સદ્.શ્રી નિષ્કુળાનંદસ્વામીનું જીવનચરીત્ર ‍ 2

Submitted by Dharmesh Patel on Thu, 11/02/2010 - 7:09pm

વાસનાના વહેણમાં વહી રહેલા આ વિશ્વમાં માત્ર ભગવાન શ્રીસ્વામિનારાયણના અનુરાગી અને જગતના ભોગ પ્રત્યે દઢ વૈરાગી એટલે વૈરાગ્યમૂર્તિ સદગુરુ શ્રીનિષ્કુળાનંદસ્વામી. જેમના ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ જેવાં અનેક પદોએ ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીને ડોલાવ્યા હતા. જેના ‘જનની જીવો રે ગોપીચંદની’ જેવાં પદોએ અનેક રાજાઓનાં હૈયાંને હચમચાવ્યાં હતાં. આજે પણ આવા વૈરાગ્યપ્રેરક અને ભકતપ્રધાન અનેક ગ્રંથો દ્વારા સૌના હૈયામાં ચિરંજીવી બનીને રહેલા મહામુકતરાજ સદ્.શ્રીનિષ્કુળાનંદસ્વામીનો જન્મ વિ.સં.૧૮૨૨, મહા સુદ વસંતપંચમીને દિવસે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના શેખપાટ ગામે થયો હતો. પિતાનું નામ રામજીભાઈ, માતાનું નામ અમૃતબા અને તેમનું પૂર્વાશ્રમનું નામ લાલજી સુથાર હતું. પિતા રામજીભાઈના ગુરુ વચનસિદ્ધ સમાધિનિષ્ઠ આત્માનંદસ્વામી હતા. ગુરુભકત રામજીભાઈ પ્રથમ લતિપુરા ગામે રહેતા. તે ગામના આસુરી લોકો ગુરુ ઉપર દ્વેષ રાખતા અને ટીકા-નિંદા કરતા. તેથી મૂળગામનો ત્યાગ કરી શેખપાટમાં આવીને રહ્યા હતા. આવી તેમની ભકતનિષ્ઠા જોઈને ગુરુદેવે પ્રસન્ન થઈને વર આપ્યો કે, ‘જાઓ, તમારે ત્યાં એક મહામુકત અવતાર લેશે અને તે તમારા કુળને ઉજાળશે.’ આ મહાપુરુષના આશીર્વાદથી અવતરેલા મહામુકત એટલે લાલજી સુથાર.

‘પુત્રના લક્ષણ પારણે’ એ ન્યાયે લાલજીમાં બાળપણથી જ તપ, ત્યાગ અને જ્ઞાન-વૈરાગ્યની ઝલક જણાતી હતી. લાલજીની ઇચ્છા ન હોવા છતાં પિતાએ તેમના લગ્ન નાની વયમાં જ કંકુબાઈ સાથે કર્યા હતા. લગ્ન બાદ તેમણે બાર વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું હતું. પછી માત-પિતા અને કુટુંબીના આગ્રહથી સંસાર માંડ્યો. તેમને બે પુત્રો હતા. તેમાં મોટા પુત્રનું નામ માધવજી અને નાના પુત્રનું નામ કાનજી હતું.

સં.૧૮૪૩માં લાલજીભાઈને પ્રથમવાર રામાનંદ સ્વામીનો મેળાપ થયો અને ત્યાં જ તેમને ગુરુ તરીકે સ્વીકારી વર્તમાન ધારણ કર્યાં. પછીથી સ્વામીને જ ભગવાનનો અવતાર માની સેવા-સમાગમ કરતા. એકવાર ગુરુદેવ રામાનંદસ્વામીને સંસાર છોડી ત્યાગી થવા માટે પ્રાર્થના કરી. સ્વામીશ્રીએ કહ્યું, ‘હમણા ઘેર રહો, જરૂર પડ્યે તમને બોલાવી લેશું.’ પછી પિતાના અવસાન બાદ કુટુંબનો સઘળો ભાર લાલજી ભગત ઉપર આવ્યો. તે જવાબદારીમાં પણ જનક રાજાની જેમ સદા અલિપ્ત રહ્યા.

