અધ્યાય -૧૭ - ધર્મદેવને અસહ્ય આસુરી પીડાનો ઉપદ્રવ.

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:32pm

અધ્યાય -૧૭ - ધર્મદેવને અસહ્ય આસુરી પીડાનો ઉપદ્રવ.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ધર્મદેવ થકી ભાગવતી દીક્ષાને પામેલા પુરુષો હિંસા વગેરે આસુરીક્રિયાનો ત્યાગ કરી શરદઋતુના ચંદ્રમાની સમાન ઉજ્જ્વળ ક્રાંતિવાળા બની સ્વર્ગના જાણે દેવ હોય તેમ શોભવા લાગ્યા.૧

અને તેઓ અન્ન, ધન, વસ્ત્રાદિક પદાર્થોથી વારંવાર ધર્મદેવનું અતિશય સન્માન કરવા લાગ્યા, તેથી ધર્મદેવ પણ કોઇ રાજા મહારાજાની જેમ સમૃદ્ધિવાન થયા.૨

તેથી ધર્મદેવે પોતાના પુત્ર રામપ્રતાપના આપત્કાળને લીધે હજુ સુધી નહિ કરેલા ઉપનયન સંસ્કાર સુધીના તમામ સંસ્કારો યથાવિધિ કર્યા અને તેમાં મનુષ્યોને વિસ્મય ઉપજાવે તેવાં દાન દીધાં.૩

ધર્મદેવની સંપત્તિ આવી રીતે વૃદ્ધિ પામતી જોઇને આસુરી સંપત્તિથી મદોન્મત્ત થયેલા અને મનુષ્યના રૂપમાં ફરતા અસુરો આસુરી રાજાઓની પક્ષપાતી સહાયથી ધર્મ-ભક્તિને તથા તેમના આશ્રિતજનોને બહુજ પીડા આપવા લાગ્યા.૪

તે અસુરો ધર્મદેવની આજીવિકા, ધન, ધાન્ય, સમસ્ત ગાયો અને વાહનોનું હરણ કરી અનેક પ્રકારે અપમાન કરવા લાગ્યા.૫

આવી રીતની અસુરોની અતિ ઉપાધિથી ધર્મદેવ દારુણ દરિદ્રતાનું દુઃખ પામ્યા. દરિદ્રીને કોણ આવકાર આપે ? તેથી સંબંધીજનો પણ ધર્મદેવનો તિરસ્કાર કરવા લાગ્યા.૬

હે નરાધિપ ! વધુમાં તે અસુરો અતિથિ, અન્નાર્થી અને ભિખારીના સ્વરૂપે ધર્મદેવના ઘેર અવર-જવર કરવા લાગ્યા. તેથી ધર્મદેવનાં ધન ધાન્ય બિલકુલ ખુટી ગયાં, અને આજીવિકા હરાઇ ગઇ, છતાં પણ ધર્મદેવ ગૃહસ્થના શાસ્ત્રીયધર્મને અનુરૂપ અતિથિઓની સેવા જે તે પ્રકારે કરી ગૃહસ્થધર્મ બજાવતા હતા.૭-૮

કોઇ પણ રીતે સહન ન થાય તેવા ભયંકર પ્રસંગો ઊભા થયા છતાં મહાન ધીરજ ધારણ કરીને શત્રુઓની પીડાને સહન કરતા ધર્મદેવ પ્રત્યે ઉદાર બુદ્ધિવાળા પત્ની પ્રેમવતી એકવખત વિનયપૂર્વક કહેવા લાગ્યાં.૯

પતિ પ્રત્યે ભક્તિદેવીનાં વિનય વચનોઃ- ભક્તિદેવી કહે છે, હે સ્વામિન્ ! દૈવની ગતિ તો જુઓ ! કેવી આશ્ચર્યકારી છે ! કારણ કે અપકાર કરનાર જનો ઉપર પણ ઉપકાર કરનારા મહાધર્મવાળા તમારી પણ દુઃખથી આવી ભયંકર સ્થિતિ થઇ છે.૧૦

