અધ્યાય - ૨૬ - શ્રીહરિએ મહા અસુરગુરુ કાલિદત્તનો મોક્ષ કર્યો.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! બાળકો આ પ્રમાણે રમી રહ્યાં હતાં અને ફળોનું ભક્ષણ કરી રહ્યાં હતાં, ત્યારે સૂર્યનારાયણ અસ્તાચળને પામ્યા તેથી ચારેબાજુ અંધારું છવાઇ ગયું.૧
તે સમયે અસુર ગુરુ કાલિદત્ત જ્યાં ભગવાન શ્રીહરિ અને બાળકો રમતાં હતાં ત્યાં આર્વ્ય. તેણે જન્મ સમયે શ્રીહરિને મારવા કોટરા આદિ કૃત્યાઓને મોકલેલી પણ તેનું સામર્થ્ય વ્યર્થ ગયેલું, તેથી અત્યારે બાળકોને મોહ ઉપજાવે તેવો કપટી બાળકનો વેષ ધારી પોતાના શત્રુ ભક્તિનંદન શ્રીહરિને મારવાની ઇચ્છાથી અવસર શોધતો માયાવી કાલિદત્ત બાળકોની સાથે રમવા લાગ્યો.૨-૩
બાળકનું રૂપ લઇ બાળકોની સાથે ખેલકૂદ કરતો કાલિદત્ત પોતાની વક્ર અને લાલ આંખોથી બાળકોને ડરાવવા લાગ્યો, તેમજ ધર્મપુત્ર શ્રીહરિને પકડવાની ઇચ્છાથી અતિવેગથી તેમની સમીપે આવ્યો ને પકડવા માટે પોતાના બે હાથ જ્યારે કાલિદત્તે શ્રીહરિ તરફ લાંબા કર્યા ત્યારે પ્રલયકાળના અગ્નિની સમાન શ્રીહરિ જણાતાં મીટ માંડીને સામું જોઇ શક્યો નહિ તો પકડીને મારી તો ક્યાંથી શકે ?.૪-૫
ત્યારપછી મંત્રતંત્રની વિદ્યામાં કુશળ અને દુરાગ્રહી એવા કાલિદત્તે મનમાં જાણ્યું કે આ બાળક મારાથી પ્રત્યક્ષ પરાભવ પામે તેમ નથી, તેથી શ્રીહરિને મારવા માટે તેણે સર્વ અસુરોને વખાણવા લાયક મહામાયાનો વિસ્તાર કર્યો. બહુ સમયની સાધનાથી સિદ્ધ કરેલા અભિચાર મંત્રોના પ્રભાવથી ઉત્પન્ન કરેલી મહામાયા ઉત્તરોત્તર વધવા લાગી અને મનુષ્યોના મનમાં અતિશય ત્રાસ ઉપજાવવા લાગી. અને વૃક્ષોને મૂળમાંથી ઉખેડી ફેંકી દેતો પ્રચંડ વેગવાળો તીક્ષ્ણ વાયુ વાવા લાગ્યો, આકાશમાં ઘાટા મેઘની ઘટાઓ છવાઇ તેમાં વીજળીના ચમકારાઓ થવા લાગ્યા.૬-૮
અત્યંત ગર્જના કરતા મેઘો મોટી ધારાઓ વડે વરસવા લાગ્યા, જાણે ઓચિંતો મહાઉત્પાત સર્જાયો હોયને શું ? તેમ આ સમયે લોકોને ભય ઉપજાવે તેવો મહાભયંકર લાગવા માંડયો, વાવાઝોડાં સાથેના અતિ વરસાદથી ઘણાં બધાં મોટાં મોટાં વૃક્ષો ધરાશાયી થયાં, જેને કારણે તેમાં નિવાસ કરી રહેલાં સેંકડો પશુ પક્ષીઓ પણ મરણને શરણ થયાં. હે ભૂમિપતિ ! અતિ ઘાટા મેઘની ઘટાથી ચારે તરફ ગાઢ અંધકાર ફેલાયો તેથી કોઇ પણ મનુષ્ય પોતાને કે પરને જરા પણ જોઇ શક્તાં ન હતાં.૯-૧૧
