અધ્યાય - ૧૫ - દુર્વાસામુનિના શાપના પ્રભાવે રામાનંદ સ્વામીએ ભોગવેલું અપાર દુઃખ.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ ! લોકસમુદાયમાં અત્યંત વૃદ્ધિ પામેલી તે રામાનંદ સ્વામીની પ્રતિષ્ઠા અને પ્રભાવ જોઇને મત્સરગ્રસ્ત દંભી અને વિષયાસક્ત જે અન્ય વૈષ્ણવોના વેષમાં અસુરો હતા તે સહન કરી શક્યા નહિ. અને રામાનંદ સ્વામીનું જે જે રીતે અપમાન થાય તેવા તેવા ઉપાયો કરવા લાગ્યા. તેમના ઉપર મિથ્યાપવાદનું કલંક નાખવા લાગ્યા, અને પોતાના શિષ્યો પાસે પણ તે અસુરો મિથ્યાપવાદનું આરોપણ કરાવવા લાગ્યા.૧-૨
આવો મોટો ઉપદ્રવ કર્યો છતાં પણ રામાનંદ સ્વામીનો અત્યંત વૃદ્ધિ પામેલો પ્રભાવ લેશ પણ ક્ષીણ થયો નહિ. તેથી તેમને શાસ્ત્રાર્થમાં જીતવા પ્રયાસો કર્યા પરંતુ તેમાં પણ તેઓનોજ પરાજય થયો.૩
તેથી અતિશય ક્રોધે ભરાયેલા તે અસુરો રામાનંદ સ્વામીને લાકડી તથા ચીપિયાના માર મારવા લાગ્યા અને અનેક પ્રકારની ગાળો ભાંડી તિરસ્કાર કરવા છતાં પણ અવંતીનગરીના કદર્ય નામના બ્રહ્મદેવની જેમ રામાનંદ સ્વામી બધું જ સહન કરતા રહ્યા.૪
તેમાંથી કેટલાક દિગંબર, જટાધારી અને હાથમાં ચીપિયાધારી અસુરો આવી રામાનંદ સ્વામીના ઉર્ધ્વપુંડ્ર તિલકને ભૂંસી નાખ્યાં અને તુલસીની કંઠી અને તુલસીની જપમાળાને તોડી નાખવા લાગ્યા.૫
તેમાંથી કેટલાક ઉદ્ધત ઇર્ષાખોર અસુરોએ ક્રોધથી ભગવાન શ્રીવાસુદેવનું સિંહાસન પણ તોડી નાખ્યું અને કેટલાક નિત્ય પૂજાની ભગવાનની મૂર્તિને હરી ગયા.૬
વૃંદાવનમાં આગમન અને શ્રીકૃષ્ણનું પ્રત્યક્ષ દર્શનઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે અસુરોએ અકારણ કરેલા ઉપદ્રવને પોતાનું પ્રારબ્ધ માની રામાનંદ સ્વામી કોઇ ન ઓળખી શકે તેવાં ચિહ્નો ધારણ કરી અલક્ષ્યલિંગે આ પૃથ્વી પર વિચરવા લાગ્યા.૭
ઉપદ્રવને કારણે રામાનુજાચાર્યના સાંપ્રદાયિક ઉર્ધ્વપુંડ્ર ચિહ્નોને ઉપરથી છોડી ચિત્તમાં શ્રીમન્નારાયણનું સ્મરણ કરતા કરતા વૃંદાવનમાં આવ્યા.૮
તે વૃંદાવનતીર્થમાં રામાનંદ સ્વામી પ્રતિદિન યમુનાજીમાં સ્નાન કરી પોતાનો નિત્યવિધિ કરતા હતા. અને વૃંદાવનનાં દરેક મંદિરોમાં શ્રીકૃષ્ણ પરમાત્માનું દર્શન કરવા જતા.૯
હે રાજન્ ! બપોર પછીના સમયે રામાનંદ સ્વામી વૈષ્ણવ વિપ્રો દ્વારા તે તે મંદિરોમાં વંચાતી શ્રીમદ્ભાગવત પુરાણની કથાનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા હતા.૧૦
હે રાજન્ ! અલક્ષ્યવેષે વૃંદાવનમાં નિવાસ કરીને રહેલા સદ્બુદ્ધિ શ્રીરામાનંદ સ્વામીની શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ભક્તિ અતિશય વૃદ્ધિ પામી તેથી દરરોજ તેનું હૃદયમાં ધ્યાન કરતા હતા.૧૧
તે કારણે રાસેશ્વરી રાધાના પતિ ભગવાન શ્રીવૃંદાવનવિહારીએ સ્વામી ઉપર અત્યંત પ્રસન્ન થઇને ધ્યાનરૂપ સમાધિમાં પોતાનું પ્રત્યક્ષ દર્શન આપ્યું.૧૨
એકાગ્રમનથી શ્રીકૃષ્ણ... શ્રીકૃષ્ણ... આ પ્રમાણે પોતાના હૃદયમાં જપ કરી રહ્યા હતા ત્યારે અચાનક હૃદયકમળમાં પ્રગટ થયેલો અનંત અપાર બ્રહ્મતેજનો સમૂહ જોયો.૧૩
તે તેજના મંડળને વિષે શ્રીરાધાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન થયાં, તે ભગવાન કેવા હતા તો દ્વિભુજ, મોરલીને વગાડતા, શ્યામ સુંદર અને અત્યંત મનોહર એવા તે પ્રત્યક્ષ ભગવાનને જોયા.૧૪
વળી તે શ્રીકૃષ્ણ ભગવાન નટવરની સમાન વેષધારી, અનંત આભૂષણોથી વિભૂષિત હતા. મસ્તક ઉપર મુગટ ધારણ કર્યો હતો, કંઠમાં વૈજયંતીમાળાને ધારી રહ્યા હતા. આવા પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણનાં દિવ્ય દર્શન કરી રામાનંદ સ્વામી પરમ આનંદને પામ્યા, અને એ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ થકી રામાનંદ સ્વામીએ બે મંત્રો પ્રાપ્ત કર્યા. આવી રીતે ભગવાન શ્રીપુરુષોત્તમ નારાયણની પ્રત્યક્ષ પ્રાપ્તિથી પોતાને આત્મારામ અને પૂર્ણકામ માનવા લાગ્યા.૧૫-૧૬
