અધ્યાય ૫૪
શ્રીકૃષ્ણ ભગવાને રુક્મિણીનું પાણિગ્રહણ કર્યું.
શુકદેવજી કહે છે હે રાજા ! આ પ્રમાણે ક્રોધના આવેશથી વાહનો ઉપર બેસી, કવચો પહેરી, ધનુષો હાથમાં લઇ પોતપોતાના સૈન્યોની સાથે સર્વે રાજાઓ ભગવાનની પછવાડે દોડ્યા.૧ હે રાજા ! એ લોકોને આવતા જોઇ યાદવોના સૈન્યના યૂથપતિઓ પોતાનાં ધનુષોનો ટંકાર કરી તેઓની સામા ઊભા રહ્યા.૨ ઘોડા, હાથી અને રથો ઉપર બેસવામાં બહુ જ નિપુણ એવા રાજાઓ, જેમ વાદળાં પર્વતો ઉપર પાણીની વૃષ્ટિ કરે તેમ યાદવો ઉપર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.૩ રુક્મિણી પોતાના પતિના સૈન્યને બાણની વૃષ્ટિથી ઢંકાએલું જોઇ, ભયથી વિહ્વળ અને લાજ ભરેલી દૃષ્ટિથી ભગવાનના મુખને જોવા લાગ્યાં.૪ ભગવાને હસીને કહ્યું કે હે સુંદર નેત્રવાળાં ! તમારા સંબંધીઓના (યાદવોના) હાથથી હમણાં જ આ શત્રુઓનું સૈન્ય નાશ પામશે.૫ એ રાજાઓના પરાક્રમને નહીં સહન કરતા ગદ અને બળદેવજી આદિ યાદવો બાણોથી તે શત્રુઓના હાથી, ઘોડા અને રથને નાશ કરવા લાગ્યા.૬ રથ ઘોડા અને હાથીઓ ઉપર બેઠેલા યોદ્ધાઓનાં કુંડળ, કિરીટ તથા પાઘડીઓ સહિત કરોડો માથાં ધરતી ઉપર પડવા લાગ્યાં.૭ તલવાર, ગદા અને ધનુષ સહિત હાથ, લાંબા હાથવાળાં કાંડાં, સાથળ, પગ અને ઘોડા, ખચ્ચર, હાથી, ઊંટ, ગધેડાં તથા મનુષ્યોનાં માથાં પડવા લાગ્યાં.૮ જયને ઇચ્છનારા યાદવોએ જેઓના સૈન્યને મારવા માંડ્યા છે, એવા જરાસંધાદિક રાજાઓ પીઠ
બતાવીને ભાગી ગયા.૯ જે શિશુપાળની કાંતિ નાશ પામી હતી, ઉત્સાહ જતો રહ્યો હતો, મોઢું સૂકાતું હતું અને જાણે પોતાની પરણેલી સ્ત્રી હરાઇ ગઇ હોય તેમ આતુર થયો હતો. તેને મળીને તે રાજાઓએ કહ્યું કે હે પુરુષોમાં સિંહ ! આ વિષયનો ખેદ છોડી દે. હે રાજા ! પ્રાણીઓમાં સુખદુઃખની સ્થિરતા દેખાતી જ નથી.૧૦-૧૧ જેમ લાકડાંની પૂતળી, નચાવનારા મદારીની ઇચ્છા પ્રમાણે નાચે છે, તે સર્વે પ્રાણીઓ ઇશ્વરને આધીન રહીને સુખદુઃખ પામ્યા કરે છે.૧૨ હું કૃષ્ણના હાથથી સત્તરવાર ત્રેવીશ અક્ષૌહિણીઓની સાથે હારી ગયો હતો અને કેવળ એકવાર જ જીત્યો છું, તોપણ જગતને ઇશ્વરે પ્રેરેલા કાળથી ખેંચાતુ જાણી કદી પણ શોક કરતો નથી અને રાજી પણ થતો નથી.૧૩-૧૪ હમણાં પણ આપણે સર્વે વીરલોકોના યૂથપતિઓના પણ યૂથપતિ છીએ તે આપણે કૃષ્ણે પાળેલા અને થોડાં સૈન્યવાળા યાદવોના હાથથી હારી ગયા.