ધન્ય ધન્ય કહીએ તેહ ગામને રે, જેમાં મંદિર મહારાજનું થાય. (૪)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:22pm

રાગ ગરબી

પદ - ૧

ધન્ય ધન્ય કહીએ તેહ ગામને રે, જેમાં મંદિર મહારાજનું થાય. ધ.

સંત સર્વે મળી મંદિરમાં રે, ગુણ ગોવિંદના નિત્ય ગાય. ધન્ય. ૧

કાજુ કથા કરે ઘનશ્યામની રે, લઈ માળા જપે હરિ જાપ. ધન્ય.

તેનું પૂન્ય આવે સર્વે ગામને રે, નાશ પામે પૂરવનાં પાપ. ધન્ય. ૨

જળ બેડું રેડે મંદિરમાં રે, મેલી લોક તણી સર્વે લાજ. ધન્ય.

ધન્ય ભાગ્ય કહીએ તેહ બાઈનાંરે, દળી આપે લોટ સંતકાજ. ધન્ય. ૩

ઈંટ પથ્થર લાવે મંદિરમાં રે, લાવે ધૂળ કરવા રૂડી ગાર. ધન્ય.

દાસ બદ્રિનાથ કહે સાંભળો રે, તેહ સરવે થાશે ભવ પાર. ધન્ય. ૪

 

પદ - ૨

તમે સર્વે હરિજન સાંભળો રે, એક મને થઈ સાવધાન. તમે.

મહા મહિમા મોટો મંદિરનો રે, કહું કાંઈક તે ધરો કાન. તમે. ૧

જેહ મંદિર કરાવે કરી પ્રિતને રે, ખરચી પોતાના ઘરનું દામ. ત.

તે પામે ત્રિલોકના રાજને રે, વળી રહે જુગોજુગ નામ. ત. ૨

જેહ સ્થાપન કરાવે હરિ મૂર્તિ રે, તેહ જન ભૂમિ પતિ થાય. ત.

જેહ પૂજા પ્રવાહ બાંધી આપશે રે, તેહ વૈકુંઠ લોકમાં જાય. ત. ૩

ત્રણ વાનાં કરાવે જેહ એકલો રે, તેહ પ્રભુ તુલ્ય થઈ જાય. તમે.

બદ્રિનાથ કહે સત્ય માનજો રે, સ્કંદ પુરાણ તે એમ ગાય. તમે. ૪

 

પદ - ૩

કરો મંદિર મનોહર માવનું રે, હૈયે લાવી અતિશે હુલાસ. કરો.

પાયા પોળા પાતાળે નાખજો રે, રૂડા જોષી રાખીને પાસ. ક. ૧

અતિ ઉંચી ઊઠામણી રાખજો રે, ખાર લાગે નહિ તેહ કાજ. ક.

કાજુ કુંભી પથ્થરની કરાવજો રે,રૂડાસ્થંભ મેલાવજો ત્યાંજ. ક.૨

માથે મેડો મનોહર બાંધજો રે, રૂડો રવેશ કાઢજો બાર. ક.

બહુ બારીયું જાળીયું મેલજોરે, ખૂબ ખિલીયુંની મેલજો હાર. ક.૩

માથે મોભ મોટો તમે નાખજો રે, વાંસ વળીયું જડાવો અપાર. ક.

દાસ બદ્રિનાથ કહે પ્રિતથી રે, કરો કામ નક્કી કરી પ્યાર. ક. ૪

 

પદ - ૪

હરિજન મંદિરમાં આવજો રે, કાજુ કથા સાંભળવા કાજ. હરિજન.

રૂડા ગોવિંદના ગુણ ગાવજો રે, મેલી લોક તણી સરવે લાજ. હરિજન. ૧

માન મેલી મહંતને મળજો રે, શીર મેલો ચરણમાં જઈ. હરિજન.

સંત સારી શિખામણ આપશે રે, ધારી લેજો તે અંતરમાંહી. હરિજન. ૨

નીમ ધારીને રટજો રામને રે, રાખી હરિ ચરણમાં મન. હરિજન.

ભાંગ હોકા અફીણને ત્યાગજો રે, સાધુ બ્રાહ્મણને આપજો અન્ન. હરિજન. ૩

મુખે ભૂંડુ વચન નવ બોલજો રે, ભાંડ ભવાઈથી રહેજો દૂર. હરિજન.

બદ્રિનાથ કહે સત્ય વારતા રે, ધારી લેજો તમે સહુ ઊર. હરિજન. ૪

Facebook Comments