૫૮ શ્રીકૃષ્ણ ભગવાન પાંચ સ્ત્રીઓ સાથે પરણ્યા

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 1:22pm

અધ્યાય ૫૮

શ્રીકૃષ્ણ ભગવાન પાંચ સ્ત્રીઓ સાથે પરણ્યા.

શુકદેવજી કહે છે હે રાજા ! પાંડવો પ્રથમ લાક્ષાગૃહમાં બળી ગયેલા જણાયા હતા અને પછી દ્રુપદ રાજાને ઘેર સર્વલોકોના જોવામાં આવ્યા હતા, તે પાંડવોને જોવા માટે એક દિવસે શ્રીકૃષ્ણ ભગવાન સાત્યકિ આદિ યાદવોની સાથે ઇંદ્રપસ્થમાં પધાર્યા.૧ સર્વલોકોના ઇશ્વર તે શ્રીકૃષ્ણને આવેલા જોઇ વીર પાંડવો જેમ પ્રાણ આવતાં ઇંદ્રિયો ઊઠે તેમ એક સામટા ઊભા થયા.૨ ભગવાનનું આલિંગન કરી તેમના અંગના સમાગમથી જેઓનાં પાપ બળી ગયાં એવા પાંડવો સ્નેહ ભરેલું મંદહાસ્યવાળું તેમનું મુખ જોઇને આનંદ પામ્યા.૩ યુધિષ્ઠિર અને ભીમસેન કે જેઓ પોતાથી મોટા હતા તેઓને ભગવાન પગે લાગ્યા, અર્જુનનું આલિંગન કર્યું અને નકુલ, સહદેવ ભગવાનને પગે લાગ્યા.૪ નવાં પરણીને આવેલાં પતિવ્રતા દ્રૌપદી ઉત્તમ આસન પર બેઠેલા ભગવાનની પાસે કાંઇક લજાતા ધીરે ધીરે આવીને તેમને પગે લાગ્યાં.૫ આ પ્રમાણે પાંડવો દ્વારા પૂજાયેલ અને પ્રણામ કરાયેલ, સાત્યકિ અને બીજાઓ પણ યોગ્ય પૂજા અને સન્માન પામીને આસનો પર બેઠા.૬ ભગવાન પોતાનાં ફુઇ કુંતીની પાસે આવીને તેમને પગે લાગ્યા. ઘણા સ્નેહથી જેમની આંખોમાં પાણી ભરાઇ આવ્યાં હતાં, એવાં એ ફઇએ ભગવાનનું આલિંગન કર્યું. પછી કુંતીએ બાંધવોનું કુશળ પૂછતાં ભગવાને પણ તેમને અને દ્રૌપદીને કુશળ પૂછ્યું.૭ પ્રેમની પરવશતાથી જેનો કંઠ રુંધાઇ ગયો હતો, અને નેત્રમાં આંસુ આવ્યાં હતાં, એવાં કુંતીએ પોતા ઉપર પડેલાં ઘણાં કષ્ટોને સંભારી શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યું કે ‘‘હે કૃષ્ણ ! હે દુઃખહરણ ! જ્યારે અમો બંધુઓને સંભારીને તમે મારા ભાઇ અક્રૂરને મોકલ્યા હતા, ત્યારથી જ અમારું કુશળ થઇ ચૂક્યું છે અને તમે અમને ધણિયાતા કર્યાં છે.