અધ્યાય - ૪૬ - ગોપાલદાસની રક્ષા કરી, સિદ્ધોનું અભિમાન ઉતાર્યું અને તૈલંગદેશી વિપ્રને સુખી કર્યો.
સીરપુરશહેરમાં વર્ણીનું આગમન :- સુવ્રતમુનિ કહે છે, હેરાજન્ ! તે આદિવારાહ તીર્થથી નીકળી વર્ણીરાજ શ્રીહરિ વંગદેશમાં આવેલા સીરપુર નામના શહેરમાં પધાર્યા, જ્યાં અતિધાર્મિક સિદ્ધવલ્લભ નામના રાજા રાજ્ય કરતા હતા.૧
તે રાજાએ શ્રીહરિની પ્રાર્થના કરી કે, હે વર્ણીરાજ ! તમે મારા ઉપર કૃપા કરીને અહીં નિવાસ કરીને રહો. ત્યારે મહામુનિ શ્રીહરિ ચાતુર્માસ પર્યંત તે સિદ્ધવલ્લભ રાજાના મહેલમાંજ નિવાસ કરીને રહ્યા. અને સ્વયં રાજા પણ પ્રતિદિન શ્રીહરિની સમયોચિત સેવા કરવા લાગ્યા.૨
તેવી જ રીતે ચારિત્ર્ય અને નિર્માનાદિ સદ્ગુણોથી સભર એક ગોપાળદાસ નામના સાધુ હતા. તે પણ શ્રીહરિ ઉપર અતિશય સ્નેહભાવ રાખી પ્રતિદિન સેવા કરતા હતા. તે રાજાના રાજમહેલમાં બીજા સિદ્ધ એવા નામે પ્રસિદ્ધ ઘણા સાધુપુરુષો રહેતા હતા. તેઓ તામસમંત્રોની સાધના કરનારા અને તામસ મલિન દેવતાઓની ઉપાસના કરનારા હતા.૩-૪
તેમાંથી કેટલાક વીતરાગી હતા, કેટલાક બ્રહ્મચારી, કેટલાક પરમહંસ, કેટલાક સંન્યાસી, કેટલાક ભૈરવના ઉપાસક, કેટલાક કાલિના ઉપાસક, કેટલાક યોગિનીના ઉપાસક અને કેટલાક વીર વિદ્યામાં વિશારદ હતા. હે રાજન્ ! તે સિદ્ધોમાં તો કેટલાક માત્ર કૌપીન ધારણ કરનારા હતા, કેટલાક અપરિગ્રહવ્રત રાખનારા હતા. અને સોએક જેટલા તપ પરાયણજીવન જીવનારા મુખ્ય સિદ્ધો પણ તેમાં હતા.૫-૭
હે રાજન્ ! સિધ્ધવલ્લભ રાજાએ તે સોએક જેટલા મુખ્ય સિદ્ધોને ખુલ્લા આકાશવાળા મેદાનમાં નિવાસ કરાવ્યો અને નીલકંઠ વર્ણીનું પૂજન કરી તેમને પણ તે મુખ્ય સિદ્ધોવાળી જગ્યામાં જ નિવાસ કરાવ્યો.૮
રાજા બહુ ભાવિક હોવાથી સર્વ સિદ્ધોને ખૂબ ઘી અને સાકર મિશ્રિત ભક્ષ્ય, ભોજ્ય વગેરે તેઓને ઇચ્છિત ભોજન અને વસ્તુ પદાર્થદ્વારા સંતોષ પમાડતા હતા. વળી રાજાએ તેઓને બેસવા માટે પલંગ, બાજોઠ વિગેરે વસ્તુઓના દરેકને અલગ અલગ દાન કર્યાં હતાં, અને તે સિદ્ધો પણ પોતાની સિદ્ધાઇનું પ્રદર્શન કરતા સુખપૂર્વક ત્યાં નિવાસ કરીને રહ્યા હતા.૯-૧૦
સિધ્ધોનો દંભ ઉઘાડો પાડવા વર્ણીએ કરી ઈચ્છા :- આ મુમુક્ષુ સિદ્ધવલ્લભ રાજાની સામે જ એ દંભી સિદ્ધોનો દંભ ખુલ્લો પાડવાની ઇચ્છા ધરાવતા શ્રીહરિના સંકલ્પથી એક આશ્ચર્ય સર્જાયું, તે સીરપુર શહેરમાં વર્ષાઋતુના સમયમાં પ્રતિ વર્ષ કરતાં આ વર્ષે અતિવૃષ્ટિ થઇ તેથી સિદ્ધાઇનું અભિમાન ધરાવતા સર્વે સિદ્ધો વરસાદની ધારાથી બહુ પીડાવા લાગ્યા.૧૧-૧૨