૧૫ હમણાં શત્રુઓ પોતાને કાળ અનુકૂળ હોવાને લીધે જીતી ગયા, અને જ્યારે આપણને કાળ અનુકૂળ થશે ત્યારે આપણે જીતીશું.૧૬ આ પ્રમાણે મિત્રોએ સમજાવ્યું એટલે શિશુપાળ પોતાના અનુચરો સહિત પોતાના પુરમાં ગયો અને મરતાં બાકી રહેલા તે રાજાઓ પણ પોત પોતાના નગરોમાં ગયા.૧૭ બહેનનો જે રાક્ષસ વિવાહ થયો તેને નહીં સહન કરી શકતો બળવાન રુક્મી તો એક અક્ષૌહિણી સેના સાથે લઇને ભગવાનની પાછળ ગયો.૧૮ મોટા હાથવાળા અને ક્રોધ પામતા રુક્મીએ કવચ પહેરી તથા ધનુષ હાથમાં લઇ, સર્વે રાજાઓના સાંભળતાં પ્રતિજ્ઞા કરી કે યુદ્ધમાં કૃષ્ણને માર્યા વિના અને રુક્મિણીને પાછી લાવ્યા વિના, હું કુંડિનપુરમાં પ્રવેશ નહીં કરું. તમારી પાસે હું આ સાચી પ્રતિજ્ઞા કરું છું.૧૯-૨૦ આ પ્રમાણે બોલી રથમાં બેસી ઉતાવળથી સારથીને કહ્યું કે જ્યાં કૃષ્ણ છે ત્યાં ઘોડા હાંકી ચાલ કે જેથી શ્રીકૃષ્ણની સાથે મારે યુદ્ધ થાય.૨૧ આજ હું એ ભારે દુર્બુદ્ધિવાળા ગોવાળના પરાક્રમના અભિમાનને સજાવેલા બાણથી ઉતારી નાખીશ, કે જે બળાત્કારથી મારી બહેનને હરી ગયો છે.૨૨ આ પ્રમાણે બકતા અને ઇશ્વરના પ્રભાવને નહીં જાણતા એ દુર્બુદ્ધિ રુક્મીએ એક રથથી ભગવાનની પાસે પહોંચી જઇ, ઊભો રહે ! ઊભો રહે ! એવી હાકલ કરી.૨૩ ધનુષને બહુજ ખેંચીને શ્રીકૃષ્ણને ત્રણ બાણ માર્યાં અને કહ્યું કે હે યાદવોના કુળને વટલાવનાર ! અહીં ક્ષણમાત્ર ઊભો રહે.૨૪ કાગડો જેમ યજ્ઞના હવિને લઇ જાય તેમ મારી બેનને લઇને તું ક્યાં જાય છે ? હે મંદબુદ્ધિવાળા ! જે તું માયાવી અને કપટથી યુદ્ધ કરનાર છે તે તારો મદ આજ હું ઉતારીશ.૨૫ હું તને હજુ ચેતવણી આપું છું કે મારાં બાણથી મરણ પામીને તું સૂઇ ગયો નથી તે પહેલાં મારી બહેનને મૂકી દે. એ વચન સાંભળી ભગવાને હસતાં હસતાં તે રુક્મીનું ધનુષ કાપી નાખી, છ બાણથી તેને વીંધ્યો, આઠ બાણથી ચાર ઘોડાને વીંધ્યા, બે બાણથી સારથીને વીંધ્યો અને ત્રણ બાણથી તેની ધજાને વીંધી નાખી. રુક્મીએ બીજું ધનુષ લઇ ભગવાનને પાંચ બાણ માર્યાં.૨૬-૨૭ ઘણાં બાણથી પ્રહાર પામેલા ભગવાને તેનું ધનુષ કાપી નાખ્યું, રુક્મીએ બીજું ધનુષ લીધું તો તે પણ ભગવાને કાપી નાખ્યું.૨૮ આ પ્રમાણે પરિઘ, પટ્ટિશ, શૂલ, ઢાલ, તલવાર, સાંગ અને તોમર આદિ જે જે આયુધો રુક્મીએ લીધાં તે સર્વે આયુધ ભગવાને કાપી નાખ્યાં.