લાલજી-મૂળજીની જોડી : જેવા લાલજી તેવા જ ગામ ભાદરામાં મૂળજી શર્મા મહામુકત હતા. તેથી બંનેને પરસ્પર ખૂબ પ્રીતિ તથા મહિમા હતા. દિવસભર બંને વ્યવહારનું કામ કરે અને રાત્રે શેખપાટથી ત્રણ ગાઉ દૂર ખીરી ગામને સીમાડે શીવ મંદિરે પહોંચે. બંને આખી રાત ત્યાં બેસી ભજન-સ્મરણ, કથા-વાર્તા અને સત્સંગ કરી જ્ઞાન-વૈરાગ્યની દઢતા કરતા.

સમય જતા સર્વાવતારી શ્રીહરિ લોજ પધાર્યા. મુકતાનંદસ્વામીએ ભૂજ રામાનંદસ્વામીને પત્ર લખ્યો. પત્ર વાંચતા જ સ્વામીશ્રીની આંખમાંથી અશ્રુ વહેવાં લાગ્યાં. સાશ્ચર્યથી ભકતોએ કારણ પૂછ્યું. ત્યારે સ્વામીએ આનંદ સાથે કહ્યું, ‘હું ઘણીવાર કહેતો કે, હું તો માત્ર ડુગડુગી વગાડનારો છું, વેશ ભજવનાર આવે છે. તે સર્વોપરી ભગવાન લોજમાં આવી પહોંચ્યા છે.’ આમ શ્રીહરિનો અપાર મહિમા કહી પોતાના તમામ શિષ્યો ઉપર પત્ર લખી જણાવ્યું કે, હવે અમારાં દર્શને નહિ આવતા સહુ લોજમાં તપસ્વીનાં દર્શને જજો. આમ સ્વામીએ કહ્યું હતું છતાં લાલજી સુથાર ભૂજમાં રામાનંદસ્વામીનાં દર્શને ગયા. ત્યારે સ્વામીશ્રી મુખ ફેરવી ગયા. લાલજી ભગતે કારણ પૂછ્યું. ત્યારે સ્વામી કહે, ‘લોજ તપસ્વીનાં દર્શને કેમ ન ગયા ?’ લાલજી ભકત કહે, ‘તે તપસ્વી કાંઈ તમારા જેવા તો નહિ હોય ને ?’ ત્યારે સ્વામી કહે, ‘તમે બહુ મોટી ખોટ ખાધી. તે તપસ્વીના ચરણની રજ તો અમારી જેવા લાખો ભકતો માથે ચડાવે છે. એ તો ઈશ્વરોના ઈશ્વર અને સર્વ અવતારના અવતારી છે.’

જેમ કૃષ્ણ મોટા સરવેથી, તેમ આ છે મોટા વળી એથી;

આ છે અવતારના અવતારી, ઘણું શું કહીએ વિસ્તારી.

હ.લી.૪/૩/૪૨

સ્વામીનાં આ વચન સાંભળી ભૂજથી સીધા લોજ વર્ણીરાજનાં દર્શને આવ્યા. દર્શન કરી દંડવત કરી માફી માંગી. ત્યારે વર્ણીરાજે વરદાન આપતાં કહ્યું, ‘તમો શુકજી જેવા વૈરાગ્યવાન થશો.’ પછી ગુરુદેવ રામાનંદસ્વામીએ શ્રીસહજાનંદસ્વામીને ધર્મધુરા સોંપી ગાદીએ બેસાડ્યા. ત્યારે લાલજીભાઈ જેતપુર આવ્યા અને પોતે જ તૈયાર કરેલ ડામચિયો શ્રીહરિને સમર્પણ કરી શ્રીહરિને પોતાને ગામ પધારવા પ્રાર્થના કરી.

