અધ્યાય - ૫૪ - નીલકંઠ વર્ણીએ ભુજ રામાનંદ સ્વામી ઉપર લખેલો પત્ર.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! વર્ણીરાજ શ્રીનીલકંઠ વર્ણીએ પોતાના હૃદયગત અભિપ્રાયથી ભરેલો પત્ર શ્રીરામાનંદ સ્વામી ઉપર લખ્યો. તે પત્ર તમને હું વાંચી સંભળાવું છું તેને તમે સાંભળો.૧
સ્વસ્તિ શ્રી મહા શુભ સ્થાન ભુજ નગર મધ્યે વિરાજમાન શ્રીરામાનંદ સ્વામી, આપ સર્વોત્કર્ષપણે વર્તો છો. રાજાધિરાજ શ્રી ચક્રવર્તી રાજાની રાજલક્ષ્મી પણ તમારા ચરણકમળની સેવા કરે છે. આવા મહાન આપ આ પૃથ્વી ઉપર ભગવાન શ્રીકૃષ્ણની એકાંતિકી ભક્તિને પ્રવર્તાવનારા છો અને તેથી જ શાંતિ આદિ અનેક સદ્ગુણોરૂપી રત્નો જડેલાં આભૂષણોથી અલંકૃત છો. સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને ગુરુપદ આપેલું હોવાથી આપ સર્વે ગુરુઓના પણ ગુરુ છો. પોતાના કૃપા કટાક્ષોથી આશ્રિતોના ભયને દૂર કરનારા છો. ઉદાર કીર્તિવાળા છો.૨
આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરી દેહધારી સમસ્ત જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ કરવા માટે અયોધ્યાપુરીમાં અજયવિપ્ર અને સુમતિદેવીને ત્યાં પ્રગટ થયેલા સાક્ષાત્ ઉદ્ધવજીના અવતાર છો. હે સ્વામી ! આપનાં એક માત્ર શરણે આવેલો હું નીલકંઠ વિપ્ર પૃથ્વી પર પડી આપનાં ચરણોમાં વારંવાર સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી એક વિનંતી કરું છું.૩
હે સમર્થ સ્વામી ! હું મારા સંબંધીજનો તથા કૌશલદેશનો ત્યાગ કરી અનેક તીર્થોની યાત્રા કરતો કરતો આ લોજપુરમાં આવી આપના સંતમંડળમાં રહ્યો છું.૪
આ લોકમાં જ ભગવાન શ્રીકૃષ્ણનાં સાક્ષાત્ દર્શન સારું દરેક વર્ષાઋતુના ચાતુર્માસ સુધી આદરપૂર્વક એકાંતરે કરવાના ઉપવાસવાળું ધારણાપારણા નામનું વ્રત કરું છું.૫
તથા કાર્તિક માસમાં એક મહિનાનું માસોપવાસ નામનું વ્રત કરું છું. કોઇ વર્ષે આ કાર્તિક માસમાં સાંતપનાદિ કૃચ્છ્રવ્રતો કરું છું. તેમજ નિર્દોષ માઘમાસમાં પ્રતિવર્ષે યવ પીપીલિકા આદિ ચાંદ્રાયણ વ્રત કરું છું. અથવા બાર ઉપવાસથી થતું પારાકકૃચ્છ્ર વ્રત પણ કરું છું.૬
હે સ્વામી ! નિત્યે પાલન કરવા યોગ્ય વ્રતોમાં એકાદશીનું વ્રત અતિશય મુખ્ય છે. તેથી તે સર્વે એકાદશીઓનાં વ્રત હું કરું છું. આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થઇને સાક્ષાત્ પોતાનું દર્શન આપે તે માટે મારા દેહનાં દુઃખને લેશમાત્ર પણ ગણકારતો નથી.૭
વળી હે મહાપ્રતાપી સ્વામી ! મેં પંચ ઇંદ્રિયોના દુસ્ત્યજ શબ્દાદિ પંચ વિષયોનો ત્યાગ કરી, તીવ્ર તપરૂપી અગ્નિમાં માંસ અને રુધિરને બાળી મેં મારાં શરીરને એવું કરી મૂક્યું છે કે તેમાં માત્ર ચાંમડી અને અસ્થિ જ બાકી રહ્યાં છે.૮
કદાચ પ્રશ્ન થાય કે પ્રાણ કેમ રહે છે ? તો કેવળ પ્રત્યક્ષ ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શનની આશારૂપી અમૃતવેલને અવલંબીને જ શરીરમાં પ્રાણ ટક્યા છે. અન્ન રહિત શરીરનો ત્યાગ કરી જવા ઇચ્છતા મારા પ્રાણને ભગવાન શ્રીકૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શનની આશા સિવાય કોઇ અવલંબન નથી.૯
હે શરણાગતના દુઃખને હરનારા સ્વામી ! અન્ન વગરના શરીરમાં કેવળ અસ્થિના આધારે રહેલા મારા પ્રાણ કલિયુગમાં અન્ન સમા પ્રાણને ધારણ કરનારા પુરુષોને સત્યયુગી પ્રાણની ભ્રાંતિ ઉપજાવે છે.૧૦
હે સમર્થ સ્વામી ! મારા દેહની સમગ્ર ક્રિયા કેવળ અષ્ટાંગયોગના અભ્યાસથી સંપાદન કરેલા યોગૈશ્વર્યના બળથી જ થાય છે. હે સ્વામી ! આ પ્રમાણેનું મારું વૃત્તાંત જાણી કૃષ્ણભક્ત એવા મારા ઉપર આપનાં દર્શનદાનની કૃપા કરજો.૧૧
હે સ્વામી ! ભગવાન શ્રીકૃષ્ણ જ મારા સાચા માતા પિતા છે, બંધુ છે, ગુરુ છે, અને સુહૃદ છે. કારણ કે, મને સંપૂર્ણ અસાધારણ પ્રેમ એક શ્રીકૃષ્ણ વિષે જ છે. તે સિવાય બીજે ક્યાંય પણ સ્નેહ થાય છે તે તો તેમના ભક્ત જાણીને થાય છે.૧૨
અને વળી મને પંચ ઇંદ્રિયોના વિષય ભોગને આપનારા મારા સંબંધીજનોને પણ જો ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપમાં અનુરાગ ન હોય તો તેનો શત્રુની જેમ તત્કાળ ત્યાગ કરી દઉં છું.૧૩
અરે !!! મારું સ્નેહથી ભરણપોષણ કરનારાં મારાં માતા-પિતા હોય કે મારા સગા ભાઇઓ હોય પણ જો તેઓને ભગવાન શ્રીકૃષ્ણથી વિમુખ દેખું તો તેનો પણ તત્કાળ ત્યાગ કરી દઉ. પછી ભગવાનથી વિમુખ બીજા સગાસંબંધીઓની તો વાત જ ક્યાં કરવી ?૧૪
તમે કહેશો જે માતા-પિતા, બંધુવર્ગનો જે ત્યાગ કરવો તે શાસ્ત્રદૃષ્ટિએ બરાબર નથી. તો કહું છું, કે પૂર્વે ઘણા બધા ભગવાનના ભક્તોએ ભગવદ્ ભક્તિહીન પોતાનાં માતા-પિતા ભાઇ આદિ સંબંધીજનોનો ત્યાગ કર્યો છે.૧૫
વિભીષણે પોતાના સગા ભાઇ રાવણનો ત્યાગ કર્યો, ભરતજીએ પોતાની માતા કૈકેયીનો ત્યાગ કર્યો, વિદૂરજીએ પોતાનાં સમગ્ર કૌરવકુળનો ત્યાગ કર્યો, મથુરાંની ઋષિપત્નીઓએ પોતાના પતિ, પુત્ર અને ભાઇ આદિ સર્વેનો ત્યાગ કર્યો.૧૬
હે ઇશ ! વ્રજની ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણને વિષે સ્નેહ કરવામાં અવરોધરૂપ પોતાના પતિઓનો ત્યાગ કર્યો. અરે !!! અંગ નામના રાજાએ તો બહુ કષ્ટના અંતે થયેલા પુત્ર વેનનો ત્યાગ કરી જંગલમાં ચાલ્યા ગયા.૧૭
