અધ્યાય ૩
શ્રીકૃષ્ણનો જન્મ અને તેમનું ગોકુળમાં પધારવું.
શુકદેવજી કહે છે પછી જયારે સઘળા શુભગુણોવાળો અને અત્યંત સુંદર સમય આવ્યો, ચંદ્રમા રોહિણી નક્ષત્રમાં આવ્યો, નક્ષત્ર, ગ્રહ અને તારાઓ અનુકૂળ હતા, દિશાઓ સ્વચ્છ થઇ, આકાશ નિર્મળ થયું, નક્ષત્રો નિર્મળ રીતે ઊગ્યાં, પૃથ્વીમાં રાજધાનીઓ, ગામડાં, વ્રજ અને ખાણ્યોમાં મંગળ વરતી રહ્યું, નદીઓનાં જળ સ્વચ્છ થઇ ગયાં, જળાશયોમાં કમળ ખીલવાની શોભા થઇ, વનરાજિઓના પુષ્પના ગુચ્છોમાં પક્ષીઓ અને ભમરાઓ નાદ કરવા લાગ્યા, શીત, મંદ અને સુગંધી પવન વાવા લાગ્યો, દ્વિજ લોકોના અગ્નિઓ શાંત ભરેલા હતા તે સારી રીતે પ્રદીપ્ત થયા, કંસાદિક વિના બીજાં સઘળાં પ્રાણીઓ અને દેવતાઓનાં મન પ્રસન્ન થયાં, સ્વર્ગમાં ઇશ્વરના અવતારને સૂચવનારાં દુંદુભિ વાગવા લાગ્યાં, કિન્નર અને ગાંધર્વો ગાવા લાગ્યા, સિદ્ધ અને ચારણો સ્તુતિ કરવા લાગ્યા, વિદ્યાધરની સ્ત્રીઓ અને અપ્સરાઓ નાચવા લાગી, મુનિઓ અને દેવતાઓ આનંદથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, સમુદ્રની પછવાડે મેઘ મંદમંદ ગર્જના કરવા લાગ્યો અને ઘાટા અંધારાવાળા મધરાતના સમયમાં માણસોની હરફર બંધ પડી ગઇ, ત્યારે પૂર્વદિશાથી જેમ સંપૂર્ણ ચંદ્રમા પ્રકટ થાય તેમ દેવતારૂપી દેવકીથી સર્વના અંતર્યામી ભગવાન મનુષ્યરૂપે પ્રકટ થયા. ૧-૮ એ અદ્ભુત બાળકને વસુદેવે દીઠા. એ બાળકનાં કમળની સમાન નેત્રો હતાં, ભુજા ચાર હતી, શંખ, ચક્ર, ગદા અને પદ્મરૂપી આયુધો ધર્યાં હતાં, શ્રીવત્સનું ચિહ્ન દેખાતું હતું કૌસ્તુભમણિ શોભતો હતો, પીળાં વસ્ત્ર ધર્યાં હતાં, ઘાટા મેઘના સરખી કાંતિ હતી, અમૂલ્ય વૈદૂર્યમણિથી જડેલા મુગટ અને કુંડળોની કાંતિથી અનેક કેશ ઝળકી રહ્યા હતા અને અતિ ઉત્તમ કટિમેખળા, બાજુબંધ અને કંકણાદિક શોભી રહ્યાં હતાં. ૯-૧૦ પોતાના પુત્રરૂપે અવતરેલા ભગવાનને જોઇ તેમના અવતારના ઉત્સવના સંભ્રમમાં પડેલા અને વિસ્મયથી જેનાં નેત્ર પ્રફુલ્લિત થઇ ગયાં છે, એવા વસુદેવે તે સમયમાં સ્નાન કરીને દશ હજાર ગાયોનું દાન કરવાનો સંકલ્પ કર્યો. ૧૧ હે રાજા ! પોતાના પુત્રની કાંતિથી સુવાવડનું ઘર સઘળું શોભી