૧૪ બ્રહ્માએ શ્રીકૃષ્ણની કરેલી સ્તુતિ.

Submitted by swaminarayanworld on Tue, 07/02/2012 - 10:41am

અધ્યાય ૧૪

બ્રહ્માએ શ્રીકૃષ્ણની કરેલી સ્તુતિ.

બ્રહ્મા સ્તુતિ કરે છે- હે સ્તુતિ કરવા યોગ્ય ! મેઘની પેઠે શ્યામ શરીરવાળા, વીજળી સમાન પીળાં વસ્ત્રવાળા, ચણોઠીનાં કર્ણભૂષણ તથા ફરતાં મોરપીછના મુકુટથી શોભતા મુખવાળા, વનમાં થયેલાં પુષ્પાદિકની માળા ધરનારા, કોમળ ચરણવાળા, ગોવાળના પુત્ર અને કોળિયો, છડી, શીંગડી તથા વેણુરૂપ ચિહ્નોથી શોભી રહેલા આપને પ્રણામ કરુંછું. ૧  હે દેવ ! મારા ઉપર અનુગ્રહ કરનાર અને ભક્તોની ઇચ્છા પૂર્ણ કરનાર, દિવ્ય શુદ્ધસત્ત્વમય જેનું શરીર છે. અને સર્વના શરીરી તથા સ્વસ્વરૂપના અનુભવથી યુક્ત, એવા તમારા મહિમાનો મનવડે નિશ્ચય કરવા હું સમર્થ નથી, તો બીજા સમર્થ ન હોય તેમાં કહેવું જ શું ? ૨  હે અજિત ! જ્ઞાનમાં થોડો પણ પરિશ્રમ નહીં કરતાં જે લોકો સત્પુરુષોના મુખમાંથી નીકળેલી અને કાનપર આવેલી આપની કથાને પોતાની ધર્મ મર્યાદામાં રહીને દેહ, વાણી અને મનથી સત્કાર આપતા જીવે છે, તે લોકોને આપ ત્રિલોકમાં કોઇને વશ થયા નથી તે વશ થઇને રહો છો. ૩  જેમાંથી કલ્યાણના પ્રવાહ નીકળ્યા કરે છે એવી આપની ભક્તિને છોડી દઇ, જે લોકો એકલા બ્રહ્મજ્ઞાનને માટે જ દાખડો કર્યા કરે છે, તે લોકોને ફોતરાં ખાંડનારાઓની પેઠે કેવળ દાખડો જ ફળરૂપે મળે છે, પણ બીજું કશું ફળ મળતું નથી. ૪ હે મહારાજ ! આલોકમાં પૂર્વે ઘણાક યોગીઓ પોતાની સર્વે ચેષ્ટાઓ તમોને અર્પણ કરી દીધા પછી, પોતાના સત્કર્મથી પ્રાપ્ત થયેલી અને તમારી કથાના શ્રવણાદિકે કરીને પુષ્ટિને પમાડેલી એવી, ભક્તિથી જ આત્મજ્ઞાન પામી અનાયાસે આપની પરમગતિને પામી ગયા છે. ૫ હે અમાપ ! ઇંદ્રિયોનો નિગ્રહ કરનારા પુરુષો વિષય આકારથી રહિત અને આત્માકાર થયેલા અંતઃકરણથી સ્વયંપ્રકાશપણે અને ચિદાકાશના અવિષયપણે હજુ કદાચ આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાને જાણી શકે છે પણ આપના સગુણ સ્વરૂપનું પરિપૂર્ણ જ્ઞાન તો થાય જ નહીં, કારણ કે તમારા ગુણો અચિંત્ય અને અનંત છે. ૬  આપ ગુણોના અધિષ્ઠાતા અને આ જગતના હિતને માટે અવતરેલા છો, તમારા ગુણોની ગણના કરવાને પણ કોણ સમર્થ થયા છે ? જે અત્યંત નિપુણ લોકોએ ઘણા જન્મથી પૃથ્વીના રજકણ, આકાશમાં હિમની કણીઓ અને નક્ષત્રાદિકની કિરણોના પરમાણુઓને ગણી કાઢ્યા હોય, તેઓથી પણ તમારા ગુણોને ગણી શકાય નહીં. ૭ એટલા માટે આપની કૃપા ક્યારે થશે ? એમ માનપૂર્વક રાહ જોયા કરતો, અને આસક્તિ છોડી દઇને પોતાનાં કર્મફળને ભોગવ્યા કરતો, જે પુરુષ મન, વાણી અને શરીરથી આપને પ્રણામ કરતો જીવે છે, તે