સારંગપુર ૧૭ : મુકતના ભેદનું-આંબલીની ડાળીનું
સંવત્ ૧૮૭૭ના ભાદરવા સુદિ ૬ છઠને દિવસ સંઘ્યા સમે શ્રીજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે, તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપે માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના સાક્ષી જાણે અને જ્યારે પોતાને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાસે છે, પછી જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજતો જાય અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંધાથે ચોટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દૃઢ થતી જાય, ત્યાં દૃષ્ટાંત છે જેમ સમુદ્ર છે તેને વિષે કીડી પણ જઇને પાણી પીવે અને ચકલું પણ પીવે ને મનુષ્ય, પશુ, ધોડા, હાથી તથા મોટા મોટા મગર, મત્સ્ય એ સર્વે સમુદ્રનું જળ પીને બળીયા થાય છે પણ સમુદ્ર લેશમાત્ર ઓછો થતો નથી, અને જે જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે છે, વળી બીજું દૃષ્ટાંત છે- જેમ આકાશ છે તેને વિષે મચ્છર ઉડે ને ચકલું ઉડે ને સમળા ઉડે ને સીચાણો પણ ઉડે ને અનળ પક્ષીપણ ઉડે ને ગરૂડ પણ ઉડે તો પણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહેછે, અને જેને પાંખને વિષે વધુ બળ હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે. અને પોતાને વિષે ન્યૂનપણું સમજતો જાય છે, તેમ મરીચ્યાદિક પ્રજાપતિની પેઠે અલ્પ ઉપાસનાવાળા ભક્ત તો મચ્છર જેવા છે અને બ્રહ્માદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ચકલાં જેવા છે. અને વિરાટપુરૂષાદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સમળા જેવા છે. અને પ્રધાનપુરૂષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સીચાણા જેવા છે. અને શુદ્ધ પ્રકૃતિ-પુરૂષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો અનળ પક્ષી જેવા છે. અને અક્ષરધામમાં રહેનારા અક્ષરમુક્ત તેની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ગરૂડ જેવા છે. અને એ સર્વે ભક્ત જેમ જેમ વધુ વધુ સામર્થિને પામ્યા છે તેમ તેમ ભગવાનનો મહિમા વધુ વધુ જાણતા ગયા છે, અને જેમ જેમ વધુ સામર્થિને પામતા ગયા તેમ તેમ ભગવાનને વિષે સ્વામી-સેવકપણાનો ભાવ પણ અતિ દૃઢ થતો ગયો છે. અને જ્યારે ભજનનો કરનારો જીવરૂપે હતો, ત્યારે એ જીવમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો, પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતાં કરતાં આવરણ ટળતું ગયું તેમ તેમ દીવા જેવો થયો, પછી દાવાનળ જેવો થયો, પછી વીજળી જેવો થયો, પછી ચન્દ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો, એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો અને સામર્થિ પણ વૃદ્ધિને પામી અને સુખ પણ વૃદ્ધિને પામ્યું. એવી રીતે ખદ્યોતથી કરીને મહાતેજ પર્યંત આદ્ય, મઘ્ય, અને અંત જે ભેદ કહ્યા તે સર્વે મુક્તના ભેદ છે, તે જેમ જેમ અધિક સ્થ્િાતિને પામતા ગયા ને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું.” એમ કહીને શ્રીજી મહારાજ જયસચ્ચિદાનંદ કહીને ઉઠયા, પછી આંબલીની ડાળખીને ઝાલીને ઉગમણે મુખારવિંદે ઉભા રહ્યા થકા બોલ્યા જે, ”જેમ પુનમના ચંદ્રમાનું મંડળ હોય તે અહીંથી તો નાની થાળી જેવું દેખાય છે પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય પછી અતિશે ઢુંકડો જાય ત્યારે તો દ્રષ્ટિ પણ પહાંચી શકે નહિ એવું મોટું જણાય, તેમ માયારૂપી અંતરાય ટળીને જેમ જેમ ભગવાનને ઢુંકડું થવાય છે તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટપ જણાતી જાય છે અને ભગવાનને વિષે દાસપણું પણ અતિદૃઢ થતું જાય છે. ઇતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૧૭||૯૫||