૬ ઋષભદેવ ભગવાનના દેહ ત્યાગનું ચરિત્ર

Submitted by swaminarayanworld on Thu, 25/02/2016 - 6:09pm

અધ્યાય - : - ૬

ઋષભદેવ ભગવાનના દેહ ત્યાગનું ચરિત્ર

પરીક્ષિત રાજા પૂછે છે - હે મહારાજ ! આત્મારામ લોકો કે જેઓના રાગ દ્વેષાદિક કર્મરૂપ બીજ યોગથી પ્રદીપ્ત થયેલા જ્ઞાનરૂપ અગ્નિથી બળી ગયા હોય એવા પુરુષોને યદૃચ્છાથી દૈવયોગે આપમેળે જ અણિમાદિ સિદ્ધિઓ મળી જાય તો તેમના રાગાદિ ક્લેશોનું કારણ કોઇ રીતે બની શક્તી નથી, છતાં પણ ભગવાન ઋષભદેવજીએ સિદ્ધિઓનો અનાદર શા માટે કર્યો ? ૧

શુકદેવજી કહે છે - હે રાજન્‌ ! તમારું કહેવું સાચું છે, પરંતુ માલ ખરીદનાર લોકો જેમ જુઠું બોલનાર લુચ્ચા વેપારીનો વિશ્વાસ કરતા નથી, તેમ બુદ્ધિમાન પુરુષો પણ ઘડીવારે સ્થિર નહીં રહેનાર આ ચંચળ ચિત્તનો ભરોસો કરતા નથી. ૨ તેવી જ રીતે કેટલીક વાર કહેલું છે કે - આ ચંચળ ચિત્ત સાથે ક્યારેય પણ મૈત્રી કરવી નહીં. મનનો વિશ્વાસ કરવાથી મોટા મોટા યોગીઓનું ઘણાકાળથી સંચિત કરેલું તપ ક્ષણવારમાં જ ક્ષીણ થઇ ગયું છે. ૩ જેવી રીતે વ્યભિચારિણી સ્ત્રી, વ્યભિચારી પુરુષોને તક આપીને તેમના હાથે પોતાનામાં ભરોસો રાખનાર પોતાના પતિનો વધ કરાવી દે છે, તેવી જ રીતે જે યોગીઓ મનનો વિશ્વાસ કરે છે તેમનું મન કામ, ક્રોધાદિક અંતઃશત્રુઓને સાથે રાખી આક્રમણ કરવાની તક આપીને તેમને ભ્રષ્ટ કરી દે છે. ૪ કામ, ક્રોધ, મદ, લોભ, શોક, મોહ, ભય અને કર્મબંધન વગેરેનું મૂળ તો મન જ છે, માટે એ મનનો કોઇ પણ બુદ્ધિમાન પુરુષો વિશ્વાસ કરતા નથી. ૫ એટલા જ માટે ભગવાન ઋષભદેવજી સર્વે લોકપાલોના શિરોમણિ હતા તો પણ પોતે જડ મનુષ્યોના જેવા વેશ, ભાષા અને આચરણથી પોતાના ઇશ્વરીય પ્રભાવને છુપાવીને રહેતા હતા. છેલ્લી અવસ્થાએ તેઓ યોગીઓને દેહત્યાગની વિધિ શીખવાડવા માટે પોતાના શરીરનો ત્યાગ કરવાની ઇચ્છા કરી. આ દેખાતો લોક સર્વે અસત્ય છે એવો દૃઢ નિશ્ચય કરી પોતાના અંતઃકરણમાં સ્વસ્વરૂપનું ધ્યાન કરતા દેહાભિમાન છોડી દીધું. ૬ આ પ્રમાણે લિંગશરીરના અભિમાનથી મુક્ત થયેલા ભગવાન ઋષભદેવજી પોતે શરીર છોડીને પોતાના પરમ ધામમાં ગયા પછી પણ આ પૃથ્વી પર રહેલ પોતાનો દેહ યદૃચ્છાથી કોંક, વેંક, કુટક આદિ દક્ષિણ કર્ણાટકમાં મોઢામાં પથ્થર મૂકેલો, છૂટા કેશ વાળો અને દિગમ્બરરૂપે પાગલની જેમ ફરતો હતો. ૭ આ સમયે વાયુના વેગથી હલન ચલન થતા વાંસના ઘર્ષણને લીધે ભયંકર દાવાગ્નિ પ્રજ્વલિત થયો, તે અગ્નિએ પોતાની વિશાળ જ્વાળાથી ઋષભદેવજીના દેહ સહિત ચારેકોર આખા વનને ભસ્મ કરી દીધું. ૮ હે રાજન્‌ ! સમય જતાં કળિયુગમાં અધર્મ વૃદ્ધિ પામતાં કોંક, વેંક અને કુટક દેશનો ‘અર્હન્‌’ નામનો મૂર્ખ રાજા આ ઋષભદેવજીનું પરમહંસપણાનું ચરિત્ર સાંભળી, પોતે તે પ્રમાણે આચરણ કરી, પોતાના પૂર્વજન્મના ઘોર પાપોને લીધે, વૈદિક ધર્મના માર્ગનો નિર્ભયપણે ત્યાગ કરીને પોતાની બુદ્ધિ મુજબ અયોગ્ય અને પાખંડપૂર્ણ કુમાર્ગનો પ્રચાર કરશે. ૯ એ માર્ગમાં ચાલનારા નીચ માણસો અજ્ઞાનથી મોહ પામી, પોતાની પવિત્રતા અને સદાચાર કે જે વેદશાસ્ત્રમાં કહેલ છે તેને છોડી દેશે. સ્નાન નહીં કરવું, આચમન લેવું નહીં, મલિનતા રાખવી, વાળ ચૂંટાવી લેવા વગેરે ઇશ્વરનો તિરસ્કાર કરનાર પાખંડ ધર્મોને મન ફાવે તે રીતે ગ્રહણ કરશે. આ ઘોર પાપોથી બુદ્ધિ હણાઇ જવાને લીધે ઘણું કરીને વેદો, બ્રાહ્મણો અને યજ્ઞોની નિંદા કરવા લાગશે. ૧૦ તેઓ પોતાની આગળથી ચાલી આવતી અવૈદિક સ્વેચ્છાકૃત અંધ પરંપરામાં વિશ્વાસ રાખવાને કારણે પોતે જ ઘોર નરકમાં પડશે. ૧૧ જોકે ભગવાન ઋષભદેવનો આ અવતાર રજોગુણી લોકોને મોક્ષમાર્ગનો ઉપદેશ કરવા માટે જ થયો હતો. ૧૨ આના ગુણોનું વર્ણન કરતા લોકો આવી ઉક્તિ કહે છે, અહો !!! સાત સમુદ્રોવાળી પૃથ્વીના તમામ દ્વીપો અને દેશોમાં આ ભારતવર્ષ મહાન પુણ્યભૂમિ છે, કારણ કે અહીંના લોકો શ્રીહરિના મંગળમય અવતારોનાં ચરિત્રોનું ગાન કરે છે. ૧૩ અહો !!! પ્રિયવ્રત રાજાના વંશની ભારે ઉજ્જ્વળ કીર્તિ છે, કે જે વંશમાં પુરાણપુરુષ આદિનારાયણે ઋષભ અવતાર ધારણ કરીને મોક્ષ આપનારો ધર્મ પાળ્યો હતો. ૧૪ અહો !!! અજન્મા ભગવાન ઋષભદેવજીના માર્ગ પર કોઇ બીજો યોગી મનથી પણ કેવી રીતે ચાલી શકે ? કારણ કે યોગીજનો યોગસિદ્ધિઓ મેળવવા માટે પ્રયત્ન કરે છે, અને ઋષભદેવજી તો સિદ્ધિઓ પોતાની પાસે આવવા ઇચ્છતી હતી તો પણ મિથ્યા જાણીને તેનો ત્યાગ કરી દીધો હતો. ૧૫ હે રાજન્‌ ! આ પ્રમાણે સમગ્ર વેદો, સ્વર્ગાદિ લોકો, દેવતાઓ, બ્રાહ્મણો અને ગાયોના પરમ રક્ષક ઋષભદેવ ભગવાનનું આ પવિત્ર ચરિત્ર કે જે મનુષ્યોના સમગ્ર પાપોને નાશ કરનારું છે તે મેં તમને કહી સંભળાવ્યું, આ પરમ મંગલમય ચરિત્રને જે મનુષ્ય એકાગ્રચિત્તે શ્રદ્ધાપૂર્વક નિરંતર સાંભળે છે અથવા ગાય છે તે બન્નેની ભગવાન શ્રીવાસુદેવનારાયણને વિષે પરમ એકાંતિક ભક્તિ ઉત્પન્ન થાય છે. ૧૬ અનેક પ્રકારનાં પાપોથી ભરેલા અને સંસારિક તાપોથી અત્યંત તપેલા એવા પોતાના અંતઃકરણને વિદ્વાનો આ ચરિત્રરૂપી સરિતામાં નવરાવતા રહે છે, તે મનુષ્યોને પરમ આનંદમય શાંતિ મળે છે, આની આગળ ભગવાનના એકાંતિક ભક્તો ખુદ ભગવાને આપવા ઇચ્છેલી ચાર પ્રકારની મુક્તિનો પણ આદર કરતા નથી. ૧૭

