અધ્યાય - ૪૪ - પુલહાશ્રમમાં શ્રીહરિએ તપશ્ચર્યા કરી સૂર્યનારાયણને પ્રસન્ન કર્યા.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન ! દર્શન માત્રથી પાવન કરનાર તત્કાળ તપની સિદ્ધિ આપનાર અને મુમુક્ષુજનોએ આશ્રય કરવા યોગ્ય એવા પુલહાશ્રમનાં ભગવાન શ્રીહરિએ દર્શન કર્યાં.૧
જે આશ્રમમાં ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્તજનો ઉપર અતિશય વાત્સલ્ય ભાવ હોવાથી તેને અપેક્ષિત રૂપને ધારણ કરી નિરંતર નિવાસ કરીને રહે છે.૨
હે રાજન્ ! આ આશ્રમમાં પૂર્વે ઋષભદેવના પુત્ર ભરતજીએ તપશ્ચર્યા કરી છે, તેમજ અહીં સ્નાન માત્રથી અતિપાવન કરનાર ગંડકી નદી આશ્રમની ચારે તરફ ચક્રાકારે વહી રહી છે.૩
ભગવાન શ્રીહરિએ તે મહા પવિત્ર નદીમાં સ્નાન કરી પોતાનો નિત્યવિધિ કરી ભગવાન વિષ્ણુના અર્ચા સ્વરૂપે બિરાજતા મુક્તનાથ ભગવાનનું દર્શન અને પૂજન કરી મહા તપસ્વી શ્રીહરિએ ભરતજીના જ તપોસ્થાનમાં પોતાનો નિવાસ કર્યો અને ભરતજીની જેમ જ વિષ્ણુની આરાધના કરવા લાગ્યા.૪-૫
ભરતજીને જેમ મૃગબાળક ઉપર દયા કરવાથી ભગવાનની આરાધનામાં જે વિઘ્ન થયું હતું તેનું મનમાં સતત અનુસંધાન રાખી શ્રીહરિ હમેશાં નિઃસંગપણે વર્તતા હતા.૬
હે રાજન્ ! આ રીતે શ્રીહરિ બહારથી નિઃસંગપણે વર્તતા છતાં પણ શ્રીમદ્ભાગવતના ચોથા સ્કંધમાં નારદજીએ પ્રાચીન બર્હિષ રાજાને કહેલી પાંચ અધ્યાયવાળી પુરંજનરાજાની કથાને પોતાના અંતરમાં વારંવાર વિચારી બુદ્ધિ આદિના સંગનો પણ ત્યાગ કરી દીધો. અને પોતાના આત્માને અસંગ, નિર્ગુણ, શુદ્ધ, નિર્વિકારી, પ્રકાશક, નિત્ય, અનાદિ, અક્ષર, સત્યસ્વરૂપ, ચૈતન્યસ્વરૂપ, અજન્મા અને અવિનાશી માનવા લાગ્યા.૭-૮
વર્ણીએ એકપગે ઊભા રહી કરેલું તીવ્રતપ :- હે રાજન્ ! ભગવાન શ્રીહરિ આ રીતે અત્યંત નિઃસંગ રહી તે જ સ્થળે એક પગે ઊભા રહી બે હાથ ઉંચા રાખીને વેદમાતા ગાયત્રીમંત્રનો જપ કરતા કોઇ દેવતા કે મનુષ્યથી કરવું દુષ્કર એવું તીવ્ર તપ કરવા લાગ્યા. હે રાજન્ ! તપશ્ચર્યા કરતા શ્રીહરિએ સૂર્યમંડળના મધ્ય ભાગમાં બિરાજતા શંખ, ચક્રધારી દિવ્યમૂર્તિ ભગવાન શ્રીહિરણ્યમય પુરુષનું પોતાના હૃદયમાં ધ્યાન કર્યું.૯-૧૦
આ રીતે શ્રીહરિ પ્રતિદિન ત્રણ વખત ગંડકીમાં સ્નાન કરી મુક્તનાથ ભગવાનનું પૂજન કરતા અને ફળ ફૂલ આદિનો આહાર કરી તીવ્ર તપ કરતા.૧૧
બાલ્યાવસ્થામાં જ વિપ્ર બટુક બ્રહ્મચારીનું આવું તીવ્ર તપ જોઇને બીજા કેટલાય તપસ્વી મુનિઓ અત્યંત વિસ્મય પામી ગયા ને તર્ક કરવા લાગ્યા કે, પૂર્ણિમાના ચંદ્ર જેવી શાંત શીતળ કાંતિને ધારણ કરતા આ બ્રહ્મચારી મનુષ્યોથી ન થઇ શકે તેવું દુષ્કર તપ કરે છે, તે કોણ હશે ? શું આ કયાધુપુત્ર પ્રહ્લાદ હશે ? અથવા ધ્રુવ કે કાર્તિક સ્વામી હશે ? કે ભગવાન દત્તાત્રેય કે ઋભુ હશે ? અથવા તો સાક્ષાત્ ભગવાન નારાયણઋષિ તો સ્વયં નહિ હોય ને ? આ પ્રમાણે તપસ્વીઓ અને મુનિઓને અત્યંત આશ્ચર્ય સાથે તર્ક ઉપજાવતા ભગવાન શ્રીહરિ અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા હતા.૧૨-૧૩
શ્રીહરિના તીવ્રતપથી દુઃખી થયલાં ભક્તહ્ય્દયો :- હે રાજન્ ! આવું તીવ્ર તપ કરતા શ્રીહરિને જોઇને આ સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ ભગવાન છે એમ તેમના સ્વરૂપને બુદ્ધિયોગથી જાણનારા ઋષિમુનિઓ પોતાના પ્રાણ પ્યારા ઇષ્ટદેવનું આવું તપોજન્ય કષ્ટ દેખીને હૃદયમાં અતિશય દુઃખી થયા અને સર્વદા દિવ્ય સ્વરૂપે શ્રીહરિની સાથે રહેતાં અને તપમાં ખૂબ રુચિ ધરાવતાં માતા-પિતાને પણ ખૂબ જ દુઃખ થયું, તેથી તપશ્ચર્યા કરતા શ્રીહરિની બન્ને બાજુએ દિવ્ય સ્વરૂપે તેઓ ઊભાં રહેતાં.૧૪-૧૫
હાથ ઊંચા કરી એક પગે ઊભા રહી તપ કરતા અને અતિશય કૃશ શરીરવાળા શ્રીહરિની જમણી બાજુએ ભક્તિમાતા અને ડાબી બાજુએ ધર્મપિતા ઊભા રહેતા અને શ્રીહરિ ભૂમિ પર પડી ન જાય તેનું અખંડ ધ્યાન રાખતાં.૧૬
ભુવનભાસ્કરનું પ્રત્યક્ષ દર્શન :- હે રાજન્ ! આ પ્રમાણે ઉગ્રતપ કરતા અને તપસ્વી મુનિઓની જેમ નિર્દંભપણે સૂર્યનારાયણનું આરાધન કરી તે ઋષિમુનિઓને અતિ આશ્ચર્યમાં ગરકાવ કરતા શ્રીહરિને ચાતુર્માસ પૂર્ણ થયો. અને કાર્તિક સુદ પ્રબોધિની એકાદશીના મંગલ દિવસે દિવ્ય વિગ્રહધારી તેમ જ દ્વિભુજ સાક્ષાત્ સૂર્યનારાયણદેવ શ્રીહરિની સમીપે આવી ઊભા રહ્યા. પોતાની પાસે ઊભા રહેલા સાક્ષાત્ સૂર્યનારાયણનાં દર્શન કરીને શ્રીહરિએ સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા.૧૭-૧૯
શ્રીનીલકંઠવર્ણીકૃત સૂર્યદેવ સ્તુતિ :- હે જગદાત્મન્ સૂર્યદેવ ! તમારો જય થાઓ, હે ભાષકર ! હે દિવાકર ! હે સકલ વેદમૂર્તિ ! હે બ્રાહ્મણોના આરાધનીય દેવ ! તમારો જય થાઓ. હે સર્વને પ્રકાશ આપનારા દેવ ! અતિશય ગાઢ અંધકારમાં ડૂબેલા જગતના જીવોને અંધકારનો વિનાશ કરી પ્રકાશ આપીને સુખી કરવા તમારા વિના બીજું કોણ સમર્થ છે ? કોઇ જ નથી.૨૦