કરાની વૃષ્ટિથી થતાં ધ્વનિઓ અને ભયંકર ભય ઉપજાવનારા વીજળીના થતા ચમકારાની સાથે ભયાનક મેઘો આકાશમાં દેખાતા હતા. વેગવાન સુસવાટા કરતા પવનથી મેઘોના વજ્રપાત જેવા ગર્જનાના ભયાનક શબ્દોથી અને રાત્રિ દિવસ વરસતી અતિવૃષ્ટિથી અતિશય ખેદ પામેલા સિદ્ધોને પોતાની સિદ્ધાઇનું અભિમાન ઉતરી ગયું.૧૩-૧૪
તેથી હિમ જેવા ઠંડા પવનથી કંપતા શરીરવાળા તે સિદ્ધો ધીરે ધીરે ક્યારેક પાંચ, ક્યારેક છ કે સાત એમ સાથે મળીને એક પછી એક રાત્રીના સમયમાં ભાગવા લાગ્યા.૧૫
રાજાની આજ્ઞાથી ત્યાં રહેલા રાજાના નોકરો સિદ્ધોની હમેશની દિનચર્યા નિહાળતા રહેતા અને રાજાને જણાવતા. ત્યાં તો થોડા દિવસોમાં જ સર્વે સિદ્ધો ત્યાંથી પલાયન થઇ ગયા.૧૬
ત્યારે બુદ્ધિમાન સિધ્ધવલ્લભ રાજાએ જોયું કે પ્રચંડ વરસાદની ધારાઓ વચ્ચે એકલા માત્ર વર્ણી બિરાજે છે. આ એક જ સાચા સિદ્ધ છે, બીજા કોઇ નથી, એમ માનવા લાગ્યા.૧૭
વરસાદ શાંત થયા પછી મૂશળધારાએ વરસતા વરસાદ અને પવનના સુસવાટા વચ્ચે પણ વ્યથા નહિ પામેલા સ્થિતપ્રજ્ઞા શ્રીહરિનું રાજાએ તથા પુરવાસી જનોએ બહુ સન્માન કર્યું. અને બીજા ત્યાંથી ભાગી છૂટેલા અને પોતાની ધર્મશાળાઓમાં નિવાસ કરતા સર્વે સિદ્ધોને રાજાએ તો સાધારણ મનુષ્યો સરખા જાણ્યા.૧૭-૧૯
વર્ણીના સેવક ગોપાળદાસ સિધ્ધોની ઈર્ષ્યાનો ભોગ બન્યા :- હે રાજન્ ! શ્રીહરિનું બહુ પ્રકારે સન્માન થયું તે સમયે તેનો આવો ભવ્ય ઉત્કર્ષ જોઇ શક્તિ ઉપાસક તે સર્વે સિદ્ધોનાં ગાત્રો અત્યંત ક્રોધાગ્નિની જ્વાળામાં બળવા લાગ્યાં. તેથી શ્રીહરિને મારી નાખવાના પ્રયત્નો કરવા લાગ્યા.૨૦
મલિન મંત્રોથી મંત્રેલા અડદની મુઠ્ઠી શ્રીહરિ ઉપર ફેંકી. પોતાના ઇષ્ટદેવોનાં વરદાન વચનોનો પણ શ્રીહરિ ઉપર પ્રયોગ કર્યો. તેમજ અભિચારિક મંત્રોનો પણ પ્રયોગ કર્યો, છતાં કોઇ પણ માંત્રિક શ્રીહરિને મારવા સમર્થ થયો નહિ.૨૧
જેવી રીતે કોઇ આકાશમાં શસ્ત્રના પ્રહાર કરે ને નિષ્ફળ જાય તેમ શક્તિ ઉપાસક સર્વે સિદ્ધોના મનુષ્યાકૃતિ ધરી રહેલા પરમેશ્વર વર્ણીરાજ શ્રીહરિ ઉપર કરેલા સમગ્ર પ્રયોગો નિષ્ફળ ગયા.૨૨
તેથી શ્રીહરિને મારવા અસમર્થ થયેલા તે દુષ્ટ સિદ્ધોએ શ્રીહરિ ઉપર ઇર્ષ્યાભાવ રાખી તેની સેવા કરતા ગોપાળદાસ નામના સાધુ ઉપર મંત્રેલા અડદની મુઠ્ઠીનો પ્રયોગ કર્યો.૨૩
ગોપાળદાસ સાધુ તો તે જ ક્ષણે મૂર્છિત થઇને પૃથ્વી પર પડયો, જીભ બહાર નીકળી ગઇ અને મરણતુલ્ય થયો. તેના મુખમાંથી ફીણ નીકળવા લાગી અને ચેષ્ટારહિત થયો. તેને જોવા માટે રાજા અને ચારે બાજુએથી હજારો મનુષ્યો ભેળાં થયાં અને કહેવા લાગ્યાં કે, આ ઉપદ્રનું નિવારણ કરવું હવે કોઇનાથી શક્ય નથી.૨૪-૨૫