૨૯ પછી રુક્મી રથમાંથી ઊતરી પડી હાથમાં ખડગ લઇને પંતગિયો જેમ અગ્નિ સામે દોડે તેમ, મારી નાખવાની ઇચ્છાથી ભગવાનની સામે દોડ્યો.૩૦ એ રુક્મી આવતો હતો ત્યાં માર્ગમાં જ ભગવાને તેની તરવારને તથા ઢાલને પોતાના બાણોવડે તિલ તિલ જેટલા કટકા કરી કાપી નાખ્યું અને પછી તેને મારી નાખવા સારુ તીક્ષ્ણ તલવાર હાથમાં લીધી.૩૧ ભાઇના વધનો ઉદ્યોગ જોઇ ભયથી વિહ્વળ થયેલાં સતી રુક્મિણી સ્વામીના પગમાં પડીને દીન વચન બોલ્યાં કે હે યોગેશ્વર ! હે દેવના દેવ ! હે જગતના પતિ ! હે કલ્યાણરૂપ મહાબાહુ ! તમારે મારા ભાઇને મારી નાખવો ન જોઇએ.૩૨
શુકદેવજી કહે છે હે રાજા ! રુક્મિણીનાં અંગ ત્રાસથી ધ્રૂજતાં હતાં, શોકથી મોઢું સુકાતું હતું, કંઠ રોકાઇ ગયો હતો, વિહ્વળપણાને લીધે સુવર્ણની માળાખસી ગઇ હતી. આવાં રુક્મિણીએ શ્રીકૃષ્ણનાં ચરણ પકડતાં દયાળુ ભગવાન રુક્મીને મારવાથી અટક્યા.૩૩-૩૪ આમ છતાં પણ રુક્મી પોતાના અનિષ્ટ પ્રયત્નથી અટક્યો નહિ, તેથી રુક્મીને વસ્ત્રથી બાંધી લઇ ભગવાને ઠેકાણે ઠેકાણે થોડી થોડી દાઢી, મૂછ અને માથાના વાળ રહી જાય, એવી રીતે મૂંડી નાખીને વિરૂપ કરી નાખ્યો. તેટલીવારમાં હાથીઓ જેમ કમળનું મર્દન કરે તેમ યાદવોના વીર યોદ્ધાઓએ રુક્મીના સૈન્યનું મર્દન કરી નાખ્યું.૩૫ યાદવો ભગવાનની પાસે આવ્યા ત્યારે બંધાએલા અને હતપ્રાય થયેલા રુક્મીને જોઇ દયાળુ બલરામે તેમને છોડી મૂકી ભગવાનને કહ્યું કે કૃષ્ણ ! તમે આ આપણી નિંદા થાય એવું ભૂંડું કામ કર્યું, દાઢી મૂછ અને માથાના વાળ મૂંડી નાખી, રૂપ બગાડી નાખવું એ સંબંધીનો વધ કર્યો જ કહેવાય છે.૩૬-૩૭ પછી બલરામ રુક્મિણીને કહેવા લાગ્યા, હે સારા સ્વભાવવાળાં ! ભાઇને વિરૂપ કરી નાખ્યો તેની ચિંતાથી અમારા ઉપર દ્વેષ લાવશો નહીં. સુખદુઃખ આપનાર બીજો કોઇ છે જ નહીં, કારણ કે પુરુષને પોતાનું કરેલું જ ભોગવવું પડે છે.૩૮ ફરીવાર ભગવાનને કહે છે સંબંધીએ દેહાંત શિક્ષાને લાયક અપરાધ કર્યો હોય તોપણ તેને સંબંધીએ નહીં મારવો જોઇએ, પણ છોડી દેવો જોઇએ, કેમકે પોતાના દોષથી જ જે મરી ગયો હોય તેને ફરીવાર શા માટે મારવો જોઇએ, કારણ કે મરેલાને મારવો એ વીરપુરુષ માટે નિંદનીય છે.૩૯ ફરીવાર રુક્મિણીને કહે છે વધ કરવો એ ક્ષત્રિયોનો ધર્મ છે, અને એ ધર્મ પ્રજાપતિ બ્રહ્માએ જ નિર્માણ કરેલો છે કે જે ધર્મથી ભાઇ ભાઇને પણ મારી નાખે છે. આ ધર્મ તો અતિ ભયંકર છે, માટે આમાં અમારો કોઇ દોષ નથી.૪૦ ભગવાનને કહે છે જેઓ લક્ષ્મીના મદથી આંધળા થયેલા અભિમાની લોકો છે તેઓ રાજ્યના, પૃથ્વીના, ધનના, સ્ત્રીના, માનના કે તેજના કારણથી અથવા બીજા કોઇ કારણથી સંબંધીઓનું અપમાન કરે છે, પણ આપણા હાથથી તેવું કામ કરવું યોગ્ય નથી.૪૧ રુક્મિણીને કહે છે તમારા ભાઇઓ કે જેઓ સર્વપ્રાણીઓના શત્રુરૂપ છે, તેઓનું અજ્ઞાનીની પેઠે તમે સર્વદા સારું ઇચ્છો છો એ તમારી જ બુદ્ધિની ભૂલ છે, અપરાધી સંબન્ધીઓનું આ રીતે કલ્યાણ ઇચ્છવું તે ખરી રીતે તેઓનું અકલ્યાણ ઇચ્છવા જેવું છે.૪૨ દેહને આત્મા કરી માનનારા મનુષ્યોને આ મિત્ર, આ શત્રુ અને આ ઉદાસીન, આવી રીતનો અંત:કરણનો મોહ ઇશ્વરની માયાથી જ થયો છે.૪૩ સર્વે જીવોનો અંતરાત્મા એક જ છે. ગુપ્તપણે સર્વે જીવોને વિષે રહેલો છે. જેમ કાષ્ઠમાં અગ્નિ ગૂઢપણે રહેલો છે, તેમ પરમાત્મા સર્વે જીવોને વિષે ગૂઢપણે રહેલા છે. છતાં આકાશની પેઠે નિર્લેપ છે.૪૪ આદિ અંતવાળો અને પંચભૂત, ઇંદ્રિય તથા શબ્દાદિ ગુણોના સમુદાયરૂપ આ દેહ કે જે અજ્ઞાનને લીધે આત્માને ઠેકાણે કલ્પાયેલ છે, તે દેહ જીવને જન્મ મરણ આપ્યા કરે છે.૪૫ દેહ જો પોતાના સંબન્ધ માત્રથી જીવાત્માને જન્મ મરણ આપતો હોય તો જીવ દ્વારા જીવોમાં અંતર્યામીપણે રહેલા પરમાત્માને પણ જન્મ મરણ આપનાર થાય ? તો કહે છે કે, પરમાત્માને દેહની સાથે સંયોગ અને વિયોગ નથી. દેહની સાથે સંયોગ અને વિયોગ કેવળ જીવનો જ છે. દેહતો કેવળ પરમાત્માને આધીન હોવાને કારણે એ દેહ પરમાત્માને બંધન આપનાર થાય નહિ. જેમ દૃષ્ટિ તથા દૃષ્ટિથી પ્રકાશ્ય એવું જે રૂપ આ બન્ને સૂર્યને આધીન છે, છતાં તેનાથી સૂર્યને કોઇ સંબન્ધ નથી. તેમ દેહ પરમાત્માને આધીન હોવા છતાં તે દેહની સાથે પરમાત્માને કોઇ સંબન્ધ નથી.૪૬ જેમ વધવું અને ઘટવું તે ચંદ્રમાની કળાઓનું જ છે પણ ચંદ્રમાનું નથી, તેમ જન્મ મરણાદિક સર્વે વિક્રિયાઓ દેહની જ છે. પણ આત્માની ક્યારેય નથી. અમાવાસ્યાએ કળાનો ક્ષય થતાં જેમ ચંદ્રમાનો ક્ષય થયો કહેવાય છે, તેમ દેહનો નાશ થતાં આત્માનો નાશ થયો કહેવાય છે.૪૭ જેમ સૂતેલો માણસ સ્વપ્ન સંબન્ધી સર્વે દૃશ્ય પદાર્થો અસ્થિર હોવા છતાં પણ ભોક્તા, ભોગ્યવિષયો અને ફળનો સ્થિર બુદ્ધિથી અનુભવ કરે છે. તેમ અજ્ઞાની માણસ સર્વે દૃશ્ય પદાર્થો અસ્થિર હોવા છતાં પણ સ્થિર બુદ્ધિથી સંસારનો અનુભવ કરે છે.૪૮ એટલા માટે હે સુંદર મંદહાસ્યવાળાં રુક્મિણી ! અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો શોક, મનને શોષ તથા મોહ ઉત્પન્ન કરનાર છે. તેને તત્ત્વજ્ઞાનથી દૂર કરી તમે સ્વસ્થ થાઓ.૪૯
શુકદેવજી કહે છે આ પ્રમાણે મહાત્મા બળદેવજીએ સમજાવતાં રુક્મિણીએ ખેદ છોડી દઇને બુદ્ધિથી પોતાના મનને સ્થિર કર્યું.૫૦ જેના પ્રાણ જ અવશેષ રહ્યા હતા એવો અને શત્રુઓએ છોડી દીધેલો, પોતાના વિરૂપને સંભારતો, વ્યર્થ મનોરથવાળો અને જેનાં બળ તથા કાંતિ હણાઇ ગયાં છે; એવો રુક્મી પ્રથમ બોલ્યો હતો કે દુષ્ટબુદ્ધિવાળા કૃષ્ણને માર્યા વિના અને રુક્મિણીને પાછી લીધા વિના હું આ કુંડિનપુરમાં પ્રવેશ કરીશ નહીં, તેથી જ્યાં પોતે વિરૂપ થયો ત્યાં જ ભોજકટ નામનું નવું પુર વસાવીને રહ્યો.૫૧-૫૨ હે રાજા ! આ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાન સર્વે રાજાઓને જીતી લઇ ભીષ્મક રાજાની કુંવરીને દ્વારકામાં લાવી તેને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પરણ્યા હતા.૫૩ એ સમયે દ્વારકાનાં માણસોને શ્રીકૃષ્ણમાં અનન્ય ભક્તિ થયેલી હતી, તેઓને ઘેર ઘેર મોટો ઉત્સવ થઇ રહ્યો હતો.૫૪ જેઓ સ્વચ્છ મણિઓનાં કુંડળો પહેર્યાં હતાં એવાં અને પ્રસન્ન થયેલાં સ્ત્રી પુરુષો, વિચિત્ર વસ્ત્રોવાળાં એ પતિ પત્નીને વધાવવા માટે આપવા માટેના પદાર્થો લાવ્યાં હતાં.૫૫ એ દ્વારકા ઊંચા કરેલા ઇંદ્રધ્વજો, વિચિત્ર પુષ્પો, વસ્ત્રો, રત્નો, તોરણો, પ્રત્યેક દ્વારમાં કરેલાં મંગળો, પૂર્ણ કુંભો, અગરુના ધૂપો અને દીવાઓથી શોભી રહી હતી.૫૬ બોલાવેલા રાજાના મદ ઝરનારા હાથીઓ દ્વારા માર્ગો પર પાણી છાંટ્યાં હતાં. અને દ્વારમાં ઊંચી કરેલી કેળો અને સોપારીનાં વૃક્ષોથી દ્વારિકા શોભી રહી હતી.૫૭ ઉત્સાહથી ચારેકોર દોડાદોડ કરતા બંધુઓમાં કુરુ, સૃંજય, કૈકેય, વિદર્ભ, યદુ, કુંતિ અને દેશના રાજાઓ પરસ્પર મળી આનંદ પામ્યા.૫૮ રાજાઓ અને રાજકન્યાઓ ચારેકોર ગવાતું રુક્મિણીનું હરણ સાંભળીને બહુ જ વિસ્મય પામ્યા.૫૯ હે રાજા ! લક્ષ્મીના અવતારરૂપ રુક્મિણીની સાથે ભગવાન શ્રીકૃષ્ણને જોઇ દ્વારકાના રહેવાસીઓને મોટો આનંદ થયો.૬૦
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ચોપનમો અધ્યાય સંપૂર્ણ.