એકલડાં કેમ રે’વાય તમ વિના વા’લાજી, મંદિરીયું ખાવા ધાય (૪) ?

Submitted by swaminarayanworld on Fri, 12/02/2016 - 11:40pm

રાગ ગરબી

પદ - ૧

એકલડાં કેમ રે’વાય  તમ વિના વા’લાજી, મંદિરીયું ખાવા ધાય  તમ૦૧

હૈયાની કોણ પૂરે હામ-  તમ૦ મારે હાથ ન લાગે કામ.  તમ૦ ૨

કોણ જાણે દીલની વાત-  તમ૦ સુખ ના’વે દિને રાત.  તમ૦ ૩

મારી જુગ  તુલ્ય રજની જાય-  તમ૦ મહા દુઃખ છે હૈયા માંય.  ત૦ ૪

બ્રહ્માનંદના સ્વામી જાણ -  તમ૦ હું કેમ કરી રાખું પ્રાણ.  તમ૦ ૫

 

પદ - ૨

મરમાળા મારેમો’લ આવો અલબેલા, છોગાળા સુંદર છેલ. આ૦ ૧

હુંતો સજી રહી શણગાર- આવો૦ મારા પ્રાણ  તણા આધાર. આ૦ ૨

હુંતો જોઈ રહી છું વાટ- આવો૦ મેં ખાંતે ઢાળી ખાટ. આ૦ ૩

જાણો છો રસની રીત- આવો૦ પાતળીયા  તમ શું  પ્રીત. આ૦ ૪

બ્રહ્માનંદ કહે મચ્યો ખેલ- આવો૦ રંગડાની કરવા રેલ. આ૦ ૫

 

પદ - ૩

નયણાંને ચાળેનાથ,  પ્રીતમ પાતળીયા, મન ફરે તમારે સાથ  પ્રીત૦ ૧

કામણીયાં કીધાં કોય-  પ્રીત૦ વણ દીઠે સુખ નવ હોય.  પ્રીત૦ ૨

મારે હાથ ન લાગે કામ-  પ્રીત૦ શું કીધું સુંદર શ્યામ.  પ્રીત૦ ૩

કારણ છે મોરલી માંય-  પ્રીત૦ સાંભળતા સુધ વિસરાય.  પ્રીત૦ ૪

બ્રહ્માનંદના સ્વામી છેલ-  પ્રીત૦ હું આવીશ  તારે ગેલ.  પ્રીત૦ ૫

 

પદ - ૪

આવોને રમીએ આજ, જગના જીવનજી; રસમાં ચતુરાછો રાજ-જ૦૧

સેજલડી બની છે સાર- જ૦ મોજ માણોને નંદકુમાર. જ૦ ૨

મુજ દાસી ઊપર મહેર- જ૦ આવી કરોને લીલા લહેર. જ૦ ૩

મારું  તનડું ટાઢું થાય- જ૦ હૈયામાં હરખ ન માય. જ૦ ૪

બ્રહ્માનંદ કહે વારંવાર- જ૦  તમ સાથે લાગ્યો પ્યાર. જ૦ ૫

Facebook Comments