હે કૃપાળુ ! હે સર્વના નિયંતા ઇશ્વર ! તમે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણભૂત છો. કારણ કે તમે જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવસ્વરૂપે રહીને આ કાર્યને કરો છે. અંધકારનું નિવારણ કરી સર્વલોકને તમે જ પ્રકાશિત કરો છો, તથા પોતાની આરાધના કરનારા સાધકોને પણ તમે ઇચ્છિત ફળને આપો છો. સવારે ઉઠી કોઇ મનુષ્ય સૂર્ય નમસ્કાર કરે તો તમે એના શરીરના રોગમાત્રને પણ દૂર કરનારા છો.૨૧
હે વરદાનને આપનારા દેવ ! અગ્નિ, ચંદ્રમા, વિદ્યુત, નક્ષત્ર આદિ જે કોઇ તેજસ્વી છે તે સૌ તમારા થકી તેજ પામીને જ આ ભૂમંડલમાં વિચરે છે. વળી જે પુરુષો ભગવાનની ઉપાસના કરીને આ તમારા તેજમંડલને પ્રાપ્ત કરે છે, તે અનાદિ અવિદ્યાના બંધનમાંથી મુકાઇ મુક્તદશાને પામે છે, અને ફરીને તેને ક્યારેય પણ આ ભવસાગરમાં આવવું પડતું નથી.૨૨
હે હજારો કિરણોવાળા અંશુમાન ! આપના એક કિરણના તેજને સહન કરવા આ બ્રહ્માંડના કોઇ પણ દેવો સમર્થ નથી, તો બ્રહ્મમૂર્તિ બ્રહ્માજી તમારાં સમગ્ર કિરણોના તેજને સહન કરવા કેમ સમર્થ થાય ? એવા હે સર્વેના ઇશ્વર તેજસ્વી દેવ ! આપને હું નમસ્કાર કરું છુ.૨૩
હે કમળનો વિકાસ કરનારા દેવ ! સમસ્ત પાપના સમુદાયને મૂળમાંથી ઉખેડનારા આપનાં મંગલકારી દર્શન કરવાની મારા અંતરમાં ઘણા દિવસથી અભિલાષા હતી. તે આજે પૂર્ણ થઇ આથી ચંદ્રોદય થતાં જેમ સમુદ્રમાં ભરતી આવે તેમ મારા હૃદયરૂપી ગુફામાં હર્ષની ભરતી ચડી છે તે ક્યાંય સમાતી નથી.૨૪
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિએ સૂર્યનું સ્તવન કર્યું તે સાંભળી સૂર્યદેવ શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે હરિ ! હું તમારા ઉપર પ્રસન્ન થયો છું તેથી તમે ઇચ્છિત કોઇ વરદાન મારી પાસેથી માગો.૨૫
સૂર્યદેવપાસેથી વર્ણીએ માગેલાં વરદાની વચનો :- હે રાજન્ ! સૂર્યદેવના વચન સાંભળી શ્રીહરિએ પોતાને ઇચ્છિત વરદાન માગ્યું કે, હે ભગવન્ ! જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને ઇચ્છિત વરદાન આપો.૨૬
હે દેવેશ ! એક તમે અંધકારને દૂર કરનારા દેવ છો, તેથી દુઃખરૂપ સંસૃતિના કારણભૂત મારા અંતરમાં પડેલા સમગ્ર અંધકારને દૂર કરો.૨૭
