અધ્યાય - ૪૨ - ગૃહત્યાગ કરવાની ઇચ્છાથી શ્રીહરિએ કરેલ ગણપતિનું સ્તવન.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શાસ્ત્રોક્તવિધિને અનુસાર પિતા ધર્મદેવની ઉત્તરક્રિયા સમાપ્ત થઇ એટલે શ્રીનીલકંઠવર્ણી એવા ભગવાન શ્રીહરિએ ઘર છોડવાની ઇચ્છા કરી.૧
રામપ્રતાપભાઇ અને સુવાસિનીભાભી આદિક સંબંધીજનો તથા બાલસખાઓ અને પોતામાં અતિશય સ્નેહ રાખતા અન્ય નગરવાસી જનોનો ગાઢ સ્નેહ, ગૃહ ત્યાગ કરવામાં મહાવિઘ્નરૂપ થાય એમ જાણી શ્રીનીલકંઠવર્ણીએ તે વિઘ્નની શાંતિને માટે સર્વવિઘ્નહર્તા શ્રી ગણપતિજીનું દુર્વા આદિ અનેક ઉપચારોથી પૂજન કર્યું અને બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા.૨-૩
ગણપતિ-અષ્ટક :- હે વિઘ્નેશ ! હે વિઘ્નવિનાયકદેવ ! હે વિઘ્નોના સમૂહોને નાશ કરનાર મંગલનામધારી ! હે શંકરપુત્ર ! હે ઇંદ્રાદિદેવોને વંદન કરવા યોગ્ય ચરણ કમળ વાળા ! હે પાર્વતીદેવીના મહાવ્રતના ફળસ્વરૂપે પ્રગટેલા ! હે અખિલ મંગલમૂર્તિ ! હે સિદ્ધિ વિનાયક ગણપતિદેવ ! તમે મારાં વિઘ્નોને દૂર કરો.૪
શુદ્ધ રાતા રંગના મણિ જેવી શરીરે લાલકાંતિને ધારણ કરનારા, પતિવ્રતાના ધર્મથી અત્યંત તેજસ્વી શોભાને ધારી રહેલી સિદ્ધિ અને બુદ્ધિ નામની બન્ને પત્નીઓએ ભાલમાં ચર્ચેલા કાશ્મીરી કુંકુમથી પરમ શોભાને ધારણ કરનારા, તેમજ જમણા સ્તન ઉપર વળેલી અત્યંત મનોહર સુંદર સૂંઢવાળા હે સિદ્ધિ વિનાયક ગણપતિદેવ ! તમે મારાં વિઘ્નોને દૂર કરો.૫
ચારે હસ્તકમળમાં પાશ, અંકુશ, કમળ અને કુઠારાને તથા કંઠમાં લાલ પુષ્પની માળાને ધારણ કરી રહેલા, પાર્વતીના અંગથકી પ્રગટ થયેલા, સિંદૂર ચર્ચેલા સુંદર લલાટમાં ચંદ્રમાના પ્રકાશ જેવી ઉજ્જવલકાંતિને ધારણ કરનારા હે સિદ્ધિ વિનાયક ગણપતિદેવ ! તમે મારાં વિઘ્નોને દૂર કરો.૬
પ્રારંભ કરેલાં કાર્યમાં આડાં આવતાં વિઘ્નોના સમૂહો જોઇ ભય પામેલા સુરશ્રેષ્ઠ બ્રહ્મા, શિવ આદિ દેવો પણ લાડુ આદિ અનેક ઉપચારોથી તમારી પૂજા કરે છે અને બ્રહ્માદિ સર્વે દેવતાઓમાં હર હમેશ પ્રથમ પૂજાતા એવા હે સિદ્ધિ વિનાયક ગણપતિદેવ ! તમે મારાં વિઘ્નોને દૂર કરો.૭
ઉતાવળી ગતિએ ચાલવાથી અચાનક અથડાઇ પડવાથી ઊંચો કંઠ કરી ચૂં... ચૂં...એવો નાદ કરતા સ્થૂલ શરીરવાળા, ઉંદરને ફરી ફરી દોડાવી દેવતાઓના સમૂહને હસાવતા અને સુપડા જેવા કાનવાળા તેમજ વિશાળ ગોળાકાર ઉપડતી ફાંદવાળા હે સિદ્ધિ વિનાયક ગણપતિદેવ ! તમે મારાં વિઘ્નોને દૂર કરો.૮
યજ્ઞોપવીતના સ્થાને મહાનાગરાજને ધારી રહેલા, મહિનાના શુક્લપક્ષની પડવાની તિથિએ ઉદય પામતા નક્ષત્રપતિ ચન્દ્રમાનાં દર્શનને મંગળકારી કરનારા, ભક્તજનોને અભયદાન આપનારા, દયાસાગર અને વિઘ્નોને હરવાના રાજા એવા હે સિદ્ધિ વિનાયક ગણપતિદેવ ! તમે મારાં વિઘ્નોને દૂર કરો.૯
મસ્તક ઉપર નિર્મળ શ્રેષ્ઠ રત્નોની પંક્તિથી શોભી રહેલા મુગટને ધારી રહેલા, કસુંબલ સુંદર બે વસ્ત્રોને અંગ ઉપર ધારણ કરી રહેલા, ઉજ્જવલ શોભાએ યુક્ત અને સર્વત્ર મંગલકારી નામસ્મરણના પ્રતાપને ધારણ કરનારા હે સિદ્ધિ વિનાયક ગણપતિદેવ ! તમે મારાં વિઘ્નોને દૂર કરો.૧૦
હે દેવાન્તક નામના અસુરોથી ભય પામેલા દેવતાઓની પીડાને હરણ કરનારા ! વિજ્ઞાનના ઉપદેશથી વરેણ્ય રાજાના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા તથા ત્રિભુવનના માલિક બ્રહ્માદિ દેવતાઓને આનંદિત કરનારા હે કાર્તિક સ્વામીના બન્ધુ હે સિદ્ધિ વિનાયક ગણપતિદેવ ! તમે મારાં વિઘ્નોને દૂર કરો.૧૧
શ્રીહરિનું ઘરથકી મહાભિનિષ્ક્રમણ :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિ અક્ષર, કાળ, માયા આદિના નિયંતા હોવા છતાં લોકસંગ્રહને માટે વિઘ્નવિનાયક ગણપતિદેવની સ્તુતિ કરી પ્રણામ કર્યા અને પિતા ધર્મદેવના દેહત્યાગ પછી પૂરા ચાલીસમા દિવસ સંવત ૧૮૪૯ના અષાઢ સુદ દશમીના શુક્રવારે પ્રાતઃકાળે ઘરનો ત્યાગ કર્યો.૧૨
મોટાભાઇ રામપ્રતાપજી વિગેરે પોતાના સંબંધીજનો કે મિત્રોને પૂછયા વિના શ્રીહરિ નિત્ય સરયુગંગામાં સ્નાન કરવાના મિષે ઘરનો ત્યાગ કરી એકલા ચાલી નીકળ્યા. તપશ્ચર્યા કરવા માટે અત્યંત ઉત્સુક થયેલા શ્રીહરિ પ્રથમ ઉત્તરકિનારે આવી નિર્જન પ્રદેશમાં નૌકાની રાહ જોઇ થોડી ક્ષણ ઉભા રહ્યા.૧૩-૧૪
વનવિહારી નીલકંઠનું અલૌકિકદર્શન :- એ સમયે ભગવાન શ્રીહરિએ આચ્છાદન વસ્ત્રે સહિત કૌપીન, ઉત્તરીયવસ્ત્ર, મૃગચર્મ, પલાશનો દંડ અને ડાબે ખભે શ્વેત યજ્ઞોપવીત ધારી હતી, કંઠમાં તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી બેશેરવાળી કંઠી ધારણ કરેલી હતી, ભાલમાં કુંકુમના ચાંદલાએ સહિત ઉર્ધ્વપુંડ્રતિલક ધારણ કરેલું હતું. મસ્તક ઉપર મંજુલ ચિંકણા ચળકતા શ્યામ સુંદર કેશની જટા બાંધેલી હતી. કેડમાં મુંજની મેખલા બાંધેલી હતી અને જમણા હાથમાં તુલસીના કાષ્ઠની જપમાળા ધારી રહ્યા હતા, તથા કમંડલું, ભિક્ષાપાત્ર અને પાણી ગાળવાનો વસ્ત્રનો ટુકડો સાથે રાખેલ હતો. શાલિગ્રામ અને બાલમુકુંદની મૂર્તિને વીરણના નાના કંડિયામાં પધરાવી ઉપર વસ્ત્રથી વીંટી તેને કંઠમાં ધારણ કર્યા હતા. ચરણમાં પાદુકાએ રહિત, પોતાને અતિ પ્રિય ચાર સત્શાસ્ત્રના સારભૂત નાની પુસ્તિકારૂપ ગુટકાને મીણ પાયેલા સૂક્ષ્મવસ્ત્રથી સુરક્ષિત કરી, ખભા ઉપર ભરાવીને ધારણ કરેલો હતો, આ પ્રમાણેની શોભાને ધરી રહેલા ધર્મનંદન શ્રીહરિ રખેને કોઇ મનુષ્ય મને જોઇ જાય, એવા ભયથી ભય પામતા સરયૂગંગાને પાર ઉતરવાની ઇચ્છાથી નૌકાની રાહ જોઇને ઊભા હતા.૧૫-૨૦
તેટલામાં ત્યાં કોઇ અસુર આવ્યો. તે ભયંકર આકૃતિવાળો, પૂર્વે અરસપરસના યુદ્ધમાં અસ્ત્ર શસ્ત્રથી કપાઇ મરેલા અસુરોમાંથી તે બચી ગયેલો શ્રીહરિનો શત્રુ હતો. તે લડાઇમાં મૃત્યુ પામેલા પોતાના સાથી મિત્રોનું પ્રિય કરવાને માટે સતત ઉદ્યમશીલ રહેતો તે અસુર અત્યારે લાગ જોઇ નિઃસહાય એકલા ઊભેલા શ્રીહરિને મહાક્રોધથી તત્કાળ સરયૂગંગામાં ફેંકી દીધા.૨૧-૨૨
સરયુમાં તણાતા વર્ણી :- હે રાજન્ ! મહાનદીમાં પડેલા અતિ ધીરજશાળી ભગવાન શ્રીહરિ પોતાના નાના પુસ્તકની રક્ષા કરતા અતિ ભયાનક મગરમચ્છ આદિ જળચર પ્રાણીઓથી ભયાવહ જણાતી સરયુનદીમાં તરવા લાગ્યા. સૂર્યોદયથી આરંભી સાડા ત્રણ પ્રહર સુધી અર્થાત્ સાડા દશ કલાક પર્યંત સરયુનદીમાં તરતા તરતા શ્રીહરિ ત્યાંથી ત્રણ યોજન બરાબર એટલે છત્રીસ કિલોમીટર દૂર સરયુના સામે કિનારે નીકળ્યા.૨૩-૨૪
નદીમાં ફેંકી દેનારો અસુર પોતાને જે રીતે મૃત્યુ પામેલા જાણે તે રીતની ચેષ્ટાને કરતા શ્રીહરિ તરંગોની સાથે તણાતા જાણે ચેષ્ટા રહિત થઇ ગયા હોય તેવા જણાતા હતા, તેથી શ્રીહરિની માયામાં મોહ પામેલો અસુર તેને ચેષ્ટારહિત થયેલા જોઇ અતિ હર્ષ પામતો ત્યાંથી પાછો વળ્યો અને જ્યાં પોતાના સાથી અસુરો રહેતા ત્યાં દોડતો જઇ પોતે શ્રીહરિને મારી આવ્યો છે એવી વાત અતિ હર્ષથી કહેવા લાગ્યો. ત્યારે કેટલાક અસુરોએ શ્રીહરિ મૃત્યુ પામ્યા છે તે વાત સ્વીકારી અને કેટલાકે ન સ્વીકારી.૨૫-૨૭
હે રાજન્ ! યોગેશ્વરના પ્રભાવથી ભગવાન શ્રીહરિકૃષ્ણ જળમાં ડૂબ્યા નહિ પરંતુ તેમાંથી બહાર નીકળી ત્યાંથી ઉત્તર દિશામાં શ્યામવર્ણવાળા હિમાલય તરફ પ્રયાણ કર્યું.૨૮
આ બાજુ અયોધ્યાનગરીમાં ધર્મદેવના કુળદેવ ચિરંજીવી હનુમાનજી શ્રીહરિએ આહ્નિક વિધિ સમાપ્ત કરી લીધો હશે, એમ માની તેમનાં દર્શન કરવા માટે હમેશના નિયમ પ્રમાણે આવ્યા.૨૯
હે રાજન્ ! ભગવાન શ્રીરામચંદ્રજીના એકાંતિક ભક્ત હનુમાનજી શ્રીહરિને પોતાના ઇષ્ટદેવ સાક્ષાત્ રામચંદ્રજી ભગવાન જાણતા હોવાથી પ્રતિદિન ગાઢ અનુરાગથી તેમનાં દર્શન કરવા આવતા.૩૦
કુળદેવ હનુમાનજીનું આગમન :- હે રાજન્ ! ધર્મદેવના ભવનમાં શ્રીહરિને નહીં જોઇને હનુમાનજી અયોધ્યાનગરીની ચારે બાજુ શ્રીહરિને શોધવા લાગ્યા. છતાંય ક્યાંય મળ્યા નહિ ત્યારે સરયુગંગાને કિનારે આવીને એક મુહૂર્ત પર્યંત ધ્યાનમાં બેઠા. તે ધ્યાનમાં જાણ્યું કે શ્રીહરિ અધર્મનો અને અસુરનો ઉચ્છેદ કરવા તથા તીર્થોને પવિત્ર કરવા ભારતદેશની યાત્રાએ ઘર છોડીને ચાલી નીકળ્યા છે. હે રાજન્ ! એ સમયે શ્રીહરિ જે સ્થળમાં વિરાજતા હતા તેને ધ્યાનયોગથી જાણીને તત્કાળ સરયુગંગાને ઉલ્લંઘીને સૂક્ષ્મરૂપ ધરી હનુમાનજી પોતાના ઇષ્ટદેવ શ્રીહરિની સમીપે આવ્યા અને સાષ્ટાંગ પ્રણામ કરી બે હાથ જોડી શ્રીહરિની સામે ઊભા રહ્યા.૩૧-૩૩
સ્વયં શ્રીહરિ પણ બહુજ ખુશ થઇ હનુમાનજીને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, હે કપીશ્વર ! તમે અમારા કુળદેવ છો. અહીં આપનું એકાએક પ્રત્યક્ષ આગમન થયું છે તે કયા હેતુથી થયું છે ? તે મને જણાવો. તપશ્ચર્યા કરવાની ઇચ્છાથી મહાભયંકર જંગલમાં પ્રયાણ કરવા ઇચ્છતા મને ઇચ્છિત આપનું દર્શન થયું એ મારા માટે મંગળરૂપ થયું છે. હે કપીશ્વર ! ઘરથી બીજા ગામ પ્રત્યે પ્રયાણ કરતા મનુષ્યોને જોકે આપના નામોચ્ચારમાત્રથી જ કાર્યની સિદ્ધિ થઇ જાય છે તો પછી આપનાં પ્રત્યક્ષ દર્શનથી તે કાર્ય સફળ થાય તેમાં કહેવું જ શું ?.૩૪-૩૬
હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિનાં મનુષ્યચરિત્રને કરતાં વચનો સાંભળી હનુમાનજીનું હૃદય ભરાઇ આવ્યું ને કહેવા લાગ્યા કે હે પ્રભુ ! હું આપને મારા ઇષ્ટદેવ સીતાપતિ સાક્ષાત્ રામચંદ્રજી ભગવાન જાણું છું. જે શ્રીરામ ભગવાને આ અયોધ્યાપુરીમાં મને ચિરંજીવી થવાનું વરદાન આપ્યું છે.૩૭
હે પ્રભુ ! તમે જે દિવસથી આરંભીને છપૈયાથી અયોધ્યાપુરીમાં રહેવા આવ્યા તે દિવસથી પ્રતિદિન નિત્યે હું આપનાં દર્શન કરવા આવું છું.૩૮
આજે મારો નિત્યવિધિ પૂર્ણ કરીને સંગવ સમયને અંતે આપનાં દર્શન કરવા ધર્મના ભવનમાં આવ્યો પણ ત્યાં આપનાં દર્શન થયાં નહિ.૩૯
હે પ્રભુ ! તેથી મેં આપનું ધ્યાન કર્યું તેના પ્રભાવે આપે જે કરવા ધાર્યું છે તે સમગ્ર બાબત જાણીને હું આપનાં દર્શન કરવા માટે અહીં આવ્યો છું. આપ દયાળુ મારા ઉપર કૃપા કરો.૪૦
હે પ્રભુ ! મનુષ્ય નાટયને કરતા તમે ભક્તની જેમ, જે કાંઇ મને કહો છો તે આપની શોભા છે. પરંતુ હું તો આપના ચરણનો જ સેવક છું, જો પ્રભુ ! આપની આજ્ઞા હોય તો તમારી સાથે આવું ને વનમાં તપ કરતા આપની હું નિરંતર સેવા કરું.૪૧-૪૨
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે હનુમાનજીનું નિષ્કપટ વચન સાંભળી શ્રીહરિ કહેવા લાગ્યા કે, હે મારુતિ ! તમે મારા એકાંતિક ભક્ત છો. તમારી ઉપમા કોની સાથે આપું ? પરંતુ મારુતિ હું જ્યારે તમારું સ્મરણ કરું ત્યારે તમે મારી પાસે આવજો.૪૩
અત્યારે મને તીવ્ર વૈરાગ્ય વર્તે છે. સંસારમાં સર્વે ઠેકાણેથી હું ઉદાસી છું. તેથી વનમાં મને કોઇનો પણ સંસર્ગ ગમતો નથી, માટે હે હનુમાનજી ! તમે અત્યારે તમારા સ્થળે પધારો, અને તમને પણ મારાં દર્શનની જ્યારે ઇચ્છા થાય ત્યારે હું જે સ્થળે હોઉં ત્યાં મને ધ્યાનયોગથી જાણી મારી સમીપે આવજો.૪૪-૪૫
ત્યારે શ્રીહરિના અંતરના અભિપ્રાયને જાણનારા તેથી જ એકાંતિક ભક્તરાજ શ્રીહનુમાનજી શ્રીહરિને સાષ્ટાંગ પ્રણામ કરી તેજ ક્ષણે અંતર્ધાન થઇ ગયા.૪૬
પછી ક્યારેક શ્રીહરિનાં દર્શન કરવા જંગલમાં આવતા, દૂરથી જ સાષ્ટાંગ પ્રણામ કરી અંતર્ધાન થઇ જતા. અને ક્યારેક શ્રીહરિ પોતાને જોતા હોય તેમ તેમની આગળ આવીને ઊભા રહેતા. અને ક્યારેક ઘોર જંગલમાં શ્રીહરિ સમાધિનિષ્ઠ છે, એમ જાણી તેમની ચારે તરફ ફરતા રહી ભૂતપ્રેતાદિથી તથા વાઘ, સિંહ આદિ હિંસક પ્રાણીઓથી શ્રીહરિનું રક્ષણ કરતા હતા.૪૭-૪૮
ધનુષમાંથી છૂટતા બાણ જેવી વર્ણીની તીવ્રગતિ :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! હનુમાનજી ત્યાંથી અંતર્ધાન થયા પછી અહિંસા, બ્રહ્મચર્યાદિ મહાવ્રતને ધારણ કરનારા શ્રીહરિ અનેક ઘનઘોર જંગલોને ઉલ્લંઘી પૂરા એક મહિને શ્યામવર્ણના હિમાચલ પર્વતની તળેટીએ પહોંચ્યા.૪૯
ત્યાં તળેટીમાં વિચરણ કરતા શ્રીહરિએ કેટલાક દિવસો પછી એક મહાઅરણ્યમાં પ્રવેશ કર્યો. તે મહાઅરણ્યમાં અનેક પ્રકારના અજગર આદિ મહાસર્પો તથા મૃગલાં આદિ અનેક વનપશુઓ જેવાં કે સિંહ, વાઘ, પાડા, મહાગજરાજો, ભૂંડ, રોઝ, રુરુમૃગ અને કસ્તૂરી મૃગોથી ભરચક હતું, તેમજ બહુ પ્રકારનાં પુષ્પો અને ફળોના ભારથી નમી ગયેલી ડાળીઓવાળાં અનેક પ્રકારનાં વૃક્ષોથી તથા નિર્મળ ઝરણાં અને ખડખડ અવાજ કરતી વહેતી નદીઓથી અને સ્વચ્છ જળવાળાં સરોવરોથી તથા અનેક પ્રકારનાં પક્ષીઓના સમૂહોથી તે મહાવન અત્યંત શોભતું હતું.૫૦-૫૨
હે રાજન્ ! આવાં મહાઘોર જંગલમાં અતિશય કોમળ અંગવાળા, વનનાં કંદમૂળ તથા ફળનો માત્ર આહાર કરતા, ઉઘાડે ચરણે વિચરતા, નાની ઉંમર હોવા છતાં વાઘ આદિ હિંસક પશુઓથી નિર્ભયપણે ફરતા હતા. મહાધીરજધારી, આત્મદર્શી તથા પૂર્વાપરનો વિચાર કરી પછીથીજ સર્વ કાર્યમાં પ્રવૃત્ત થતા એવા દીર્ઘદર્શી, અત્યંત તીક્ષ્ણબુદ્ધિવાળા પોતામાં અનંત શુભ ગુણો હોવા છતાં સહજ પણ ગર્વને નહિ ધરતા ભગવાન શ્રીહરિ પોતાના વર્ણીધર્મનું યથાર્થ પાલન કરતા થકા ઘોર જંગલમાં વિચરણ કરવા લાગ્યા.૫૩-૫૪
હે રાજન્ ! શ્રીહરિને તીવ્ર વૈરાગ્ય હોવાથી તે સાંસારિક સુખમાં અત્યંત અરુચિ રાખતા. અત્યંત દુઃખરૂપ વનવાસને પણ ઘરના સુખ કરતાં અધિક સુખરૂપ માનતા હતા.૫૫
શ્રીમદ્ભાગવતના પંચમ સ્કંધમાંથી જડભરતજીનાં આખ્યાનને વાંચી શ્રીહરિએ અનાસક્ત બુદ્ધિયોગનો અભ્યાસ કર્યો, અને પુલહાશ્રમમાં જઇ તપશ્ચર્યા કરવા માટે અત્યંત ઉત્કંઠાવાળા થયા.૫૬
ત્યારપછી પુલહાશ્રમ તરફની દિશાને લક્ષ્ય કરી ચાલવા લાગ્યા, શ્રીહરિ અક વખત માર્ગ ભૂલ્યા અને તે માર્ગે ફળ કે જળ કાંઇ પ્રાપ્ત થયું નહિ. એમ કરતાં ત્રણ દિવસ પસાર થયા.૫૭
જંગલમાં ચાલતાં ચાલતાં ચોથે દિવસે પણ કાંઇ આહાર પ્રાપ્ત થયો નહિ, તેથી શરીર શિથિલ થયું અને વાયુના ઝપાટાથી જેમ ધ્વજદંડ નીચે પડે તેમ શ્રીહરિ ધરણીપર ઢળી પડયા, ત્યારે એક મુહૂર્ત વીત્યા પછી ધીરે ધીરે ઊભા થયા ને નેત્રો ઉઘાડીને ચારે તરફ દૃષ્ટિ કરી ત્યારે દૂર દૂર એક નદી જોવામાં આવી.૫૮-૫૯
હે રાજન્ ! મંદમંદ ગતિએ ચાલતા શ્રીહરિ હિમાલય પર્વતની પાસેના નાના પર્વતમાંથી નીકળતી તે નદીને કિનારે પહોંચ્યા. તે નદીમાં સ્નાન કરી આપત્કાળના ધર્મને અનુસારે સંધ્યાવંદન આદિ નિત્ય કર્મ કરી તે નદીનું જળપાન કર્યું. જેનાથી કાંઇક શાંતિ થઇ. પછી તે નદીને કિનારે ઊભેલા વિશાળ વટવૃક્ષની નીચે વિશ્રામ કર્યો. તે સમયે પોતાના પ્રાણપ્રિય ભગવાન શ્રીહરિના વનવાસ જન્ય કષ્ટને નહીં જોઇ શકવાથી ભુવનભાસ્કર સૂર્યદેવ પણ અસ્તાચળને પામ્યા.૬૦-૬૨
પ્રથમ ગોકુલાષ્ટમીની અંધારી રાત :- થોડા વિશ્રામ પછી ભગવાન શ્રીહરિએ તીવ્રવૈરાગ્યવાળા નૈષ્ઠિક બ્રહ્મચારીઓની ધર્મ-મર્યાદાઓનું આ પૃથ્વી પર યથાર્થ સ્થાપન કરવા સાંજની સંધ્યા ઉપાસના કર્મનું અનુષ્ઠાન કર્યું.૬૩
હે રાજન્ ! સંવત્ ૧૮૪૯ ના શ્રાવણવદ ગોકુલાષ્ટમીની રાત્રીનું મહાન ઘોર અંધારું છવાયું. મેઘાડંબરથી આકાશ ઢંકાયેલું હોવાથી તારા મંડળનાં પણ દર્શન થતાં ન હતાં. આવો મહા અંધકાર છવાયો હતો.૬૪
હે રાજન્ ! આવી ઘોર અંધારી રાતમાં શિયાળિયાં, ઘુવડ, વાઘ વિગેરે પ્રાણીઓ ભયંકર શબ્દોના અવાજ કર્તાં અહીં તહીં પરિભ્રમણ કરી રહ્યાં હતાં, તેમજ તમરાંઓના તીખા શબ્દો પણ સાંભળનારાને કર્ણશૂળ સમાન લાગતા હતા. આકાશમાં વીજળીના પાત સાથે મેઘની ભયંકર ગર્જનાઓ થતી હતી, અને ચારે તરફ વારંવાર વીજળીના ઝબકારાઓ થતા હતા.૬૫-૬૬
દૂર દૂર અહીં તહીં ભમતી ભૂતાવળોની હારમાળાઓ વારંવાર દેખાતી હતી. હે રાજન્ ! મહાઘોર જંગલની આ ભયંકર રાત્રી મહાધીરજશાળી પુરુષોને પણ અતિશય બિહામણી લાગે તેવી હતી.૬૭
હે રાજન્ ! આવી ભયંકર રાત્રીમાં પણ ભગવાન શ્રીહરિ શરીરનું ભાન ભૂલી, દૃઢ આસનવાળી સમાધિમાં ઉતરી ગયા હોય તેમ રાધિકાના પતિ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ તેમજ આત્મસ્વરૂપનું પરિચિંતવન કરતા નિર્ભયપણે પ્રશાંત સ્વરૂપે બેઠા હતા.૬૮
તે સમયે ભગવાન શ્રીહરિનાં દર્શનની અત્યંત ઉત્કંઠા ધરાવતા પવનપુત્ર હનુમાનજી નાનું રૂપ ધારણ કરી અચાનક તે સ્થળે પધાર્યા ને સાષ્ટાંગ પ્રણામ કરી જોયું તો શ્રીહરિ સમાધિ સ્થિતિમાં બિરાજે છે, અને આ જંગલમાં જે જગ્યાએ બેઠા છે તે સ્થાન અતિશય ભયાનક છે એમ જાણી રક્ષા કરવા ત્યાંને ત્યાં ઊભા રહ્યા.૬૯
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શ્રીહરિએ સદંતર ઘરનો ત્યાગ કર્યો અને હિમાલયના ઘોર વનમાં વિચરણ નિરૂપણ કર્યું એ નામે બેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૨--