૧૨ દ્વાદશોધ્યાય: ભક્તિયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:37pm

અધ્યાય - ૧૨


श्रीपरमात्मने नमः
अथ द्वादशोऽध्यायः

अर्जुन उवाच
एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ।
ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ॥१२- १॥

અર્જુન કહે છે =
જે અનન્ય ભક્તજન આ પૂર્વે કહ્યું એ પ્રકારે નિરન્તર આપના ભજન- નમાં સંલગ્ન રહીને આપની ઉપાસના કરે છે. અને જે બીજાઓ અવ્યક્ત અક્ષરની ઉપાસના કરે છે. આ બે પ્રકારના ઉપાસકોમાં અતિ ઉત્તમ યોગવેત્તા કોણ છે ? ।।૧૨- ૧।।

श्रीभगवानुवाच
मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते ।
श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः ॥१२- २॥

શ્રીભગવાન કહે છે =
મારામાંજ મનને એકાગ્ર કરીને જે ભક્તજનો મારામાં જ નિત્યયુક્ત થઇને મારી ઉપાસના કરે છે. અને મારામાંજ જેઓ પરમ દૃઢ શ્રદ્ધાએ યુક્ત છે. તે જ મારા ભક્તોમાં અતિ યુક્ત-યોગ્યતાવાળા શ્રેષ્ઠ માનેલા છે. ।।૧૨- ૨।।

ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते ।
सर्वत्रगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् ॥१२- ३॥
संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ।
ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ॥१२- ४॥

અને જે જનો તો ઇન્દ્રિયોના સમૂહને રૂડે પ્રકારે વશમાં કરીને, નિર્દેશ ન કરી શકાય એવું અને તેથીજ અવ્યક્ત, એવા કૂટસ્થ, અચળ, અવિનાશી, અક્ષર-બ્રહ્મને ઉપાસે છે. અને સર્વત્ર સમ બુદ્ધિ રાખનારા છે. અને ભૂત-પ્રાણીમાત્રનું હિત કરવામાંજ રાચનારા છે. તો તેઓ પણ મનેજ પામે છે. ।।૧૨- ૩-૪।।

क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् ।
अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ॥१२- ५॥

પરન્તુ-અવ્યક્ત અક્ષર-બ્રહ્મમાં આસક્ત ચિત્તવાળા તે અક્ષરના ઉપાસકોને અતિ અધિક કલેશ સહેવો પડે છે. અને દેહધારીઓએ આખરે દુ:ખપૂર્વકજ તે અવ્યક્ત ગતિ પ્રાપ્ત કરાય છે. ।।૧૨- ૫।।

ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः ।
अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥१२- ६॥
तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् ।
भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् ॥१२- ७॥

પણ જે જનો તો મત્પરાયણ થઇને સર્વ કર્મ મારામાં જ સમર્પણ કરીને અનન્ય-એકાન્તિક ભક્તિયોગથી મારૂં જ ધ્યાન કરતાં મારી જ ઉપાસના કરે છે. તો હે પાર્થ ! એ મારામાંજ ચિત્ત પરોવનારા મારા પ્રેમી એકાન્તિક ભક્તોનો હું થોડાજ સમયમાં મૃત્યુરૂપ સંસાર-સાગરથી ઉદ્ધાર કરનારો થાઉં છું. ।।૧૨- ૬-૭।।

मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय ।
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः ॥१२- ८॥

માટે તું મારામાંજ મન લગાવી દે ! મારામાં જ બુદ્ધિ પરોવી દે ! હવે પછી તું મારામાં જ નિવાસ પામીશ. આ વાતમાં કાંઇ સંશય ન કરીશ. ।।૧૨- ૮।।

अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् ।
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनंजय ॥१२- ९॥

અને જો તું મારામાં સ્થિર ચિત્ત રાખીને ઘણો સમય ધ્યાન કરવા સમર્થ ન થતો હોય, તો હે ધનંજય ! અભ્યાસ-યોગથી તું મને પામવાની ઇચ્છા રાખ ! ।।૧૨- ૯।।

अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव ।
मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि ॥१२- १०॥

એવો અભ્યાસ કરવામાં પણ તું અસમર્થ હોય તો કેવળ મારે માટેજ કર્મ કરવામાં પરાયણ થઇ જા ! મારે માટેજ કર્મ કરતાં કરતાં પણ મારી પ્રાપ્તિરૂપ સિદ્ધિને પામીશ. ।।૧૨- ૧૦।।

अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः ।
सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् ॥१२- ११॥

હવે- મારી પ્રાપ્તિ માટે એ પણ કરવા તું અસમર્થ હોય તો મારા ભક્તિ-યોગને આશરીને મન-બુદ્ધિને કાબુમાં રાખીને પછી સર્વ કર્મના ફળનો ત્યાગ કર ! ।।૧૨- ૧૧।।

श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते ।
ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ॥१२- १२॥

અભ્યાસ કરતાં જ્ઞાન ઘણું સારૂં છે. જ્ઞાન કરતાં ધ્યાન વિશેષ સારૂં છે. ધ્યાન કરતાંય કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. કેમકે ત્યાગથી તુરતજ પછી શાન્તિ પ્રાપ્ત થાય છે. ।।૧૨- ૧૨।।

अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च ।
निर्ममो निरहंकारः समदुःखसुखः क्षमी ॥१२- १३॥
संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः ।
मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः ॥१२- १४॥

સર્વ ભૂત-પ્રાણીમાત્રનો દ્વેષ નહિ કરનારો, નિઃસ્વાર્થપણે સર્વની મૈત્રી રાખનારો, અકારણ સર્વના ઉપર કરૂણા રાખનારો, મમતાએ સહિત અને અહંકારે પણ રહિત, સુખ દુ:ખમાં સમ રહેનારો અને અપરાધીને પણ અભય આપવારૂપ ક્ષમા રાખનારો, અને જે ભક્ત-યોગી સદાય સન્તોષી રહેતો હોય, મન ઇન્દ્રિયોને કાબુમા રાખનારો અને મારા સ્વરૂપના દૃઢ નિશ્ચયવાળો હોય, મારામાં મન આદિક ઇન્દ્રિયો અને બુદ્ધિને અર્પણ કરીને મારીજ ભક્તિ કરનારો જે મારો ભક્ત તેજ મને પ્રિય છે. ।।૧૨- ૧૩-૧૪।।

यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः ।
हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः ॥१२- १५॥
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः ।
सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ॥१२- १६॥

જેનાથી કોઇ પણ પ્રાણી ઉદ્વેગ ન પામે અને જે પોતે કોઇ પણ પ્રાણીથી ઉદ્વેગ ન પામે અને જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગાદિક વિકારોથી રહિત થઇને વર્તે તે ભક્ત મને પ્રિય છે. જે કોઇની અપેક્ષા નથી રાખતો, અંદર-બહાર શુદ્ધ રહે છે. ચતુર, પક્ષપાતે રહિત વર્તનારો અને દુ:ખાદિકની વ્યથા નહિ પામનારો, તેમજ સર્વ આરંભમાત્રનો પરિત્યાગ કરનારો જે મારો ભક્ત તે જ મને પ્રિય-વ્હાલો છે. ।।૧૨- ૧૫-૧૬।।

यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति ।
शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः ॥१२- १७॥

જે કયારેય હર્ખાઇ જતો નથી અને કોઇનો દ્વેષ પણ કરતો નથી, જે કયારેય શોક નથી કરતો તેમ કશાની આકાંક્ષા નથી રાખતો, અને સારા-નરસાનો સર્વનો પરિત્યાગ કરીને મારામાં ભક્તિવાળો જે ભક્તજન તે મને બહુજ પ્રિય-વ્હાલો છે. ।।૧૨- ૧૭।।

समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः ।
शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः ॥१२- १८॥
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् ।
अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः ॥१२- १९॥

જે શત્રુમાં અને મિત્રમાં તથા માન-અપમાનમાં પણ સમ વર્તે છે. શીત-ઉષ્ણાદિક તથા સુખ દુ:ખમાં પણ જે સમ વર્તે છે. તેમજ સર્વમાં સંગ-આસક્તિએ રહિત છે. જે નિંદા અને સ્તુતિને સમાન સમઝે છે. મનન કરવાના સ્વભાવવાળો છે, શરીરના નિર્વાહમાં જે કોઇ પદાર્થ મળી આવે તેનાથી જે સદાય સન્તોષી રહેનાર છે. એક જ સ્થાનમાં નિયત વાસ નહિ રાખનારો અને મારામાં સદાય સ્થિર બુદ્ધિ રાખનારો મારામાં ભક્તિમાન પુરૂષ મને બહુજ વ્હાલો છે. ।।૧૨- ૧૮-૧૯।।

ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते ।
श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः ॥१२- २०॥

હે અર્જુન ! જે પુરૂષો આ મારા ભક્તિ-યોગરૂપ ધર્મમય અમૃતનું મારા કહેવા પ્રમાણે વર્તીને પર્યુપાસન કરે છે. અને તેમાં શ્રદ્ધાયુક્ત થઇને મત્પરાયણજ વર્તે છે. તે મારા ભક્તો મને અતિશયજ પ્રિયવ્હાલામાં વ્હાલા છે. ।।૧૨- ૨૦।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः ॥ १२ ॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ભક્તિયોગો નામદ્વાદશોઽધ્યાયઃ ।।૧૨।।