પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૪૩

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:21pm

 

દોહા

વળતું વાલમે વિચારિયું, થઈ રહ્યું સર્વે કામ ।

કેડ્યે કાંયે રહ્યું નહિ, થયું સારું કહે ઘનશ્યામ ।।૧।।

જે અર્થે અહિ આવિયા, તે સારિયો સરવે અર્થ ।

અગણિત જીવ ઉદ્ધારિયા, વાવરી પોતાની સામર્થ ।।૨।।

કેડ્યે વળી કલ્યાણના, બહુ બહુ કર્યા ઉપાય ।

કસર ન રાખી કોઇ વાતની, એમ નાથે માન્યું મનમાંય ।।૩।।

જણ જણ પ્રત્યે જુજવું, કર્યું ચાલતુ મોક્ષનું કામ ।

પરિશ્રમ વિના પામવા, અખંડ અક્ષર ધામ ।।૪।।

 

ચોપાઇ

કર્યા કોટિ કોટિ ઉપાયરે, અમે આવી અવનિ માંયરે ।

અમારી મૂરતિને પ્રસંગેરે, કર્યું કલ્યાણ જીવનું જગેરે ।।૫।।

સંત સંબંધે કલ્યાણ કીધુંરે, તેને પણ અખંડ ધામ દીધુંરે ।

વળી બાંધ્યાં સદાવ્રત ઘણાંરે, તેપણ બારણાં કલ્યાણ તણાંરે ।।૬।।

વળી ધ્યાન ધારણા સમાધિરે, કરાવી વિસરાવી ઉપાધિરે ।

વળી પ્રગટ કરી પંચ વ્રતરે, આપ્યું પળાવી પદ અમૃતરે ।।૭।।

બહુ દેશ તીર્થ ગામ શે’રરે, તાર્યા ફરી હરિ કરી મે’રરે ।

કરી ઉત્સવ બહુ સમૈયારે, તાર્યા જીવ જાયે નહિ કહ્યારે ।।૮।।

કર્યા જગન ને બહુ જાગરે, તેપણ જીવ ઉદ્ધારવા કાજરે ।

વરષોવરષ કર્યા વળી મેળારે, કરવા જીવ બ્રહ્મમો’લે ભેળારે ।।૯।।

બાંધ્યાં કલ્યાણ સારુ બહુ ધામરે, શ્રીઠાકુરજીના ઠામોઠામરે ।

તેમાં બેસારી સારી મૂરતિરે, તે પણ જીવના કલ્યાણ વતીરે ।।૧૦।।

કર્યા આચારજ મહારાજેરે, તે પણ જીવને તારવા કાજેરે ।

બહુ બાંધી કલ્યાણની સડકરે, જાય ધામે જીવ થૈ નિધડકરે ।।૧૧।।

થઇ વાત સર્વે એ મોટીરે, તરશે જીવ કોટાન જો કોટીરે ।

એ તો બહુ કહ્યું થયું સારુંરે, હવે માનિયું મન અમારુંરે ।।૧૨।।

સારા સરા કર્યા છે સમાજરે, કેડ્યે કલ્યાણ કરવા કાજરે ।

કર્યાં બંધ અમંગળ બારરે, આવી ભૂમિએ અમે આ વારરે ।।૧૩।।

કેને લેવા ન આવે કૃતાંતરે, એમ જાણજો આજ વૃતાંતરે ।

તરણિ ઉગે રહિ જાય તમરે, ત્યારે માર્તંડનું શું મા’તમરે ।।૧૪।।

તેમ અમે આવ્યે અઘ રહેરે, ત્યારે પતિતપાવન કોણ કહેરે ।

દીનબંધુ કહે છે દયાળરે, તે તો કુડુ ન પડે કોઇ કાળરે ।।૧૫।।

માટે સર્વે એ નામ સત્ય કીધાંરે, જન અપાર ઉદ્ધારી લીધાંરે ।

સારો ફેરો ફાવ્યો છે આ વારરે, બહુ જીવ કર્યા ભવ પારરે ।।૧૬।।

વળી કલ્યાણકારી જે વસ્તરે, તે પણ પૃથ્વી પર છે સમસ્તરે ।

બહુ તે વડે થાશે કલ્યાણરે, સ્પર્શિ પામશે પદ નિર્વાણરે ।।૧૭।।

અમે હૈયે ન હૈયે જો આંઇરે, નથી રાખ્યું કેડ્યે કામ કાંઇરે ।

સર્વે કરીને લીધું છે કાજરે, એમ કહે છે શ્રીમહારાજરે ।।૧૮।।

જે જે કર્યા છે અમે ઉપાયરે, જે કોઇ આવી જાશે એ માંયરે ।

તેને અંતકાળે અમે આવીરે, તેડી જાવું છે તન તજાવીરે ।।૧૯।।

અશ્વ રથ વિમાન વે’લ સારીરે, લૈ જાવા સુખપાલે બેસારીરે ।

એ તો અવશ્ય બિરુદ છે હમારુંરે, ધાર્યું છે સહુ જીવને સારુરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રિચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૩।।