હે રાજન્ ! માયાની ઉત્પત્તિ પહેલાં કિશોર અવસ્થાવાળા મિત્રોએ ભગવાન શ્રીહરિને આંબાના વૃક્ષ નીચે ભૂમિ ઉપર બેસાડયા હતા ત્યાંજ શ્રીહરિને રડવાનો સ્વભાવ ન હોવાથી તેમને હાસ્ય કરાવતા પોતાની રુચિ અનુસારે તેઓ ખેલકૂદ કરતા હતા.૧ર
તેવામાં અકસ્માત્ અતિવૃષ્ટિ થવા લાગી, તેથી બાળકો આકુળ વ્યાકુળ થઇ ગભરાઇ ગયાં અને વસ્ત્રો ભીંજાવાથી તેઓ વૃક્ષ હેઠળ કંપતાં હતાં. આ પવન અને વરસાદ હમણાં થોડીવારમાં વિરામ પામશે, એવી આશાથી તેઓ ત્યાં જ ઊભા રહ્યાં.(અને શ્રીહરિ એક મજબૂત વૃક્ષની નીચે જઇ બેસી ગયા.) ૧૩-૧૪
ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામતો દુસહ્ય પવન અને વરસાદ જ્યારે વિરામ પામ્યો નહિ ત્યારે બાળકો ચિંતા અને ભયથી આકુળ વ્યાકુળ થયાં અને પોતે જે વૃક્ષની નીચે ઘનશ્યામને બેસાડયા હતા તે વૃક્ષને ભૂલી ગયાં અને બીજે સ્થળે શોધવા લાગ્યાં.૧પ-૧૬
વ્યાકુળ થયેલાં તે બાળકો હે હરિ ! હે કૃષ્ણ ! હે હરિકૃષ્ણ ! હે નીલકંઠ ! આ પ્રમાણે ભયથી ગદ્ગદિત થયેલી વાણીથી ઊંચા સ્વરે સાદ પાડી શ્રીહરિને બોલાવતાં હતાં.૧૭
પ્રચંડ વાયુ અને મૂશળધાર વરસતા વરસાદના ભયાનક ધ્વનિમાં શ્રીહરિ બાળકોના શબ્દોને સાંભળી શક્યા નહિ અને બાળકો પણ શ્રીહરિના શબ્દો સાંભળી ન શક્યા, તે તે જગ્યાએ શોધવા છતાં ભગવાન શ્રીહરિને નહીં જોવાથી બાળકો ચિંતાથી વ્યાકુળ થયાં. ધીરજ ખૂટી અને માતાપિતાના ઠપકાના ભયે વિભ્રાંત થયેલાં બાળકો બગીચામાં ઊંચે સ્વરે રડતાં વિલાપ કરવા લાગ્યાં.૧૮-૧૯
અરે રે !!! ભાગ્ય ફૂટેલાં અમે સર્વે બાળકો આ શું કર્યું ? હા ! હા ! ધર્મપુત્ર શ્રીહરિને આપણે અહીં શા માટે લાવ્યા ? ગામમાં જઇ લોકોને આપણે શું ઉત્તર આપીશું ? ધર્મ અને ભક્તિદેવીને આપણે શું મુખ દેખાડીશું ? આવા પ્રકારની ચિંતા અને ભયથી વ્યાકુળ થયેલાં બાળકો કાંપવા લાગ્યાં અને તેમાંથી કેટલાંકને મૂર્છા પણ આવી ગઇ. તેમના દુઃખનો કોઇ પાર ન રહ્યો.૨૦-૨૨
ભગવાન શ્રીહરિ કાલિદત્તે આ આસુરી માયા મારા નાશ માટે સર્જી છે અને હું તો સર્વાન્તર્યામી, સર્વકર્તા અને માયાવીનો પણ મહામાયાવી સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ છું. તો મને આ રાંક કાલિદત્ત અસુર શું કરી લેવાનો છે ? એવું સ્પષ્ટ જાણતા હોવાથી જરા પણ ક્ષોભ પામ્યા નહિ, તેમજ અચળ પર્વતની જેમ સ્થિર રહ્યા.૨૩
અતિ તીવ્ર પવનના વેગથી વિશાળ આંબાનું વૃક્ષ હિમાલય પર્વત પરથી પડતી મોટી શિલાની જેમ તત્કાળ શ્રીહરિ ઉપર પડયું. તેનાં મૂળિયાં ઊખડી ગયાં. પડેલું તે મહાવૃક્ષ ડાળીઓ અને થડ વચ્ચે અવકાશ પામવાથી શ્રીહરિને માટે વાયુ અને વરસાદને રોકનારા છત્રરૂપે થયું.૨૪-૨૫