૮-૯ જગતના મિત્ર અને આત્મારૂપ આપને આ પોતાનો અને આ પારકો એવો ભેદ નથી, તોપણ સ્મરણ કરનારાઓના હૃદયમાં રહીને નિરંતર તેઓના ક્લેશોને દૂર કરો છો.’’૧૦ યુધિષ્ઠિરે ભગવાનને કહ્યું કે ‘‘હે પ્રભુ ! અમે કહ્યું પુણ્ય કર્યું છે કે જેના પ્રભાવથી યોગેશ્વરોને પણ દુર્લભ એવાં તમારાં દર્શન, વિષય લંપટ એવા અમોને થયાં તે હું જાણતો નથી.’’૧૧ યુધિષ્ઠિર રાજાની પ્રાર્થના ઉપરથી ભગવાન વર્ષાઋતુના ચાર મહિના સુધી આનંદથી ઇંદ્રપ્રસ્થમાં રહ્યા અને ત્યાંના રહેવાસીઓનાં નેત્રોને આનંદ આપ્યો.૧૨ એક દિવસે શત્રુઓને મારનાર અર્જુન ભગવાનની સાથે સજ્જ થઇ, વાનરની ધ્વજાવાળા રથમાં બેસીને ગાંડીવ ધનુષ તથા અક્ષય બાણવાળા ભાથા લઇ, ઘણા સર્પ અને મૃગોથી ભરેલા ઘાટા વનમાં મૃગયા કરવા સારુ ગયા.૧૩-૧૪ એ વનમાં વાઘ, સુવર, પાડા, રુરુ, સરભ, રોઝ, ગેંડા, હરણ, સસલાં અને શાહુડીને (શેઢાઇને) બાણથી વીંધી નાખ્યાં.૧૫ પર્વણીનો દિવસ હતો તેથી એ પવિત્ર પશુઓને કિંકર લોકો રાજાની પાસે લઇ ગયા. તરસથી વ્યાપ્ત અને થાકેલા અર્જુન યમુનાજીની પાસે આવ્યા.૧૬ મહારથી શ્રીકૃષ્ણ અને અર્જુને સ્વચ્છ પાણીનું આચમન અને પાન કર્યા પછી ત્યાં ફરતી એક રૂપાળી કન્યાને દીઠી.૧૭ ભગવાને મોકલેલા અર્જુને સુંદર નિતંબવાળી, સારા દાતવાળી અને રુચિર મોઢાંવાળી એ ઉત્તમ સ્ત્રીની પાસે જઇને પૂછ્યું કેર હે રૂડા નિતંબવાળી ! તું કોણ છે ? કોની છે ? ક્યાંથી આવી છે ? અને શું કરવા ઇચ્છે છે ? હું ધારું છું કે તને પતિની ઇચ્છા છે. માટે હે સુંદરી ! તું સર્વે કહે.૧૮-૧૯ કાલિંદી કહે છે હું સૂર્યની દીકરી છું, અને વરદાન દેનારા મહાપ્રભુ વિષ્ણુ મારા પતિ થાય એવી ઇચ્છાથી કઠોર તપ કરું છું.૨૦ હે વીર ! લક્ષ્મીના નિવાસરૂપ એ વિષ્ણુ વિના બીજા પતિને હું ઇચ્છતી નથી. અનાથ લોકોના આશ્રયરૂપ એ મુકુંદ ભગવાન મારા ઉપર પ્રસન્ન થજો.૨૧ મારું નામ કાલિંદી છે અને યમુનાના ધરામાં મારા પિતાએ રચી આપેલા ઘરમાં હું ભગવાનનું દર્શન થવા સુધી રહેવાની છું.૨૨

શુકદેવજી કહે છે હે રાજા ! અર્જુને ભગવાનની પાસે આ વાત કહી એટલે ભગવાન પોતે પહેલાંથી જ જાણતા હતા, તેથી ભગવાન એ કાલિંદી નામની કન્યાને રથમાં બેસાડી અર્જુનની સાથે યુધિષ્ઠિર રાજાની પાસે આવ્યા.૨૩ પાંડવોની પ્રાર્થનાથી ભગવાન ઇંદ્રપ્રસ્થમાં રહ્યા હતા, તે સમયમાં તેમણે વિશ્વકર્માની પાસે પાંડવોને માટે ભારે અદ્ભુત નગર કરાવી દીધું હતું.૨૪ સંબંધીઓનું પ્રિય કરવાની ઇચ્છાથી ત્યાં રહેલા શ્રીકૃષ્ણે અગ્નિને ખાંડવવન બાળવા આપ્યું તે પ્રસંગમાં અર્જુનને ધનુષ આદિનો લાભ કરી દેવાને માટે તેના સાઘિથ થયા હતા.૨૫ અગ્નિએ પ્રસન્ન થઇને અર્જુનને ધનુષ, ધોળા, ઘોડા, રથ, અખૂટ બાણવાળાં ભાથાં અને કવચ આપ્યું હતું.૨૬ વળી ખાંડવવન બાળતી વખતે મયદાનવને અગ્નિથી છોડાવ્યો હોવાથી અગ્નિમાંથી મુકાવેલા મયદાનવે પોતાના મિત્ર અર્જુનને એવી સભા કરી આપી હતી કે જે સભામાં જળનું સ્થળ અને સ્થળનું જળ સમજાયાની દુર્યોધનને ભ્રાંતિ થઇ હતી.૨૭ પછી યુધિષ્ઠિર રાજાની આજ્ઞા લઇને સંબંધીઓની સંમતિ લઇ, ભગવાન સાત્યકિ આદિ પોતાના અનુચરોની સાથે પાછા દ્વારકામાં પધાર્યા.૨૮ ત્યાં આવીને સંબંધીઓને પરમ આનંદ મંગળ આપતા ભગવાન સારી ઋતુ અને ઉત્તમ નક્ષત્રવાળા માંગલિક સમયમાં કાલિંદીને પરણ્યા.૨૯ અવંતીના રાજા વિંદ અને અનુવિંદ જેઓ દુર્યોધનની ઇચ્છા પ્રમાણે ચાલનારા હતા, તેઓએ પોતાની બેન મિત્રવિંદા સ્વયંવરમાં શ્રીકૃષ્ણમાં આસક્ત થયાં છતાં પણ તેને રોકી હતી.૩૦ શ્રીકૃષ્ણ ભગવાન એ મિત્રવિંદા કે જે પોતાની ફોઇ રાજાધિદેવીની દીકરી હતી, તેને સર્વ રાજાઓના દેખતા જ બળાત્કારથી હરી ગયા.૩૧ હે રાજા ! કોસલ દેશનો નગ્નજિત નામે એક મોટો ધાર્મિક રાજા હતો, તેની ‘‘સત્યા’’ નામની રૂપાળી કન્યા હતી તે ‘‘નગ્નજીતી’’ એવા નામથી ઓળખાતી હતી.૩૨ તીક્ષ્ણ શીંગડાંવાળા, પરાભવ કરી શકાય નહીં એવા, ખળ અને શૂર પુરુષોના ગંધને પણ સહન કરતા ન હતા, એવા સાત બળદોને જીત્યા વિના રાજાઓ તેને પરણી શક્યા ન હતા.૩૩ બળદોને જે જીતે તેને જ કન્યા મળે. એ વાત સાંભળી, શ્રીકૃષ્ણ ભગવાન મોટું સૈન્ય લઇ, એ રાજાના પુરમાં ગયા.૩૪ પ્રસન્ન થયેલા તે કોસલ દેશના રાજાએ આસનાદિક અને પૂજાના પદાર્થોથી ભગવાનની પૂજા કરી, અને ભગવાને પણ તેને માન આપ્યું.૩૫ રાજાની કન્યાએ પોતાને જોઇએ તેવા વર થવા આવેલા ભગવાનને જોઇને તેને વરવાની ઇચ્છા કરી, અને મનમાં કહેવા લાગી કે જો અનેક વ્રત કરીને મેં ભગવાનને મનમાં ધર્યા હોય તો આ ભગવાન મારા પતિ થજો અને મારા શુભ મનોરથને સફળ કરજો.૩૬ લક્ષ્મી, બ્રહ્મા, સદાશિવ અને લોકપાળ દેવતાઓ પણ જેના ચરણની રજને પોતાનાં મસ્તક ઉપર ધરે છે અને પોતે કરેલી ધર્મ મર્યાદાઓનું રક્ષણ કરવાને માટે જે ઇશ્વર સમયે સમયે લીલાવતાર ધરે છે, તે ભગવાન મારા ઉપર શા ઉપાયથી પ્રસન્ન થાય ? પછી રાજાએ ભગવાનની પૂજા કરીને કહ્યું કે હે નારાયણ ! હે જગતના પતિ ! તમે આત્માનંદથી જ પરિપૂર્ણ છો તે તમારું હું ક્ષુદ્ર રાજા શું કામ કરું ?૩૭-૩૮ હે રાજા ! રાજી થયેલા ભગવાને આસનનો સ્વીકાર કરી મેઘનાદ સરખી ગંભીર વાણીથી મંદહાસ્યપૂર્વક તે રાજાને આ પ્રમાણે કહ્યું.૩૯

ભગવાન કહે છે હે રાજા ! પોતાના ધર્મમાં વર્તનાર ક્ષત્રિય કોઇની પાસે માગણી કરે એ કામ વિદ્વાનોએ ધિક્કારેલું છે, તો પણ તમારી સાથે સ્નેહ સંબંધ કરવાની ઇચ્છાથી તમારી કન્યાને માગું છું. પણ અમો કન્યાના મૂલ્ય તરીકે ધન વગેરે આપતા નથી.૪૦

રાજા કહે છે હે નાથ ! ગુણોના મુખ્ય સ્થાનરૂપ અને જેના અંગમાં લક્ષ્મીજી સદાય રહે છે, તેમનાથી અધિક બીજો કન્યાનો કયો વર ધારીએ ? પરંતુ હે કૃષ્ણ ! પુરુષોના પરાક્રમની પરીક્ષાને માટે અને કન્યાનો વર શોધવાને માટે પ્રથમ ઠરાવ કર્યો છે.૪૧-૪૨ હે વીર ! વગર નાથેલા અને પકડી શકાય નહીં એવા આ સાત બળદો છે, તેમણે ઘણા રાજકુમારોનાં ગાત્રો ભાંગી નાખીને તેઓને હરાવ્યા છે.૪૩ હે યદુનંદન ! હે લક્ષ્મીનાપતિ ! જો આ બળદોને આપ પકડો તો હું મારી દીકરીના પતિ તરીકે સ્વીકારું.૪૪

શુકદેવજી કહે છે આવી રીતનો ઠરાવ સાંભળી ભગવાને ભેટ બાંધીને પોતાનાં સાત સ્વરૂપ ધરી, રમત માત્રમાં જ તે બળદોને પકડી લીધા.૪૫ જેઓનો ગર્વ અને શક્તિ નાશ પામ્યાં છે, એવા એ બળદો લગામથી બાંધીને બાળક જેમ લાકડાના બળદોને ખેંચે તેમ લીલામાત્રમાં ખેંચ્યા.૪૬ પછી પ્રસન્ન થયેલા અને વિસ્મય પામેલા નગ્નજિત રાજાએ પોતાની દીકરી ભગવાનને આપી. ભગવાને પણ પોતાને યોગ્ય એ સ્ત્રીનો વિધિ પ્રમાણે પ્રતિગ્રહ કર્યો.૪૭ દીકરીને પ્યારા પતિ ભગવાન મળવાથી રાજાની રાણીઓને મોટો આનંદ મળ્યો અને ભારે ઉત્સવ થયો.૪૮ શંખ, ભેરી, આદિ અનેક વાજાં વાગવા લાગ્યાં. બ્રાહ્મણો આશીર્વાદ આપવા લાગ્યા. પુરુષો અને સ્ત્રીઓએ રાજી થઇ સારાં વસ્ત્રો અને માળાઓના શણગાર ધર્યા.૪૯ સમર્થ નગ્નજિત રાજાએ દીકરી અને જમાઇના સત્કારમાં ગળામાં સુવર્ણના હારોથી શણગારેલી દશહજાર ગાયો, ત્રણહજાર સારાં વસ્ત્રવાળી દાસીઓ, નવહજાર હાથીઓ, હાથીઓથી સો ગણા રથ, અને રથથી સો ગણા ઘોડા, અને ઘોડાથી સો ગણા સેવકો આપ્યા.૫૦-૫૧ જેનું હૃદય સ્નેહથી ભીંજાઇ ગયું છે, એવા એ રાજાએ દીકરી તથા જમાઇને રથમાં બેસાડી, સાથે મોટી સેના આપીને વળાવ્યા.૫૨ પૂર્વે યાદવો અને બળવાન આખલાઓએ પ્રથમ જેનાં બળ ભાંગી નાંખ્યાં હતાં એવા રાજાઓએ, આ કૃષ્ણ કન્યા પરણીને લઇ જાય છે એ વાત સાંભળી સહન ન થતાં, તેમણે માર્ગમાં રોક્યા.૫૩ બંધુનું પ્રિય કરનારા અર્જુને અનેક બાણ નાખી એ રાજાઓને સિંહ જેમ મૃગોને મારે તેમ મારી નાખ્યા.૫૪ યાદવોમાં ઉત્તમ ભગવાને સસરાએ આપેલી સર્વે વસ્તુઓ લઇ દ્વારકામાં આવીને નગ્નજિતીની (સત્યાની) સાથે રમવા લાગ્યા.૫૫ કેક્ય દેશમાં ઉત્પન્ન થયેલી અને શ્રુતકીર્તિ નામની પોતાની ફઇની દીકરી ભદ્રાને તેમના ભાઇઓએ ભગવાનને આપી, તેથી શ્રીકૃષ્ણ તેમને પણ પરણ્યા.૫૬ મદ્રદેશના રાજાની દીકરી સારાં લક્ષણવાળી લક્ષ્મણાને, ગરુડ જેમ અમૃતને હરી લાવ્યા હતા તેમ ભગવાન પણ સ્વયંવરમાંથી એકલા જ હરી લાવ્યા.૫૭ આવી રીતે બીજી પણ ભગવાનની હજારો રૂપાળી સ્ત્રીઓ હતી કે જેઓને નરકાસુરના બંધનમાંથી નરકાસુરને મારીને છોડાવી લાવ્યા હતા.૫૮

ઇતિ શ્રીમદ્‌મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો અઠ્ઠાવનમો અધ્યાય સંપૂર્ણ.