકો રાજી થતા હતા, વેદ મંત્રનો ધ્વનિ થતો હતો અને પતાકાઓ શોભી રહ્યા હતા.૩૯ સ્ત્રીઓ ભગવાનને ફૂલ, દહીં, અક્ષત અને અંકુરોથી વધાવતી હતી, અને સ્નેહ સહિત જોતી હતી.૪૦ રણભૂમિમાં વીરલોકોના આભરણરૂપી જે અપાર ધન પડ્યું હતું તે સર્વે લાવીને ભગવાને ઉગ્રસેનને આપ્યું.૪૧ પરાજય થતાં પણ આવી રીતે અક્ષૌહિણી સૈન્યો લઇને જરાસંધે, જેના રક્ષક ભગવાન હતા એવા યાદવોની સાથે સત્તરવાર યુદ્ધ કર્યું.૪૨ વારંવાર ભગવાનના પ્રભાવથી યાદવો જરાસંધના સર્વે સૈન્યને મારી નાખતા હતા અને મરી ગયા પછી છોડી દેવાથી જરાસંધ પાછો જતો હતો.૪૩ એ જરાસંધ સંગ્રામ કરવા સારુ અઢારમી વખત યુદ્ધ કરવા આવ્યો તેટલામાં નારદજીએ મોકલેલ કાળયવને યાદવોને પોતાનો દેખાવ આપ્યો.૪૪ મનુષ્યોમાં તેની સામે કોઇ પણ ટક્કર લઇ શકતો ન હતો, એવા કાળયવને યાદવોને પોતાના જેવા બળવાન સાંભળીને, ત્રણ કરોડ મ્લેચ્છોના સૈન્યની સાથે આવી મથુરાને ઘેરો ઘાલ્યો.૪૫ યવનને જોઇ શ્રીકૃષ્ણ બળદેવજીની સાથે વિચાર કર્યો કે અહો ! ! યાદવોને બન્ને બાજુથી મોટું દુઃખ પ્રાપ્ત થયું છે.૪૬ આજ તો આ મોટા બળવાળા યવને આપણને ઘેરો ઘાલ્યો છે, ત્યાં જરાસંધ પણ બે ત્રણ દિવસની અંદર આવશે.૪૭ આપણે બન્નેભાઇઓ યવનની સાથે યુદ્ધ કરતા હોઇશું અને ત્યાં જો જરાસંધ આવશે તો આપણા સંબંધીઓને મારી નાખશે અથવા પોતાના પુરમાં લઇ જશે.૪૮ માટે અત્યારે મનુષ્યોથી જઇ શકાય નહીં એવો કિલ્લો બનાવીશું. એ કિલ્લામાં આપણા સંબંધીઓને રાખી પછી યવનને મારીશું.૪૯ આ પ્રમાણે વિચાર કરી ભગવાને સમુદ્રની અંદર બાર યોજનનું અને સર્વે સગવડવાળું અદ્‌ભુત નગર બનાવ્યું.૫૦ એ દ્વારકા નગરીમાં વિશ્વકર્માની ચાતુરી અને કળા દેખાતી હતી, ઘરની રચનાને અનુકૂળ આવે એવી રીતે રાજમાર્ગ, ઉપમાર્ગ અને આંગણાં કર્યાં હતાં.૫૧ દેવતાઇ વૃક્ષ અને વેલીઓવાળી વાડીઓ અને વિચિત્ર બગીચાઓ શોભી રહ્યા હતા, અત્યંત ઊંચી સ્ફટિકમણિની અગાસીઓ અને દ્વારો ઉપર સોનાનાં ઇંડાં હતાં.૫૨ ઘોળશાળ રૂપાની અને પિતળની કરી સોનાના કુંભોથી શણગારી હતી. મોટા મરકતમણિનાં સ્થળવાળાં સોનાનાં ઘરોનાં શિખર માણેક આદિ રત્નોથી કર્યાં હતાં.૫૩ દેવતાઓનાં મંદિર અને અગાસીઓની ભારે રચના કરી હતી, એ દ્વારકામાં ચારે વર્ણના લોકો રહેતા હતા અને રાજાના અનેક ઘરોથી શોભી રહી હતી.૫૪ ઇંદ્રે ભગવાનને માટે સુધર્માસભા અને પારિજાતકનું ઝાડ મોકલ્યું હતું કે જ્યાં રહેનારા માણસોને ભૂખ અને તરસ આદિ દેહના ધર્મો પ્રાપ્ત થતા ન હતા.૫૫ વરુણદેવે ધોળા, મન સરખા વેગવાળા અને એક કાન જેનો કાળો હતો એવા ઘોડા મોકલ્યા. કુબેરજીએ પોતાની વિભૂતિરૂપ આઠ ભંડાર મોકલ્યા.૫૬ હે રાજા ! ભગવાને એ દેવતાઓના પોતાના અધિકારની સિદ્ધિને માટે તેઓને જે જે કાંઇ ઐશ્વર્ય આપ્યું હતું તે ભગવાન પૃથ્વી ઉપર પધારતાં ભગવાનને પાછું આપ્યું.૫૭ ભગવાન પોતાના યોગના પ્રભાવથી એ નગરમાં સર્વે સંબંધીઓને લઇ ગયા. પછી પ્રજાનું પાલન કરવા બળદેવજીને રાખી, ભગવાન હથિયાર વિના માત્ર કમળની માળા પહેરીને નગરીના દ્વારમાંથી બહાર નીકળ્યા.૫૮

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો પચાશમો અધ્યાય સંપૂર્ણ.