રહ્યું હતું, પોતાના પુત્રને પરમ પુરુષ વિષ્ણુ જાણીને તેમના પ્રભાવને જાણતા અને શુદ્ધ બુદ્ધિવાળા વસુદેવે પોતાનું શરીર નમાવી તથા હાથ જોડી નિર્ભય થઇને તેમની આ પ્રમાણે સ્તુતિ કરી. ૧૨ વસુદેવ સ્તુતિ કરે છે કેવળ અનુભવ અને આનંદ જેનું સ્વરૂપ છે એવા, સર્વ બુદ્ધિઓના સાક્ષી અને પ્રકૃતિથી પર પુરુષાકૃતિ એવા જે પરમાત્મા વેદોમાં વર્ણવેલા છે, તે સાક્ષાત્ તમો જ છો એમ હું જાણું છું. ૧૩ સર્વની બુદ્ધિના સાક્ષી એવા તમો જ સૃષ્ટિ સમયે દેવ, મનુષ્ય, પશુ, પક્ષી એ આદિક આ સંપૂર્ણ વિશ્વને સર્જીને તેના કર્મ પ્રમાણે ન્યૂનાધિક ફળ આપવા માટે તમો તમારી અંતર્યામી શક્તિથી જ અનુપ્રવેશીને રહેલા છો, પણ મૂર્તરૂપે પ્રવેશીને રહેલા નથી. મૂર્તરૂપે તો તમારા બ્રહ્મપુર ધામમાં રહ્યા છો. આ પ્રમાણે અમો તમોને જાણીએ છીએ. ૧૪ જેવી રીતે મહત્તત્ત્વથી આરંભીને પૃથ્વી પર્યંતના સર્વે વિકારી તત્ત્વો પોતપોતાના સ્વરૂપે કરીને પૃથક્ રહ્યાં થકાં જ મનુષ્યાદિ સર્વેના દેહોને વિષે પોતપોતાના અંશથી પ્રવેશ કરીને રહેલાં છે. એજ રીતે પરમાત્મા એવા તમો પણ સ્વસ્વરૂપે કરીને તો તમારા ધામમાં રહ્યા થકા જ તમારી અંતર્યામી શક્તિથી જગતમાં પ્રવેશ કરીને રહેલા છો, એમ અમો જાણીએ છીએ. અને વળી જેમ ભિન્ન ભિન્ન જેની શક્તિઓ છે, એવાં મહત્તત્ત્વ, અહંકાર અને પંચતન્માત્રાઓરૂપી પ્રકૃતિનાં સાત વિકારાત્મક તત્ત્વો જયાં સુધી પૃથક્ભૂત હોય ત્યાં સુધી કોઇ પણ કાર્ય કરી શકતાં નથી. તેથી એ સાત તત્ત્વો જયારે સ્થૂળ પંચભૂતો અને અગિયાર ઇન્દ્રિયોરૂપી સોળ વિકારોની સાથે મળે છે ત્યારે જ બ્રહ્માંડરૂપી વૈરાજપુરુષના શરીરને ઉત્પન્ન કરી શકે છે. અને બ્રહ્માંડરૂપી વૈરાજપુરુષના શરીરને ઉત્પન્ન કરીને એ સર્વે તત્ત્વો બ્રહ્માંડમાં પ્રવેશ કરીને રહેલાં હોય એમ જણાય છે, છતાં એ તત્ત્વો પ્રવેશ કરીને રહેલાં નથી. કારણ કે કાર્યની ઉત્પત્તિથી પહેલાં પણ તત્ત્વો સર્વત્ર વિદ્યમાન હતાં, તેથી તત્ત્વોનો જેમ બ્રહ્માંડમાં પ્રવેશ ઘટી શકતો નથી. તેમ હે પ્રભુ ! તમો પણ અંતર્યામી શક્તિથી સર્વત્ર વિદ્યમાન હોવાથી આ દેવકીના ઉદરમાં તમારો પ્રવેશ ઘટતો નથી.