ગુરુદેવ ધામમાં ગયા પછી શ્રીહરિનો દઢ નિશ્ચય થયો. પછી પ્રગટ પ્રભુની અનન્ય ભાવે ભકત કરવા લાગ્યા. લાલજીભાઈને સત્સંગ કથાવાર્તામાં એટલી તીવ્ર શ્રદ્ધા હતી કે, મહારાજ ભાદરા પધાર્યા ત્યારે પોતાના ગામથી ૨૧ કી.મી. દૂર હોવા છતાં રોજ રાતે ભાદરા પહોંચી જાય. રાત્રે કથા-વાર્તા સાંભળી ત્યાં સૂઈ રહે, ને સવારે વહેલા ઊઠી ચાલી નીકળે. આવા સત્સંગ-ભજનના આગ્રહી હતા.

લાલજી ભકતની રક્ષા : એક વખત લાલજીભાઈ પોતાને ઘરે સુથારીકામ કરી રહ્યા હતા અને એકાએક હાથામાંથી વાંસલો છટકયો ને બરાબર લાલજીભાઈના માથા પર પડ્યો. તીક્ષ્ણ ધારવાળા એ સાધને માથામાં ઊંડો ચીરો પાડી દીધો. લોહીની ધારા વહી. તુર્ત જ બેભાન થઈ લાલજીભાઈ ઢળી પડ્યા. તેમની માતા અને પત્ની પણ રડવા લાગ્યા. એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્ પધાર્યા અને તુર્ત જ લાલજીભાઈનું મસ્તક ખોળામાં લઈને ઘા ઉપર પોતાનો અભયપ્રદ હસ્ત દબાવી લોહી બંધ કરી દીધું. પછી અમૃતબાને કહ્યું : "રડો છો શા માટે ? જાઓ જલ્દી શીરો બનાવી લાવો." શીરો આવ્યો એટલે મહારાજ કહે, "લાલજીભાઈ ! જાગો, આ શીરો જમો." ઊંઘમાંથી જાગે તેમ લાલજીભાઈ ભાનમાં આવીને શીરો જમવા લાગ્યા, જાણે કે કાંઈ બન્યું જ ન હોય ! મહારાજે માડીને કહ્યું : "મા, માથામાં જુઓ, હવે કેવું છે ?" જોયું તો માથામાં પડેલો કાપો સંપૂર્ણ મટી ગયો હતો.

ભૂજ જતાં ભોમિયા તરીકે સાથે : લાલજીભાઈની લગની સત્સંગમાં તીવ્ર વેગે વધવા લાગી. હવે તેઓ આ જીવતર એકમાત્ર જગદીશને ખાતર ખર્ચી નાંખવા તલપાપડ બન્યા. રાત-દિવસ તે માટે પ્રગટ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. એક દિવસ તેમની પ્રાર્થનાને પૂર્ણ કરવા જ સ્વયં શ્રીહરિ શેખપાટ પધાર્યા. લાલજી ભકત કોડમાં સુથારી કામ કરે ને શ્રીહરિ સામે બેસી વાતો કરે. એમ કરતાં સં.૧૮૬૦નો વસંત પંચમીનો ઉત્સવ કર્યો. પછી શ્રીહરિએ ત્યાંથી કચ્છની વાટે જતાં લાલજીભકતને ભોમિયા તરીકે સાથે લીધા. રસ્તામાં ચોર મળ્યા. મહારાજે સામેથી સાન કરી લાલજી ભકતનું ધન લૂંટાવી દીધું. આગળ જતાં એક ભિખારી મળ્યો, તેને અન્ન અપાવી લાલજીને વિરકત કર્યા. ત્યાર પછી એક મહાપુરુષ મળ્યા તેને સાથેનું પાણી પાઈ દીધું. ત્યારે લાલજી ભકત કહે, ‘હે નાથ ! આ પૈસા, પાણી અને અન્ન અપાવી દીધાં, તે હવે તમે શું જમશો ?’ શ્રીહરિ કહે, ‘તમારે માથે મોટું વિઘ્ન આવનારું હતું તે અમે ટાળ્યું.’ એમ કહી આગળ ચાલ્યા. રસ્તામાં જતાં કચ્છના એ સૂકા રણમાં લાલજીને અત્યંત તરસ લાગી. કંઠે પ્રાણ આવી ગયા. ત્યારે પ્રગટ પુરુષોત્તમ શ્રીસહજાનંદસ્વામીએ સમુદ્રનું પાણી મીઠું કરી પાયું ને ફરી યાત્રા આગળ વધી. લાલજીના જીવતર માટે શ્રીહરિએ આ ખારો સાગર મીઠો કર્યો અને સત્સંગની સેવા માટે તેનો સંસારસાગર ખારો કર્યો. તે માટે જ આ યાત્રા હતી, તેની લાલજીને ખબર ન હતી.