તે સમયે સિદ્ધવલ્લભ રાજાએ શક્તિ ઉપાસક તે સિદ્ધોને કહ્યું કે હે મંત્રશાસ્ત્રીઓ ! તમે સિદ્ધયોગી છો, તેથી આ ગોપાળદાસના ઉપદ્રવનું નિવારણ કરો.૨૬
ત્યારે તે સિદ્ધો કહેવા લાગ્યા કે, આ સાધુનો ઉપદ્રવ અમારાથી નાશ પામી શકે તેમ નથી. તમે જેને સર્વ સિદ્ધો થકી બહુ મોટા સિદ્ધ માનો છો તે નીલકંઠ યોગી પાસે આના ઉપદ્રવનો પ્રતિકાર કરાવો.૨૭
વર્ણીરાજે કરેલી ગોપાળદાસની રક્ષા :- હે પ્રતાપસિંહ રાજન્ ! ગર્વિષ્ટ સિદ્ધોનાં આવાં પ્રકારનાં શ્રીહરિ ઉપરનાં મત્સરગ્રસ્ત વચનો સાંભળી રાજાએ વર્ણીની પ્રાર્થના કરી તેથી શ્રીહરિ તત્કાળ ઊભા થયા અને ગોપાળદાસની સમીપે આવ્યા ને જોયું કે આ તો શક્તિ ઉપાસકોના પાપનું કર્મ છે. તેથી તે જ ક્ષણે શ્રીહરિએ ગોપાળદાસના જમણા કાનમાં ધીરા અવાજે શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો જપ કર્યો, તેથી તરત જ ગોપાળદાસ પીડાએ રહિત થઇ એકદમ ઊભો થયો.૨૮-૨૯
આ જોઇ સર્વે મનુષ્યો પરમ વિસ્મય પામ્યાં અને શ્રીહરિને સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન માનવા લાગ્યાં અને કેટલાક શ્રીહરિને ભગવાન શ્રીકૃષ્ણના મોટા એકાંતિક ભક્ત માનવા લાગ્યા.૩૦
ગોપાળદાસ ઉપર જે શક્તિપંથી સિદ્ધે મંત્રેલા અડદની મુઠ્ઠીનો પ્રયોગ કર્યો હતો તે સિદ્ધ જ પોતાનું અભિચાર કર્મ પોતા ઉપર પાછું ફરતાં તત્કાળ મરણતુલ્ય થયો.૩૧
ત્યારે બીજા સર્વે સિદ્ધોએ પોતાનાં બુદ્ધિબળનું જેટલું સામર્થ્ય ચાલે તેટલું ચલાવી તે સિદ્ધના ઉપદ્રવને દૂર કરવા અનેક ઉપાયો કર્યા છતાં પણ તેની પીડા રંચમાત્ર દૂર થઇ નહિ.૩૨
તેથી તેઓ ગર્વે રહિત થયા. અને તે સર્વે વર્ણીરાજ શ્રીહરિની સમીપે આવી સાષ્ટાંગ પ્રણામ કર્યા ને બહુ પ્રાર્થના કરી. પછી પોતાની સાથે ગુણગ્રાહક સ્વભાવને વરેલા શ્રીનીલકંઠ વર્ણીને મૃત્પ્રાય થયેલા સિદ્ધ પાસે તેડી લાવ્યા.૩૨-૩૩
દયાના સાગર અને ઉદારબુદ્ધિવાળા ભગવાન શ્રીહરિ મરણ પથારીએ પડેલા તે ઉપદ્રવી સિદ્ધને સમીપે જઇને તત્કાળ કરુણામય દૃષ્ટિથી બેઠો કર્યો.૩૪
આવા પ્રકારનું શ્રીહરિનું સામર્થ્ય જોઇને અતિશય વિસ્મય પામેલા તે સિદ્ધોએ ભગવાન શ્રીહરિનું કેશર, ચંદનાદિકથી પૂજન કર્યું. પછી રાજાએ પ્રાર્થના કરવાથી શ્રીહરિ પોતાના નિવાસ સ્થાને પધાર્યા, અને અતિશય આશ્ચર્યચકિત થયેલા બુદ્ધિમાન રાજા શ્રીહરિને સાક્ષાત્ ઇશ્વર પરમાત્મા જાણીને પોતાની પત્ની પુત્રાદિ પરિવારે સહિત અતિ સ્નેહથી તેમના શિષ્ય થયા.૩૫-૩૬