અને વળી જેમ ઉત્પન્ન થયેલાં કાર્યોમાં આ તત્ત્વો ઉત્પન્ન થતાં નથી. કારણ કે કાર્યની ઉત્પત્તિથી પહેલાં જ તત્ત્વો વિદ્યમાન હતાં. જે વસ્તુ વિદ્યમાન ન હોય અને વિદ્યમાન બને તેને ઉત્પન્ન થયેલી કહેવામાં આવે છે. પણ તત્ત્વો તો પૂર્વથી જ વિદ્યમાન હોવાથી જેમ તત્ત્વોની ઉત્પત્તિ ઘટી શકે નહિ. તેમ હે પ્રભુ ! દેવકી થકી તમારી ઉત્પત્તિ ઘટી શકે નહિ, કારણ કે તમો સર્વદા સ્વતંત્ર વિદ્યમાન જ છો. ૧૫-૧૬ અને વળી જે રૂપ રસાદિકને ગ્રહણ કરે તેને કહેવાય ઇન્દ્રિયો. આ પ્રમાણે બુદ્ધિથી અનુમાન કરવા યોગ્ય છે સ્વરૂપ જેમનું, એવી ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવા
યોગ્ય દેવ મનુષ્યાદિક પદાર્થોની સાથે તમારું ગ્રહણ કરી શકાતું નથી.
જેમ કે અત્યારે તમો ઇન્દ્રિયોથી ગ્રહણ કરવા યોગ્ય મનુષ્યરૂપે રહેલા છો છતાં પણ ‘‘આ સાક્ષાત્ પુરુષોત્તમ ભગવાન છે’’ આ પ્રમાણે અજ્ઞાની મનુષ્યો પોતાની ઇન્દ્રિયો વડે તમોને ગ્રહણ કરી શકતા નથી. તે જ રીતે તમો દેવ મનુષ્યાદિક સર્વે વસ્તુઓમાં અંતર્યામીરૂપે વ્યાપ્ત હોવા છતાં પણ પુરુષોની ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરાતી દેવમનુષ્યાદિક વસ્તુઓની સાથે તમારું ગ્રહણ થઇ શકતું નથી. અને વળી સમગ્ર ચેતન અને અચેતનથી વિશિષ્ટ એવા જે તમો, સર્વપ્રકારે પ્રકૃતિના આવરણથી રહિત હોવાથી તમારે વિષે બહાર અને અંદરપણાનો ભેદ ઘટી શકે જ નહિ. જે પ્રથમ પ્રકૃતિની બહાર હોય અને પછી જો અંદર પ્રવેશે તો જ અંદરપણાનો ભેદ ઘટી શકે. અથવા તો પ્રથમ જે અંદર હોય અને જો બહાર નીકળે તો જ બાહ્યપણાનો ભેદ ઘટી શકે. પણ હે પ્રભુ ! તમો તો સર્વદા સર્વત્ર વ્યાપક હોવા છતાં પણ તેના આવરણથી રહિત છો. તેથી દેવકીના ઉદરમાં પ્રવેશવું અને બહાર નીકળવું આવો બાહ્ય અને આભ્યન્તરપણાનો ભેદ તમારી અંદર ઘટી શકે નહિ. ૧૭ હે પ્રભુ ! કાળ, માયા, પુરુષ અને મહદાદિક આ સર્વે દૃશ્ય તત્ત્વો તમારા અનુપ્રવેશ વિના કેવળ સ્વતંત્રપણે આ જગતની સૃષ્ટિ આદિકમાં સમર્થ છે. આ પ્રમાણે જે પુરુષો નિશ્ચય કરે છે, તે પુરુષો મૂર્ખ છે. અને તેના નિશ્ચયો અને વિચારો કેવળ અનુવાદ માત્ર હોય છે, પણ તેમાં કોઇ તથ્ય હોતું નથી. અને વળી ભગવાનના અનુપ્રવેશ વિના કેવળ સ્વતંત્ર પણે કાળ, માયા, પુરુષ અને મહદાદિક