આસુરી શત્રુઓને લીધે આપણને અકારણ આવો મહાઉપદ્રવ ઉત્પન્ન થયો છે. આપણી આજીવિકા પણ તેઓ હરી ગયા તથા ઘરની સામગ્રી પણ કાંઇ રહેવા દીધી નથી.૧૧

આપણે ત્યાં અન્નાર્થીઓ વારંવાર આવે છે, પણ ઘરમાં અનાજ અશેષ છે, (અર્થાત્ બિલકુલ નથી, છતાં ઘરમાં અનાજ નથી એમ કહેવું પતિવ્રતાનારીના ધર્મમાં નિષેધ છે તેથી અશેષ છે તેવું હકારાત્મક વાક્ય ભક્તિમાતા બોલ્યાં.) હે પતિદેવ ! આપણે તો દુઃખ સહન કરીશું પણ અતિથીઓને શું જવાબ આપીશું ?.૧૨

અને વળી આપણને તો બીજે અથવા ત્રીજે દિવસે ભોજન મળે છે, તેમાં પણ અન્ન ક્યારેક મળે છે, ક્યારેક માત્ર શાક અને ક્યારેક માત્ર ફળ વગેરે પ્રાપ્ત થાય છે.૧૩

તમે પુરુષ છો તેથી ધીરજપૂર્વક આ બધું કષ્ટ સહન કરી શકો છો, પણ હું સ્ત્રી છું તેથી ધીરજ ધરી શકતી નથી, અને મારા અંતરમાં મોટો ઉદ્વેગ રહ્યા કરે છે.૧૪

હે નાથ ! દરિદ્રતાનું દુઃખ પતિવ્રતાના ધર્મમાં વિરોધી છે તેથી તેનાથી હું અત્યંત ભય પામું છું, દરિદ્રતાના દુઃખને લીધે અન્નના કણને અર્થે જ્યાં ત્યાં ભટકતી સ્ત્રી ધર્મભ્રષ્ટ થઇ વિનાશ પામે છે.૧૫

હે પતિદેવ ! તમે અનેક શાસ્ત્રોમાં પારંગત છો. તેથી આપત્તિના દુઃખને દૂર કરવાના ઉપાયને જાણો છો. તે હેતુથી આ દારુણદુઃખની મુક્તિને માટે કાંઇ ઉપાય વિચારો તો સારું.૧૬

હે સ્વામિન્ ! આવો મોટો આપત્કાળ આવ્યો છે છતાં તમે પૂર્વની જેમ જ સ્વસ્થ ચિત્તે વર્તી શકો છો, તે મને આશ્ચર્ય ઉપજાવે છે.૧૭

પોતાની પત્ની ભક્તિદેવીએ આ પ્રમાણે કોમળ વચનો કહ્યાં તે સાંભળી સર્વ ઉપાયને જાણનારા સમર્થ ધર્મદેવ આપત્કાળથી બહુ પીડા પામેલ પત્ની ભક્તિદેવીને રાજી કરવા કહેવા લાગ્યા.૧૮

પત્ની પ્રત્યે ધર્મદેવનાં ધીરજનાં વચનોઃ- હે કલ્યાણી ! સર્વ શાસ્ત્ર સંમત મારું વચન તમે સાંભળો. મનુષ્ય માત્ર ધીરજરૂપી નાવથી આપત્કાળરૂપી મહાસાગરને અવશ્ય પાર કરી શકે છે.૧૯

હે દેવી ! સર્વજીવ પ્રાણીમાત્રનો દેહ પ્રારબ્ધ કર્મને આધીન છે, અને જે કાંઇ સુખદુઃખ પ્રાપ્ત થાય છે તે પ્રારબ્ધને અનુસારે જ પ્રાપ્ત થાય છે.૨૦

અને આપણને જે આ દુઃખ પ્રાપ્ત થયું છે તે પ્રારબ્ધથી જ થયું છે, આ શત્રુઓ તો કેવળ તેમાં નિમિત્તમાત્ર છે.૨૧

