તરંગઃ - ૨૬ - મુક્તાનંદ સ્વામીને શ્રીનીલકંઠ બ્રહ્મચારી લોજપુરમાં મળ્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:07pm

પૂર્વછાયો

હે ભાઈ સુણો સ્નેહધરી, લીલા અમૃતસાર । લોજપુરમાં બાલાયોગી, આવી રહ્યા નિરધાર ।।૧।।

તપવડેથી કૃશછે, શ્રીહરિનું શરીર । નાડી સર્વે ઉઘાડી દિસે, નથી અંગ રુધિર ।।૨।।

નાવા પધારે તે પ્રેમથી, જલાશયે જગઈશ । ચાલતાં નથી સર્ત રેતી, મારગમાં તેણી દીશ ।।૩।।

કંકર કંટક ઠેસ વાગે, તોય પડે ન જીવન । આત્મરૂપમાં વૃત્તિ રાખે, આઠે પહોર નિશદિન ।।૪।।

મુક્તાનંદ સ્વામી આદિને, કેછે વળી વળી વાત । હે સંતો સુણો સત્ય કહું છું, વિવેક ને વિખ્યાત ।।૫।।

 

 

ચોપાઈ

 

જીવ ઈશ્વર માયા ને બ્રહ્મ, પરબ્રહ્મ કૈયે અનુક્રમ । જલબિંદુ હથેલીમાં જેમ, તેવાને હું તો દેખું છું તેમ ।।૬।।

તમારૂં મન જાય છે જ્યાંય, તેને પણ હું દેખુ છું ત્યાંય । એમ કહેછે સામર્થ્યવાન, પણ પોતેતો છે ભગવાન ।।૭।।

તોય પાળે છે ત્યાગ વૈરાગ, નથી માયાનો જેનામાં ભાગ । નજરે જોતા નથી સ્ત્રી માત્ર, નૈષ્ઠિકરૂપે કોેમળગાત્ર ।।૮।।

સ્ત્રીની ગંધ આવે છે જરાય, ઘણે અભાવે દૂર પલાય । મહાસમર્થ વૈરાગવાન, બહુનામી દિસે છે નિદાન ।।૯।।

જેને સારું પદારથ હોય, તેને તુચ્છ કરી જાણે સોય । માયિક જાણી ન કરે સંગ, તીવ્ર વૈરાગ ધર્યો છે અંગ ।।૧૦।।

માયામય પદારથ જેહ, તેનો ત્યાગ જે રાખે છે તેહ । પોતાને નથી બંધન કાંઈ, આતો બીજાને માટે છે ભાઈ ।।૧૧।।

એકાંતિક ભાગવત ધર્મ, તે સ્થાપવા પ્રગટ્યા છે પર્મ । પોતે પાળે છે જે કાંઈ ધર્મ, બીજાને પળાવવો એ મર્મ ।।૧૨।।

પોતે જો ન રાખે એવી રીત, કૈકનાં ભ્રષ્ટ થૈ જાય ચિત્ત । માટે સૌનું કરવા કલ્યાણ, પાળે પળાવે છે તે પ્રમાણ ।।૧૩।।

એમ લોજપુરમાંયે લાલ, રહ્યા છે ભક્તિધર્મના બાળ । મંદિરમાં કોઈ બાઈ નાવે, પ્રતિબંધ બાંધ્યો એવો ભાવે ।।૧૪।।

ત્યારે બોલ્યા મુક્તાનંદ મુનિ, સુણો નીલકંઠ વાત જુની । અમારા ભેગા રહ્યા છોે આપ, માટે અમારાં ભાગ્ય અમાપ ।।૧૫।।

રુડી સ્વામીની આજ્ઞા છે જેહ, આપણે પાળવી પડે તેહ । એમ જાણી થયા સાવધાન, સ્વામી સહિત કરે છે ધ્યાન ।।૧૬।।

એટલામાં આવ્યું એક શ્વાન, શૂર્પ કર્ડવા લાગ્યું નિદાન । ત્યારે સ્વામી ઉઠ્યા તેણી વાર, શ્વાનને કાઢી મુક્યું છે બાર્ય ।।૧૭।।

વળી આવ્યું છે ફરીને તેજ, શ્વાન આવ્યું મંદિરમાં એજ । લાગ્યું કાપવા આવીને એજ, સુખાનંદજી ઉઠ્યા છે તેજ ।।૧૮।।

થોડી મનમાં કરીછે રીશ, શ્વાનને સોટી મારી તે દિસ । કાઢી મુક્યું તેને ફરીવાર, પછે બીજે દિવસે સવાર ।।૧૯।।

બ્રહ્મચારી બોલ્યા છે વચન, વળી સાંભળો હે સ્વામીજન । હોય છે જે સંતગુણાતીત, ધ્યાનમાંથી ચલે નહિ ચિત્ત ।।૨૦।।

ધ્યાનમાંથી ઉઠ્યા નિરધાર, શ્વાનને હાંકી કાઢ્યું છે બાર । પદારથ કે પ્રભુ અધિક, કેમાં માલ વધુ કહો ઠીક ।।૨૧।।

એનો ઉત્તર આપોને આજ, સત્ય વાત કરો મહારાજ । તમોગુણમાંથી ક્રોધ થાય, ત્યારે તે ધ્યાનમાંથી ઉઠાય ।।૨૨।।

ત્યારે સ્વામી બોલ્યા છે વચન, તમે સુણો શ્રીપ્રાણજીવન । હે બ્રહ્મચારીજી ગુરુતુલ્ય, આપે સુધારી અમારી ભુલ્ય ।।૨૩।।