પુરુષને મુક્તિના પદમાં ભાગ મળે છે. અર્થાત્ મુક્તિનો અધિકારી થાય છે. ૮  હે ઇશ્વર ! મારી ભૂંડાઇ તો જુઓ ! ! ! આપ, કે જે માયાવીઓને પણ મોહ કરનાર પરમાત્મા છો, તેમના ઉપર પણ પોતાની માયા ચલાવીને મેં તમારું ઐશ્વર્ય જોવાની ઇચ્છા કરી. અગ્નિ થકી ઉત્પન્ન થયેલો તણખો જેમ અગ્નિ પાસે અતિ તુચ્છ છે તેમ આપની પાસે હું શી ગણત્રીમાં ? ૯  એટલા માટે રજોગુણથી ઉત્પન્ન થયેલ, હું જગતનો કર્તા છું, આવા મદરૂપી ઘાટા અંધારાથી આંધળો અને તમારાથી મારી નોખી ઇશ્વરતા માનનાર છું, તેના અપરાધને ક્ષમા કરજો. આપે એમ વિચારી દયા રાખવી કે બ્રહ્મા જોકે બીજે ઠેકાણે પ્રભુપણાથી વર્તે છે, તોપણ મારો તો દાસ જ છે. ૧૦  જે હું પ્રકૃતિ, મહત્તત્ત્વ, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીથી વીંટાએલા બ્રહ્માંડમાં સાત વેંતની કાયાવાળો છું તે ક્યાં ? અને એવાં અગણિત બ્રહ્માંડરૂપ પરમાણુઓ જેમનાં રુવાડાંનાં છિદ્રરૂપ ગોખલાઓમાં ફર્યા કરે છે, એવા આપનો મહિમા ક્યાં ? !!! માટે મને અતિ તુચ્છ જાણી આપે મારા પર દયા કરવી. ૧૧ હે મહારાજ ! ગર્ભમાં રહેલો બાળક પોતાના પગ ઉછાળે એ કાંઇ તેણે પોતાની માતાનો અપરાધ કર્યો કહેવાય ? એવી રીતે સ્થૂળ સૂક્ષ્મ અથવા કાર્ય કારણ શબ્દથી કહેવામાં આવતુ, સઘળું જગત આપના ઉદરથી બહાર નથી, તો તેમાં હું પણ અંતર્ગત આવ્યો માટે મારા અપરાધની ક્ષમા કરવી. ૧૨ હે ઇશ્વર ! પ્રલય કાળમાં એકઠા થયેલા સમુદ્રોના જળમાં નારાયણના ઉદરની નાભિના નાળવામાંથી બ્રહ્મા નીકળેલ છે, એમ જે કહેવામાં આવે તે ખોટું નથી જ. હું શું આપમાંથી ઉત્પન્ન થયો નથી ? ઉત્પન્ન થયો જ છું. માટે હું આપનો પુત્ર હોવાથી આપે મારા અપરાધની ક્ષમા કરવી. ૧૩ (આપ નારાયણ નથી ? છો જ. કેમકે નાર એટલે જીવનો સમૂહ, અયન એટલે આશ્રય, સર્વે જીવોના આશ્રય જે હોય તેને નારાયણ કહેવાય, તો આપ સર્વ પ્રાણીઓના આશ્રયરૂપ અને વળી આત્મા હોવાથી આપમાં નારાયણપણું ઘટે છે. આપ નારાયણ નથી ? છો જ. કેમકે નાર એટલે જીવોનો સમૂહ અયન એટલે પ્રવર્તક, સર્વે જીવોના જે પ્રવર્તક હોય તેને નારાયણ કહેવાય, તો આપ સર્વ પ્રાણીઓના પ્રવર્તક હોવાથી આપમાં નારાયણપણું ઘટે છે. વળી નાર એટલે જીવોના સમૂહ અને અયન એટલે જાણનાર સાક્ષી કહેવાય, તે આપ સર્વ લોકના સાક્ષી હોવાથી આપમાં નારાયણપણું ઘટે છે. (બીજો અર્થ) નાર એટલે જળ, અયન એટલે રહેનાર, નાર શબ્દથી કહેલા જળમાં જે રહેનાર હોય, તેને કહેવાય નારાયણ. આવો પ્રસિદ્ધ અર્થ લઇએ તોપણ આપ જ નારાયણ છો; કેમકે જળમાં રહેનારી જે ર્મૂતિ છે તે આપની જ છે, વાસ્તવિક રીતે જોઇએ તો વ્યાપક એવા આપની જળના માપમાં આવેલી એ ર્મૂતિ સાચી જ  છે.) ૧૪  જગતના આશ્રયરૂપ એવું તમારું જળમાં રહેલું તે રૂપ સાચું હોય, તો મેં કમળના નાળમાં અંદર પેસીને સો વર્ષ સુધી શોધ્યા કર્યું ત્યારે તે જોવામાં કેમ નહીં આવ્યું ? હૃદયમાં પણ કેમ ન દીઠું ? અને પાછું તપ કર્યા પછી તરત જ કેમ જોવામાં આવ્યું ? માટે એ પરિચ્છિન્નત્વ કેવળ તમારી ઇચ્છા શક્તિથી જ સંભવે છે. વસ્તુતાએ આપ પરિચ્છિન્ન નથી. આપના સ્વરૂપને કોઇ દેશનો પરિચ્છેદ ઘટે જ નહીં. ૧૫  હે માયાને મટાડનાર !  આ અવતારમાં જ સમગ્ર જગત માતા યશોદાને પોતાના ઉદરમાં દેખાડીને જ તમોએ તમારું વિચિત્ર શક્તિપણું પ્રગટ કરેલું છે. કારણ કે તમો વિચિત્ર શક્તિથી યુક્ત હોવાથી આ રીતે બતાવવા સમર્થ છો. ૧૬  આપના ઉદરમાં જેવું સર્વ જગત દેખાયું હતું તેવું બહાર પણ દેખાય છે. અને તે વળી આપ સહિત દેખાયું હતું તો આ સર્વે તમારી વિચિત્ર શક્તિ વિના ઘટે નહીં. જો બહાર રહેલા જગતનું આપના ઉદરમાં પ્રતિબિંબ દેખાયું હોય, તો તે બહારનાથી ઊલટું દેખાવું જોઇએ, અને જો આપ દર્પણને ઠેકાણે હો તો આપમાં જ આપનું દેખાવું ઘટે નહીં. માટે સર્વથા તમારું વિચિત્રશક્તિથી યુક્તપણું જ સિદ્ધ થાય છે. ૧૭  તમારી વિચિત્રશક્તિથી યુક્તપણું આપે મને શું હમણાં જ ન દેખાડ્યું ? કેમ કે પ્રથમ આપ એક હતા. પછી સર્વે ગોવાળીયા અને વાછરડાંરૂપ થઇ ગયા. થોડીવારમાં વળી  સઘળા ચતુર્ભુજ અને મારા સહિત સર્વ તત્ત્વોદ્વારા સેવાતા જોવામાં આવ્યા અને પાછાં તેટલાં જ બ્રહ્માંડ બની ગયાં. આ બધું તમારી વિચિત્રશક્તિથી જ ઘટે છે.૧૮ દેહમાં આત્માભિમાનને કારણે અથવા ‘‘હું સ્વતંત્ર છું.’’ આવા સ્વતંત્રપણાના અભિમાનને કારણે આપના સ્વરૂપને નહીં જાણનારા લોકોને આપ માયાનો વિસ્તાર કરીને સૃષ્ટિના સમયમાં જાણે બ્રહ્મા થયા હો, પાલનના સમયે જાણે વિષ્ણુ થાય હો અને પ્રલયના સમયે જાણે રુદ્ર થયા હો એવા જણાઓ છો. અર્થાત્ બ્રહ્માજી કહે છે કે સૃષ્ટ્યાદિના સમયે તમારા થકી ઐશ્વર્યને પામેલા અમે ત્રણે પરમેશ્વરપણે જણાઇએ છીએ, છતાં વાસ્તવિકપણે અમો પરમેશ્વર નથી. પરમેશ્વરતો તમો એક જ છો. ૧૯  હે ઇશ્વર ! હે પ્રભુ ! હે વિધાતા ! દેવ, ઋષિ, મનુષ્ય, પશુ, પક્ષી અને જળજંતુઓમાં પણ આપના જે અવતાર થાય છે તે નીચ લોકોના દુષ્ટ મદને ટાળી નાખવા અને સજજનો પર અનુગ્રહ કરવાને માટે થાય છે. ૨૦  હે વ્યાપક ! હે પરમાત્મા ! આપ યોગમાયાનો વિસ્તાર કરી અનેક અવતારો ધારણ કરીને અનેક ક્રીડાઓ કરો છો, તમારી એ અવતારરૂપ ક્રીડાઓ કયા પ્રકારે કરો છો ? કઇ જ્ઞાતિમાં છે? કેવી છે ? ક્યારે છે ? અને એ અવતારરૂપ ક્રીડાઓ કેટલી છે ? તેને ત્રિલોક્ીમાં કોણ જાણે છે? કોઇ પણ જાણતો નથી. ૨૧  એટલા માટે નિત્ય, સુખમય અને અનંત એવા આપના સ્વરૂપમાં આપના સંકલ્પથી ઉત્પન્ન થતું અને પાછું લય પામતું સ્વપ્ન સરખું અનિત્ય, અને દુઃખરૂપ આ જગત સતત પરિણમી હોવાથી અસત્ય છે, છતાં આપના સ્વરૂપને નહિ જાણનારા પુરુષોને સત્યની સમાન જણાય છે. ૨૨  હે પ્રભુ ! તમો સત્ય છો, ર્નિવિકાર છો અર્થાત્ વિકારી જડતત્ત્વથી વિલક્ષણ છો, અને તમો સ્વયંપ્રકાશ છો. સ્વરૂપ સ્વભાવે કરીને સર્વત્ર વ્યાપક છો, અર્થાત્ નિત્યમુક્તોથી વિલક્ષણ છો. અને આપ કામાધીન દેહના સંન્ધથી રહિત છો, અને આપ પુણ્ય-પાપરૂપ અંજનથી રહિત છો. અર્થાત્ બદ્ધજીવથી વિલક્ષણ છો, અને વળી આપ અમૃત છો. અર્થાત્ મરણ ધર્મથી રહિત છો. અને આપ  અક્ષર છો, છપ્રકારના વિકારથી રહિત છો, આપ પૂર્ણ છો, તેથી આપની વૃદ્ધિ નથી. આપ દુઃખથી રહિત નિરંતર સુખરૂપ છો, જગતના આદિ કારણ હોવાથી આપ આદિપુરુષ છો, આપ એક છો, અર્થાત્ પ્રલયકાળે ચેતન અને અચેતન તત્ત્વને પ્રકૃતિમાં લય પમાડી આપ એક જ રહો છો. આપ અદ્વિતીય છો, અર્થાત્ આપની હરોળમાં ઊભી શકે એવો બીજો કોઇ નથી. આવા તમો છો. ૨૩  હે પ્રભુ ! આવા સર્વે આત્માઓના પણ આત્મા તમોને જે પુરુષો ગુરુરૂપી સૂર્ય થકી જ્ઞાન દૃષ્ટિ પ્રાપ્ત કરીને સર્વના અંતર્યામિ પણે જુએ (જાણે) છે. તે પુરુષો સંસારરૂપી અસત્ય સમુદ્રને તરી જાય છે.૨૪ હે પ્રભુ ! જે જીવો પરમાત્માને અંતર્યામી જાણતા નથી, તે જીવોને તમારા એ અજ્ઞાનથી જ આ સર્વે પ્રપંચ (સંસાર) ઊભો થાય છે. કારણ કે જે જીવો તમોને સર્વાન્તર્યામી જાણતા નથી તે જીવો તમારી ઉપાસના કરતા નથી. તેથી દેહને વિષે આત્મભ્રમ અને પોતાને વિષે સ્વતંત્રપણાનો ભ્રમ ઉદય પામે છે. અને દેહાત્મભ્રમ તથા સ્વતંત્રતાના ભ્રમથી જ સંસારની ઉત્પત્તિ થાય છે.અને તમોને સર્વાન્તર્યામી જાણવાથી પાછો એ સંસાર લીન થઇ જાય છે. જેમ દોરડીના યથાર્થ જ્ઞાનના અભાવથી સર્પનો ઉદય થાય છે. અને યથાર્થ જ્ઞાનથી પાછો સર્પનો લય થઇ જાય છે. તેવી રીતે પરમાત્માના જ્ઞાનથી મુક્તિ થઇ જાય છે. ૨૫  હે પ્રભુ ! સંસારનું બંધન અને સંસારથકી મોક્ષ આ બન્નેનું  મૂળ કારણ અજ્ઞાન અને જ્ઞાન મનાયેલ છે. તમારા ઉપાસનાત્મક જ્ઞાનના અભાવથી બંધન થાય છે. અને તે જ્ઞાનથી મોક્ષ થાય છે. જેમ દિવસે સૂર્યોદય થતાં જ અંધકારનો લય થઇ જાય છે. તેમ ઉપાસનાએ કરીને પરમતત્ત્વ પરમાત્મા એવા જે તમો, તે તમારો સાક્ષાત્કાર થતાં જ સંસાર લય પામી જાય છે. ૨૬ હે પ્રભુ ! જે પુરુષો પરમાત્મા એવા તમોને જીવસ્વરૂપ માની કરી અને જીવસ્વરૂપને દેહસ્વરૂપ માની કરીને, તમોને વારંવાર બહાર શોધે છે તો એ અજ્ઞાની પુરુષોની કેટલી અજ્ઞાનતા છે. ઘરમાં ખોવાયેલી વસ્તુને બહાર શોધવી એ આશ્ચર્યજનક અજ્ઞાનતા છે. તેવું જ અજ્ઞાન પરમાત્માને બહાર શોધવાનું છે. જે વિવેકી પુરુષો છે એ તો આત્માના અંતરાત્માપણે તમારી ઉપાસના કરે છે. ૨૭  હે પ્રભુ ! વિવેકી પુરુષો છે તે આ શરીરને મધ્યે જીવપર્યન્ત પચીસ તત્ત્વોનો ત્યાગ કરીને પચીસ તત્ત્વોથી વિલક્ષણ એવા તમોને શોધે છે. જેમ દોરડીના યથાર્થ સ્વરૂપને જાણનારા વિવેકી પુરુષો પોતાની સમીપે રહેલી અને તત્ત્વપૂર્વક જણાતી દોરડીને વિષે દોરડીભાવનો ત્યાગ કરીને શું સર્પબુદ્ધિ કરે છે ? નથી કરતા. તેમ વિવેકી પુરુષો જીવાત્મામાં અંતર્યામીપણે રહેલા તમારે વિષે ચોવીસ તત્ત્વોરૂપી જડબુદ્ધિ કરતા નથી, અને જીવબુદ્ધિ પણ કરતા નથી. પરંતુ સ્વરૂપ તથા સ્વભાવે કરીને જડ તથા જીવથી વિલક્ષણ એવા તમોને જાણીને તમારી જ ઉપાસના કરે છે. જો કે વસ્તુતત્ત્વને વસ્તુરૂપે જાણીને ઉપાસના કરવાથી મોક્ષ થાય છે. છતાં પણ આપના ચરણારવિંદની થોડી પણ કૃપા મળે તો જ આપના મહિમાનું તત્ત્વ જણાય છે. અને કૃપા મળ્યા વિના ઘણા કાળ સુધી જડ ભાગનો અપવાદ કરી કરીને વિચાર કર્યા કરે તોપણ કોઇના જાણવામાં આવે નહીં. ૨૮-૨૯ એટલા માટે હે નાથ ! આ જન્મમાં અથવા કોઇ પશુ પક્ષીના જન્મમાં પણ મને એવું મારું ભાગ્ય મળજો કે જે ભાગ્યથી હું આપના ભક્ત લોકોમાંનો કોઇ પણ એક થઇને આપના ચરણારવિંદનું સેવન કરું. ૩૦  અહો !!! વ્રજની ગાયો અને ગોપીઓ બહુ જ ભાગ્યશાળી છે; કેમકે, જે તમોને તૃપ્ત કરવાને યજ્ઞો પણ અદ્યાપિ સુધી સમર્થ થયા નથી, એવા તમોએ વાછરડાંરૂપે થઇને ગાયો તથા ગોપીઓના પુત્રોના રૂપથી તેઓનું દૂધરૂપી અમૃતને બહુ જ પ્રેમપૂર્વક પીધું. ૩૧ અહો !!! નંદરાયના વ્રજમાં રહેનારાઓનું ખરેખર મોટું ભાગ્ય છે, કેમકે પરમાનંદ પૂર્ણ અને સનાતન સાક્ષાત્ પરમાત્મા તેના મિત્રરૂપ થયેલા છે. ૩૨  હે અચ્યુત ! એ વ્રજવાસીઓના ભાગ્યનો મહિમા તો અપૂર્વ અને કોઇથી વર્ણન ન કરી શકાય એવો છે, પરંતુ દશ ઇંદ્રિયો અને મન, બુદ્ધિ તથા અહંકારના અધિષ્ઠાતા અમે તેર દેવો કે જેઓમાં રુદ્ર મુખ્ય છે, તે પણ મહાભાગ્યશાળી છીએ; કેમકે, આ વ્રજવાસીઓની  ઇંદ્રિયોરૂપ પ્યાલાઓથી આપના ચરણારવિંદના મકરંદરૂપી મીઠા આસવને વારંવાર પીએ છીએ. એક એક ઇંદ્રિયના અભિમાની અમે જયારે આપના ચરણની ર્કીતિ, શોભા અને સુગંધ આદિ એક એક ભાગનું સેવન કરવાથી પણ કૃતાર્થ છીએ, ત્યારે સર્વે ઇંદ્રિયોથી એ ર્કીતિ આદિ સર્વે ભાવોનું સેવન કરનારા વ્રજવાસીઓના ભાગ્યના મહિમાની તો શી વાત કરવી ? ૩૩   એટલા માટે મનુષ્યલોકમાં, તેમાં પણ જંગલને વિષે અને તેમાં પણ ગોકુળમાં ગમે તે જન્મ આવે તોપણ મોટું ભાગ્ય છે; કેમકે ગોકુળમાં જન્મ પ્રાપ્ત થવાથી કોઇપણ ગોકુળવાસી જનની ચરણરજનો અભિષેક થતો રહે. જે તમારા ચરણારવિંદની રજને શ્રુતિઓ પણ  અદ્યાપિ સુધી શોધ્યા જ કરે છે એવા તમો જે વ્રજવાસીઓનાં જીવનરૂપ છો, તે  વ્રજવાસીઓની ચરણરજ મળે એપણ મોટો લાભ છે. ૩૪  હે દેવ ! આપ આ વ્રજવાસીઓને કોઇ સમયે પણ સર્વ ફળરૂપ આપનાં સ્વરૂપ કરતાં બીજું અધિક ફળ ક્યું આપશો, એ  વિચારમાં ઘુમ્યા કરતું અમારું મન મુંઝાય છે. આપનું સ્વરૂપ આપીને પણ આ વ્રજવાસીઓના ઋણમાંથી આપ છૂટી શકો એમ નથી; કેમકે, મારવાની ઇચ્છાથી પણ માતાના સરખો વેશ ધરવાથી, આપે દુષ્ટ પૂતનાને પણ પોતાનું સ્વરૂપ આપ્યું છે, તો આ સાચા ભક્તોને એથી અધિક ફળ આપવું જ ઘટે છે. અને એથી અધિક ફળ કાંઇ જોવામાં આવતું નથી. સાચા ભક્ત વ્રજવાસીઓના સંબંધીઓને પણ આપનું સ્વરૂપ આપી આપ વ્રજવાસીઓના ઋણથી છૂટી શકો એમ નથી; કેમ કે, પૂતનાના સંબંધી બકાસુર અને અઘાસુરને પણ આપ આપનું સ્વરૂપ આપી ચૂક્યા છો. જે વ્રજવાસીઓનાં ઘર, ધન, સંબંધી, મિત્ર, પ્રિય, દેહ, પુત્ર, પ્રાણ અને અંતઃકરણ આપને માટે જ છે, તે વ્રજવાસીઓને પણ પૂતનાના જેટલો જ લાભ આપો તો તે પૂરતો કહેવાય નહીં. ૩૫ હે કૃષ્ણ ! રાગદ્વેષાદિક ત્યાં સુધી જ ચોરનું કામ કરે છે, ઘર ત્યાં સુધી જ બંધનના સ્થાનરૂપ થાયછે અને મોહ પણ ત્યાં સુધી જ પગમાં બેડીરૂપ થાય છે, કે જયાં સુધી આપની સાચી ભક્તિ કરવામાં આવે નહીં. ૩૬  આપ પ્રપંચ રહિત છો, તોપણ શરણાગત લોકોને આનંદનો સમૂહ આપવા સારુ પૃથ્વીમાં પોતાના સંકલ્પથી જ અવતાર લીલાઓ કરો છો. ૩૭  હે પ્રભુ ! આપને જાણતા હોય તે ભલે જાણે, પણ હું તો શું વધારે કહું ? મારું મન, શરીર કે વચન આપના મહિમાને પહોંચી શકે તેમ નથી. ૩૮ હે કૃષ્ણ ! હવે મને સત્યલોકમાં જવાની આજ્ઞા આપો. આપ સર્વના દ્રષ્ટા હોવાથી આપના મહિમાને અને અમ જેવાની શક્તિને જાણોજ છો. જગતના સ્વામી આપ જ છો, હું નથી. એટલા માટે મમતાના સ્થાનકરૂપ આ જગત અને શરીર આપને અર્પણ કરું છું. ૩૯  યાદવકુળરૂપી કમળને આનંદ આપવામાં સૂર્ય સમાન, અને પૃથ્વી, દેવ, બ્રાહ્મણો અને પશુરૂપ સમુદ્રને વૃદ્ધિ પમાડવામાં ચંદ્રની સમાન, અને પાખંડરૂપી અંધારાને હરવામાં સૂર્ય તથા ચંદ્રની સમાન, અને પૃથ્વી ઉપર કંસાદિ રાક્ષસોનો નાશ કરનારા, અને સૂર્ય પર્યંત સર્વેને પૂજય, એવા હે શ્રીકૃષ્ણ ભગવાન ! કલ્પ પર્યંત આપને મારા પ્રણામ હોજો. ૪૦