આટલું કર્યા પછી પણ કાલિદત્તે મહાવૃક્ષની નીચે પણ શ્રીહરિને જીવતા જોયા તેથી તેને ફરી પકડવા બે હાથ લાંબા કર્યા.ર૬
તેટલામાં તે શ્રીહરિની વક્રદૃષ્ટિથી તે કાલિદત્ત મોહ પામ્યો, અને મતિભ્રમથી વ્યાકુળ થયો. જાણે કે પોતામાં ભૂતનો પ્રવેશ થયો હોય તેમ આંબાવાડીમાં આમ તેમ ભટકવા લાગ્યો.ર૭
તે સમયે ભયથી વિહ્વળ થયેલાં બાળકોએ વીજળીના પ્રકાશમાં તે ઊંચે અથડાતા ને નીચે પડતા તેમજ આમતેમ ભમતા કાલિદત્તને જોયો.ર૮
તે વાયુના આઘાતથી તે જ ક્ષણે નીચે પડતાં અને પૂર્વે પડી ગયેલાં આંબાના વૃક્ષોની સાથે વારંવાર અથડાતો હતો, તેથી તેનું શરીર ક્ષત-વિક્ષત થતાં લોહીલુહાણ થયું તે જાણે લાલ ખીલેલાં કેસુડાનું વૃક્ષ હોય તેમ જણાતો તે કાલિદત્ત અસુર તેજ ક્ષણે મરણને શરણ થયો.૨૯
ધર્મ-ભક્તિ આદિ ગામવાસીઓએ આરંભેલી બાળકોની શોધઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે સર્વ કરતાં અધિક મહા પ્રતિભાવાન ભગવાન શ્રીહરિએ શસ્ત્ર વિના પણ પોતાના સંકલ્પ માત્રથી આવિષ્કૃત કરેલા મહાપ્રતાપથી કાલિદત્તનો વિનાશ કર્યો, કાલિદત્તનું મરણ થતાં વાયુ અને વરસાદ ધીરે ધીરે વિરામ પામ્યાં અને તે આંબાવાડીમાં મૂર્ચ્છિત થઇને પડેલાં બાળકો ફરી સચેતન થયાં.૩૦-૩૧
આ બાજુ છપૈયામાં રાત્રીનો પ્રારંભ થયાં છતાં પોતપોતાનાં બાળકો ઘેર નહી આવેલા હોવાથી ધર્મ-ભક્તિ તેમજ અન્ય બ્રાહ્મણો પોતાનાં બાળકોને રાત્રીના સમયે ચારે તરફ શોધવા લાગ્યાં.૩ર
હે રાજન્ ! ધર્મ-ભક્તિ વગેરે જનોએ અતિ પવન, વીજળીના ચમકારા અને વરસાદની ધારાઓ જોઇ પણ પોતાના પુત્રોને ક્યાંય ન જોયા, તેથી અત્યંત ઉદાસી થઇ આકુળ વ્યાકુળ થયાં.૩૩
પુરુષોના ડાબાં અંગ ફરકવા લાગ્યાં અને સ્ત્રીઓનાં જમણાં અંગ ફરકવા લાગ્યાં, આવાં અપશુકનોથી પોતાના પુત્રોને જરૂર કાંઇ અનિષ્ઠ પ્રાપ્ત થયું છે, એમ સર્વે જનો માનવા લાગ્યાં.૩૪
હે રાજન્ ! અતિ પવન અને અતિવૃષ્ટિના તેમજ રાત્રીના ગાઢ અંધકારને કારણે કાંઇ સૂજતું ન હોવાથી દુઃખી થયેલાં ને વિશેષમાં પુત્રવિયોગના મહાદુઃખને કારણે અતિશય વ્યાકુળ થયેલાં ધર્મ-ભક્તિ આદિને અચાનક મૂર્ચ્છા આવી જતાં પૃથ્વીપર આમતેમ ઢળી પડયાં.૩પ
રાત્રીનો પ્રથમ પ્રહર પૂર્ણ થયો. પવનનો વેગ શાંત થયો. તેમજ વરસાદ અને વીજળી પણ વિરામ પામ્યાં ત્યારે ભગવાનની ઇચ્છાથી તે સર્વે મૂર્ચ્છામાંથી જાગ્રત થયાં.૩૬