તત્ત્વોરૂપી આ સર્વે દૃશ્યપદાર્થો જગતની સૃષ્ટિ આદિકને કરવામાં સમર્થ છે, આવા વિચારોને નારદાદિક મર્હિષઓએ ત્યજી દીધેલા છે. તેને જે પુરુષો ગ્રહણ કરે તે પુરુષો તો મહામૂર્ખ જ કહેવાય છે. ૧૮ અને હે પ્રભુ ! તમો અક્રિય છો. અર્થાત્ સંકલ્પ સિવાય તમામ વ્યાપારોથી રહિત છો. સત્ત્વાદિક પ્રાકૃત ગુણોથી રહિત છો, કામક્રોધાદિક વિકારોથી રહિત છો, છતાં પણ તમારા થકી જ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. આ પ્રમાણે વેદો પ્રતિપાદન કરે છે. જો કે તમો પ્રાકૃતગુણોથી રહિત નિર્ગુણ છો છતાં, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, બૃહત્વ ઇત્યાદિક અનેક કલ્યાણકારી ગુણોથી યુક્ત છો, સર્વના નિયામક છો. તેથી જગતનું ઉપાદાન કારણપણું, નિમિત્તકારણપણું એ આદિક ધર્મો તમારે વિષે વિરોધને પામતા નથી. (શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે હું તો પરમદયાળુ છું, તેથી મારે વિષે સૃષ્ટિપ્રલયાદિક ઘોર કર્મ કેવી રીતે સંભવી શકે ?)તેના ઉત્તરમાં કહે છે કે- જેમ કોઇ રાજાના ચાકરે કરેલા કાર્યનો રાજામાં આરોપ કરવામાં આવે છે. તેમ ગુણાભિમાની બ્રહ્માદિક દેવતાઓ તમારો આશ્રય રાખીને જ તમારી આપેલી શક્તિથી સૃષ્ટિ આદિક કાર્યને કરે છે. તેથી તમારે વિષે કર્તાપણાનો આરોપ કરવામાં આવે છે. પણ હે પ્રભુ ! તમો તો સંકલ્પ સિવાય તમામ વ્યાપારોથી રહિત છો, તેથી અક્રિય છો અને તમારો સંકલ્પ પણ જીવોના કર્માનુસારે હોય છે. તેથી વિષમપણું આદિક ઘોર કર્મનો તમોને લેપ લાગતો નથી. ૧૯ અને વળી હે પ્રભુ ! તમો તમારી ઇચ્છા શક્તિથી ત્રિલોકીની સ્થિતિને માટે સત્ત્વગુણપ્રધાન પ્રદ્યુમ્નસ્વરૂપને ધારણ કરો છો અને ત્રિલોકીની ઉત્પત્તિને માટે રજોગુણપ્રધાન અનિરુદ્ધસ્વરૂપને ધારણ કરો છો અને ત્રિલોકીના નાશને માટે તમોગુણપ્રધાન સંકર્ષણસ્વરૂપને ધારણ કરો છો. ૨૦ હે સર્વેશ્વર ! તે આપ આ જગતની રક્ષા
કરવાની ઇચ્છાથી મારા ઘરમાં અવતર્યા છો, તેથી ‘રાજા’ એવું નામ ધરાવનાર કરોડો દૈત્યોના યૂથપતિઓએ ચલાવાતી સેનાઓને મારશો. ૨૧ હે દેવતાઓના ઇશ્વર ! આ દુષ્ટ કંસે અમારા ઘરમાં તમારો જન્મ થવાનું ભવિષ્ય સાંભળીને તમારા મોટા ભાઇઓને મારી નાખ્યા છે અને તે હમણાં જ પોતાના માણસોના કહેવાથી આપનો અવતાર થયેલો સાંભળી હથિયાર ઉપાડીને આવતો હશે. ૨૨ શુકદેવજી કહે છે પછી મહાપુરુષના લક્ષણવાળા એ પુત્રને જોઇને કંસથી ભય પામેલાં દેવકીજીએ ભગવાનની સ્તુતિ કરી.