એવું સુણીને પ્રભુ અમાપ, અતિ પ્રસન્ન થયા છે આપ । અંતર્યામીપણે દર્શન, પોતાને થયાં છે તેે નવીન ।।૨૪।।

તોય સ્વામીની આજ્ઞા પ્રમાણ, વર્તે જાુક્તીયે જીવનપ્રાણ । ભુલ પડે જો કોઈની જોય, બોલ્યા વિના રહે નહી સોય ।।૨૫।।

ઘાટ સંકલ્પ કોઈને થાય, તેને જાણી લે છે સાક્ષી ન્યાય । વિસ્તારીને કરે છે તે વાત, સમઝાવે છે ભૂધરભ્રાત ।।૨૬।।

કર્યાં છે પ્રભુનાં દર્શન, કેમ જોડાતું નથી ત્યાં મન । અમે નથી કર્યાં દરશન, તોય સ્થિર છે અમારું મન ।।૨૭।।

એમ કહી સમઝાવે નાથ, સહુ સંતજનોને એ ગાથ । પોતે સર્વનિયંતા પ્રમાણ, કરે માનુષ નાટક જાણ ।।૨૮।।

મુમુક્ષુનાં કરવા કલ્યાણ, લીલા કરેછે સારંગપાણ । કરે માનુષલીલા સમાન, ધારી લીધા છે શ્રીભગવાન ।।૨૯।।

મુક્તાનંદ સ્વામીને કે નિત, તમે સુણો કરીને કે પ્રીત । શ્રીરામાનંદ સ્વામી પાવન, તેમનાં કરાવો દર્શન ।।૩૦।।

ત્યાર પછી આપણે બે સંગ, આજ્ઞા માગીને જાશું ઉમંગ । જાશું વનમાં ધારી વૈરાગ, નિશ્ચે માની લેજ્યો મહાભાગ ।।૩૧।।

બેસશો ધ્યાનમાં તમે જ્યાંય, રાખીશું અમે સંભાળ ત્યાંય । વળી અમે જો કરીયે ધ્યાન, તમે સંભાળ રાખો નિદાન ।।૩૨।।

અમને ગમે છે વનવાસ, ઘરેથી છે અમારો અભ્યાસ । મોટાં મોટાં ભયંકર વન, મહા વિકટ ગીરિ ગહન ।।૩૩।।

તેમાં હમેશ ધરતા ધ્યાન, નિર્ભે થૈને ફરતા નિદાન । હજારો હાથી સિંહાદિ જંત, ચમરી ગાયો જ્યાં બળવંત ।।૩૪।।

એવાં જીવ જંતુ વાળાં વન, અમે ઘણાં કર્યાં છે સેવન । રેતા ઘોરગહ્વરની માંય, શીત ઉષ્ણ વર્ષા સહી ત્યાંય ।।૩૫।।

માટે વનમાં રેવું સુગમ, પણ વસ્તીમાં રેવું આગમ । વિસ્તારીને કે છે એવી વાત, મુક્તાનંદ સ્વામીને સાક્ષાત ।।૩૬।।

સ્વામીને વૃદ્ધિ પામ્યો વૈરાગ, પામ્યા આનંદ તે સદ્ભાગ્ય । વળી વિચારે છે મનમાંય, સાથે ભેગા જૈયે વન જ્યાંય ।।૩૭।।

રૈયે બાલાયોગી સનમુખ, તો ઘણું સારું પામીયે સુખ । બોલ્યા વાણી નીલકંઠ સ્વામી, મુક્તમુનિ પ્રત્યે બહુનામી ।।૩૮।।

મોટા સિદ્ધ તપસ્વી ને રાય, તેના સંગે રહ્યા સુખદાય । પણ સાચા જે સંત પ્રમાણ, જાણે નિર્મળ રૂપ કલ્યાણ ।।૩૯।।

 એવા તો સંત છે આણે સ્થાન, અમે નજરે દેખ્યા નિદાન । બીજે તો દંભને અહંકાર, રહ્યાછે તે જોયું ઠારોઠાર ।।૪૦।।

જે કોઈ હશે મુમુક્ષુ જન, તેતો આંહિ આવ્યા છે પાવન । નૈ તો આવશે હવે અનંત, જેને સત્સંગ વાલો છે સંત ।।૪૧।।

મુમુક્ષુને ભક્તિ ઉપર પ્રીત, રહે અખંડ તેમાં જ ચિત્ત । સત્સંગછે મોક્ષનું મૂળ, વળી કલ્યાણનું પણ કુળ ।।૪૨।।

મત પંથ ઘણા જોયા દ્રષ્ટ, દોષ ભરેલા દેખાયા સ્પષ્ટ । એમ ઘણી કરી છે ત્યાં વાત, સંત સર્વે થયા રળિયાત ।।૪૩।।

નિત્ય વાત કરે છે નવીન, એમ વીતી ગયા ઘણા દિન । મુક્તાનંદસ્વામીયે તે વાર, કર્યો છે પછી મન વિચાર ।।૪૪।।

મારા ગુરુનાં દર્શન સાર, કરવા ઇચ્છે આ બ્રહ્મચાર । માટે સ્વામીને લખવો પત્ર, જે વર્ણિરાજ આવ્યા છે અત્ર ।।૪૫।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે મુક્તાનંદ સ્વામીને શ્રીનીલકંઠ બ્રહ્મચારી લોજપુરમાં મળ્યા એ નામે છવિસમો તરંગઃ ।।૨૬।।