પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૩૭ આચાર્યની સ્થાપના અને બે દેશ ગાદી કરી.

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:17pm

 

દોહા

એમ અનેક પ્રકારનાં, બહુ બહુ ઉઘાડ્યાં બાર ।

કલ્યાણ કરવા કારણે, અલબેલે જાણો આ વાર ।।૧।।

આપ સંબન્ધે સંત સંબન્ધે, વર્ણી સંન્યાસી સંબન્ધે સોય ।

સાંખ્યજોગી સત્સંગી સંબન્ધે, શ્રેય પામ્યાં સહુ કોય ।।૨।।

મંદિર મૂર્તિ સંબન્ધે, કર્યા કલ્યાણના ઉપાય ।

એ માંહેલો પ્રસંગ પ્રાણીને, થાય તો ભવદુઃખ જાય ।।૩।।

જેમ અન્ન ધન આપી આપણું, કરે કંગાલને કોટિધ્વજ ।

એમ સમાજ દૈ તારે જીવને, એની સઇ આશ્ચરજ ।।૪।।

 

ચોપાઇ

એમ બહુ બહુ પરકારેરે, વાલે જીવ તાર્યા આ વારેરે ।

બહુ હરિ કરી પરમાર્થરે, તાર્યા જીવ વાવરી સામર્થ્યરે ।।૫।।

વળતો વિચાર કર્યો છે વાલેરે, આવું આવું ઘણું કેમ ચાલેરે ।

મોટાં મોટાં કરાવ્યાં મંદિરરે, તેમાં રાખિયા સંત સુધીરરે ।।૬।।

પણ તે તો સંત છે જો ત્યાગીરે, વસી કેમ સકશે વીતરાગીરે ।

મમત વિના મંદિર કેમ રે’શેરે, વાત બંધ એ કેમ બેસશેરે ।।૭।।

જેહ ત્યાગી છે ત્રિયા ધન તણારે, દેહ સુખથી નિરાશી ઘણારે ।

તેણે નહિ જળવાય જાગ્યરે, નથી વાત એ બનવા લાગ્યરે ।।૮।।

માટે એના કરું એક ધણીરે, તો રાખે ખબર એની ઘણીરે ।

પછી સરવાર દેશથી સંબંધીરે, તેને તેડાવી જાયગા દિધિરે ।।૯।।

સ્થાપ્યા દત્તપુત્ર પોતે સ્થિરરે, અવધપ્રસાદ ને રઘુવીરરે ।

તેને આપે કર્યા આચારજરે, કરવા બહુ જીવનાં કારજરે ।।૧૦।।

આપ્યાં વે’ચી મંદિર ને દેશરે, જેમાં કોઇને ન થાય ક્લેશરે ।

સાધુ સત્સંગીના ગુરુ કીધારે, દેશ ઉત્તર દક્ષિણ વે’ચી દીધારે ।।૧૧।।

કહે સહુ સહુને દેશે રે’જોરે, સારો સહુને ઉપદેશ દેજોરે ।

તમને માનશે પૂજશે જેહરે, મોટા સુખને પામશે તેહરે ।।૧૨।।

અન્ન ધન આપશે અંબરરે, પશુ વાહન ને વળી ઘરરે ।

ફળ ફુલ દલ જળ દેશેરે, તે તો અખંડ ધામને લેશેરે ।।૧૩।।

એહ આદિ જે આપશે વસ્તરે, એવા ઘર ધારી જે ગૃહસ્થરે ।

વળી પધરાવશે પોતાને ઘેરરે, કરશે સેવા વળી સારી પેરરે ।।૧૪।।

વળી કરશે સન્માન એનુંરે, મારે કરવું છે કલ્યાણ તેનુંરે ।

એમ આચારજથી કલ્યાણરે, થાશે સહુ જીવનું સુજાણરે ।।૧૫।।

માનો મોક્ષનો છેલ્લો ઉપાયરે, એહ ઉપરાંત નથી કાંયરે ।

મૂર્તિ આચારજ ધર્મપાળરે, રે’શે કલ્યાણ તે બહુ કાળરે ।।૧૬।।

જેજે એને કોઇ આશરશેરે, તે તો જરુર ભવજળ તરશેરે ।

કરશે દર્શનને ગુણ લેશેરે, વળી પો’ચ્ય પ્રમાણે કાંઇ દેશેરે ।।૧૭।।

શ્રદ્ધા સહિત સેવા કરે સોઇરે, વળી રાજી થાશે એને જોઇરે ।

એવા જન જેજે જગમાંયરે, તેની કરવી મારે સહાયરે ।।૧૮।।

મારી ઇચ્છા છે હમણાં એવીરે, પરમ પ્રાપતિ સહુને દેવીરે ।

માટે મોક્ષનું મોટું દ્વારરે, અમે ઉઘાડિયું છે આ વારરે ।।૧૯।।

આચારજથી બહુ ઉદ્ધરશેરે, જાણો બ્રહ્મનગર વાસ કરશેરે ।

એમ શ્રીમુખે કહ્યું શ્રીજીયેરે, જન સૌ સત્ય માની લિજીયેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તત્રિંશઃ પ્રકારઃ ।।૩૭।।