૨૩ હે પ્રભુ ! પ્રકૃતિપુરુષથી વિલક્ષણ એવું જે તમારું સ્વરૂપ છે તેને વેદાન્તો અવ્યક્ત કહે છે આદિકારણ કહે છે, બ્રહ્મ કહે છે, સ્વયંપ્રકાશ કહે છે, નિર્ગુણ કહે છે, સત્તામાત્ર કહે છે, ર્નિવિકાર કહે છે, ર્નિવિશેષ કહે છે, નિરીહ કહે છે, (અર્થાત્ પુણ્યપાપરૂપ વ્યાપારથી રહિત કહે છે.) અને અક્ષરપુરુષાદિ સમગ્ર ચેતનોને વિષે દીવાની સમાન પ્રકાશક કહે છે, આવા જે વિષ્ણુ છે, તે સાક્ષાત્ તમો જ છો. ૨૪ હે પ્રભુ ! બ્રહ્માની દ્વિપરાર્ધની
આયુષ્યને અંતે જયારે આ બ્રહ્માંડનો નાશ થાય છે, ત્યારે પૃથ્વી આદિક પંચ મહાભૂતો, આદિ કારણ એવા અહંકારને વિષે લય પામે છે. અને અહંકાર જયારે મહત્તત્ત્વને વિષે લય પામે છે. અને મહત્તત્ત્વ જયારે પ્રકૃતિને વિષે લય પામે છે. અને પ્રકૃતિ જયારે પુરુષને વિષે લય પામે છે. ત્યારે તમો એક જ રહેલા હો છો, તેથી તમોને શેષ આવા નામથી કહે છે. ૨૫ હે પ્રકૃતિને પ્રવર્તાવનાર ! આ મોટો કાળ કે જેના આદિમાં નિમેષ છે અને અંતમાં વર્ષ છે તથા જેની આવૃત્તિથી જગતની આવૃત્તિઓ થાય છે તે કાળ તો આપની લીલારૂપ કહેવાય છે, માટે અભયના
સ્થાનકરૂપ આપને હું શરણે આવી છું. ૨૬ હે આદિપુરુષ ! જન્મમરણરૂપી સંસૃતિને ભોગવનારો પુરુષ મૃત્યરૂપી મહાસર્પના ભયને પામીને, એ ભયના નિવારણને માટે સર્વત્ર દોડે છે, અર્થાત્ સર્વે ઉપાયોને કરે છે. કોઇપણ જગ્યાએ જયારે ભય નિવૃત્તિ પામતો નથી. ત્યારે કોઇ ભાગ્યવશાત્ તમારા ચરણકમળનો આશ્રય કરે છે, ત્યારે જ મૃત્યુરૂપી મહાસર્પના ભયથી રહિત થાય છે. અને બ્રહ્મપદને પામે છે. ૨૭ હે પ્રભુ ! આ પ્રમાણે તમો સર્વપ્રકારે કલ્યાણના સ્થાનરૂપ છો. માટે ઘોર એવા કંસ થકી ભયને પામેલા એવા જે અમો, તે અમારું રક્ષણ કરો. કારણ કે તમો શરણે આવેલાના ભયને હરણ કરનારા છો. અને વળી હે પ્રભુ ! પરમપુરુષપણાને સૂચવનારું, યોગીઓને ધ્યાનના સ્થાનરૂપ એવું આ તમારું દિવ્યસ્વરૂપ અમારા જેવા ચર્મચક્ષુવાળાઓની આગળ પ્રગટ કરશો નહિ. ૨૮ હે વિષ્ણુ ! એ પાપી કંસ મારા શરીરથી આપનો જન્મ થયાનું ન જાણો, કેમકે અધીર ચિત્તવાળી હું આપના લીધે જ કંસથી ઉદ્વેગ પામુંછું. ૨૯ હે જગદાત્મા !