આગળ જતાં મોટું રૂપ ધરી સંતદાસજી દર્શને આવ્યા. થોડીવારે દિવ્યરૂપે રામાનંદસ્વામી દર્શને આવ્યા. તે પણ પગે લાગીને ગયા. ત્યાંથી આગળ ચાલતાં થાકને કારણે પ્રભુ બેસી ગયા. લાલજી ભકત ચરણચંપી કરવા બેઠા. પછી પ્રભુના પગમાંથી ચીપિયા વડે કાંટા કાઢ્યા. તે જ વખતે શ્રીહરિના ચરણમાં લાલજી ભકતે ૧૬ ચિહ્નો જોયાં, તેથી પુરુષોત્તમપણાનો દઢ નિશ્ચય થયો. આગળ ચાલતાં આધોઈ ગામ આવ્યું. ત્યાં શિવ મંદિરમાં ઉતારો કર્યો.

કુળ તજી નિષ્કુળ થયા : શ્રીહરિએ લાલજીને કહ્યું, ‘ભૂખ લાગી છે, માટે ગામમાંથી ભિક્ષા લઈ આવો.’ લાલજી કહે, ‘આ તો મારા સસરાનું ગામ છે, વળી ઘરનું માણસ પણ અહીં છે. જો માગવા જાઉં તો લોકો મશ્કરી કરે.’ મહારાજે પૂછ્યું, ‘તમે સંસારમાં રહીને શું કમાણી કરો છો ?’ ત્યારે લાલજી ભકત કહે, ‘હે મહારાજ ! સુથારી કામમાં ખાતાંપીતાં વર્ષે ૨૦૦-૫૦૦ રૂપિયા વધે.’ ત્યારે મહારાજ કહે, ‘આજથી તમારા રોજના લાખ રૂપિયાના મૂલ.’ એમ કહીને મૂછ તથા ચોટી કાતરી નાંખ્યા. એક કોપીન અને અલફી પહેરાવી દીધી. પછી દીક્ષા આપી ‘નિષ્કુળાનંદસ્વામી’ નામ પાડ્યું. પછી કહ્યું, ‘અમારે વાસ્તે ભિક્ષા માગતાં તમને કુળની લાજ નડતી હતી ને ! તેથી આજે તમોને નિષ્કુળ કરી દીધા. આજથી અમો અને અમારા સંતો-ભકતો એ જ તમારું કુળ. લ્યો ઝોળી અને તમારી પત્ની પાસેથી ભિક્ષા લઈ આવો.’

પછી સ્વામીએ તેના સસરાના ઘરે જઈ ‘નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો’ કહી ભિક્ષા માંગી. તેમના પત્ની અવાજ ઓળખી ગયા. તરત તેની માતાને કહ્યું, ‘તમારાં જમાઈને જોવા હોય તો બહાર આવો.’ સાસુએ તેમની સામું જોઈ કહ્યું, ‘લાલજી ! તમે આ શું કર્યું ?’ ત્યારે તેમણે કહ્યું, "પ્રગટ પુરુષોત્તમની સેવા માટે સારા સંસારનો ત્યાગ કરી હવે હું નિષ્કુળ બન્યો છું. મને જલ્દી ભિક્ષા આપો." ત્યારે તેમના સાસુએ દીકરીને કહ્યું, ‘બંને પુત્રોને સાથે લઈને સામી ઊભી રહે, તે દીકરા ઉપર તો દયા આવશે ને ! કંકુબાઈએ તેમ કર્યું. ત્યારે નીચું જોઈ સ્વામી કહે, ‘અગ્નને ઉધઈ ન લાગે; માટે હવે એ વાત મૂકી દ્યો અને પ્રગટ પ્રભુને જમવાની ઇચ્છા છે તો તમારા હાથની ભિક્ષા આપો.’ પછી કંકુબાઈએ બાજરાના ગરમ ગરમ રોટલા કરી ઘી ચોપડી અથાણા સાથે આપ્યા. સ્વામી ભિક્ષા લઈ શ્રીહરિ પાસે આવ્યા.

