પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૦૭
દોહા -
વળતા મુનિ બોલિયા, શું શું ધરાવિએ વ્રતમાન ।
કયી પેર્યે ભજન કરાવિએ, કયી પેર્યે ધરાવિએ ધ્યાન ।।૧।।
કેવિ રીતે અમે વરતિએ, કેવો રાખીએ વળિ વેષ ।
કેવી રીતે વાત કરીએ, કેવો આપીએ ઊપદેશ ।।૨।।
જગમાં જે જિજ્ઞાસુ જન, નર નારી હશે અપાર ।
કે’શું નરને કલ્યાણનું, નહિ કહિએ નારીને નિરધાર ।।૩।।
મુકતને માનિની મળિ, વળિ કરે પરસ્પર વાત ।
દર્શ સ્પર્શ દારા હાસ્યથી, થાય નરને જ્ઞાનની ઘાત ।।૪।।
ચોપાઈ -
માટે નર આગે નિરધારરે, કે’શું વાત કરી અતિ પ્યારરે ।
પુરૂષ પ્રમોદશું બહુ પેરરે, ફરી દેશોદેશ ગ્રામ શહેરરે ।।૫।।
રુડો રહસ્ય પુરૂષને કે’શું રે, દારા સંગ થકી દૂર રે’શુંરે ।
આજ મોર્યની અમે સાંભળિરે, ખાધી મોટે મોટે ખોટ વળિરે ।।૬।।
બ્રહ્મા ભુલ્યા તનયા તન જોઈરે, તેણે ખરી લાજ વળી ખોઈરે ।
શિવ મોહિની જોઈ મન મોહ્યુંરે, તેણે જોગકળા બળ ખોયુંરે ।।૭।।
ઈંદ્ર અહલ્યા રૂપ નિહાળીરે, થયો ભ્રષ્ટ હતો ભાગ્યશાળીરે ।
જોઈ મોહિની રૂપને અસુરરે, નેણે વેણે થયા ચકચુરરે ।।૮।।
પરાશર ઋષિ તપોધનરે, મોહ્યા મત્સ્યગંધા જોઈ મનરે ।
એકલશ્રુંગી વસે વનમાંઈરે, જેને ભામિની ભાન ન કાંઈરે ।।૯।।
દેખી સુંદરીને દિલે ડૂલ્યારે, જેણે જ્ઞાન ધ્યાન નિ’મ ભૂલ્યારે ।
ઋષિ સૌભરિ શફરી સંગરે, જોઈ તર્ત વ્રત કર્યું ભંગરે ।।૧૦।।
નારદ પર્વતે નિરખી સુંદરીરે, ઈચ્છા બેઊએ વરવા કરીરે ।
દેવગુરુ ભૂલ્યા દિશ પોતેરે, નિજ અનુજવધૂ રુપ જોતેરે ।।૧૧।।
યયાતિ સુંદરી સુખ આશરે, માગ્યું જોબન પુત્રને પાસરે ।
આગ્નિધ્ર ને દીર્ઘતમા જેવારે, એહ આદ્ય બીજા કઇ એવારે ।।૧૨।।
નર અમર નારીને સંગેરે, કોય રહ્યા નહિ શુદ્ધ અંગેરે ।
જોગી જતિ તપસી સંન્યાસીરે, વનવાસી નિરાશી ઊદાસીરે ।।૧૩।।
ડાહ્યા શાણા ચતુર સુજાણરે, કવિ કોવિદ નારીના વેચાણરે ।
ભટ પંડિત પ્રવીણ પુરાણીરે, જેની સુધા સમાન છે વાણીરે ।।૧૪।।
હોય જશ જગતમાં જેનોરે, નારી ન મળી ત્યાં લગી તેનોરે ।
ઋષીશ્વર મુનીશ્વર મનેરે, ડરી વનિતાથી વસે વનેરે ।।૧૫।।
જાણે એનો સંગ છે એવો રે, ભારે હેડ્યબેડી બન્ધ જેવો રે ।
માટે એથી ઊગારી લેજોરે, બિજું કેવું ઘટે તે સુખે કે’જોરે ।।૧૬।।
નથી એવું કઠણ કાંઈ કામ રે, તમે કો’ને ન થાય ઘનશ્યામરે ।
જેજે કહો તેતે અમે કરીયેરે, સર્વે વચન શિશપર ધરિયેરે ।।૧૭।।
તન મનના સુખને ત્યાગીરે, રે’શું વચનમાં અનુરાગીરે ।
જેહ અર્થે મોકલ્યા છે આંઈરે, તેમાં કસર ન રાખીએ કાંઈરે ।।૧૮।।
પણ અરજી કરી તમને અમેરે, દીલ ધારજો દીનબંધુ તમેરે ।
અમે કહ્યો તે અમારો આશેરે, મારા પ્રાણપતિ તમ પાસેરે ।।૧૯।।
એમ બોલ્યા મુનિ સહુ મળિરે, લીધું સર્વે પ્રભુએ સાંભળીરે ।
પછી હસિ બોલ્યા અવિનાશરે, ધન્ય નિરમોહી મારા દાસરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે સપ્તમઃ પ્રકારઃ ।।૭।।