વચનવિધિ કડવું - ૪૫

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:45pm

વણ ચેતે અવસર વણસે કામજી, રાજી ન થાય શ્રીઘનશ્યામજી
ત્યારે કેમ પામિયે પરમ ધામજી, વણ પામે ધામ નહિ સુખ ઠામજી

ઠામ નથી કોઈ ઠરવા, હરિ આજ્ઞા વિના અણુ જેટલું ।।
તે જડમતિ નથી જાણતો, કહી કહી કહિએ કેટલું ।। ર ।।

વાવે છે ઝેરનાં ઝાડવાં, કરે છે અમૃત ફળની આશ ।।
તે ખાઈને કેમ ખેમ રે’શે, જેથી નર અમર પામ્યા નાશ ।। ૩ ।।

મારી કુંવર નરનાથનો, ટિલે બેસવા થાય છે તૈયાર ।।
તેને રાજા રાજ કેમ આપશે, જાણી મોભી સુતનો મારનાર ।। ૪ ।।

તેમ ભકત થઈ ભગવાનનો, કરે વચનની જો વિઘાત ।।
પછી ઇચ્છે સુખ આવવા, એહ કેમ બનશે વાત ।। પ ।।

નહિ પામે ઠેકાણું નરકમાં, શીદ કરે ધાંખના ધામની ।।
ધામ નહિ મળે ધક્કા મળશે, ત્યારે ઊઘડશે આંખ્ય ગુલામની ।। ૬ ।।

લાત લાયક તે વાત ન માને, મર હોય અતિશય હેતની ।।
સમુ કે’તાં વસમું લાગે, તેને મુખે પડો પસ રેતની ।। ૭ ।।

શરીર સુખ સારુ સુધો વરતે, કલ્યાણમાં વરતે કાસળે૯ ।।
નિષ્કુળાનંદ નિરભાગી નરને, નથી જાવું પ્રભુને પાસળે ।। ૮ ।।