યમદંડ ગ્રંથની રચના : પછી શ્રીહરિએ સ્વામીને કહ્યું, ‘તમે તો મૂર્તિમાન વૈરાગ્ય છો. ભરતજીનો અવતાર છો. માટે ગરૂડપુરાણનો સાર કાઢીને ‘યમદંડ’ ગ્રંથ રચો. ત્યારે સ્વામી કહે : "અરે મહારાજ ! કાળા અક્ષર કુહાડે માર્યા, હું કાંઈ ભણ્યો નથી." હૈયાના હેતથી આશીર્વાદ આપતાં શ્રીહરિએ કહ્યું, "જાઓ આજથી તમે લખો તે કવિતા થશે અને બોલો તે છંદ છપ્પયમાં ગોઠવાઈ જશે." એટલે મહાવિશ્વાસુ આ મુકતાત્માએ તરત જ સાહિત્ય સર્જનની સેવા સ્વીકારી લીધી. પછી તો સદ્.નિષ્કુળાનંદસ્વામીની બુદ્ધિમાં સ્વયં સહજાનંદસ્વામી બેસી ગયા. સ્વામીની વાણી એટલે ગંગાજીનાં પાણી. મુમુક્ષુનાં અંતર સાફ કરવાની સાવરણી. પછી તો ભગવાનને ભેટાડવા માટે જ પ્રગટેલી આ ભાગીરથી પૂરપાટ વહેતી થઈ. શ્રીહરિ બે દિવસ ત્યાં કચરા ભકતને ઘેર રહી કચ્છ જતાં કહ્યું, ‘અમો વળતાં આવશું ત્યારે સાથે લેતા જશું. તમે અહીં જ રહી ગ્રંથનું કામ ચાલુ રાખો.’ એમ કહી સમાધિમાં યમપુરીનાં દર્શન કરાવ્યા. પછી નજરે જોયેલું તે નરકનું દુઃખ યમદંડમાં લખવા લાગ્યા.

શ્રીહરિ કચ્છ ગયા બાદ સંત બનેલા સદ્.નિષ્કુળાનંદસ્વામીને તેમનાં ધર્મપત્ની કંકુબાઈ, સાસુ-સસરા તથા ગામના રાજાએ ખૂબ મનાવ્યા, "પ્રગટ પુરુષોત્તમની સેવા માટે સારા સંસારનો ત્યાગ કરી હવે હું નિષ્કુળ બન્યો છું. મને જલ્દી પરંતુ ‘મને સ્વપ્ને ન ગમે રે સંસાર’, ‘મૈ હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ’ જેવાં મર્મભેદક સ્વરચિત કીર્તનો બોલી મનાવવા આવનારનાં બંધનો પણ ઢીલા કરવા લાગ્યા. છેવટે તેમના વૈરાગ્યની જીત થઈ.