માટે હે ભદ્રે ! પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના તેની નિવૃત્તિના ગમે તેટલા ઉપાયો કોઇ કરે છતાં જીવપ્રાણીમાત્રનું પ્રારબ્ધ નાશ પામતું નથી, આ સર્વશાસ્ત્રનો નિર્ણય છે.૨૨

હે સતિ ! પૂર્વે સમર્થ હોવા છતાં પણ દેવતાઓ, મહારાજાઓ અને રાજાઓ આદિકે કઠિન પ્રારબ્ધકર્મોથી ઉત્પન્ન થયેલાં મહાદુઃખોને ભોગવ્યાં છે.૨૩

હે કલ્યાણી ! સમસ્ત ત્રિલોકીના અધિપતિ ઇન્દ્રમહારાજા પણ પોતાની પત્ની શચીની સાથે વૃત્રાસુર વિગેરે શત્રુઓએ આપેલાં મહાકષ્ટને ભોગવ્યાં છે.૨૪

તેમજ નિષધ દેશના અધિપતિ અને પુણ્યશ્લોક એવા નળરાજાએ પણ પોતાની પત્ની દમયંતીની સાથે શત્રુઓએ આપેલી ઘણી બધી પીડાને પામ્યા છે.૨૫

અરે ! બ્રહ્માજીની તુલ્ય અને બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ એવા વસિષ્ઠઋષિએ પણ પોતાનાં પત્ની અરુંધતીની સાથે વિશ્વામિત્ર થકી અનેક પ્રકારનાં દુઃખ ભોગવ્યાં છે.૨૬

આવા અનેક સમર્થ પુરુષોએ પણ આ રીતે પ્રાપ્ત થયેલાં પ્રારબ્ધનાં કષ્ટને ધીરજથી સહન કર્યાં છે અને આપણે પણ એજ રીતે ધીરજ રાખી સહન કરવાનું છે.૨૭

દુઃખનો અંત નહીં દેખાતાં ભક્તિદેવીનું કરુણ રુદનઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! દુઃખી હૃદયવાળાં ભક્તિદેવીએ પોતાના પતિદેવનાં આવા પ્રકારનાં સહન કરવાનાં વચનો સાંભળ્યાં ને દુઃખનો અંત નહિ દેખાતાં ધીરજ ખૂટી ગઇ ને રૂદન કરવા લાગ્યાં.૨૮

હે રાજન્ ! રૂદન કરતાં ભક્તિદેવીને સાંત્વના આપતા ધર્મદેવ ફરી કહેવા લાગ્યા, કે હે કલ્યાણી ! તમે ખેદ ન પામો, કોઇનું પણ દુઃખ હમેશાં રહેતું નથી.૨૯

પ્રારબ્ધ કર્મનો વિનાશ શક્ય નથી, છતાં ધીરપુરુષો વારંવાર પ્રારબ્ધને હટાવવા પ્રયત્નો કરે છે અને તે પ્રયત્ન નિષ્ફળ જાય છતાં પણ તેઓ ક્યારેય પ્રયત્ન છોડી દેતા નથી.૩૦

તેવી જ રીતે હું પણ તમારી પ્રસન્નતાને અર્થે સંકટને દૂર કરવાનો ઉપાય કરીશ, એથી મનમાં શોક ન કરો.૩૧

આ પ્રમાણે ધર્મદેવ પોતાનાં પતિવ્રતા પત્ની ભક્તિદેવીને આશ્વાસન આપી ''શત્રુઓનો ભય કયા ઉપાયથી નાશ પામશે?'' એવો વિચાર કરવા લાગ્યા.૩૨

શીઘ્ર સિધ્ધિને આપે એવો ઉપાય ધર્મદેવ અંતરમાં વિચારી રહ્યા હતા ત્યારે વિવાહના સમયે પિતા બાલશર્માએ આપેલ ઉપદેશ વચનોથી હનુમાનજીનું સ્મરણ થઇ આવ્યું.૩૩

સર્વ સંકટને દૂર કરનારા હનુમાનજી આપણા કુળદેવ છે. આવી વિકટ પરિસ્થિતિમાં તેમનું જ આરાધન કરું. આવું ધર્મદેવે નક્કી કર્યું.૩૪