હે સમર્થ સ્વામી ! આ પ્રમાણે ઘણા બધા ભક્તોએ ભગવાનથી વિમુખ પોતાના સ્વજનોનો ત્યાગ કર્યો છે. છતાં પણ તે ભક્તોની આલોકમાં ક્યાંય અપકીર્તિ થઇ નથી. ઉલટાની આલોકમાં અને સર્વે શાસ્ત્રોમાં તેઓની કીર્તિ જ ગવાયેલી છે.૧૮
હે ઇશ ! આ પ્રમાણેની ભગવાનના ભક્ત સંતપુરુષોની રીત અનાદિ કાળથી ચાલી આવે છે. તેથી હું પણ ભગવાન અને ભગવાનના ભક્તોને વિષે જ મુક્તિના કારણભૂત એવો પ્રેમ કરું છું. પરંતુ અન્ય પદાર્થોમાં ક્યાંય પ્રેમ કરતો નથી.૧૯
આ લોજપુરમાં નિવૃત્તિ ધર્મપરાયણ અને માહાત્મ્યજ્ઞાને સહિત ભગવદ્ભક્તિનો બોધ આપનારા આપના મુક્તાનંદ સ્વામી આદિ સંતો રહે છે, તે મારે માટે સર્વથા પૂજનીય છે અને આવા પવિત્ર સંતો જ મારું સર્વસ્વ છે. એમ હું નિશ્ચય જાણું છું.૨૦
હે સ્વામી ! જે મનુષ્યોને ભગવાન શ્રીકૃષ્ણ સાથે તથા તેમનાં ભક્તિવાળા સંતોની સાથે સંબંધ નથી તેમને હું ગધેડાં, કૂતરાં અને સાંઢ સમાન માનું છું. જેનાં દર્શન કરવાથી પણ મહાપાપ લાગે છે.૨૧
કારણ કે, હે સમર્થ સ્વામી ! જે પુરુષો એક પંચવિષયના સુખમાં જ માત્ર આસક્ત છે અને નિદ્રા, ભય, ક્રોધ અને છ ઊર્મિઓએ યુક્ત છે તેવા મનુષ્યો અને પશુઓમાં લેશમાત્ર પણ તફાવત જોતો નથી.૨૨
હે ઇશ ! સ્વર્ગવાસી દેવતાઓ પણ જે મનુષ્ય જન્મની પ્રશંસા કરી આ પૃથ્વી પર મનુષ્ય જન્મ માગે છે. આવા માનવ જન્મનું તે વિષયી પુરુષોને કોઇ માહાત્મ્ય નથી. કારણ કે ભગવાનની ભક્તિ કરવી એજ માનવ જન્મ પામ્યાનું સાચું ફળ છે. અને આવા માનવ જન્મને દેવતાઓ ઇચ્છે છે. ભક્તિ રહિતના માનવ જન્મથી શું છે ?.૨૩
સારા કુળમાં જન્મ હોય, જગતની નજર ખેંચે તેવું શરીરનું સૌન્દર્ય હોય, અનેક કૌશલ્યો દેખાડી વિશ્વમાં કીર્તિ મેળવી હોય તથા અનંતપ્રકારના ગુણો અને યોગૈશ્વર્યવાળો હોય પણ જો તે ભગવાનની ભક્તિથી હીન હોય તો તેને હું જોવામાત્રથી સુંદર લાગતા પણ અંદર ઝેર ભરેલા ઇન્દ્રામણાંના ફળ જેવો જાણું છું.૨૪
જેમ ઘી, તેલ આદિ અનંત પદાર્થોથી વઘારી સુસંસ્કૃત કરેલું શાક એક અલ્પ માત્ર મીઠાંથી સર્વેને ખાવા યોગ્ય બને છે, જો અલ્પ સરખું મીઠું ન હોય તો ઘી આદિ કીંમતી પદાર્થોની કોઇ કીંમત નથી, તેમ મનુષ્યોમાં અલ્પ સરખી ભગવાનની ભક્તિ હોય તો અન્ય સારા અનેક ગુણોને શોભાવે છે. પણ ગમે તેટલા સદ્ગુણો હોય પરંતુ ભગવાનની ભક્તિ ન હોય તો સર્વે વ્યર્થ છે.૨૫
હે સ્વામી ! ભગવાનનું દાસપણું જેણે નથી સ્વીકાર્યું એવા વિમુખ લોકો પોતાના તપોબળના સામર્થ્યથી બ્રહ્માદિ દેવતાઓના સત્યાદિ લોકને પ્રાપ્ત કરે, છતાં પણ ત્યાં તેને કાળનો ભય છૂટતો નથી અને ત્યાં તેને અનંતસુખ પણ પ્રાપ્ત થતું નથી. આ વાતની વેદો પણ સાક્ષી પૂરે છે.૨૬