સર્વેનાં મન ચિંતાતુર હતાં તેથી તે સર્વેજનો કાચના ફાનસો અને મોટી મોટી મશાલો પ્રગટાવીને જ્યાં બાળકો રમતાં હતાં તે આંબાવાડીમાં તેઓને શોધવા નીકળ્યાં, તેમાં કેટલાકે હાથમાં ઢાલ, તલવાર અને ધનુષબાણ ધાર્યાં હતાં અને કેટલાકે હાથમાં લાકડીઓ લીધી હતી. આમ સર્વે ગ્રામજનો હે પુત્ર ! હે પુત્ર ! એમ નામ સાથે સાદ પાડતાં પાડતાં ચાલ્યાં જતાં હતાં.૩૭-૩૮
હે રાજન્ ! ગામમાંથી નીકળ્યા ત્યારે બે બંધુજનોએ જેમના બન્ને બાહુ પકડી રાખ્યા છે એવા ધર્મદેવ માર્ગમાં ધીરે ધીરે ચાલતા હતા. તેમનું ઉત્તરીય વસ્ત્ર વારે વારે શરીર ઉપરથી પડી જતું હતું, તેને બંધુજનો વારંવાર શરીરપર વીંટાળતા હતા. પુત્રના વિયોગમાં તેમના પ્રાણ કંઠે આવી ગયા, અને માથાના કેશ વિખરાઇ ગયા હતા. ત્યારે તેમનું મન એક શ્રીહરિના સ્વરૂપમાં સ્થિર હતું.૩૯
તેવી જ રીતે ભક્તિદેવી પણ ભગવાન શ્રીહરિકૃષ્ણ જ એક પોતાના પ્રાણ હોવાથી મૃતપ્રાય દશામાં હોય તેમ માર્ગમાં ચાલતાં હતાં. બન્નેબાજુ બે યુવાન સ્ત્રીઓએ તેના બન્ને બાહુ પકડી રાખ્યા હતા. ચંદ્રોદયના કારણે બીડાયેલા સૂર્યકમળ સરખું તેનું મુખ અતિ ઉદાસ હતું, ને હે કૃષ્ણ ! હે કૃષ્ણ ! હે મારાબાળ ! હે મારા લાલ ! એ પ્રમાણે બોલતાં બોલતાં માર્ગમાં ચાલ્યાં જતાં હતાં.૪૦
મોટાભાઇ રામપ્રતાપજી પણ પોતાના નાનાભાઇ શ્રીહરિમાં અતિશય સ્નેહ હોવાથી અતિશય દુઃખી થઇ ગયા. શ્રીહરિના અત્યંત શોકમાં અને વિયોગમાં તે રુદન કરતા હતા, અને શરીરે કાંપતા હતા. તેમની બન્ને બાજુ ચાલતા સમાન વયના સખાઓ સાથે માર્ગમાં ધીરે ધીરે ચાલ્યા જતા હતા.૪૧
જ્યારે ધર્મદેવ આદિ શ્રીહરિને શોધવા ગામમાંથી બહાર નીકળ્યા ત્યારે દિવ્ય શરીરે પતિ ધર્મદેવની સમીપે સદાય નિવાસ કરતી શ્રદ્ધા આદિક બાર પત્નીઓ પણ જલદીથી સર્વ કરતાં આગળ જઇ આંબાવાડીમાં આંબાનાં ભાંગેલાં વૃક્ષ નીચે બેઠેલા પોતાના પુત્ર શ્રીહરિને જોયા, હે રાજન્ ! પુત્રને જોતાં જ તેમના કનકકળશ જેવા સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગી. તેથી અતિ હર્ષપૂર્વક શ્રીહરિની સમીપમાં જઇ ઠંડીથી અધિક કંપતા શ્રીહરિને તત્કાળ તેડીને અતિ સ્નેહપૂર્વક પોતાના ખોળામાં પધરાવ્યા અને પ્રેમથી સ્તનપાન કરાવવા લાગી.૪૨-૪૩
બાર માતાઓ માટે બાર સ્વરૂપે શ્રીહરિઃ- ભગવાન શ્રીહરિ પણ પોતાને વિષે બારે માતાઓનો અતિશય પ્રેમ જોઇ તેમને સેવાનો લાભ આપી રાજી કરવા તે જ ક્ષણે બાર સ્વરૂપે થયા, અને તેઓના ખોળામાં બેસી શ્રીહરિ તેઓના અમૃત કરતાં પણ અધિક મધુર સ્તનરસનું પાન કરવા લાગ્યા. તે સમયે બધી જ માતાઓ એમ જ માનતી હતી કે શ્રીહરિ મારા ખોળામાં જ બિરાજે છે, બીજાના ખોળામાં નથી.૪૪-૪૫
બારે માતાઓ બાળકને સ્તનપાન કરાવી પૂર્ણકામ થઇ. કારણ કે ભગવાન શ્રીહરિકૃષ્ણ પોતાની મૂર્તિને વિષે પ્રેમવાળા ભક્તજનો માટે કલ્પવૃક્ષ સમાન છે.૪૬
હે રાજન્ ! ત્યારપછી રુદન કરતાં સર્વે ગ્રામવાસીજનો પોતાના પુત્રોને શોધતાં આંબાવાડીમાં આવ્યાં, ત્યારે મૂર્ચ્છામાંથી જાગેલા અને ભગવાન શ્રીહરિ નહિ મળવાથી અત્યંત રુદન કરતા, પોતાના બાળકોને જીવિત પ્રાપ્ત કરી થોડા ચિંતામુક્ત થયા ને પૂછવા લાગ્યાં કે ધર્મનંદન ક્યાં છે ?.૪૭-૪૮
ત્યારે પોતાના પિતાઓના પૂછવાથી તે બાળકો કહેવા લાગ્યાં કે અમે ધર્મનંદનને રમાડવા માટે અહીં આંબાના વૃક્ષ નીચે બેસાડયા હતા, પણ અત્યારે ત્યાં દેખાતા નથી.૪૯
હે રાજન્ ! બાળકોનું આવું વજ્રપાત સમાન વચન સાંભળી સર્વેજનો અતિશય દુઃખી થયાં અને કરુણ આક્રંદ સાથે ઉચ્ચ સ્વરે રડવા લાગ્યાં તથા ચારેતરફ ધર્મપુત્રને શોધવા લાગ્યાં.૫૦
હે રાજન્ ! તે સમયે ધર્મદેવની દિવ્યદેહધારી શ્રદ્ધા આદિક બાર પત્નીઓ વૃક્ષની નીચે પોતાના હાથે સરખી કરેલી ભૂમિ ઉપર પોતાના પુત્રને બેસાડી બીજા જનો પોતાને ન જોઇ શકે એ રીતે ત્યાંથી અદૃશ્ય થઇ ગઇ.૫૧
તે સમયે શ્રીહરિને શોધતાં શોધતાં સુંદરી મામી ત્યાં આવ્યાં ને અચાનક બાલમૂર્તિ શ્રીહરિ ઉપર તેમની દૃષ્ટિ પડી. અને શ્રીહરિને જાણે કાંઇ બન્યું જ ન હોય તેમ સ્વસ્થ બેઠેલા હતા તેમને જોઇને મામી ''ઘનશ્યામ મને મળ્યા!" ઘનશ્યામ મને મળ્યા'' એમ મોટેથી બૂમો પાડવા લાગ્યાં. ને બાળ શ્રીહરિને તેડી ભક્તિમાતાને આપ્યા. તે સમયે ભક્તિદેવીએ પણ ઉત્સાહપૂર્વક પોતાના કંઠનું મહામૂલું આભૂષણ સુંદરીમામીને ભેટ આપ્યું.૫૨-૫૩
પ્રાણ કરતાં અધિક પ્રિય પોતાના પુત્ર શ્રીહરિને પામી ભક્તિમાતાએ પોતાના હૃદય સરસાં ચાંપ્યા. મારા પુત્રને નવો જન્મ મળ્યો છે એમ માની ભક્તિદેવી શ્રીહરિને સ્તનપાન કરાવવા લાગ્યાં. ધર્મદેવ, રામપ્રતાપભાઇ અન્ય સંબંધીજનો તથા અન્ય સર્વે ગ્રામવાસીજનો શરીરે કોઇ પણ જાતની ઇજા નહિ પામેલા શ્રીહરિને પામી તેઓને બહૂ જ આનંદ થયો.૫૪-૫૫
ત્યારપછી સૌ પાછાં વળતાં હતાં ત્યાં નીચે પડેલા મરેલા અસુરગુરુ કાલિદત્તને જોયો. અને સૌ ભયભીત થયાં ને બાળકોને પૂછવા લાગ્યાં કે આ મરેલો કોણ છે ? ત્યારે બાળકોએ કહ્યું કે, આ અમને ધમકાવીને અને આંખના ડોળા કાઢીને ડરાવતો હતો, વિકૃત આંખોવાળો આ અસુર લાંબા હાથ કરી શ્રીહરિને ક્રોધથી મારવા ઇચ્છતો હતો.પ૬-પ૭
તેવામાં આ ધર્મનંદન નીલકંઠ તેના પર માત્ર કરડી દૃષ્ટિ કરી તેથી આમતેમ ભમતો વૃક્ષો સાથે અથડાતો અથડાતો અસુર મૃત્યુ પામ્યો છે. તેમાં કોઇ જાતનો સંશય નથી.૫૮
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! બાળકોનાં વચન સાંભળી વિસ્મય પામેલા ધર્મદેવ આદિકના શ્વાસ અધર થઇ ગયા ને પછી કહેવા લાગ્યા કે, આ પાપી પોતાને પાપે મરાયો એ બહુજ સારું થયું, હે ધરણીપતિ ! ધર્મદેવ આદિ સર્વે ગ્રામજનો આ જોઇ ખૂબજ પ્રસન્ન થયાં ને મહા આશ્ચર્યને પામ્યાં, પછી તે સમયે ચંદ્રોદય થતાં સૌ ગામમાં પાછાં આવ્યાં.૫૯-૬૦
ત્યારપછી ધર્મ અને ભક્તિ બાળકોનાં વચનને યાદ કરી પોતાના મનમાં પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરવા લાગ્યાં. તે જ સમયે શ્રીહરિની ઇચ્છાથી તેમને જ્ઞાન થયું કે, આ મૃત્યુ પામ્યો તે પુરુષ અસુરોનો ગુરુ કાલિદત્ત છે, પૂર્વે આ અસુરે આપણને વારંવાર ખૂબજ પીડા આપી હતી.૬૧-૬ર
આપણો આ પુત્ર પણ કોઇ સામાન્ય બાળક જેવો બાળક નથી , પણ મનુષ્ય નાટયને કરનારા સાક્ષાત્ સ્વયં નારાયણઋષિ છે. અને વૃંદાવનમાં આપણને તમારો પુત્ર થઇશ એવું વરદાન આપનારા સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન પોતાનું વચન સત્ય કરવા આ પૃથ્વી પર આપણા ભવનમાં મનુષ્યરૂપે પ્રગટ થયા છે.૬૩
વૃંદાવનમાં આપણા ઉપર પ્રસન્ન થયેલા આ પરમાત્માએજ આપણી આગળ અસુર એવા આપણા શત્રુઓનો વિનાશ કરવાની અને આપણું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા કરી હતી.૬૪
તે કારણે જ આપણાં ઘેર પુત્રરૂપે પ્રગટ થઇ માયાવી એવા અસુરરાજ આ કાલિદત્તનો વિનાશ કર્યો છે. નહીં તો આવા મહાબળવાન અસુરનો નાશ કરવા કોણ સમર્થ થાય ? કોઇ જ ન થાય.૬પ
આ બળવાન કાલિદત્ત અસુરના બળથી જ અન્ય સર્વે અસુરો બળવાન થયા હતા. તે હવે જ્યારે આનું મૃત્યુ થયું છે તેથી સર્વે અસુરોનાં મોત થઇ ગયાં, એમ નિશ્ચે જાણો, કારણ કે આ પૃથ્વી પર કાલિદત્ત સર્વે અસુરોનું મૂળ હતો. મૂળનો વિનાશ થતાં શાખાઓનો વિનાશ આપોઆપ થઇ જાય છે.૬૬-૬૭