શંખ, ચક્ર, ગદા તથા પદ્મની શોભાવાળું અને ચાર ભુજાવાળું આ અલૌકિક રૂપ શમાવો. ૩૦ હે જગદાત્મા ! આ સંપૂર્ણ જગતને પ્રલયકાળને અંતે અર્થાત્ સૃષ્ટિકાળમાં નાભિકમળને વિષે ધારણ કરો છો. છતાં પુષ્કળ અવકાશ રહે છે. આવા મહાન તમો જ મારા ગર્ભરૂપે થયા છો. એ તો સર્વે જનોને માટે મહાન આશ્ચર્યરૂપ છે. અર્થાત્ લોકો હાંસી કરે એમ છે. માટે આ તમારા દિવ્યસ્વરૂપને તમો સંકેલી લ્યો. ૩૧
શ્રીભગવાન કહે છે- હે સતી ! તમેજ પૂર્વજન્મમાં સ્વાયંભુવ મન્વંતરમાં પૃશ્નિ નામે હતાં અને ત્યારે આ વસુદેવ સુતપા નામે નિર્દોષ પ્રજાપતિ હતા. ૩૨ પ્રજાની સૃષ્ટિ કરવા સારું બ્રહ્માએ જયારે તમને આજ્ઞા કરી, ત્યારે તમે બન્ને ઇન્દ્રિયોને નિયમમાં રાખીને મોટું તપ કરવા લાગ્યાં હતાં. ૩૩ વરસાદ, વાયુ, તડકો અને ગરમીરૂપી કાળના ગુણોને સહન કરતાં હતાં. પ્રાણાયામ કરવાથી મનના મેલને ધોઇ નાખ્યા હતા. ૩૪ ખરી પડેલાં પાંદડાં અને પવનનો આહાર કરી રહેલાં હતાં અને મારી પાસેથી વર મેળવવાની ઇચ્છાને લીધે શાંત ચિત્તથી મારું આરાધન
કરતાં હતાં. ૩૫ આ પ્રમાણે મારામાં ચિત્ત રાખી, તીવ્ર અને અત્યંત દુષ્કર તપ કરતાં તમો બન્નેને દેવતાઓના બારહજાર વર્ષ વીતી ગયાં. ૩૬ તે સમયે તપ, શ્રદ્ધા અને નિરંતર ભક્તિથી હૃદયમાં ધ્યાન કરાયેલો અને વરદેનારાઓનો અધિપતિ એવો હું પ્રસન્ન થઇને વર દેવા સારુ આ શરીરથી જ તમારી પાસે પ્રકટ થયો હતો. મેં ‘‘વર માંગો’’ એમ કહેતાં તમોએ મારા જેવો પુત્ર માગ્યો. ૩૭-૩૮ તમોએ સંસારનાં વિષયસુખ ભોગવ્યાં ન હતાં અને સંતાન પણ થયું ન હતું, તેથી માયાના મોહને લીધે તમોએ મારી પાસેથી મોક્ષ માગ્યો નહીં. ૩૯ મારા જેવો પુત્ર
થવાનું વરદાન આપીને હું અંતર્ધાન થયો અને પછી અપૂર્ણ મનોરથવાળા તમો બન્ને સંસારસંબંધી સુખ ભોગવવા લાગ્યાં. ૪૦ શીલ, ઉદારતા આદિ ગુણોથી મારા જેવો બીજો કોઇ જોવામાં નહીં આવતાં ‘પૃશ્નિગર્ભ’ એવે નામે હું જ તમારો પુત્ર થયો હતો. ૪૧ પાછાં તમે બીજા અવતારમાં કશ્યપ અને અદિતિ થયાં હતાં, ત્યાં પણ ‘ઉપેન્દ્ર’ એવા નામથી હું તમારે ત્યાં અવતર્યો હતો. એ અવતારમાં હું ઠીંગણો હતો, તેથી મારું ‘‘વામન’’ એવું નામ કહેવાતું હતું. ૪૨ આ મારા ત્રીજા અવતારમાં પણ એજ શરીરથી ફરીવાર તમારે ત્યાં અવતર્યો છું. હે સતી ! આ વાત મેં યથાર્થ કહી છે. ૪૩ મારા પૂર્વજન્મના સ્મરણને માટે આ ચતુર્ભુજરૂપ મેં તમને દેખાડ્યું છે; કેમકે જો હું મારું દિવ્ય ચતુર્ભુજ રૂપ ન દેખાડત તો તમને મારું જ્ઞાન થાત નહીં. ૪૪ તમે પુત્ર ભાવથી અને બ્રહ્મભાવથી પણ મારું વારંવાર ચિંતન કરશો અને સ્નેહ રાખશો, તેથી હવે તમને મોક્ષની પ્રાપ્તિ થશે. ૪૫ જો તમે કંસથી બીતાં હો તો મને ગોકુળમાં લઇ જાઓ અને યશોદાની કન્યા કે જે મારી માયારૂપ છે, તેને અહીં લાવો. ૪૬
શુકદેવજી કહે છે એટલું કહીને ભગવાન મૌન રહ્યા, અને માતા પિતાના દેખતાં જ તુરંત પોતાની માયાથી પ્રાકૃત બાળક થઇ ગયા. ૪૭ પછી વસુદેવે સુવાવડના ઘરમાંથી પુત્રને લઇ જયારે બહાર જવાની ઇચ્છા કરી, તે જ સમયે નંદની સ્ત્રી યશોદાએ યોગમાયાને જન્મ આપ્યો. ૪૮ એ યોગમાયાએ જ્ઞાનમાં કારણરૂપ એવી ઇન્દ્રિયોની વૃત્તિઓને હરી લઇને દ્વારપાળો તથા નગરવાસીઓને જયારે સુવાડી દીધા હતા ત્યારે વસુદેવ પોતાના હાથમાં ભગવાનને પધરાવીને ચાલ્યા. તે સમયે લોઢાંના ખીલાવાળી સાંકળોથી ભીડેલાં અને બહુ જ મજબૂત એવાં મથુરાનાં મોટાં મોટાં સર્વે દ્વારો પણ સૂર્યથી જેમ અંધારું ઊઘડી જાય તેમ શ્રીકૃષ્ણને વહન કરનાર વસુદેવના આવતાંની સાથે જ પોતાની મેળે જ ઊઘડી ગયાં. તે સમયે ગર્જનાને કરતો મેઘ મંદમંદ વરસી રહ્યો હતો. અને બાળક એવા શ્રીકૃષ્ણ ભગવાન ઉપર વરસતા પાણીને શેષનાગ પોતાની ફણાથી નિવારી રહ્યા હતા. ૪૯-૫૦ એ સમયમાં વારંવાર મેઘ વરસવાને લીધે યમુનાજીમાં ગંભીર જળના પ્રવાહના વેગને લીધે મોજાં ઊછળવાથી ભારે ફીણ તેમાં ચડ્યાં હતાં. અને જળમાં સેંકડો ભયંકર ચકરીઓ પડતી હતી, તોપણ તે નદીએ રામચંદ્રજીને જેમ સમુદ્રે માર્ગ આપ્યો હતો તેમ વસુદેવને માર્ગ આપ્યો. ૫૧ વસુદેવે નંદના વ્રજમાં આવી અને સઘળા ગોવાળિયાઓને માયાથી સૂતેલા જોઇ યશોદાની દીકરીને લઇને પાછા પોતાને ઘેર આવ્યા. ૫૨ એ દીકરીને દેવકીના શયનમાં મૂકી, પાછી પોતાના પગમાં બેડીઓ પહેરીને વસુદેવ પ્રથમની પેઠેજ ત્યાં રહ્યા.૫૩ નંદની સ્ત્રી યશોદાને પોતાને કાંઇક બાળક અવતર્યું છે એટલું જાણવામાં આવતું હતું પણ થાકથી અને યોગમાયાએ સ્મૃતિ હરી લેવાથી ‘‘તે પુત્ર છે કે કન્યા છે’’ એવું જ્ઞાન થયું ન હતું. ૫૪
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ.