વચન આધારે વર્તે છે જેહજી, મોટા સુખને પામશે તેહજી
એહ વાતમાં નહિ સંદેહજી, લોક પરલોકે પૂજયા જોગ્ય તેહજી
લોક અલોકમાં આબરું, રે’શે એની રૂડી રીતશું ।।
વચન વા’લાનાં વા’લાં કરી, પ્રસન્ન મને રાખ્યાં પ્રીતશું ।। ર ।।
વચન પાળતાં જો વિપત્તિ પડે, તો સહે શ્રદ્ધાયે કરી ।।
વચન લોપતાં જો સુખ મળે, તો ઘોળ્યું પરું મેલે પરહરી ।। ૩ ।।
અશન વસન ભૂષણ ભૂમિ, મર મળે ત્રિલોકીનું રાજ ।।
વચન જાતાં જાતું કરે, જાણે થાય એથી અકાજ ।। ૪ ।।
પ્રહલાદને કહ્યું એના પિતાયે, તને આપું રાજ અધિકાર ।।
નામ મેલી દે નરહરિનું, આજથી મા કર્ય ઉચ્ચાર ।। પ ।।
પણ હળવા સુખ સારુ હરિજન, મૂકે કેમ મોટા સુખને ।।
લોપી વચન મન લલચે, એવું ઘટે ઘણું વિમુખને ।। ૬ ।।
નાક કપાવી નથ પે’રવી, એ તો નારી નઠારીનું કામ છે ।।
એથી મર રહીએ અડવાં, એવાં ભૂષણ પે’રવાં હરામ છે ।। ૭ ।।
એમ વચન ગયે વડાઈ મળે, તેને પાપરૂપ જાણી પરહરો ।।
નિષ્કુળાનંદ નિશ્ચે કરી, હરિવચનમાં વાસ કરો ।। ૮ ।।