આ વિચિત્ર જગતનું સર્જન કરવું આદિ અનંત સામર્થ્યની સિદ્ધિને પામેલા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તથા ઇન્દ્રાદિ દેવતાઓ તેમજ અક્ષરબ્રહ્મની એકાત્મભાવને પામેલા શુક સનકાદિક જેવા મહામુનિઓ પણ માનને મૂકી જેમ આ સંસારના બંધનમાંથી મુક્ત થવા ઇચ્છતા મુમુક્ષુઓ ભક્તિ કરે, તેમ ભગવાનની ભક્તિ કરે છે.૨૭
તે બ્રહ્મસ્થિતિને પામેલા શુક સનકાદિક જેવા મહામુનિઓને પણ ભક્તિ કરવાનું મન થઇ આવે તેવા અપાર કારુણ્ય, વાત્સલ્ય આદિ ગુણો તે ભગવાન શ્રીકૃષ્ણને વિષે રહેલા છે, અને તેથી જ રાધા રમા આદિક અનંત શક્તિઓ પણ તેમની જેમ ચક્રવર્તી સમ્રાટની અનંત દાસદાસીઓ સેવા કરે તેમ સેવા કરે છે.૨૮
અલ્પ સરખા પણ જીવો હોય પણ જો તેની ભક્તિ કરે તો તેના માથેથી કાળ માયાનો ભય દૂર થઇ જાય છે. પરંતુ બ્રહ્માદિ દેવતાઓ જેવા મોટા હોય પણ ભક્તિહીન હોય તો તેના માથેથી કાળ માયાનો ભય દૂર થતો નથી.૨૯
હે ભક્તપ્રિય સ્વામી ! આ પ્રમાણેનું ભગવાનનું માહાત્મ્ય એકાંતિક સત્પુરુષો અને સત્શાસ્ત્રોથકી જાણીને હું આળસ પ્રમાદનો ત્યાગ કરી તીવ્ર તપ કરું છું, અને ભગવાનની ભક્તિ કરું છું.૩૦
અંતરમાં ભગવાન શ્રીકૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શન કરવાની ઉત્કંઠા વર્તે છે. પરંતુ તે દર્શન ન થવાથી અંતરમાં ઉદ્વેગ રહ્યા કરે છે. જેથી ક્યાંય સુખ આવતું નથી, તેથી અહીં મુક્તાનંદ સ્વામી આદિ આપના સંતોની આજ્ઞામાં વર્તી આપના શુભ આગમનની પ્રતીક્ષા કરી રહ્યો છું.૩૧
હે ઇશ ! ભગવાન શ્રીકૃષ્ણને વિષે મારું મન એકાગ્ર થયું હોવાથી ભગવાનની કીર્તિના શ્રવણ વિનાના અન્ય મનોહર ગાયનો, અનેક પ્રકારનાં લૌકિકપદો કે લૌકિક શબ્દો જાણે કે મારા કાનમાં તીક્ષ્ણ અણીદાર ત્રિશૂલ ભરાવતા હોય તેવા લાગે છે.૩૨
રૂપવાન સ્ત્રી ઉપર કદાચિત્ મારી દૃષ્ટિ પડી જાય તો તે મને રાક્ષસી સમાન ભાસે છે. મારા કંઠમાં આરોપેલી સુગંધીમાન પુષ્પોની માળા જો ભગવાનની પ્રસાદીભૂત ન હોય તો સળગતા અંગારા જેવી લાગે છે.૩૩
હે મુનિરાજ ! ભગવાન શ્રીકૃષ્ણનાં જ સ્વરૂપનાં ધ્યાન ચિંતવનમાં જ એક પ્રીતિ ધરાવતા મને ચંદન, કુંકુમ, કેસર આદિ રમણીય પદાર્થોનો અંગ લેપ કાળા કાદવની સમાન લાગે છે. તેમજ વૈભવ સંપન્ન રાજમહેલ પણ મને ઘોર જંગલ જેવો લાગે છે.૩૪
હે દિવ્ય પુરુષ ! ભગવાનનાં પ્રત્યક્ષ દર્શનના વિરહમાં આકુળવ્યાકુળ થયેલા મને ઘાટાં સૂક્ષ્મ અને અમૂલ્ય વસ્ત્રો મુખ ફાડીને બેઠેલા કાળા સર્પની સમાન લાગે છે, અનેકવિધ ચાર પ્રકારનાં સારાં ભોજનો મને હળાહળ કાલકૂટ ઝેર જેવાં લાગે છે.૩૫
આલોકમાં જે કાંઇ સુખકારી પદાર્થો કહેવાય છે તે સર્વે પદાર્થો મને દુઃખરૂપ જ લાગે છે. હું ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન વિના અતિશય વ્યાકુળ છું.૩૬
એ પ્રત્યક્ષ દર્શનરૂપ મનોરથના ફળની પ્રાપ્તિ તમારાં ચરણકમળનાં સેવન વિના બીજા કોઇ પણ ઉપાયે કરીને શક્ય નથી. કારણ કે આવા ઘોર કળિકાળમાં ભગવાન શ્રીકૃષ્ણનું પ્રગટ દર્શન કરાવનારા માત્ર તમે જ એક સાચા સદ્ગુરુ છો.૩૭
આથી હે ઉદાર કીર્તિવાળા ! હે દયાના સિંધુ ! હે પોતાના આશ્રિત ભક્તોનું બંધુવત્ રક્ષણ કરનારા ! મારો દેહ પડી જાય નહિ તે પહેલાં કૃપા કરીને તુરંત આપનું મંગળકારી દર્શન મને આપો. લિખિતવાન નીલકંઠવર્ણીના જય શ્રીકૃષ્ણ.૩૮
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ રીતે ભક્તિભાવથી પત્ર લખી શ્રીનીલકંઠવર્ણીએ મુક્તાનંદ સ્વામીના હાથમાં અર્પણ કર્યો.૩૯
ત્યારે બુદ્ધિમાન મુક્તાનંદ સ્વામીએ પોતાના પત્રની સાથે નીલકંઠવર્ણીના પત્રને ભેળો કરી કવરમાં બીડી તેમના ઉપરના ભાગમાં ગુરુવર્ય રામાનંદ સ્વામીનું નામ લખ્યું.૪૦
ત્યારપછી મયારામવિપ્રની સાથે તે પત્ર સ્વામી ઉપર ભુજનગર પ્રત્યે મોકલ્યો. કારણ કે મયારામ વિપ્રની ચાલ ઉતાવળી હતી. અને સંતોના કામમાં તે વધુ ઉતાવળી ચાલે ચાલતા તે મયારામ વિપ્ર સાતમે દિવસે ભુજનગર પહોંચ્યા અને ભક્ત ગંગારામ મલ્લને ઘેર વિરાજમાન જગદ્ગુરુ શ્રીરામાનંદ સ્વામીનાં દર્શન કર્યાં.૪૧-૪૨
તે સમયે રામાનંદ સ્વામી કેવા હતા ? તે ભુજનગરના ભક્તજનોને આનંદ ઉપજાવતા હતા, નવીન કમળના પત્રોની સમાન વિશાળ અને કર્ણ સુધી લાંબાં બન્ને નેત્રો શોભી રહ્યાં હતાં. તેમનું શરીર ગૌરવર્ણ હતું. તેમનાં ગાત્રો હૃષ્ટપૃષ્ટ હતાં. તેમનું મુખકમળ ચંદ્રમાની સમાન આહ્લાદ ઉપજાવતું હતું. બન્ને હસ્ત, જાનું પર્યંત લાંબા શોભી રહ્યા હતા. તેમણે બન્ને શ્વેત વસ્ત્રો ધારણ કર્યાં હતાં. ભ્રકુટિઓ ધનુષ્ય જેવી વાંકડી હતી. તેઓ મંદમંદ હાસ્ય કરી રહ્યા હતા. અતિશય પ્રસન્ન મુદ્રામાં હતા. તેમનાં કોમળ બન્ને ચરણ લાલ કમળની સમાન શોભતાં હતાં. આવા પ્રકારની શોભાએ યુક્ત રામાનંદ સ્વામીના શ્રીચરણોમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી મયારામ વિપ્રે મુક્તાનંદ સ્વામીએ આપેલો પત્ર શ્રીસ્વામીના હસ્ત કમળમાં સમર્પણ કર્યો.૪૩
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શ્રીનીલકંઠવર્ણીએ રામાનંદ સ્વામી ઉપર ભુજનગર પત્ર લખ્યાનું નિરૂપણ કર્યું એ નામે ચોપનમો અધ્યાય અધ્યાય પૂર્ણ થયો. --૫૪--