શ્રીહરિ ભૂજથી પાછા આધોઈ આવ્યા. સ્વામીને સાથે લઈ જોડિયા થઈ મોડા પધાર્યા. ત્યાં સ્વામીને આજ્ઞા કરી કે, ‘હવે તમે તમારી જન્મભૂમિમાં જઈ તમારા માતૃશ્રી પાસેથી ભિક્ષા લઈ આવો.’ સ્વામી શેખપાટ ગયા. ઘરનો દરવાજો ખોલી ‘નારાયણ હરે સચ્ચદાનંદ પ્રભો’ કહી ભિક્ષા માંગી. દીકરાને દેખતાં જ અમૃતબા પોક મૂકી રડવા લાગ્યાં. પછી કહ્યું : ‘છોકરાઓ નાના છે, તમારા બાપ છે નહિ તો અમે બંને સાસુ-વહુ કેમ ગુજરાન કરીશું ? માટે ભગવાં ઉતારી અહીં જ રોકાઈ જાવ.’ ત્યારે સ્વામી કહે, "ચડ્યો રંગ હવે ન ઊતરે. તમારા નિભાવ અર્થે પટારા નીચે પાંચ હજાર કોરી છે તેમાંથી વ્યવહાર ચલાવજો." ત્યાર પછી પણ માતાએ રડવાનું ચાલુ રાખ્યું, ત્યારે તેમને ઉદ્દેશી ઊંચે સાદે આ પદ લલકાર્યું --

જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી.

એ આખું પદ સંભળાવી કહ્યું, ‘હે મા ! ગોપીચંદ અને ધ્રુવની માતાને ધન્ય છે કે, તેમણે પોતાના પુત્રને વૈરાગ્ય પ્રેર્યો અને તમો ભેખ ઉતારવાનું કહો છો ? તમારી આજીવિકામાં વાંધો નહિ આવે, ભગવાન ઉપર ભરોસો રાખો અને મારા વૈરાગ્યમાં વિઘ્ન ન કરો.’ આ સાંભળી માતાજી શાંત થયાં. પછી તેમના હાથની ભિક્ષા લઈ શ્રીહરિ પાસે મોડા ગામ આવ્યા. પછી પ્રભુને સઘળી વાત કહી. તે સાંભળી શ્રીહરિ અતિ પ્રસન્ન થયા ને બાથમાં ઘાલીને ભેટ્યા. ત્યાંથી ગામડાંઓ ફરતાં ફરતાં જૂનાગઢ આવ્યા. ત્યાં સ્વામી પાસે સ્વરચિત ‘યમદંડ’ ગ્રંથ વંચાવ્યો. તે સાંભળી શ્રીહરિએ વર આપ્યો કે, ‘આ ગ્રંથ જે કોઈ વાંચશે કે સાંભળશે તેને જમનું તેડું નહિ આવે.’ એમ કહી સ્વામીને કહ્યું, "આવા ગ્રંથોની અત્યારે ખૂબ જરૂર છે, માટે બીજા ગ્રંથ પણ રચો."

સાહિત્ય સર્જન : પૂ.સ્વામીએ પ્રભુની પ્રસન્નતાર્થે જીવનભર કલમ ચાલુ જ રાખી. તાકયાં તીર ફેંકનારા અને ભકતહૃદયમાં વૈરાગ્ય તથા ભકતની ખુમારી ચડાવનારા પૂ.સ્વામીએ એકથી એક ચડે એવા કુલ ત્રેવીસ ગ્રંથો લખ્યા છે. એમાં તેમનું પ્રથમ સર્જન યમદંડે તો અનેકને સંસારની બેડી તોડાવી ભગવદ્ સન્મુખ કર્યા છે. પુરુષોત્તમ પ્રકાશ, સારસિદ્ધિ, વચનવિધિ, હરિબળગીતા, ધીરજાખ્યાન, સ્નેહગીતા, ભકતનિધિ, કલ્યાણનિર્ણય અને હરિસ્મૃતિ જેવા ૨૨ ગ્રંથોનો સંગ્રહ આજે સંપ્રદાયમાં નિષ્કુળાનંદ કાવ્ય તરીકે પ્રસિદ્ધ થયો છે. તેનાથી મુમુક્ષુઓને ખૂબ જ બળ મળી રહ્યું છે. એમાં પૂ.સ્વામીની સૌથી મોટી રચના ભકત ચિંતામણિ તો સંપ્રદાયમાં સહુ કોઈનો અતિ પ્રિય ગ્રંથ છે. આ ઉપરાંત હજારો કીર્તનોની રચના કરી સદ્.નિષ્કુળાનંદસ્વામીએ માત્ર સંપ્રદાયમાં જ નહિ, પણ ગરવી ગુજરાતના સાહિત્ય ક્ષેત્રે અણમોલ ફાળો આપ્યો છે. સ્વામીશ્રીની વાણી વેધક, હૃદયસ્પર્શી અને સુગમ છે. તેમનું જ્ઞાન અનુભવ સિદ્ધ છે. સ્વામીની દષ્ટાંત આપવાની શૈલી હૃદયંગમ છે. ટૂંકમાં સ્વામીનાં કાવ્યો એ પુરુષોત્તમની કૃપાની નીપજ છે, તેથી જ એમાં કરોડોના કલ્યાણની ક્ષમતા સમાયેલી છે.