પછી ધર્મદેવે તત્કાળ જપની સિધ્ધિ આપે એવા પવિત્ર સ્થળ અયોધ્યાતીર્થમાં જઇ નિવાસ કર્યો અને ત્યાં હનુમાનજીની આરાધના કરવા લાગ્યા.૩૫

અસુરો ન જાણી શકે એ રીતે ધર્મદેવ પ્રતિદિન હનુમાનજીના મંદિરે જાય અને ત્યાં હનુમાનજીનું પૂજન કરી તેમના સોળ અક્ષરના મંત્રથી ગર્ભિત હનુમાનસ્તોત્રનો આ પ્રમાણે પાઠ કરવા લાગ્યા.૩૬

ધર્મદેવે કરેલી સોળ શ્લોકાત્મક હનુમાનજીની પ્રાર્થનાઃ- હે અંજનીસુત અને વાયુદેવના પુત્ર ! તમને નમસ્કાર. હે રામચંદ્રજીના મહાબુદ્ધિશાળી દૂત ! તમને નમસ્કાર, હે દેવતાઓના પૂજનીય અને સુગ્રીવના સચિવ હનુમાનજી ! તમને નમસ્કાર.૩૭

હે મહાવીર ! હે મહાબલી ! હે પરાક્રમી ! તમને નમસ્કાર, હે શત્રુઓને જોવા માત્રથી ત્રાસ ઉપજે એવી ભીષણ આકૃતિવાળા ! અને રાવણ જેવા પરાક્રમી અસુરને પણ ત્રાસ આપનારા હે હનુમાનજી ! તમને નમસ્કાર.૩૮

હે રૂદ્રના અવતાર સ્વરૂપ ! તમને નમસ્કાર, પથ્થરની શિલા અને વૃક્ષો જેનાં આયુધો છે એવા હે હનુમાનજી ! તમને નમસ્કાર, રાક્ષસોના સૈન્યનું મર્દન કરનારા અને મહાયશસ્વી હે હનુમાનજી ! તમને નમસ્કાર.૩૯

લંકાનગરીને ભસ્મીભૂત કરનારા હે હનુમાનજી ! તમને નમસ્કાર. દશ માથાંવાળા રાવણના પુત્ર અક્ષયકુમારનો ક્ષય કરનારા હે હનુમાનજી ! તમને નમસ્કાર. હે સીતાના શોકનો વિનાશ કરનાર હનુમાનજી ! તમને નમસ્કાર.૪૦

હે મહાયોગી ! હે સદાય શુદ્ધ અંતઃકરણવાળા હનુમાનજી ! તમને નમસ્કાર. મા જાનકી અને ભગવાન રામચંદ્રજીને અત્યંત વહાલા અને ચિરંજીવી એવા હે હનુમાનજી તમને નમસ્કાર.૪૧

હે વાનરોમાં શ્રેષ્ઠ ! હે સર્વરોગનું નિત્ય શમન કરનારા ! તમને નમસ્કાર. હે ભૂત, પ્રેત, પિશાચ આદિકને ભય ઉપજાવે અને તાત્કાલિક તગેડી મૂકે એવું મંગળ નામ ધારણ કરનારા હનુમાનજી ! તમને નમસ્કાર.૪૨

હે મંગળમૂર્તિ શ્રીરામને અતિશય પ્રિય એવા હનુમાનજી તમને વારંવાર નમસ્કાર છે, તેમજ અતિશય સ્થૂલ મહા મોટો આકાર ધરનારા અને અતિશય સૂક્ષ્મરૂપને ધરવામાં પણ સમર્થ એવા હે હનુમાનજી ! તમને નમસ્કાર.૪૩

હે અખિલ ભયને નાશ કરનારા અને સ્વયં નિર્ભયસ્વરૂપ એવા હે હનુમાનજી ! તમને નમસ્કાર. હે અતિશય ઉદાર મનવાળા અને બાલસૂર્યની સમાન તેજસ્વી કાંતિમાન શરીરને ધારણ કરનારા ! તમને નમસ્કાર. મુષ્ટિકારૂપી આયુધથી શત્રુને પ્રહાર કરનારા હે હનુમાનજી ! તમને નમસ્કાર.૪૪