ધન, સ્ત્રી, ભોજન, વસ્ત્રાલંકાર, વાહન આદિની પ્રાપ્તિના લોભવૃત્તિવાળા સિદ્ધો સીરપુર શહેરમાં રહીને જે જે મનુષ્યોને પરેશાન કરતા હતા તે સર્વે શ્રીહરિના પ્રભાવથી તત્કાળ નિરુપદ્રવી થયા.૩૭
તેથી તે શહેરનાં સર્વે મનુષ્યોએ શ્રીહરિને બહુ ધન, વસ્ત્ર અને વાહન આદિ વસ્તુઓ અર્પણ કરી. છતાં પણ સાંસારિક વસ્તુમાત્રમાંથી નિઃસ્પૃહી એવા શ્રીહરિએ તેનો સ્વીકાર કર્યો નહિ.૩૮
તેવી જ રીતે તે ભક્ત સિદ્ધવલ્લભ રાજાએ પણ શ્રીહરિને હજારો સુવર્ણમુદ્રા અને ભારે વસ્ત્રોની ભેટ ધરી, છતાં પણ પદાર્થમાત્રને માયાનો વિકારમાત્ર જાણતા શ્રીહરિએ તેનો પણ સ્વીકાર કર્યો નહિ.૩૯
તૈલંગદેશના વિપ્રની કરેલી રક્ષા :- હે રાજન્ ! તે સમયે કોઇ તૈલંગદેશ નિવાસી બ્રાહ્મણ ત્યાં આવ્યો, તે બ્રાહ્મણ નિર્ધન અને મોટા કુટુંબવાળો હતો. વળી વેદ, શાસ્ત્ર, પુરાણને ભણેલો વિદ્વાન પણ હતો. દાન ધર્મમાં નિષ્ઠાવાળા તે રાજાએ તે વિદ્વાન વિપ્રને હાથી, કાળપુરુષ અને લવણ આદિ પદાર્થોનું મહાદાન કર્યું. તે સમયે તે બ્રાહ્મણ ગૌરવર્ણનો હતો છતાં પણ આ હાથી આદિનું મહાદાન સ્વીકારવાથી તત્કાળ શ્યામવર્ણનો થયો, તેથી લોકમાં ખૂબ જ નિંદાને પાત્ર થયો.૪૦-૪૨
કાળો થયેલો તે વિપ્ર પોતાના દોષની શાંતિને માટે લોકોના મુખેથી જેની કીર્તિ સાંભળી છે એવા જગપ્રસિદ્ધ શ્રીનીલકંઠવર્ણીને શરણે આવ્યો.૪૩
તે વિપ્રની આવી દુર્દશા જોઇને કરુણાનિધિ વર્ણીએ તેના જમણા કાનમાં શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો. તેથી તે તત્કાળ મહાદાન લેવાના પાપમાંથી મુક્ત થયો.૪૪
હે ધરણીપતિ ! અને તે જ ક્ષણે તે ફરી પૂર્વવત ગૌરવર્ણનો થયો. વિસ્મય અને અતિ પ્રસન્ન થયેલો તે વિદ્વાન વિપ્ર શ્રીહરિના દયા આદિ ગુણોની પ્રશંસા કરતો ત્યાંથી પોતાના તૈલંગદેશ પ્રત્યે જવા રવાનો થયો.૪૫
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે સમસ્ત યોગીન્દ્રો, તપસ્વીઓ અને સિદ્ધપુરુષો કરતાં પણ અધિક શક્તિ, સામર્થ્ય અને પ્રભાવ ધરાવતા ભગવાન શ્રીહરિ અન્યજનોને દુર્લભ પણ પોતાને સ્વતઃ સિદ્ધ રહેલી સાધુતાને આલોકમાં વિસ્તારતા હતા, છતાં પણ પોતાના અંતરમાં તેનો લેશમાત્ર ગર્વ થતો ન હતો.૪૬
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં સિદ્ધાભિમાની ગુરુઓનો પરાભવ કર્યો અને તૈલંગદેશી વિપ્રને સુખી કર્યો એ નામે છેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. -૪૬-