નિર્બંધતા અને સજાગતા : એકવાર પૂ.સ્વામી લાકડિયા ગામની સીમમાંથી શ્રીહરિ સાથે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક રસ્તામાં પડેલ ઘણું બધું ધન જોવા મળ્યું. નિષ્કુળાનંદસ્વામીની પરીક્ષા ખાતર મહારાજે તેમને તે ધન ઉપર ઝાડા-પેશાબ કરવા કહ્યું. પૂ.સ્વામીએ તરત જ તેમ કર્યું. આ પ્રસંગ ચોસઠપદીમાં ટાંકતાં પોતે જ કહે છે --

લોભ ઉપર મહામુનિ રાજ, આવિયા ઝાડે ફરી.

અમુક સમય પછી એક દિવસ ગઢપુરમાં સભા ભરાણી. તેમાં શ્રીહરિએ હાથની મૂઠીવાળી સ્વામીને કહ્યું, ‘મુખ ખોલો, તમને પ્રસાદી આપવી છે.’ સ્વામી કહે, ‘પ્રથમ બતાવો તો મોઢું ખોલું.’ પછી તેની ઘણી રકઝક થઈ. બ્રહ્માનંદસ્વામી વગેરે સંતોએ પણ આગ્રહ કર્યો, પરંતુ સ્વામીએ મુખ ન ખોલ્યું. છેવટે મહારાજે મૂઠી ખોલી તો તેમાં રૂપિયો હતો. પછી સ્વામીની પ્રશંસા કરતાં શ્રીહરિ બોલ્યા કે, ‘અમારા પાડ્યા પણ ન પડ્યા તો માયાના પાડ્યા તો પડે જ કેમ ?’ વચનામૃતમાં પણ આ વાતની નોંધ લેતાં શ્રીહરિ કહે છે કે, "આ મુળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદસ્વામી છે તેને સ્ત્રી-ધનાદિક પદાર્થનો જોગ થાય તોપણ એ ડગે નહીં." (વ.ગ.અં.૨૬)

એકવાર ગઢપુરની મહંતાઈ મહારાજે નિષ્કુળાનંદસ્વામીને આપવાનું નક્કી કર્યું. આ વાતની જાણ થતાં જ સ્વામી વહેલા ઊઠી ગઢાળી ચાલ્યા ગયા. તે સમયે ધોલેરામાં અન્ન-જળ જેવી જીવન જરૂરિયાતની બહુ અગવડતા હતી. ત્યાં રહેવું સહેજે કોઈને ગમે નહિ એવું હતું. છતાં શ્રીહરિના વચને નિષ્કુળાનંદસ્વામી વર્ષો સુધી ત્યાં રહ્યા હતા. આ પ્રસંગો તેમની નિર્બંધતા, સજાગતા અને દઢ વૈરાગ્યના સાક્ષી છે.