હે લંકેશ્વરના બગીચાને ઉખેડી રાક્ષસોને ત્રાસ આપનારા હનુમાનજી ! તમને નમસ્કાર. હે રામનામમાં અતિશય અનુરાગવાળા અને સંજીવની ઔષધી લાવી લક્ષ્મણજીના પ્રાણનું રક્ષણ કરનારા હે હનુમાનજી ! તમને નમસ્કાર.૪૫

હે વિશ્વવન્દ્ય ! હે સર્વત્ર વિજય પ્રાપ્ત કરનારા ! હે પ્રખ્યાત સદ્ગુણોથી શ્રેષ્ઠ ! તમને મારા નમસ્કાર. હે ભક્તજનોના સંકટને હરનારા ! હે ધર્મમાં નિષ્ઠાવાળા ! હે સર્વત્ર જીતનો ડંકો વગાડનારા હે હનુમાનજી ! તમને નમસ્કાર.૪૬

હે નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ ! હે નિર્જન વનપ્રદેશમાં રહેનારા હે હનુમાનજી ! તમને નમસ્કાર. તેમજ હે ભક્તજનોના ઇચ્છિતમનોરથોને પૂર્ણ કરનારા તથા હે પાંડવોનું પ્રિય કરનારા હે હનુમાનજી ! તમને નમસ્કાર.૪૭

હે ધર્મના શત્રુઓનો વિનાશ કરનારા ! નિર્દોષ અને તેજસ્વી સ્વરૂપ એવા આપને હું નમસ્કાર કરું છું, તેમજ રામાયણની કથા સાંભળવામાં નિરંતર ઉત્સુક મનવાળા હે હનુમાનજી ! તમને હું નમસ્કાર કરું છું.૪૮

હે ધાર્મિક પુરુષોને સેવવા યોગ્ય ! હે બ્રાહ્મણોનું હિત કરનારા ! હે દેવતાઓથી પૂજાયેલા હે હનુમાનજી ! તમને મારા નમસ્કાર છે. તેમજ હે બ્રહ્મચર્યવ્રતમાં અતિપ્રિય અને સર્વ પ્રકારના પાપને હરનારા હે હનુમાનજી ! તમને મારા નમસ્કાર.૪૯

હે દરિદ્રતાના દુઃખોનો વિનાશ કરનારા ! હે બંધનોને તોડનારા ! હે મારુતિ ! તમને મારા નમસ્કાર, હે ભક્તજનોને ઇચ્છિત સુખ આપનારા ! તથા હે શરણાગતોનું રક્ષણ કરનારા ! અને ઋષિઓના જેવી સાત્ત્વિકવૃત્તિને વરેલા ! હે હનુમાનજી ! તમને મારા નમસ્કાર છે.૫૦

હે ભક્તજનોને ઇચ્છિત વરદાનને આપનારા હે હનુમાનજી ! તમને મારા નમસ્કાર છે. એકાગ્ર ચિત્તથી નિત્યે શ્રીરામચંદ્રજીનું ધ્યાન કરનારા ! તથા જેની આરાધના ભક્તજનો માટે સહજપણે સરળ છે એવા અને અભક્તજનો માટે અતિ કઠિન છે એવા તથા દિવ્ય સુંદર આકૃતિ ધરનારા હે હનુમાનજી ! તમને મારા નમસ્કાર છે.૫૧

હે આકડાના પુષ્પનો હાર પહેરનારા ! તમને નમસ્કાર, જે કોઇ પણ જગ્યાએ રહીને પોતાની આરાધના કરનારા ભક્તજનો ઉપર કૃપાદૃષ્ટિ કરનારા હે હનુમાનજી ! તમે મારા ઉપર કૃપાદૃષ્ટિ કરી મને નિર્ભય કરો. અને આપનું સાક્ષાત્ દિવ્ય દર્શન મને આપો, હું આપને નમસ્કાર કરું છું.૫૨

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! પ્રતિદિન આ પ્રમાણે ધર્મદેવ ભક્તજનોના સંકટને વિનાશ કરનારા સ્તોત્રથી હનુમાનજીની પ્રથમ સ્તુતિ કરતા અને ત્યાર પછી તે સ્તોત્રના એક એક શ્લોકને વિષે એક એક અક્ષરનો સ્વીકાર કરીને અર્થાત્ પ્રથમ શ્લોકનો પહેલો અક્ષર, બીજાનો બીજો અને ત્રીજાનો ત્રીજો એવી રીતે સોળ શ્લોકમાંથી એક એક અક્ષરનો સ્વીકાર કરવાથી થયેલ ''ઁ નમો હનુમતે ભયભંજનાય સુખં કુરુ'' આ મંત્રને છેડે ''ફટ્ સ્વાહા'' જોડીને ધર્મદેવ આ સોળ અક્ષરના મંત્રનો વિધિપૂર્વક જપ કરતા હતા.૫૩

હે રાજન્ ! આ સોળ અક્ષરના મંત્રના જપને અંતે ધર્મદેવ હનુમાનજીની આગળ જમણા પગને ડાબા પગના સાથળ ઉપર મૂકી એક ડાબા પગે ઊભા રહી બન્ને હાથ જોડીને આગળ કહેલા સ્તોત્રનો નિરંતર પાઠ કરતા હતા.૫૪

ધર્મદેવકૃત સત્સંગ પ્રસિદ્ધ નીતિપ્રવીણસ્તોત્રઃ- ધર્મદેવ હનુમાનજીની પ્રાર્થના કરતાં કહે છે, હે રાજનીતિમાં પ્રવીણ ! હે વેદ અને શાસ્ત્રમાં કુશળ ! હે રાજાધિરાજ શ્રીરામચંદ્રજી ભગવાનના મંત્રિવર્ય ! હે શરીરપર સિંદુરનો લેપ કરનારા ! હે નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ ! હે શ્રીરામદૂત હનુમાનજી ! મારું સંકટ દૂર કરો.૫૫

સીતાજીનું અપહરણ થવાથી શ્રીરામચંદ્રજી ભગવાનને અપાર કષ્ટ ઉત્ત્પન્ન થયું તેનું નિવારણ કરવામાં એક પ્રધાનપણે સહાય કરનારા, રાક્ષસરાજ રાવણની સુવર્ણમયી લંકાનગરીને અગ્નિથી ભસ્મીભૂત કરનારા હે શ્રીરામદૂત હનુમાનજી ! મારું સંકટ દૂર કરો.૫૬

લક્ષ્મણજીને મારવા દશાનન રાવણે છોડેલ શક્તિ નામના આયુધના ઘાતથી પ્રાણ કંઠમાં આવી ગયા ત્યારે લક્ષ્મણજીના સુખને માટે સંજીવની ઔષધિને લાવી આપનારા તથા દ્રોણાચલ પર્વત લાવીને રામપક્ષની વાનર સેનાને આનંદિત કરનારા હે શ્રીરામદૂત હનુમાનજી ! મારું સંકટ દૂર કરો.૫૭

ભાઇના વિયોગથી દુઃખરૂપી મહાસાગરમાં ડૂબેલા ભરતજીને શ્રીરામચંદ્રજી ભગવાન લંકાપુરીથી અયોધ્યા પાછા પધારી રહ્યા છે, આવા પ્રકારનાં વચનરૂપી નૌકામાં બેસાડી દુઃખના સિંધુમાંથી ઉદ્ધારનારા અને તેથી જ પ્રસન્ન થયેલા ભરતજીએ જેમને અનેક પ્રકારની પહેરામણી અર્પણ કરી છે એવા તથા શ્રીરામચંદ્રજી ભગવાનના ચરણારવિંદને વિષે જ ભ્રમરવત્ પોતાના ચિત્તને આસક્ત રાખનારા હે શ્રીરામદૂત હનુમાનજી ! મારું સંકટ દૂર કરો.૫૮