બીજું કામ, ક્રોધ, લોભ વગેરે અંતઃશત્રુઓ તથા પોતાના વિષયમાં પ્રવૃત્ત ઇંદ્રિયો નૈષ્ઠિક બ્રહ્મચારીઓના માર્ગમાં વિઘ્ન કરનારા બળવાન શત્રુઓ છે, તે સર્વ થકી મારું તમે રક્ષણ કરો.૨૮
ત્રીજું તપ કરવામાં મને સ્થિરતા પ્રાપ્ત થાય, ભગવાન સિવાયની ઇતર વાસનાઓ મારી દૂર થાય, સર્વે ઇંદ્રિયો ઉપર મને વિજય પ્રાપ્ત થાય, તથા નૈષ્ઠિક બ્રહ્મચર્ય આદિ શુભગુણો મારામાં સદાય નિવાસ કરીને રહે.૨૯
અને હે પ્રભુ ! જ્યારે હું મારા હૃદયમાં તમારું સ્મરણ કરું ત્યારે તમે આવા જ સ્વરૂપે મને દર્શન આપવું.૩૦
આ મારી અંતરની આશા છે. તે તમે પૂર્ણ કરો. માયાના બંધનોમાંથી જીવોને મુક્ત કરનારા તમારી પાસેથી હું બીજી માયિક સુખની કોઇ આશા રાખતો નથી.૩૧
સૂર્યદેવની વિજ્ઞાનવાણી :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! મનુષ્યલીલા કરતા શ્રીહરિએ આ પ્રમાણે જ્યારે માગ્યું ત્યારે સૂર્યદેવે ''તથાસ્તુ'' કહ્યું ને શ્રીહરિને પ્રણામ કરી કહેવા લાગ્યા કે, હે હરિ ! જે શ્રીકૃષ્ણ પરમાત્મા છે તે સાક્ષાત્ તમે જ છો, એમ હું મારા અંતરમાં પહેલેથી જ જાણું છું.૩૨
છતાં પણ હે પ્રભુ ! મનુષ્યલીલા કરતા હોવાથી મારી પાસે તમે જે સદ્ગુણોની માંગણી કરો છો તે સર્વે સદ્ગુણો તો તમારી અંદર સદાય નિવાસ કરનારા નિત્યસિદ્ધ છે.૩૩
હે કૃષ્ણ ! તમારા પ્રભાવથી તમારો મહિમા સમજનારા તમારા ભક્તજનોમાં પણ તે સર્વે ગુણો રહે છે તો કલ્યાણકારી સર્વે સદ્ગુણોના ખાણરૂપ પરમેશ્વર એવા આપને વિષે તે રહેલા હોય તેમાં શું કહેવું ?.૩૪
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે સૂર્યનારાયણ શ્રીહરિને કહીને પુનઃ પ્રણામ કર્યા અને બહુ જ પ્રસન્ન થઇ અંતર્ધાન થયા. ત્યારપછી અત્યંત પ્રસન્ન થયેલા શ્રીહરિએ તપની સમાપ્તિ કરી.૩૫
હે રાજન્ ! તત્કાળ તપની સિદ્ધિને આપનારા તે પુલહાશ્રમ ક્ષેત્રની અત્યંત પ્રશંસા કરતા શ્રીહરિ ત્યાં રહેલા તપસ્વીઓ દ્વારા બહુ પ્રકારે કરાયેલું સન્માન સ્વીકારતા એક દિવસ વધુ કાર્તિક સુદ બારસના દિવસ પર્યંત તે પુલહાશ્રમક્ષેત્રમાં જ નિવાસ કરીને રહ્યા.૩૬
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં પુલહાશ્રમમાં શ્રીહરિના તપથી સૂર્યનારાયણ પ્રસન્ન થયાનું નિરૂપણ કર્યું એ નામે ચુમાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૪--