શુકદેવજી કહે છે- આ પ્રમાણે પ્યારા ભગવાનની સ્તુતિ કરી, ત્રણવાર પ્રદક્ષિણા કરી, ચરણમાં નમસ્કાર કરીને બ્રહ્મા પોતાના લોકમાં ગયા. ૪૧  પછી શ્રીકૃષ્ણ ભગવાન બ્રહ્માની સંમતિ લઇને પૂર્વની પેઠે જ, જે સ્થળે પોતાના મિત્રો બેઠા હતા એવા યમુનાજીના કાંઠા ઉપર વાછરડાંઓને લાવ્યા. ૪૨ વચમાં એક વર્ષ નીકળી ગયું અને તે વળી પોતાના પ્રાણનાથ ભગવાન વિના નીકળ્યું, તો પણ ભગવાનની માયાથી ઘેરાએલા બાળકોએ એક વર્ષના સમયને અર્ધો ક્ષણ માન્યો. ૪૩ ભગવાનની માયાથી મોહ પામેલા જનો આ સંસારમાં શું શું નથી ભૂલતા ? બધુ જ ભૂલી જાય છે. જે માયાથી મોહ પામેલું જગત વારંવાર પોતાના આત્માને  પણ ભૂલી જાય છે. ૪૪  તે મિત્રોએ ભગવાનને કહ્યું કે તમે જલદીથી આવ્યા તે બહુ  જ સારું થયું. હજુ અમો એકે કોળીઓ જમ્યા નથી, અહીં આવો હવે આપણે નિરાંતે જમીએ. ૪૫  પછી હાસ્ય કરતા ભગવાન બાળકોની સાથે જમીને અજગરનું ચામડું દેખાડતા દેખાડતા વનમાંથી વ્રજમાં જવાને પાછા વળ્યા. ૪૬  ભગવાને મોરપીંછ, ફૂલ, અને વનની સિન્દૂરાદિક ધાતુઓથી પોતાના શરીરને વિચિત્ર રીતે અલંકૃત કર્યું હતું, વાછરડાંઓને લાડના શબ્દોથી બોલાવતા હતા અને ગોવાળો જેમની પવિત્ર ર્કીતિને ગાતા હતા, એવા ભગવાન વ્રજમાં પધાર્યા. ૪૭ આનંદ આપનારા આ યશોદાના પુત્રે આજે મોટા અજગરને માર્યો અને એ અજગરથી અમારી રક્ષા કરી, એમ બાળકોએ વ્રજમાં કહ્યું. ૪૮

પરીક્ષિત રાજાપૂછે છે- વ્રજવાસીઓને પોતાના સગા પુત્રોમાં પણ જેવો પ્રેમ પૂર્વે થયો ન હતો તેવો પ્રેમ પરાયા પુત્ર શ્રીકૃષ્ણમાં શાથી થયો ? તે કહો. ૪૯

શુક્દેવજી કહે છે- હે રાજા ! સર્વે પ્રાણીઓને પોતાનો આત્મા જ મુખ્યત્વે કરીને પ્યારો હોય છે. સંતાન અને ધન આદિ બીજાં પદાર્થોમાં પ્યાર થાય છે તેતો આત્મા ઉપરના પ્યારને લીધે જ થાય છે. ૫૦  મમતાના સ્થાનકરૂપ પુત્ર, ઘર અને ધનાદિક કરતાં અહંતાના સ્થાનકરૂપ પોતપોતાના દેહમાં વધારે પ્યાર હોય છે તે પણ આત્માને લઇને હોય છે. ૫૧ હે મોટા રાજા ! જે પુરુષો દેહને આત્મા કહે છે તે પુરૂષોને પણ જેવો દેહ પ્યારો હોય છે, તેવાં તો દેહને અનુસરીને રહેલાં દેહની પછવાડે પ્રાપ્ત થયેલાં પુત્ર અને ધનાદિક પ્યારાં હોતાં નથી.૫૨ જે વિવેકી પુરુષ ‘‘આ દેહ છે એ હું છું’’ આમ નહિ માનતાં ‘‘આ દેહ મારો છે’’ આમ માને છે તે વિવેકી પુરુષને આત્મામાં જેવી પ્રીતિ રહે છે. તેવી દેહમાં રહેતી નથી. કારણ કે દેહ બહુ જ જીર્ણ અને બીમાર પડી જાય તો પણ જીવવાની આશા બળવત્તર રહે છે. પણ જીર્ણ થતી નથી. તે સમયે એ વિવેકી પુરુષ એમ બોલે છે કે, જલદી આ દેહથી છુટકારો મળે તો હું સુખી થાઉં. આના ઉપરથી એ સિદ્ધ થાય છે કે સર્વે પ્રાણીઓને વાસ્તવિક રીતે પોતાનો આત્મા જ અત્યંત પ્રિય હોય છે. અને આત્માને લઇને દેહમાં પ્રીતિ થાય છે. અને દેહને લઇને સ્થાવર, જંગમ પદાર્થોમાં પ્રીતિ થાય છે. ૫૩-૫૪ આ પ્રમાણે સર્વેપ્રાણીઓને પરમ પ્રેમના સ્થાનરૂપ જે આત્મા છે, એ આત્માના પણ આત્મા શ્રીકૃષ્ણ ભગવાન છે. અર્થાત્ શ્રીકૃષ્ણ સર્વે