મનનું દમન કરનારા મહાકપિરાજ કેસરી અને તેમનાં પત્ની અંજની માતાના તીવ્ર તપશ્ચર્યાના ફળરૂપે પુત્રરૂપથી પ્રગટ થયેલા તથા ગરુડજીની સમાન શરીરશક્તિ અને તીવ્રવેગને ધારણ કરનારા હે શ્રીરામદૂત હનુમાનજી ! મારું સંકટ દૂર કરો.૫૯

અનેક પ્રકારના આભિચારિક પ્રયોગ કરનારા (અર્થાત્ મેલિવિદ્યા અજમાવનારા) પુરુષોએ મૂકેલી વીરગણોએ સહિત કૃત્યાઓને ભગાડવા માટે પોતાના ભયાનક લાલચોળ નેત્રો કરનારા છો અને તેથી જ કોઇનાથી પણ સામે દૃષ્ટિ માંડીને ન જોઇ શકાય તેવા તથા તમારા મંત્રનો જપ કરનારા રોગથી પીડાતા મનુષ્યો તે રોગમાંથી મુક્ત થાય છે, પુત્રની ઇચ્છાવાળો સંસ્કારી પુત્રને પ્રાપ્ત કરે છે અને ધનાર્થી ધનને પ્રાપ્ત કરે છે એવા હે શ્રીરામદૂત હનુમાનજી ! મારું સંકટ દૂર કરો.૬૦

તમારા નામના પદનું એકમાત્ર શ્રવણ થવાથી બ્રહ્મરાક્ષસ, પિશાચ, ભૂત, પ્રેત આદિ તથા મરકી વિગેરે અનિષ્ટ તત્ત્વો તત્કાળ ભય પામીને પલાયન થઇ જાય છે, એવા હે શ્રીરામદૂત હનુમાનજી ! મારું સંકટ દૂર કરો.૬૧

તમે ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવા સમર્થ છો, એટલા જ માટે દીન દુઃખી તેમજ ઉદ્ધત શત્રુઓના ભયથી અત્યંત પીડા પામેલા એવા મારા પણ મનોરથ પૂર્ણ કરો, હે પૂર્ણકામ ! હે શ્રીરામદૂત હનુમાનજી ! મારું સંકટ દૂર કરો.૬૨

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ધર્મદેવ પ્રતિદિન નિશ્ચિતવ્રત લઇને સર્વ સંકટને હરનારા આ સ્તોત્રવડે હનુમાનજીની સ્તુતિ કરવા લાગ્યા.૬૩

અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો ત્યારથી પત્ની ભક્તિદેવીની સાથે ધર્મદેવ ક્યારેક ફળ, ક્યારેક કંદ અને પત્રનો આહાર કરે છે, ક્યારેક માત્ર શાક જમી લે, ક્યારેક માત્ર જળપીને રહે અને ક્યારેક તો ઉપવાસ પણ થાય, આપ્રમાણે વ્રત કરી હનુમાનજીની આરાધના કરતા હતા.૬૪

હનુમાનજીનું પ્રત્યક્ષ દર્શનઃ- એમ કરતાં બે મહિનાના અંતે તેમના ધ્યાનથી પ્રાપ્ત થયેલી સ્વપ્ન સમાધિમાં ઉતરી ગયેલા ધર્મદેવને હનુમાનજીએ પ્રત્યક્ષ આવી પોતાનું દર્શન આપ્યું અને બહુજ પ્રસન્નમને ધર્મદેવને કહેવા લાગ્યા, હે ધર્મદેવ ! તમારી ઉપર હું બહુ જ રાજી થયો છું. ચિંતા ન કરો. તમે જલદીથી આ કષ્ટમાંથી મુક્ત થઇ જશો, અત્યારે તમે વૃંદાવનતીર્થમાં જાઓ, ત્યાં તમારા પૂર્વના મિત્રો મરીચ્યાદિ મુનિઓ પણ તમારી જેમ જ અસુરો થકી કષ્ટને પામ્યા છે, તેઓનો સંગાથ મળતાં તમે ઇચ્છિત સુખને પ્રાપ્ત કરશો.૬૫-૬૭