આવી રીતે જ્યારે જ્યારે રામાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરતા ત્યારે તેમનું પ્રત્યક્ષ દર્શન થતું અને પૂજાના સમયે પણ મૂર્તિ સ્વરૂપમાંથી અચાનક પ્રગટ થયેલા શ્રીકૃષ્ણ ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન થતાં હતાં.૧૭
પ્રતિદિન પૂજાના સમયે મૂર્તિમાંથી પ્રગટ થયેલા ભગવાન શ્રીકૃષ્ણને પ્રીતિપૂર્વક પૂજાના ઉપચારો અર્પણ કરી રામાનંદ સ્વામી પૂજતા હતા, અને ભગવાન પણ પ્રત્યક્ષપણે તે સ્વીકારતા, તેથી રામાનંદ સ્વામી પરમ સુખના મહાસાગરમાં લીન થઇ જતા હતા.૧૮
સ્વને ઉધ્ધવસ્વરૂપનું જ્ઞાન અને ઉધ્ધવસંપ્રદાયની સ્થાપનાઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીકૃષ્ણ ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન થવાથી વર્ણિરાટ શ્રીરામાનંદ સ્વામીના અંતરમાં આનંદ વ્યાપ્યો અને તેમનું મન સર્વે ચિંતાથી મુક્ત થયું, તથા ભગવાન શ્રીકૃષ્ણની ઇચ્છાથી પોતે શ્રીકૃષ્ણના પરમ એકાંતિક સખાભક્ત અને તિરોધાન સમયે પોતાનું જ્ઞાન આપી બદરિકાશ્રમમાં જેને મૂકવામાં આવ્યા હતો, તે ઉદ્ધવજી હું છું, આવું જ્ઞાન થયું.૧૯
અને દુર્જનોનો જે ઉપદ્રવ થયો છે તે પણ દુર્વાસામુનિના શાપને કારણે થયો છે, તેવું પણ રામાનંદ સ્વામીને જ્ઞાન થયું, અને ત્યારથી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણનું અતિ આનંદપૂર્વક ભજન સ્મરણ કરવા લાગ્યા.૨૦
અનંત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને વાસ્તે ભગવાન શ્રીકૃષ્ણે મને આ પૃથ્વી ઉપર મૂકયો છે, તેનું સ્મરણ કરતા શ્રીરામાનંદ સ્વામી તે અનંત જીવોનું કલ્યાણ થાય તેવી પ્રવૃત્તિ કરવા લાગ્યા.૨૧
હે રાજન્ ! સત્શાસ્ત્રોમાંથી ભગવાનના વચનોનો સાર સાર તત્ત્વ પૂર્વક સ્વીકારી શ્રીરામાનંદ સ્વામીએ નિર્ભયપણે પોતાના નવીન સંપ્રદાયની ભગવાનની ઇચ્છા મુજબ સ્થાપના કરી.૨૨
ઉધ્ધવસંપ્રદાયનું આગવું લક્ષણઃ- આ નવીન સંપ્રદાયમાં જીવ, ઇશ્વર અને માયાના સ્વરૂપના નિર્ણયમાં રામાનુજાચાર્યના ગ્રંથોમાં કરેલા નિર્ણયનું જ રામાનંદ સ્વામીએ બહુધા પ્રતિપાદન કરેલ છે.૨૩
"પોતે પોતાના વર્ણાશ્રમના ધર્મમાં રહીને જ શ્રીરાધિકાના પતિ ભગવાન શ્રીકૃષ્ણની દૃઢ ભક્તિ કરવી," એજ આ ઉદ્ધવ સંપ્રદાયનું અસાધારણ લક્ષણ જાણવું.૨૪
સ્વયં રામાનંદ સ્વામી પણ શરણે આવતા મુમુક્ષુજનોને પોતાના સંપ્રદાયના અસાધારણ લક્ષણરૂપ સ્વધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવાનો જ ઉપદેશ આપવા લાગ્યા. અને પોતાના પૂર્વ અવતાર ઉદ્ધવજી સ્વરૂપે અનુભવેલા પ્રસિદ્ધ સ્થાન તે વૃંદાવનતીર્થમાં એક માસ પર્યંત નિવાસ કરીને રહ્યા.૨૫
આવી રીતે તે શ્રીરામાનંદ સ્વામી તીર્થોને વિષે ફરતા ફરતા અને મુમુક્ષુઓને શ્રીકૃષ્ણ ભગવાનની ધર્મે સહિત જ ભક્તિ કરવાનો બોધ આપતા આપતા, તે પ્રસિદ્ધ તીર્થરાજ પ્રયાગક્ષેત્રમાં પધાર્યા અને ત્યાં ધર્મદેવનું મિલન થયું. આવા રામાનંદ સ્વામીનું ધર્મદેવ સેવન કરતા હતા, આ પ્રમાણે રામાનંદ સ્વામી વિષયક પૂછેલા ચાર પ્રશ્નોનો આ ઉત્તર છે, તે તમે જાણો.૨૬
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ઉદ્ધવ સંપ્રદાયની પ્રવૃત્તિનું નિરૂપણ કર્યું એ નામે પંદરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૫--