પ્રેમની પરાકાષ્ઠા : બ્રહ્માનંદસ્વામી અતિ બિમાર છે તેવા સમાચાર સદગુરુ શ્રીગોપાળાનંદસ્વામીને મળ્યા. પરંતુ સ્વામી પોતે જઈ શકે તેમ નહિ હોવાથી બ્રહ્માનંદસ્વામીની ખબર કાઢવા માટે દસ સંતો સાથે નિષ્કુળાનંદસ્વામીને મૂળી જવા કહ્યું. રસ્તામાં સ્વામી પોતાનાં કરેલાં ‘સખી કારતક માસે કંથ, પીયુ ગયા પરહરી’ આ વિરહનાં કીર્તન બોલવા લાગ્યા. તેમાં હેતથી હૈયું ભરાઈ ગયું ને પૂ.સ્વામી પૃથ્વી પર પડી ગયા ને જેમ ગાય વાછરડા માટે હિંહોરા કરે તેમ હરિ માટે હિંહોરા કરવા માંડ્યા. આવી તેમની પ્રેમ પરાકાષ્ઠા જોઈ શ્રીહરિ સાક્ષાત્ પ્રગટ થયા.

પછી શ્રીહરિ કહે, "આટલા બધા દિલગીર કેમ થાવ છો ?" ત્યારે સ્વામી કહે, "હે મહારાજ ! તમ વિના કેમ કરીને રહેવાય ?" ત્યારે મહારાજ બોલ્યા જે, "અમે કયાં તમારાથી નોખા છીએ ? તમારી ભેગા ને ભેગા જ છીએ માટે રોવું નહિ. હવે તમે ઝટપટ મૂળીએ જાઓ. કેમ જે, બ્રહ્માનંદસ્વામીનો દેહ રહે એમ નથી." પછી સ્વામીને મહારાજ મળ્યા ને સ્વામી પણ બહુ રાજી થયા. આમ પૂ.સ્વામી મહાપ્રેમી પણ હતા. તેમના વિવિધ ગુણોના આવા તો અનેક પ્રસંગો છે.

સંવત્ ૧૯૦૩ અષાઢ વદ-૯ના દિવસે ધોલેરામાં પૂ.સ્વામીએ સહુને કહ્યું, ‘આજે વહેલા જમી લેજો, બપોરે મારે દેહ મેલવો છે.’ સંતો જમીને આવ્યા ને બાર વાગ્યા ત્યાં આખા મંદિરમાં તેજ છાઈ ગયું. અનંત સંતો સાથે સહુને શ્રીહરિનાં દર્શન થયાં. પછી શ્રીહરિએ સ્વામીને પૂછ્યું : ‘શ્વેતદ્વીપની ગાદી ખાલી છે, તે જોઈએ છે ?’ સ્વામી કહે, ‘હે મહારાજ ! ત્યાં તો હું પ્રથમ હતો જ, હવે તો હું અખંડ આપની સાથે રહીશ.’ એમ કહી દિવ્ય દેહ ધરી ધોલેરામાંથી શ્રીહરિની સેવામાં સિધાવ્યા. આ વિરલ વિભૂતિનું જીવન અનેક મુમુક્ષુઓને પ્રેરણાનાં પીયૂષ પાય છે. તેમનું આ દિવ્ય જીવન આપણા જીવનને ઉજાળે એ જ અભ્યર્થના સાથે તેમના પાવનકારી ચરણોમાં કોટિ કોટિ વંદન.

 

[વહાલા ભકતજનો ! નિષ્કુળાનંદ કાવ્યના મર્મજ્ઞ પ્રભુપ્રેમી સંત પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજીસ્વામી-કુંડળવાળાએ નિષ્કુળાનંદ કાવ્યના તમામ ગ્રંથોનું તથા સંપૂર્ણ ભકતચિંતામણિ ગ્રંથનું વિવરણ તે તે ગ્રંથોની કથામાં સંગીત સાથે ચોટદાર શૈલીમાં કર્યું છે. તે સર્વે ગ્રંથો CD- VCD-MP3ના રૂપમાં અનેક મુમુક્ષુઓને ભગવદભક્તિ અને પ્રભુપ્રાપ્તનું અજોડ બળ પૂરું પાડે છે.]

[ “નિષ્કુળાનંદ કાવ્ય”, પુસ્તક  પ્રકાશક - શ્રી સ્વામિનારાયણ મંદિર, તીર્થધામ કુંડળ તથા શ્રી સ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરા માંથી સાભાર.  સંપર્ક - http://swaminarayanbhagwan.com/ ]

Facebook Comments