ધર્મ ભક્તિનું વૃંદાવનતીર્થ તરફ પ્રયાણઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આટલું કહીને હનુમાનજી અંતર્ધાન થઇ ગયા. ત્યારપછી અત્યંત ખુશ થઇ ગયેલા ધર્મદેવ સમાધિમાંથી જાગ્યા અને તે સ્વપ્નના વૃત્તાંતને સત્ય માન્યું.૬૮

પ્રાતઃકાળે પોતાના વ્રતની સમાપ્તિ કરી પુત્ર રામપ્રતાપને તેમના મામાને ઘેર છપૈયામાં છોડીને પત્ની ભક્તિદેવી સાથે ધર્મદેવ વૃંદાવન તીર્થમાં જવા નીકળ્યા.૬૯

કોઇ અસુર પાછળ પાછળ આવશે એવા ભયથી કોઇ ન જાણી શકે એ રીતે ઘેરથી ભાથું લીધા વિના નીકળ્યા, ભય પામતાં પામતાં સંગાથ વિના એકલા જ ચાલ્યાં જાય છે.૭૦

હે રાજન્ ! તે સમયે ધર્મદેવ અને ભક્તિદેવીએ જાડાં, સાંધેલાં અને જીર્ણ શીર્ણ વસ્ત્રો પહેર્યાં હતાં, તેમનાં શરીર અતિ દુર્બળ હતાં, છતાં અરસ પરસ મધુર વાતો કર્યે જતાં હતાં. આ પ્રમાણે જગતનાં મા-બાપ ધર્મદેવ અને ભક્તિદેવી નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યાં.૭૧

દશમે દિવસે આ તીર્થક્ષેત્રમાં પધારેલાં મહાધીરજશાળી દંપતી ધર્મ-ભક્તિએ સમગ્ર તીર્થનો વિધિ પોતાની શક્તિ પ્રમાણે કર્યો.૭૨

ત્યાર પછી પોતાના હૃદયમાં વૃંદાવનવિહારી શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરતાં નિરંતર માગ્યા વિના જે કાંઇ મળે તેનાથી શરીર નિર્વાહ કરતાં ધર્મ-ભક્તિ ત્યાંથી વૃંદાવન તીર્થ તરફ જવા નિકળ્યાં.૭૩

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાનના પુષ્પદોલોત્સવનાં દર્શન કરવા જતાં મનુષ્યોના સંઘોમાં પણ અસુરોના ભયની શંકાથી માર્ગમાં તેમનો સંગાથ છોડી એકલાંજ ધર્મ-ભક્તિ ચાલતાં હતાં, આ રીતે ભક્તિની સાથે ધીરે ધીરે ચાલતા ધર્મદેવ નૈમિષારણ્યથી એક મહિને ફાગણવદ પડવાના શુભ પુષ્પદોલોત્સવના દિવસે પવિત્ર વૃંદાવનતીર્થમાં પહોંચ્યા.૭૪-૭૫

દેશદેશાંતરમાંથી દર્શનાર્થે પધારેલા મનુષ્યોએ જે ગોવર્ધન પર્વતનું અનુપમ પૂજન કર્યું છે, એવા પર્વતમાં પુષ્પોથી શણગારેલા હિંડોળામાં વિરાજમાન થયેલા ભગવાન શ્રીબાલકૃષ્ણ ઝુલતા હતા તેનું દર્શન અને પૂજન કરી તે ગોવર્ધન પર્વતની રમણીય શોભાને નિહાળી ધર્મ ને ભક્તિ વિધિ પ્રમાણે ગિરિરાજની પ્રદક્ષિણા કરવા લાગ્યાં.૭૬
 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં બે મહિનાની આરાધનાને અંતે પ્રસન્ન થયેલા શ્રીહનુમાનજીના કહેવાથી ધર્મભક્તિએ વૃંદાવનતીર્થમાં આગમન કર્યું. એ નામે સત્તરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૭--