આત્માઓની અંદર પણ અંતર્યામીપણે રહેલા છે. તેથી શ્રીકૃષ્ણ ઉપર તો સર્વેને સહજ પ્રેમ થવો સંભવે છે, હે પરીક્ષિત ! આ પ્રમાણે તમે જાણો અને સર્વના આત્મા એવા શ્રીકૃષ્ણ જ જીવનું કલ્યાણ કરવા સારુ પોતાના સંકલ્પથી કર્માધીન મનુષ્ય જેવા જણાય છે. ૫૫  શ્રીકૃષ્ણ ભગવાન સ્થાવર અને જંગમ આ બન્ને પદાર્થોના અંતરાત્મા છે. તેથી આ સમગ્ર જગત ભગવાનનું શરીર છે. અને ભગવાન સર્વે જગતના શરીરી છે. શરીર હમેશાં શરીરી આત્મા કરતાં પૃથક્ હોતું નથી. તેથી કોઇ પણ વસ્તુ ભગવાનથી ભિન્ન છે જ નહિ. આ પ્રમાણે વસ્તુતાએ ભગવાનના સ્વરૂપને નહિ જાણનારા અજ્ઞાની મનુષ્યોને શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્યની સમાન જણાય છે. પણ એ મનુષ્ય નથી, એતો સાક્ષાત્ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. ૫૬  બ્રહ્માંડને વિષે રહેલા સમગ્ર પદાર્થોની સત્તા, સ્થિતિ, અને પ્રવૃત્તિ જે થાય છે તેનું કારણ પ્રકૃતિપુરુષ છે. અને  પ્રકૃતિપુરુષના પણ કારણ ભગવાન શ્રીકૃષ્ણ છે. માટે સર્વાન્તર્યામી ભગવાન શ્રીકૃષ્ણથી ભિન્ન કઇ વસ્તુ છે ? અર્થાત્ અબ્રહ્માત્મક વસ્તુ કઇ છે ? તે કહો. અર્થાત્ સર્વે પદાર્થો બ્રહ્માત્મક જ છે. ૫૭  ભગવાનના ચરણરૂપી જે નૌકા છે, એ હમેશાં મહાત્મા પુરુષોને આશ્રય કરવા યોગ્ય છે. તો એ ચરણરૂપી નૌકાનો  આશ્રય કરીને જે લોકો રહે છે. તે લોકોને આ સંસારરૂપી સમુદ્ર વાછરડાંના પગલાના ખાબોચિયાંની સમાન થઇ જાય છે. અર્થાત્ ભગવાનનો આશ્રય કરીને આ સંસારરૂપી સમુદ્ર સહેજે સહેજે તરી શકાય છે. અને વળી ભગવાનનું જે ધામ છે, એ ધામ પણ તે પુરુષોને જ પામવા યોગ્ય છે, કે જે પુરુષો ભગવાનના ચરણરૂપી નૌકાનો આશ્રય કરે છે. અને વિપત્તિઓના સ્થાનરૂપ પુનર્જન્મ પણ તેઓને કદી થતો નથી. અર્થાત્ ધામને પામ્યા પછી ફરીવાર આ સંસારમાં પુનરાવૃત્તિ થતી  નથી. ૫૮  ભગવાને કુમાર અવસ્થામાં કરેલાં ચરિત્રની વાત બાળકોએ પૌગંડાવસ્થામાં કહ્યાનું કારણ જે તમે મને પૂછ્યું હતું, તે સર્વે તમને કહી સંભળાવ્યું. ૫૯  ભગવાને મિત્રોની સાથે ક્રીડા કરી, અઘાસુરને માર્યો, લીલાં ઘાસવાળા પ્રદેશમાં ભોજન કર્યું, શુદ્ધ સત્વાત્મક રૂપ દેખાડ્યું અને બ્રહ્માએ તેમની ઘણી સ્તુતિ કરી, આ સર્વે વિષયને જે માણસ સાંભળે અથવા ગાય તેને સર્વે પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. ૬૦  આવી રીતે છુપી જવા પાજ બાંધવી અને વાંદરાની પેઠે ઠેકાઠેક કરવું ઇત્યાદિ કુમારાવસ્થાના વિહારથી શ્રીકૃષ્ણ અને બળભદ્રે વ્રજમાં કુમાર અવસ્થા પૂરી કરી. ૬૧

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ચૌદમો અધ્યાય સંપૂર્ણ.