અરે !!! આશ્ચર્યની વાત એ છે કે શસ્ત્ર ધારણ કર્યા વિના પણ આપણા આ બુદ્ધિમાન પુત્રરૂપે પરમાત્માએ જ બાલ્ય-અવસ્થામાં જ દૈત્યરાજ કાલિદત્તનો વિનાશ કર્યો છે. તો આગળ જતાં આ બાળક શું નહિ કરે ? આ હરિકૃષ્ણ આ પૃથ્વી પર આપણું પોષણ કરશે. હવે આપણે આપણા સંબંધીજનો અને ભક્તો સૌ નિર્ભય થયાં છીએ. આ દયાના સાગર આપણા પુત્રરૂપે પ્રગટ થયેલા પરમાત્માની ભક્તવત્સલતાનું વર્ણન આપણે કેમ કરી શકીએ ? ન જ કરી શકીએ, હે રાજન્ ! આ પ્રમાણે કહી અત્યંત ઉત્સુક હૃદયવાળાં માતા-પિતાઓ પોતાના બાળકરૂપ ભગવાનને દૃઢ આલિંગન આપી અતિશય સુખના સાગરમાં ડૂબી ગયાં.૬૮-૭૦
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ત્યારપછી ભગવાન શ્રીહરિએ પોતાના દિવ્ય જ્ઞાનની પોતાનાં માતા-પિતા ધર્મ-ભક્તિને વિસ્મૃતિ કરાવી તેથી ભક્તિદેવી અને ધર્મદેવ પૂર્વની માફક જ ભગવાન શ્રીહરિમાં પુત્રપણાની ભાવના કરવા લાગ્યા.૭૧
તથા મહા ઉત્પાત વચ્ચે પોતાના પુત્ર શ્રીહરિના પ્રાણ બચ્યા ને મારવા આવેલ શત્રુનો નાશ થયો તેમાં પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણનો અનુગ્રહ અને કુળદેવ હનુમાનજીની કૃપાનું કારણ માનવા લાગ્યાં.૭૨
ધર્મ જાણનારાઓમાં શ્રેષ્ઠ ધર્મદેવ રાત્રી વ્યતીત થતાં પ્રાતઃકાળે બ્રાહ્મણોને બોલાવી વિઘ્નોને શાંત કરવા માટે હોમપૂર્વક શાંતિકર્મ કરાવ્યું, અને નારાયણકવચના પાઠ કરાવ્યા. ત્યારપછી બ્રાહ્મણોને ભોજન કરાવી, દૂઝણી ગાયો અને સુવર્ણનાં દાન કર્યાં. તથા હનુમાનજીના પૂજનનો વિધિ જાણનારા ભૂદેવો પાસે પોતાના કુળદેવ હનુમાનજીનું પૂજન કરાવ્યું. અને ચણા, વટાણા, અડદ, વડાં આદિનું બલિદાન કરાવ્યું.૭૩-૭૫
ત્યારપછી ધર્મદેવે પોતાના પુત્ર શ્રીહરિને હનુમાનજી તથા બ્રાહ્મણોના ચરણમાં વંદન કરાવ્યુલ. અને તે બ્રાહ્મણોએ દીર્ઘ આયુષ્યના ખૂબ રૂડાં આશીર્વાદ આપ્યા.૭૬
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સ્વાભાવિક રીતે શ્રીહરિની આકૃતિ અતિશય રમણીય તો હતી જ પણ ચૌલ કર્મ સંસ્કાર કરાવ્યા પછી જાણે શાણે ચડાવેલા નીલમણિની જેમ વિશેષ શોભવા લાગ્યા.૭૭
હે રાજન્ ! ભવભયને હરનારું શ્રીહરિનું આ મહાન ઉદાર ચરિત્ર મેં તમને સંભળાવ્યુ. જે કોઇ પુરુષ આ ચરિત્રનું કીર્તન કરશે, અને મુમુક્ષુજનોને સંભળાવશે તથા જે સાંભળશે તે બન્ને પ્રકારના મુમુક્ષુઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને નિશ્ચે પામશે.૭૮
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શ્રીહરિના ચૌલ સંસ્કારમાં અસુર કાલિદત્તે ઉત્પન્ન કરેલી માયાના ઉપમર્દનમાં કાલિદત્તના મરણનું નિરૂપણ કર્યું એ નામે છવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૬--