ગઢડા પ્રથમ – ૧૦. કૃતઘ્નીનું, સેવકરામનું
સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૩ તેરસને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે વેંકટાદ્રિથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો તે શ્રીમદ્ભાગવતાદિક પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતાં માંદો પડયો, તેની પાસે રૂપિયા હજારની સોનામહોરો હતી, પણ ચાકરીનો કરનારો કોઇ નહિ માટે રોવા લાગ્યો, પછી તેને અમે કહ્યું જે, ‘કાંઇ ચિંતા રાખશોમાં, તમારી ચાકરી અમે કરીશું.’ પછી ગામને બહાર એક કેળાંની ફુલવાડી હતી તેમાં એક વડનો વૃક્ષ હતો તે વડના વૃક્ષને વિષે હજાર ભૂત રહેતાં હતાં. પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહિ અને અતિશય માંદો થયો, તે ઉપર અમને અતિશે દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળનાં પત્ર લાવીને હાથ એક ઉચી પથારી કરી આપી અને તે સાધુને લોહિખંડ પેટબેસણું હતું. તેને અમે ધોતા અને ચાકરી કરતા અને તે સાધુ. પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપીયા આપીને મંગાવતો તે અમો લાવીને રાંધી ખવરાવતા. અને અમો વસ્તીમાં જઈને જમી આવતા અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહિ ત્યારે અમારે ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહિ જે ‘અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ બે માસે કાંઇક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા, ત્યારે તેનો ભાર મણ એક હતો તે અમારી પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઇને ચાલતો અને દેહે પણ સાજો અને એક શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો, તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે “ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહિ” માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા, એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કયર્ો પણ, તે સાધુએ અમને એક પૈસાભાર અન્ન આપયું નહિ, પછી અમે તેને કૃતઘ્ની જાણીને તેના સંગનો ત્યાગ કર્યો, એવી રીતે જે મનુષ્ય કર્યા કૃતને ન જાણે તેને કૃતઘ્ની જાણવો અને કોઇક મનુષ્યે કાંઇક પાપ કર્યુઁ અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્વિત કર્યુઁ અને વળી તેને તે પાપે યુકત કહે, તેને પણ કૃતઘ્ની જેવો પાપી જાણવો. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૧૦||
તા-૨૯/૧૧/૧૮૧૯ સોમવાર