શુકદેવજી કહે છે - હે રાજન્‌ !ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પાંડવોના તથા યાદવોના રક્ષક, ગુરુ, ઇષ્ટદેવ, સંબંધી અને નિયંતા હતા, એટલું જ નહીં પરંતુ ક્યારેક તો તેમની ભક્તિના વશપણાથી આજ્ઞાંકિત સેવક પણ બની જતા હતા. આવી રીતે ભગવાન પોતાને નિરંતર ભજનારાઓને મુક્તિ આપે છે, પરંતુ પ્રેમલક્ષણા ભક્તિ આપતા નથી. કારણ કે એવી ભક્તિ સર્વ પુરુષાર્થ કરતાં પણ મોંઘી છે. ૧૮ નિરંતર વિષયભોગની અભિલાષા કરવાને કારણે પોતાના વાસ્તવિક કલ્યાણ પ્રત્યે દીર્ઘકાળ સુધી બેસુધ રહેલા લોકોને જેઓ આત્મકલ્યાણનો ઉપદેશ આપનારા અને પોતે નિરંતર આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાને લીધે સર્વપ્રકારની તૃષ્ણાઓથી મુક્ત હતા એવા ભગવાન શ્રીઋષભદેવને હું નમસ્કાર કરું છુ. ૧૯

ઇતિ શ્રીમદ્  ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે ઋષભદેવ ચરિત્ર વર્ણન નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. (૬)